પર નારી ત્યાગી દરબાર શ્રી ઓઢા ખાચર


              પર નારી ત્યાગી દરબાર શ્રી ઓઢા ખાચર

આજ જે વાત કરવી છે એ ચોટીલા જસદણ જતા રોડ ઉપર પિયાવાના પાટિયા પછી ડાબી બાજુ ભૂખરી ને પથ્થરાળ ભૂમિ ઉપર દેખાતા ભીમોરાના ગઢના ધણી ઓઢા ખાચરની છે. ભીમોરાના શૂરવીર નાજા ખાચરે આશરા ધર્મ માટે ટાઢાણાને આશ્રય દેવા બદલ જસદણના ચેલા ખાચર સાથે જબરદસ્ત લડાઈ કરીને પણ શરણાગત ધર્મને મોટો ગણ્યો હતો.આજના ઝડપી અને વિજ્ઞાનના વિકાસને ભાળેલી પેઢીને તો શીલને ‘વ્રત’ શબ્દ જ નવાઈ પમાડે છે,તેમાંય નાડી ધોયે આડા ભાંગ્યાની વાત તો આજ પરીકથા જેવી લાગે પણ આજે જો ભીમોરા ઓઢાબાપુ ખાચરની દેરીએ જાવ તો એ વાતની સાબિતી આપતા કેટલાય દંપતિ અને પશુને પ્રસુતિ થયાની માનતા માનતા લોકો જોવા મળશે.પરનારી સિદ્ધપુરુષની નાડી ધોવાના પાણીમાં કેવી ગુપ્ત શક્તિ હશે એ અત્યારનું વિજ્ઞાન કેમ સિદ્ધ કરી શકે આ તો શ્રદ્ધાનો વિષય છે.
પંચાળ પંથકના અંતરિયાળ ગામ મહિદડનો કોળી ચિંતામાં પડી ગયો છે કે હવે શું કરવું મારી દીકરીને પ્રસવ થતો નથીને દાયણે પણ હાથ ઊંચા કરી દીધા છે કે હવે મારી કોઈ કારી ફાવે તેમ નથી,આથી લમણે હાથ દઈને બહાર ઝાંપે બેઠો છે ત્યાં તો તેને અચાનક જ મગજમાં ચમકારો થાય છે કે લે આપણે ક્યાં વેદ્ય કે ડોક્ટરને ત્યાં રાજકોટ કે ચોટીલા દોડતા જવાની જરૂર છે,આપણા પંથકના જ ઓઢાબાપુ જ  પ્રસુતાને એક જ આરદાએ આડા ભાંગે છે તે તરત જ પંચાળના ચોગા સમાન ભીમોરાના ગઢના દરવાજે પહોચી ગયો ને ડેલીએ દરવાનને  પૂછ્યું કે બાપુ હાજર છે? તો દરવાન કહે હા બાપુ માળા કરી રહ્યા છે ને હમણાં જ  બહાર આવશે એટલે મળશે.
જેમ અંતરિયાળ રણમાં માણસને પાણી મળી જાયને રાજી થાય એવો આ કોળી ખેડૂત રાજીનો રેડ થઇ ગયો ને બહાર બેઠો છે,થોડીવારમાં ઓઢાબાપુ બહાર આવ્યા જેની બગલમાં તલવાર છે ને ખંભે ધાબળો છે ને ખેડૂત ને જોતા જ પૂછ્યું કે કેમ અટાણમાં આવ્યા,ખેડૂતે માંડીને વાત કરી કે બાપુ મારી દીકરીને પ્રસવ થતો નથી ને રાતભરથી કાળા બોકાસા નાંખે છે.
લે લે બાપા દીકરીને કઈ હેરાન થોડી થવા દેવાય તું જલ્દી મહિદડ જા અને આ પાણી તેને પાઈ દેજે મારો સૂરજનારાયણ લાજ રાખશે.ખેડૂત તો એ જ ઝડપથી મહિદડ આવ્યો અને દીકરીને જેવું પાણી પાયું કે કાચી કલાકમાં દીકરીએ કૈલ્યા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યોને ઘરમાં ખુશીનો માહોલ સર્જાય ગયો ને માંડ્યા બોલવા કે વાહ વાહ ઓઢીયા પીર.
એક દિવસ વહેલી સવારે ૬ વાગ્યે એક માણસ ભીમોરાના વંકા ગઢની બહાર ઓઢાબાપુ પોટલીયે જઈ પાછા વળી રહ્યા છે ત્યાં બિચારો એક ગામડિયો ઘોડા ઉપરથી ઉતરીને બાપુને પગે લાગ્યો કે પોતાની ઓળખાણ અને કામ જણાવ્યું કે બાઈને આડું બાળક આવ્યું છે ને પ્રસવ થતો જ નથી,આ સાંભળતા ઓઢાબાપુ તો ત્યાં જ પાણી મંગાવી નાહ્યા ને પવિત્ર થયા ને અબોટ પાણીનો કળશિયો મંગાવ્યો ને પોતાની નાડીના પણછીયા છેડા બોળ્યા ને કહ્યું લે ભાઈ આ પાણી ઇ બેનને થોડું થોડું કરી પાઈ દેશો સૂરજદાદા સારા વાના કરશે પણ જોજે હો સારા વાના થયે મને તરત જ ખબર દેજો.
      પેલો માણસ તો શ્રદ્ધા સાથે ગયો ને બાપુને થયું કે સૂરજદાદા મારી લાજ રાખશે ને તરત જ ઓઢા ખાચર એક પગે તલવારનો ટેકો લઈ હાથમાં માળા ફેરવતા ત્યાં જ થંભી ગયા અને પોતે ટેક લીધેલી કે જો પાણી મોકલેલ સ્ત્રીને પ્રસવ ન થાય તો પેટમાં તલવાર હુલાવી પ્રાણ આપી દેવો એમ કહેવાય છે કે બાપુ  ત્રણ દિવસ રાત ત્યાં જ ઉભા રહ્યા,જયારે બાઈને પ્રસવ થઇ ગયો પણ પેલો માણસ ખુશાલીમાં એ સમાચાર ભીમોરા પહોચાડવાનું ભૂલી ગયો.
      એમ કહેવાય છે કે ઓઢા બાપુ ત્રીજી રાતે પેલા માણસના સ્વપ્નામાં આવ્યા ને તેને ભાસ થયો કે બાપુ તો હજુ ભીમોરામાં એક પગે જ ઉભા છે,આથી પેલાએ તરત જ ભીમોરા  તાબડતોબ આવી માફી માંગી ત્યારે બાપુ એટલું જ બોલ્યા કે હોય ભાઈ સંસાર છે ચાલ્યા કરે આવું સૂરજનારાયણ ક્યારેક મારી પણ કસોટી તો કરે ને ?આજે પણ એ સ્થળે બાપુ ઉભેલાએ પત્થરમાં કોતરાયેલું  ઓઢાબાપુ નું પગલું ભીમોરામાં મોજુદ છે ને લોકો ત્યાં મસ્તક નમાવી વંદન કરે છે.
 ઓઢા ખાચર એ ભીમોરા રાજ્યના ૧૨ ગામના રાજવી હતા અને તેમને એક કડક વ્રત હતું  કોઈ દિવસ પણ એમણે પરસ્ત્રીનો વિચાર પણ કર્યો નહોતો ને જો એવું સ્વપ્ને પણ બની જાય તો એ પોતાની આંખમાં સિંદુરીયા મરચાની ભૂકી છાંટી એ વિકારને ચોખ્ખો કરવો ને જેમનું  જીવન સાવ સાદું ને પ્રભુ ભજન અને ઈશ્વરની નજીક જ રહેવું એવું નહિ કે રાજવીનો ડોળ દમાક.જેમને નજરે જોનાર કહેતા કે તેમનો ફૂલ ગુલાબી દેહને વાન ,કીરણું કરે બહુ જ રૂપાળા અને સાધારણ કદના હતા.
જેમની ભક્તિ અને પરસ્ત્રીને માત સમાનની દષ્ટિવાળા હોવાથી લોકોએ તેમને ઓઢિયા પીરનો દરરજો આપ્યો અને અનેક દુહાઓ રચ્યા હતા કે
ભીલી નજરે ભાળતા,
ભૂલ્યો તો ભોળાનાથ,
ચૂક્યો નહિ સમરાથ,
અબળા ભાળી તું ઓઢિયા.
આનો અર્થ કે ભગવાન જેવા ભગવાન ભોળાનાથ પણ એકવાર ભીલડીને ભાળી માર્ગ ભૂલી નૃત્ય કરવા લાગ્યા હતા પણ હે પંચાળના નરેશ તમે કોઈ દિવસ પણ અબળાને ભાળી પગલું ચૂક્યા નથી.
મેરી કારણ મુનિએ,
મંકડ મો કિયા,
રાજેન્દ્ર બ્રદ રીયા,
અવચલ તારા ઓઢિયા.
એક સમયે સ્ત્રીના રૂપમાં મોહ પામી નારદમુનિ પણ ભગવાન પાસે રૂપ લેવા ગયા હતા પણ ભગવાન પારખી જતા તે વાંદરાનું (મંકડ)મુખ કરી આવી તે પણ માનસિક લપટાયા હતા પણ ઓઢા ખાચર તમે તમારું બિરુદ અવિચળ જ રાખ્યું છે.
આ કલજગ ઉત્પાત,
સગપણ રહે નહિ સંબંધ,
તેમાં કાઠી કરાફાત,
તારી અડગ વસતિ ઓઢિયા.
આ કળિયુગમાં એવો ઉત્પાત ચાલી રહ્યો છે કે જયારે માણસમાં કામ જયારે જાગી ઉઠે છે ત્યારે સગા સંબંધ કે બેન કે દીકરી નો વિવેક રહેતો નથી તેમાં પણ કાઠી કોમ કરાફાત છે પણ તેમાં ઓઢા ખાચર તમે તમારી વસતિને અડગ રાખી છે.
ખેળાને બેસારે ખલક,
મેપત ખોળા માંય,
ખંડપત ખુશી થાય,
અણસારૂથી ઓઢિયા.
ભવાયો પુરુષ સ્ત્રી વેશ પહેરે ને એ રાજવી ભવાઈ જોવા આવે ત્યારે તે તેના ખોળામાં બેસતો ત્યારે એ બનાવટી સ્ત્રીના લાવણ્યમાં પણ રાજા મહારાજાઓ ખુશ થાય છે,ત્યારે ઓઢા ખાચર તમે તો સાક્ષાત રંભા આવે તો પણ ઊંચી નજર કરો તેમ નથી.
      સુંદર ને બાળક સમે,
      કષ્ટ દિયે કીરતાર,
        એનો થાય ઉગાર,
      આપ નાડીથી ઓઢિયા.
સ્ત્રીને બાળક અવતરવા સમયે કષ્ટ આપે છે પણ તે કષ્ટ નિવારણ શક્તિ તમારી ભક્તિને તેજમાં છે નાડીમાં છે તે તમારી નાડી ધોઈને સ્ત્રીને પાવામાં આવે તો એક કષ્ટ ફટાક દઈને ભાગી જાય છે.
તરિયા ને નીંદર તજણ,
જગભાલ બે ખટ જુગ,
ઇ ભમરો વેંધણ ભૂપ,
ઓળખાણો ઓઢિયા.
હે ભલા પુરુષ બાર વરસ સુધી સ્ત્રીને ઊંઘ તજનાર ભમરાને વિંધનાર તું લખમણ જતિ જેવો છો.
હલવું નહિ હીમા સતણ દેવું મસ્તક દાન,
કાઠી એવું કામ,અલબું ઘણેરૂ ઓઢિયા.
જયારે ઓઢા ખાચરે ઇ..૧૯૧૦ આસપાસ વિદાય લીધી ત્યારે તેમના પાછળ મરસિયાઓ રચાયા હતા જેમ કે
ગરવરથી લાયો ગંગા ભાગીરથ ભોપાળ
એમ ઓઢો કુળ ઉજાણ ભૂપ ભીમોરા ધણી.
દીસે જાખુ દેવકું ટૂંક ઠાંગાના તે,
ભૂપ ભીમોરા ધરા થંભ ઓઢો ઢળ્યો,
ખાચરમાં ખપતું નથી અમલ હવે ઉદાર,
સાંકળ લ સરદાર ઓઢો વૈકુંઠ ગયો.
ઓઢા ખાચરનું જીવન જ સાત્વિક અને વાણી વર્તન બધું એક રંગુ અને દૂધથી પણ ઉજળું ને તેઓ નેક ટેકના શ્વાસે જ જીવ્યા ને પોતાનું શીલ ઈશ્વરથી પણ એક ડગલું આગળનું કરી દેખાડ્યું ત્યારે તે માનવીના મનમાં ઈશ્વર બની ગયા ને આજે સમગ્ર પંચાળની બહેન દીકરીના દુઃખને તરત જ દૂર કરનાર  એક વિભૂતિ તરીકે પૂજાય રહ્યા છે.
     

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર