રાષ્ટ્રવીર છેલભાઈ દવે


રાષ્ટ્રવીર છેલભાઈ દવે
કાઠિયાવાડમાં એક કાળે તલવારનો જ યુગ હતો અને રજવાડે રજવાડે બહારવટિયાઓ ડોકા કાઢતા જ હોય પણ ત્યારે એની સામે એવા જાડા બળિયા પોલીસ અમલદાર આ ધરતીએ પેદા કર્યા કે એ બહારવટિયામાંથી અમુકને મહાત કરી શકાયા એવા એક બાહોશ અને જેને કાઠિયાવાડના સિંહ કહેવામાં આવે છે એવા છેલશંકર જયકૃષ્ણ દવે .
આપણા કોઈ કાઠિયાવાડી બીજા દેશમાં જાય તો ત્યારે એ એમ નથી પૂછતા કે અહી કિલ્લા કેટલા છે ?કે કેટલા ધનભંડાર છે ? પણ એક પ્રશ્ન અવશ્ય પૂછે કે તમારા દેશમાં મર્દો કેટલા છે.? અહી આજ એક મર્દ પોલીસ અમલદારની વાત કરવી છે. આપણે તો પોલીસની છાપ જ મનમાં ખોટી બાંધી લીધી છે કે એ ક્રુર હોય,દયાહીન હોયને વારે વારે બોલ ફેરવનારો જ હોય,હકીકતે સાચો પોલીસ તો સમાજનો રક્ષક,સમાજનીતિનો પળાવનારો અને સમાજ સુધારક હોવો જોઈએ એવું છેલભાઈનું જીવન જોતા લાગે છે.
લોકોએ તો તેને પોતાના જ આપેલા વ્હાલસોયા નામ છેલભાઈ નામથી જ ઓળખ્યા,જેનો જન્મ વઢવાણ મુકામે તા.૧૬-૧૦-૧૮૮૯ના રોજ  રંગબાઈની કુખેથી થયો હતો,જેના પિતા એક નામાંકિત વકીલ હતા અને તેના ભાઈ ન્યાયાધીશ હતા.છેલભાઈને બાળપણથી તેની માતાએ આત્મબળનું અંજન આંજ્યું હતું ને સંસ્કાર અને શૂરવીરતાના પાઠ શીખવ્યા હતા. કે જેનું વતન લીંબડી પાસેનું  રંગપુર હતું.
જેની ફૂલ ગુલાબી અને ભરાવદાર કાયા,કદાવર બાંધો,ચહેરે પ્રભાવશાળી અને મોટી મોટી ચપળ  તેજસ્વી આંખો અને મૂછોના પ્રભાવશાળી આંકડા આવું એમનું બાહ્ય રુપ હતું. છેલભાઈની નોકરીની શરૂઆત ધાંગધ્રા રાજ્યની મખવાન ઇન્ફન્ટ્રીમાં લેફ્ટેનન્ટ તરીકે ૧૮ વર્ષની વયથી શરૂ થઇ હતી પણ થોડા સમયમાં મખવાન સૈન્યદળ પોલીસ ખાતામાં ફેરવાય ગયું અને તેઓ મદદનીશ સુપ્રિન્ટેન્ડેન્ટ બન્યા હતા.ઇ.સ.૧૯૧૨માં જામનગર રાજ્યની ઇન્ફન્ટ્રી ના તે ક્માંન્ડીગ ઓફિસર તરીકે નિમાયેલ અને આખરે તેમની સેવાથી ખુશ થઇ ઇ.સ.૧૯૧૭માં જામનગર રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ બનાવવામાં  આવ્યા હતા. તા.૧૫-૬-૧૯૨૫ના રોજ જૂનાગઢ રાજ્યના સુપ્રિન્ટેન્ડેન્ટ બન્યા અને ઇ.સ.૧૯૩૨ સુધી આ હોદે રહ્યા હતા.તેઓ છેલ્લે વડોદરા રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પદેથી નિવૃત થયા હતા.
છેલભાઈએ પોલીસ બેડાનો ચાંદ હતા,તેમને કોઈ સાદા વેશમાં કે અન્ય સામાજિક મેળાવડામાં મળે તો બાળક જેવા નિર્દોષ લાગતા,મીઠું હાસ્ય,માર્મિક રમૂજ અને આનંદી આનંદી જ લાગે કોઈ તેમને એક કડક પોલીસ અમલદાર તરીકે ધારે જ નહી.
. છેલભાઈના જમાનામાં સ્કોટલેંડ,ઇંગ્લેન્ડનું પોલીસખાતું દુનિયામાં વખણાતું હતું ત્યારે ત્યાના કોઈ ઓફિસર જેવો જ તેમનો રૂઆબ હતો.તેઓ વેશપલટો કરીને અમુક તપાસ કરવા જતા હતા.
છેલભાઈની ચપળ અને તેજસ્વી આંખો પળવારમાં ગુનેગારનો આખો એક્સ-રે કરી લે એવી જોરદાર,જયારે ગુનેગાર ઉપર તેમની આંખો  ઠેરાય એટલે ગુનેગાર કઠણમાંથી નરમ જ બની જાય અને પોપટ બની બધું બોલવા માંડે,પછી ભલેને એ વેરાવળનો ખૂંખાર ખારવો હોય કે કોઈ આડોડીયો હોય કે લુંટફાટનો અઠંગ માહેર ભલે હોય તેની કોઈ કળા ત્યાં ન જ ચાલે..
આવા લોકોને  છેલભાઈએ  સામી છાતીએ ને બંદુકના નાળચે પકડીને વશ કરીને મિયાની મીંદડી જેવા બનાવી દીધા હતા અને કેટલાકને અવલ મંજિલે પહોચાડવાનું કહી સુધારી દીધા હતા.ઇ.સ.૧૯૩૦ના ગુપ્તપ્રયાગના હિંદુ મુસ્લિમ ઝગડામાં પણ છેલભાઈએ હુલ્લડને આગળ વધતું અટકાવ્યું હતું.
છેલભાઈના બે ત્રણ કાર્યો ખૂબ જ મહત્વના અને એ સમયે પણ વખણાયા હતા જેમાં એક છે જૂનાગઢ રાજ્યના વેરાવળમાં  તા.૧૮-૭-૧૯૩૧ના  હિંદુ ખૂન કેસ સમયે સોરઠ સરકાર આખી હાલક ડોલક બની ગયેલ અને સહિષ્ણુ નવાબીને કાળા ધાબા ત્યારે લાગી ગયા હતા,ત્યારે છેલભાઈને પોતાના ધણી નવાબના પદને વધુ કાળા ધાબા ન લાગે એ રીતે નિષ્પક્ષ આ  ઘટનાની તપાસ આદરી હતી ને સેશન્સ જજ શ્રી બી.એન.સંજાણાએ આ ઘટનાના છેલભાઈએ મેળવેલા પુરાવાને આધારે ત્રણ આરોપીને ફાંસીની સજા અને એકને જન્મટીપની સજા કરી હતી.આમ  હિંદુ મુસલમાનો વચ્ચેની આગને જાણે ગંગાજળ નાંખી તેમણે બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો,જયારે જૂનાગઢ રાજ્યમાં રાત દિવસ ધર્મઝનુનો ઉછળી રહ્યા હતા એવા સમયે છેલભાઈ જરાય પાછા હટયા નહિ ને એ આગને ઠારી હતી.એમ પણ કહેવાય છે કે સોરઠની ઘટના વખતે જો છેલભાઈ ન હોત તો સોરઠ થી ભભૂકેલી આ આગથી આખું કાઠિયાવાડ સળગી ઉઠ્યું હોત અને હિંદુ મુસ્લિમ એકતા જે કાઠિયાવાડની અને જૂનાગઢની મોંઘેરી મિલ્કત ગણાતી હતી એ પળવારમાં ખાખ થઇ ગઈ હોત ?
જયારે ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ઇ.સ.૧૯૩૮માં હુમલો થયો હતો એ તપાસ પણ છેલભાઈએ કરી હતી.
તેઓ ગીતાજીમાં બતાવેલા અભયપદને વરેલા હતા.જયારે કાઠિયાવાડમાં કોઈ એક અજુગતી કે અટપટી કે ગંભીર ઘટના બને ત્યારે એ કાળે ભલભલા મુત્સદીઓ પણ મુંજાય જતા અને અધિકારીઓની હિમત ઓગળી જતી અને એ દૂર રહેવાના  પ્રયત્નો કરતા ત્યારે છેલભાઈ તો આવી બાબતને સામેથી આવકારી લેતા હતા.તેઓએ બુટાવદર ગામના બહારવટિયા જીવુભા હરિસિંહ ભારાણીને( જાડેજા) પાલીતાણા રાજ્યના ઘેટી ગામેથી જીવતા પકડેલ અને એ સમયે જીવુભાએ જમૈયાનો છેલભાઈ માથે ઘા કરતા તેમના સાફાના ત્રણ આંટા કપાય ગયા પણ તે સદભાગ્યે બચી ગયા,પણ છેલભાઈએ જીવુભાને શાબાશી આપી કે મારું નામ પડતા બહારવટિયા ભોમાં ઘરી જતા પણ તમે મારો સામનો કર્યો છે.
જયારે હયાતખાન ઝપાઝપીમાં મરાય ગયો ત્યારે લોકોએ રાસડો પણ જોડ્યો હતો કે
છેલભાઈ છેલ્લી રે સલામ હયાતખાન હોડ બાંધી,
હયાતખાન બહાદુર નાની ઉમરમાં આવા બહારવટા નહોતા ખેલવા.
જામનગર રાજ્યની નોકરી દરમ્યાન બેલા ગામના માથાભારે મિંયાણાઓને વશ કર્યા અને ડફેરોનો ત્રાસ નિર્મૂળ કર્યો હતો.
જૂનાગઢમાં અબ્દુલા બડાભાઈ  નામના બહારવટિયાને વચન આપી પકડી નવાબ પાસે ગુનો માફ કરાવી પોતાને ઘરે જ  રાખેલ અને પછી તેને પોલીસમાં નોકરી અપાવી હતી આમ તેમણે એક બહારવટિયાનો અવતાર સુધારી તેની બહાદુરીની કદર કરી હતી.
છેલભાઈએ જે જે રાજ્યમાં નોકરી કરી ત્યાં તેમનું સુવર્ણાક્ષરે લખાય એવું સન્માન પ્રાપ્ત થયું હતું અને જામનગર રાજ્યમાં તો તેમના સન્માનમાં સતત બે કલાક પ્રજાજનો માંથી ફૂલહાર પહેરાવવા આવ્યા હતા.જૂનાગઢના પોલીસ તાલીમ સેન્ટરનું  નામ ‘રાષ્ટ્રવીર છેલભાઈ પોલીસ તાલીમ મહાવિદ્યાલય’નામ રાખવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ત્યાંથી આવા પ્રમાણિક અને બહાદુર અમલદારો તેમની પ્રેરણા લઇ બનતા જ રહે.
આ બાહોશ અને પ્રમાણિક અમલદાર ઉપર એક ગુજરાતી ફિલ્મ પણ ઉતર્યું છે. જેમનું અવસાન ઇ.સ.૧૯૫૬માં રાજકોટ ખાતે થયું.
કથાબીજ સૌજન્ય – શ્રી નૌતમભાઈ કે. દવે, જૂનાગઢ.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર