આત્મ જ્ઞાની ભોજા ભગત
આત્મ જ્ઞાની ભોજા ભગત
કાઠિયાવાડનું પાણી જ
કોણ જાણે ક્યાં પ્રકારનું રહ્યું છે કે આ વિસ્તારમાં જાતે જાત અને નાતે નાતમાં
એકથી એક ચડિયાતાને એકથી એકને આંટી જાય એવા માઢુડા માનવીઓ ગામડે ગામડે પાક્યા છે એ
પછી ભલેને અભણ હોય પણ કાઠિયાવાડની કોઠાસૂઝ એ તો ભલભલાને અળગોઠિયા ખવરાવી દે એ પ્રકારની
રહી છે.
આજ અહી એક અભણ અને
ગામડાના પણ તેજસ્વી અને પવિત્ર સંત પુરૂષની વાત કરવી છે કે તેની વાણીએ સમાજને એવો
બધો બોધ આપ્યો હતો કે આપણા સમાજશાસ્ત્રીઓ અને અંગ્રેજી ભણેલા સુધારકો પણ તેમની આગળ
ટૂંકા પડે એવી એમના મનની સ્ફૂરણાઓ. એ જે દિવસે આ પૃથ્વી પર હયાત હતા ત્યારે તે
સીધા સાદા પુરૂષ દેખાતા હતા પણ એમના ખોળિયામાં તો એક મહા અધ્યાત્મનો ઊંડો દરિયો
હિલોળા લેતો હતો જેણે પોતાની અલખ ગેબી વાણી વહાવી હતી.
જે સોરઠ ભૂમિના ગરવા
ગિરનારની થડમાં આવેલ અને જાણે કે ત્યાંથી પંચધૂણી તાપી રહ્યું હોય એવું ગામ દેવકી ગાલોળમાં
ઈ.સ. ૧૭૮૫માં કણબી પટેલ કરશનભાઈ સાવલિયાને ઘેર ગંગાબાઈની કુખેથી જાણેકે પ્રકાશ પુંજને
પ્રસરાવતું એક બાળક જન્મ્યું,જેનું નામ રાખવામાં આવ્યું ભોજાભાઈ
માણસ કહે છે ને
પુત્રના લક્ષણ પારણા માંથીને વહુના લક્ષણ બારણા માંથી એમ અહી ભોજા ભગતના લક્ષણો
જ્ન્મતાવેંત જ દેખાવા માંડ્યા કે આ કોઈ સામાન્ય બાળક નથી પણ કોઈ પૂર્વાવતારના
સિદ્ધયોગી જ અવતર્યા લાગે છે અને આશ્ચર્ય પમાડે એવી વાત એ હતીકે તેઓએ જન્મથી ૧૨
વર્ષના થયા ત્યાં સુધી માત્રને માત્ર દૂધ ઉપર જ રહ્યા આથી લોકોએ તેમને દૂધાધારી
બાલયોગી કહીને જ નવાજ્યા.
એવામાં એક દિવસ વીજળીના
તેજ લિસોટા જેવું સવાર પડ્યું અને રાંદલમાના ઉગમણા ઓરડાની અટારીએથી સૂરજદાદાએ દેખા
દીધી ત્યાં દેવકીગાલોળના પાદરમાં એક સાધુ દેખાયા જે હતા ગિરનારમાંથી આવતા રામેતવન
નામના એક સિદ્ધયોગી જે કરશનભાઈ સાવલિયાને ઘેર આવ્યા અને તેમના બાળકની વાણી વર્તન
અને રીતભાત જોઈ કહ્યું કે હું આ બાળકને દિક્ષા આપવા માંગું છું,આ સાંભળી તરત જ
કરશનભાઈ એ તો હા પાડી કે બાપુ અમારા ધનભાગ્ય. ત્યારે યોગીજીએ ભોજા ભગતને દિક્ષા
આપી કહ્યું કે બેટા હવેથી તારે અનાજ પણ
ખાવાનું છે અને તુ તો આ જગતના કપટી અને લુચ્ચા,દાનતખોટા માણસને સુધારવા આવ્યો છો
એમ કહીને ભવિષ્યવાણી ઉચ્ચારી કે આ બાળક મહાન પ્રજ્ઞાવાન સંત પુરૂષ થશે.
આ ઘટના પછી કોઇપણ
કારણસર કરશનભાઈ સાવલિયાએ ગામ છોડી દીધું અને તેઓએ અમરેલી પાસે એક ઉજ્જડ ટીંબો
પડ્યો હતો ત્યાં આવીને વસવાટ કર્યો એ તો બિચારા ખેડૂત તે જમીન ખેડી ખાઈને ગુજરાન
ચલાવ્યા જાય છે. આ ટીંબે એ આવ્યા ત્યાં સુધી ત્યાં કોઈ વસવાટ કરતુ નહોતું લોકોને એ
ગામ પડી ભાંગ્યા પછી જાત જાતના ભાતભાતના વહેમ પડતા હતા ને કોઈક તો વળી એવી વાતો
કરતા કે અહી ભૂત થાય છે,આથી પ્રખર સિદ્ધ પુરૂષ ભોજા ભગતે તો એ બધું ટાળવા જ ત્યાં
જ પોતાનો આશ્રમ બાંધ્યો અને ભજન અને ધૂનની એવી રમજટ બોલાવી કે થોડા જ દિવસમાં આ
ટીંબાએ રજળતા ભટકતા અવગતિયા આત્માઓ વાળા ભૂતો ભાગી ગયા અને આ સંત પુરૂષની અહી જીત
એટલે કે ફતેહ થઇ,પછી ત્યાં જે ગામ વસ્યું એ ગામનું નામ જ ફતેપુર રાખવામાં આવ્યું.
થોડા સમયમાં તો ભોજા
ભગતનું તપ પાકીને સિદ્ધ થઇ ગયું અને આજુબાજુના લોકોમાં એ સન્માનનીય અને વચનસિદ્ધ
મહાત્મા તરીકે પ્રસિદ્ધ થયા.આથી એ જમાનાના કેટલાક ઈર્ષાખોર અને આઘીપાછી કરનારાઓએ આ
વાતની અમરેલીના સુબા વિઠ્ઠલરાવ દેવાજીને ફરિયાદ કરી કે ફતેપુરમાં એક કણબી ભગત ખોટા ઢોંગ ધતુર કરે છે
અને સિદ્ધ હોવાનો ડોળ કરે છે તો આ બંધ થવું જોઈએ અને ભોળી જનતાને બચાવવી જોઈએ.
વિઠ્ઠલરાવ દેવાજી એ
કાંઈ કોઈનો આ રીતે સીધા ચડાવવાથી ચડી જાય એવો કાચો પોચો નહોતો એ મુત્સદી હતો,આથી
તેણે તો પુરા માન સન્માનથી તપાસ કરાવી અને ભોજા ભગતને જ અમરેલી દરબારમાં
બોલાવવામાં આવ્યા અને સુબાએ કહ્યું કે ભોજા ભગત કોઈ એકાદ ચમત્કાર કરી બતાવો મારે
જાણવું છે કે તમે કેવા કેવા ચમત્કાર કરો છો.
ભોજા ભગત કહે અરે અરે
સુબાજી હું વળી અભણ માણસને મારી આગળ વળી કેવો ચમત્કાર હું ચમત્કાર તો કરી શકતો નથી
પણ માત્ર પ્રભુ ભજન કરી હરિમાં પૂર્ણ વિશ્વાસ રાખનારો અને માનવ સેવાનો સીધો સાદો માણસ
છું.
આટલું સાંભળતા તો
સુબાના રૂવાડા અવળા થઈને ઠરડાય ગયા કે નાખી દયો આને નજરકેદમાં તો જ તેને ખબર પડશે
કે ચમત્કાર કેમ કરાય કે ન કરાય.
ભોજા ભગતને નજરકેદમાં
પૂરી દેવામાં આવ્યા અને રોજ તેમને તમામ ટાણે ભોજન દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે
પણ ભોજા ભગત એની સામે નજર સુદ્ધાં કરતા નથી અને એ ઓરડામાં જ પુરા પંદર દિવસ યોગાસન
વાળીને જ બેઠા રહ્યા ન ઉઠે કે ન મળમૂત્રનો ત્યાગ કરવા જાય ત્યારે આ નજરકેદના ત્યાંના
માણસોએ આ જોયું અને સુબાને જઈને વાત કરીકે સાહેબ અમે ત્યાં તો આવું ભાળીએ છીએ,ગમે
તેમ તોય તે અમરેલીના સુબાપદે બેઠેલો ઉચ્ચ વિચારનો અમલદાર હતો તે તેને સમજાય ગયું
કે નક્કી તેમનામાં કંઈક છે તો ખરું.આથી તેણે ફરીથી ભોજા ભગતને દરબારમાં બોલાવ્યા
અને પોતાની શંકા કુશંકા માટે માફી માંગી કહ્યું કે મને માફ કરો પણ હું અહીનો સુબો છું
તો મારે પ્રજાની આડીઅવળી વાતોનું કે ફરિયાદનું નિરાકરણ લાવવું એ મારી ફરજ કહેવાય એ
ફરજ નિભાવવા જ મેં આમ કર્યું હતું અને હવે એ સત્ય જાણતા હું આપનો સેવક બનું છું તો
મને જ કોઈક સદુપદેશ આપો.
આથી ભોજા ભગતે પોતાના
અંતરના એકેએક પડળો ઊંચા કરીને સમાજ વિશે પોતાને જે આત્મજ્ઞાન થયેલું તેના એક પછી
એક શીઘ્રરચનાના પદ બનાવીને ગાતા રહ્યા અને સુબા વિઠ્ઠલરાવને સંભળાવતા રહ્યા ત્યાં
તો સુબાના પણ ANTARCHAKXU અંતરચક્ષુ ખુલી ગયા કે આ તો કોઈ મહા સિદ્ધપુરૂષ જ છે ને તેમના વિશે આવેલી વાતો તો આ
સંસારના ખણખોદિયા વિઘ્ન સંતોષી માણસોના ભેજાની જ પેદાશ છે.
ભોજા ભગતે જે આ પદો
કહ્યા તેને ‘ભોજા ભગતના ચાબખા’ના નામે સંગ્રહિત કરવામાં આવ્યા છે,આ ચમચમતા ચાબખાઓએ
દંભી સમાજની ચામડી ઉતરડી નાંખી અને તેની જગ્યાએ કરૂણા,દયા,દાન,પરોપકાર અને માનવીય
સ્વભાવની ત્વચા ફૂટી હતી.
આ ભોજા ભગતના બે મહાન
શિષ્યો થયા એક જલારામબાપા વીરપુર અને બીજા
વાલમરામબાપા ગારિયાધાર.
હાલોને જાવું કીડી
બાઈની જાનમાં નામના તાત્વિક ગીતમાં તેમણે વેદાંત દર્શનનો સાર માર્મિક અને ગામઠી
શૈલીમાં વર્ણવીને આમજનતાને મીઠો મધુરો રસ પાયો છે.
ભોજા ભગતે તેમના
પ્રિય શિષ્ય જલારામબાપાની ઈચ્છાને માન આપી તેમને અંતિમ દર્શનનો લાભ આપવા તેઓ વીરપુર
જ આવી ગયા અને પોતાના વ્હાલા શિષ્યની સામે જ ઈ.સ. ૧૮૫૦માં દેહ છોડ્યો,આજે પણ
વીરપુરના પાદરમાં ભોજા ભગતનો ઓટો છે અને જલારામ મંદિરમાં રામજી મંદિર સામે
ફૂલસમાધિની દેરી આવેલી છે.આ ભોજા ભગતની છઠ્ઠી પેઢીના વંશજ એટલે સંસ્કૃતના પ્રકાંડ
પંડિત ડૉ.મનસુખલાલ સાવલિયા.
અભિનંદન સાહેબ.....
ReplyDelete