પ્રાસલીનો વીર ભડ વિક્રમસિંહ


  પ્રાસલીનો વીર ભડ વિક્રમસિંહ
કાઠિયાવાડમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ક્યાંય સોયની અણી જેટલી પણ ખાલી જગ્યા બલિદાન વિહોણી ન જોવા મળે હો આવું બલિદાનોની ખાણ સમું પ્રાસલી ગામ.
કાઠિયાવાડના બહુ ઓછા એવા ગામો હશે કે ત્યાં કોઈ વીરગાથાની જાણી અજાણી ગાથાની સાક્ષી પૂરતા પાળિયાઓ ન હોય,હજુ તો અડધો અડધ ગામોના પાળિયાઓ તો અબોલ જ રહ્યા છે તેને ઉકેલનારા,જાણનારા,પૂજનારા મળ્યા જ નહિ કારણકે સમય પલટાયો અને લોકોના રસરૂચિ શોખ બદલાયા છે ને આ ઝડપી યુગમાં લોકોમાં આવી વાતો વિસરાતી જાય છે.
        પરતું આજે જે જે પાળિયાની ગાથા લોકોને ખબર છે એમાંના એક નવીન પ્રકારના પાળિયાની વાત માંડવી છે. કાઠિયાવાડના ચારપાંચ પવિત્ર તીર્થોમાના એક પ્રાચી તીર્થની બાજુના અગ્નિખૂણામાં  હાંડા જેવું  એક ગામ છે.
        પ્રાસલી,પ્રાંતોથા અને ભુવાટીંબી ગામના જ્યાં સીમાડા ભેગા થાય છે,એ જગ્યાએ એક તળાવ છેને એ તળાવને કાંઠે એક નવીન પ્રકારની  ચિત્ર વિચિત્ર પ્રકારની ખાંભી હતી, જે ખાંભી કાઠિયાવાડની નવીનતમ પ્રકારની ગણાય તેવી હતી,કારણકે એ ખાંભીમાં એવું કોતરવામાં આવ્યું છે કે ઘોડેસવાર અને ઘોડાનો એક પગ નથી એવી ખાંભી ઉભી કરવામાં આવી હતી .
        આ ખાંભીની બાજુમાં પણ એક ખાંભી હતી,જેમાં બ્રાહ્મણ,બ્રાહ્મણી અને તેમના બે બાળકો એમ ચાર જણા કંડારેલા છે. ખાલી આ વાર્તા નથી આ તો ઇતિહાસનો અસલ અને કદી નષ્ટ ન થાય એવો પુરાવો છે જો આપણી સમજુ પ્રજા એને સમજે તો એ કાઠિયાવાડી સંસ્કૃતિનો સોના જેવો દસ્તાવેજ છે.
        આ દંપતિના પાળિયા ઉપર લેખ પણ કોતરાયેલો હતો જેના  આ શબ્દો હતા संवत १४५७ वर्षा वैशाख वदी ५ माँ तीर्थो सोम दीन उतराषाढा नक्षत्राणा मकराय पंच उतरायने राजो राजे श्री सदगुण विजय राजगर श्रीमाली पतिपतनो सौराष्ट्र देशे पलासली ग्रामे ज्ञाति राजगरनी भार्या ८ वाद्व मुगती तस्यसती बाई ब्राह्मण  तड़ाग धर्मस्य नकाराय पश्चातापकर्ता विक्रमसंघ देव ग्रीउड नामे तड़ाग प्राप्त शुभ भवतु
      આ ખાંભીનો લેખ જ તેનો સ્પષ્ટ ઈતિહાસ બતાવે છે પણ એને ક્યાં બિચારો
ગામડિયો માણસ જાણે છે, તે તો આ ખાંભીને ભુડ વાઘમશીના  નામે જ ઓળખે છે. હવે આપણે આ પાળિયાના કથાના વીરનો રસપ્રદ અને નવીન ઈતિહાસ જાણીએ.
આ પ્રાસલી ગામને મધ્યકાળમાં પલાંસલીના નામે ઓળખવવામાં આવતું હતું અને આ ગામમાં વિક્રમસિંહ ચાવડો કરીને એક વ્યક્તિ રહેતો હતો ભુવા ટીંબીની રાજગોર બ્રાહ્મણ સ્ત્રી મુગતીને ધરમની બહેન બનાવી હતી,એ જમાનામાં આવા સંબંધો સામાન્ય હતા લોકો દલિતોને પણ કાકા મામાના સંબંધે બોલાવતાને સબંધો જાળવતા હતા.
        વિક્રમસિંહ ચાવડાએ એક વખત પોતાના બે ગામના સીમાડે આવેલા ખેતરમાં ચણા વાવ્યા હતા ને ચણા એવા ટપોરા જેવા ફાલ્યા હતા કે ખેતરની આગળથી નીકળનાર ભલભલાને આ ચણા ખાવાનું મન થાય જ.
        વિક્રમસિંહ ચાવડાના ખેતરની આવી લીલીછમ ખેતીની કોઈ નખોદિયા પાડોશીને ઈર્ષા થવા માંડી તે બીજુ તો બિચારો શું કરી શકે,આથી તે કાયમ રાતે ખેતરે આવે ને વિક્રમસિંહના ચણા ચારી દે.
        આ જોતા વિક્રમસિંહના મગજના તાર હલબલી જાય કે આ નખોદિયો કોણ આવા કામો કરે છે,જો આ પકડાય જાય તો તેના હાડકા ખોખરા કરી નાખું એમ વિચારે છે.બરાબર આ સમયે સંજોગોવસાત એવું બન્યું કે તેની ધરમની માનેલ બેન મુગતીનો પતિ આ ચણાના ખેતર પાસેથી નીકળ્યો અને ટપોરા જેવા ચણા જોઈ તેની પણ દાઢ ડળકી કે લે ને થોડા ચણા ખાઉંને ઘોડાને પણ ચણામાં પારકા બાપનો માલ ગણી છુટો મૂક્યોને ચણા ખાઈ બ્રાહ્મણતો જ્યાં થોડોક આડે પડખે થયો ત્યાં તો તેને ઊંઘ ચડી ગઈને ખરાટા બોલાવવા લાગ્યો. બરાબર આ સમયે વિક્રમસિંહને ખેતરે રખોપું  કરવા આવવાનું થયુંને જ્યાં આવીને જોવે છે તો આ બ્રાહ્મણ સુતો છે ને ઘોડો ઉભા ચણામાં બાપનું ખેતર હોય તેમ છૂટથી ચરે છે.
        આટલા દિવસથી કોઈ ચણા ચારી જતું તેથી  વિક્રમસિંહના ક્રોધનો કોઈ પાર નહોતોને તેમાં આને ભાળતા જ વિક્રમસિંહે  ક્રોધમાંને ક્રોધમાં આને જ દરરોજનો ચોરને ચણા ચારી જનાર માનીને બગલમાંથી ચકચકતી તલવાર કાઢીને બ્રાહ્મણનું માથું ઉતારી લીધુંને મૂંગા નિર્દોષ પ્રાણી ઘોડાનો એક પગ પણ દાઝમાં ને દાઝમાં કાપી નાંખ્યો.
        આ પરાક્રમ કરીને વિક્રમસિંહ તો કોઈને કાઈપણ કહ્યા વિના દેકારો કર્યા વિના  છાનોમાનો મીંદડીની માફક સુંવાળા પગલા મેલી ઘરે આવી ગયો.
        સવારે તો ખેતર આસપાસના બિચારા ભોળા ખેડૂતો આવ્યાને જોયું તો આ વિચિત્ર ઘટના નજરે પડી પણ કોઈ સમજતું નથી કે આ શું થયું ને શા માટે થયું. કોકે હિમત કરીને લાશની નજીક જઈને જોયું તો લાશ ઓળખી કે લે આ તો આપણા ગોરઅદા છે કે જે વિક્રમસિંહની બેન મુગતીના પતિ હતા.
        સવારે આવા અમંગળને પોતે જ કરેલા અમંગળ કાર્યના માઠા સમાચાર વિક્રમસિંહને મળ્યા તો તે ભાંગીને ભૂકો થઇ ગયો કે અરર મારા જ હાથે જ મારી બેનડીના માથાનું સિંદુર રોળાયું, ખૂબ પસ્તાવો થયો પણ હવે કપાયેલું માથું થોડું બ્રાહ્મણને પાછુ ચોંટે.
        વિક્રમસિંહને ક્યાંય ચેન પડતું નથી તેને બાપદાદાની જમીન અને ઘરનું આંગણું પણ હવે ખાવા દોડે છે કે શું કરવું ? ને શું ન કરવું ? એવા વિચારો ઘુંટાય છે.જયારે સામે પક્ષે ગોરદાદાની ચિતા ખડકાણીને તેના દેહને અગ્નિદાહ દેવાતો હતો ત્યાં સાથે સાથે મુગતી પણ આવીને તે અને તેના બે બાળકો તેના પતિ સાથે જ ચિતા પર લોકો સામે જોતા રહ્યાને ચડી ગયા.
        આ વાતની વિક્રમસિંહને ખબર પડતા થયું કે ઓહો હું તો એક નહિ ચાર જીવનો હત્યારો ઠર્યો, તો તેણે પળવારનો વિચાર કર્યા વિના ભડવીર તો હતો ને હાથમાં માથું લઈને ફરનાર હતો તો તેણે તરત જ પોતાનું માથું તલવારના એક ઝાટકે પોતે જ અલગ કરી નાખી બલિદાન ચડાવી દીધું.
         આ ઘટના આજના ગિર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાસલીને ભુવા ટીંબીની જગ્યા એ બની ત્યાં પછી લોકોએ તળાવ બાંધ્યું ને પાળિયા ઉભા કર્યા, આ જગ્યાએ હાલમાં સતીમાંને કુલેર ચડાવવામાં આવે છે ને વિક્રમસિંહને ખીચડી જુવારવામાં આવે છે તથા આજુબાજુ ના ત્રણેય ગામના લોકો શુભ પ્રસંગે ત્યાં આ પાળિયાના દર્શન કરીને જ આગળ વધે છે તથા લગ્ન પ્રસંગે વરરાજો અહી પગે લાગીને જ ઘોડે ચડે છે.
નોંધ : જોકે આજે હવે આ ગામમાં અહીનો પાળિયાલેખ હોવા છતાં ઘણા એમ માને છે કે ભુવડ ચાવડા કચ્છમાંથી ૨૦૦ સૈનિક સાથે સોમનાથની સખાતે આવેલ તેઓએ  પોતાના સૈન્ય સાથે આ જગ્યાએ રોકાણ કરેલ અને એક બ્રાહ્મણની ૧૦૦ વિઘા જમીનમાં ચણાનું વાવેતર ચારી દઈ ઘોડાઓનો  નિભાવ કરેલ અને બ્રાહ્મણને મો માગ્યું આપવાનું વચન આપ્યું, બ્રાહ્મણને મુસ્લિમ સૈન્યે સોનામહોરની લહાણી કરી ખુશ કરી કહ્યું કે ભુવડ ચાવડા પાસે એનું માથું માંગો,ભુવડ ચાવડાએ ચણાના બદલામાં વચન પ્રમાણે માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે તેનું માથું માંગ્યું, ભુવડ ચાવડા કહે અમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ વચન પાળી જ પણ  આપ સૌના મહાદેવ મુશ્કેલીમાં છે આપને કચ્છમાં ૮૦૦ વિઘા જમીન અને કાયમી જાગીર આપીશ પણ બ્રાહ્મણ માન્યો નહી,છેવટે ભુવડ ચાવડા મસ્તક આપી સોમનાથની સખાતે જાય છે.
સૌજન્ય : ડૉ .ધીરુભાઈ પી .વાળા મેંદરડા





       



       

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર