આનું નામ કહેવાય દિલથી દાતાર


                                આનું નામ કહેવાય દિલથી દાતાર
આ જગતમાં દાતારીથી મોટો કોઈ ગુણ નથી અને દાતારી એવી હોય છે કે જે ગરીબોના પળવારમાં દુઃખ ભાંગી નાંખે છે.દાતારી એ કોઈ નાની સુની વાત નથી કે વેચાતી કે ઉછીની કે માંગીને મળતી નથી,દાતારી તો પોતાના ખોળિયામાં જ ઉછરીને મોટી થતી હોય છે,દાતારની દાતારી જોઈને પણ બીજાની નજર ઠરીને હિમ થતી હોય છે. એમાંય ક્ષત્રિયની દાતારી એટલે એમાં બીજું કશું પૂછવાનું કે વિચારવાનું જ ન હોય,ક્ષત્રિયનો દીકરો ચારણ,બારોટ,સાધુ અભ્યાગત કે દીનદુઃખિયાને જોવે એટલે એના હાથ એને મદદ કરવા માટે અધીરા થવા માંડે.
આજ અહી કઈક આજ પ્રકારની કવિઓ અને લેખકોએ વખાણવા લાયક દાતારીની વાત કરવી છે. અઢળક ભર્યું હોય અને દાન કરે એ તો ઠીક છે પરંતુ કઇ ન હોય એમાંથી પણ કૈક આપે એનું નામ જન્મજાત દાતાર કહેવાય.
ભાલ પંથકમાં ગાંફ નામનું એક દેશી રજવાડું આવેલું હતું અને એના ઠાકોર હતા ચુડાસમા રાયસલજી હતા. આ રાયસલજીમાં ઉદારતા,દાતારી,શરમ,સંતોષ જેવા તમામ ગુણો હતા પણ એને અંગ્રેજો ઓળખી શક્યા નહિ. રાયસલજી નાની એવી ઠકરાતના ધણી પણ પૈસાની રેલમ છેલમ કરે,મહેમાનોને મીઠો મધુરો આવકાર આપે,આથી મહેમાનો તો ગાંફથી મહેમાનો જવાનું નામ જ ન લે. ગાંફની ડેલીએ કાયમ ડાયરાઓ થાય,ખરલોમાં માળવાનું અસલ અફીણ ઘોળાય અને એના રસોડે બત્રીસ જાતની વાનગી રંધાય આવી બધી ઉદારતા અને દાતારીની વાત પોલીટીકલ એજન્ટને કાને ગઈ તે પરદેશી માણસ એક ક્ષત્રિયની દાતારીને શું સમજી શકે એ વિચારમાં પડી ગયો કે આ ઠાકોર મહેમાનગતિ અને દાતારીમાં જ રાજને ક્યાંક ડુલ કરી નાંખશે.આથી તેણે બીજું કઈ પણ વિચાર્યા વિના રાયસલજીની ઉદારતા અને મોટા મનને ઉડાવગીરીનો સિક્કો મારી દીધો અને તરત જ કારકુનને બોલાવી હુકમ લખાવી નાંખ્યો કે આજથી ગાંફની જાગીર ઉપર અંગ્રેજ સરકારનું મેનેજમેન્ટ બેસશે ને થોડા જ દિવસમાં ગાંફમાં આ હુકમ બજી ગયો અને બ્રિટીશ સરકારે પોતાનું મેનેજમેન્ટ બેસાડી કઈક સારું કર્યાનો સંતોષ લીધો.
પણ માણસ કહે છે ને કે સિંહ થોડા ખડ ખાય,આથી રાસમલજી તો જરાય મોળા ન પડ્યા પણ પોતાના ડાયરામાં અને દરબારમાં થોડીક ઝાંખપ દેખાવા મળી,આથી આવેતુ અને ચારણ,બારોટો થોડાક ઓછા થયા પણ છતાંય રાયસલજીની ડેલીએ કોઈ દી ડાયરો બેઠો ન હોય કે દરબારગઢની ઓસરીમાં પાંચ પંદર માણસોની થાળીઓ ન પડી હોય એવું બનતું ન હતું.ઠાકોર રાયસલજીને બ્રિટીશ સરકારે થોડીક બાંધી રકમ જીવાઈ તરીકે નક્કી કરી દીધેલી,બસ એટલી જ રકમમાં દાન પુણ્ય કાવા કસુંબા મહેમાનગતિ કે અભ્યાગતો ને સંતોષ આપવાનો પણ છતાંય કદી ક્ષત્રિયના દીકરાએ હાથ સંકોર્યો નહોતો,બસ એને મન તો એક જ વિચાર કે પ્રભુએ આપ્યું છે ને આપણે આપવું છેને આપણે ક્યાં લીલુડા માથા વધેરવા સિવાય કાઈ કમાવા ગયા હતા.
રાયસલજીની પહેલાની સ્થિતિ અને આખું મેનેજમેન્ટ પછીની સ્થિતિ વિશે આખું ગામ વિચાર કરે કે બાપુના હાથ બંધાય ગયા છે,આથી કેટલાક આ જાણતા હતા એ દરબારમાં જવા આવવાનું ટાળે કે વળી પછી બાપુને એમના ઉદાર સ્વભાવ જેમ મહેમાનગતિ તો કરવી પડે ને.
એક દિવસ રાયસલજીનો વિશ્વાસુ જૂનો નોકર માવજી ખવાસ વિચારે ચડ્યો કે બે બે જુવાન દીકરીઓના લગ્ન કેમ કરીને કરવા. પણ હા આપણા બાપુ જરૂર કઈક મદદ કરે પણ આજ એના ઉપર તો અંગ્રેજ સરકારના તાળા લાગી ગયા છે તે આપણને કેમ મદદ કરે પણ માવજી ખવાસે ગણપતિના કામ ગણપતિ જ ઉકેલે એમ માની ખાલી ખિસ્સે બેય દીકરીઓના હાથ પીળા કરી નાંખ્યા પણ દીકરીઓએ વળાવવા ટાણે હઠ પકડી કે બાપુ આપણા દરબારને પગે લાગવા તો જવું જ પડે હો એનું આખી જિંદગી લુણ ખાધુંને આજ અમે એમને એમ સાસરે જતા રહી એ સારું ન કહેવાય.
પણ સમજુ બાપ સમજાવે છે કે આપણે એમને લગ્નમાં પણ નોતર્યા નથી,આજ એમનો નબળો સમય ચાલે છે અને રહ્યા પાછા ઉદાર દિલના અને આપણે જઈએ અને એમણે પોતાના મોભા મુજબ કૈક દેવું જ પડે તો નથી જવું,બાકી એમણે આપણને અઢળક આપ્યું છે પણ બેય દીકરીયું માની જ નહિ કે બાપુના આશીર્વાદ લીધા વિના જવું નથી,તેથી ખવાસ બેય દીકરીઓને લઈને લોટની કોથળી જેવું મોઢું કરીને દરબારગઢમાં ગયો તો રાણીસાહેબે રૂડી રાજરીતથી મીઠો આવકારો આપ્યો અને નાની એવી ભેટ સોગાદ છેડે બાંધી આપી પણ દીકરીઓ કહે નહિ હજુ બાપુને પગે લાગવું જ પડે માવજી કહે તું સમજ બેટા આજ એનો સમય નથી પણ તોય દીકરીઓ માની નહિ,આથી શરમાતા પગલે માવજી માઢમેડીના પગથિયા ચડી ગયો કે જ્યાં રાયસલજી બેઠા હતા જેવો ઓરડામાં પ્રવેશ્યો કે તે ફાટે મોઢે જોઈ રહ્યો કે ઓરડામાં રાણીછાપ ચાંદીના ઠણ ઠણ કરતા સિક્કાઓ ગણે છે,જેવો માવજીને રાયસલજી જોઈ ગયા કે તેમણે મીઠો આવકાર આપ્યો કે આવ આવ માવજી,માવજી શરમાતા મોઢે બોલ્યો કે આ બેય દીકરીઓને ચાર ફેરા ફેરવી આપને પગે લગાડવા આવ્યો છું,ત્યાં તો બાપુ રાજીના રેડ થઇ ગયા કે વાહ મારા નોકરનો પ્રેમ અને લાગણી તો જુવો.બેય દીકરીઓએ રાયસલજીને પગે લાગી આશીર્વાદ લીધા પણ પછી રાયસલજી વિચારમાં પડી ગયા અને બોલ્યા કે એલા માવજી તે આ દીકરીઓના લગ્નમાં સાચું ખોટું પણ ન કહેવડાવ્યું નહિ.  
ત્યારે માવજી મંડ્યો ગેંગે ફેંફે કરવા અને સારો ખુલાસો કરી શક્યો નહિ, ત્યારે રાયસલજીએ આ દીકરીઓને અંગે કોઈ શણગાર કે ઘરેણા ન જોયા આથી તેમનું મન ઉદાસ ને દુઃખી દુઃખી થઇ ગયું કે કઈ આ રીતે દીકરીઓને આમ અળવી ડોકે વિદાય થોડી દેવાય,આથી આગળ પાછળનું કઈ પણ વિચાર્યા વિના કામદારે ગણીને જે રાણી સિક્કાની ઢગલીઓ કરી હતી એ ઢગલીઓ હાથેથી આઘી કરી માવજીને આપી દીધી કે આ બેય દીકરીઓને વહેચી દેજે.
આ દ્રશ્ય જોઈ ચતુર વાણિયા કામદારની આંખો ચાર થઇ ગઈ કે બાપુ હવે આખું વર્ષ કરશે શું? જયારે સામા પક્ષે બેય દીકરીયું એમ વિચારતી ગઈ કે આપણા બાપે ધણી ધારવામાં જરાય ભૂલ ખાધી નથી અને આવા ઉદાર દિલના માણસોના જ નામ ઇતિહાસમાં રૂડા લાગે.આ રાયસલજી રાવભાબાપુના નામે પણ ઓળખાતા અને એ મોટા ગૌભક્ત હતા અને જે ગાયને નામ લઈ બોલાવે એ ગાય પોતા પાસે આવતી હતી અને એ એવા ચારિત્ર્યશીલ હતા કે કોઇપણ બેન દીકરી ને આડું બાળક આવ્યું હોય તો તેમની નાડી ધોય પાણી પાતા તેને સુખરૂપ પ્રસવ થતો હતો.
  કથાબીજ - ઠાકોર સાહેબ વીરભદ્રસિંહજી વી. ચુડાસમા -ગાંફ

Comments

  1. પ્રદ્યુમનભાઈ ખૂબ સુંદર વાત કહી તમે. સોરઠી ઇતિહાસ ની તો કૈંક એવી વાતો છે કે છાતી પહોળી થઇ જાય કે આંખ માંથી આંસુ આવી જાય વાંચતા કે સાંભળતા. આભાર....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર