વાઘજી ઠાકોરની પ્રેમકથા
વાઘજી ઠાકોરની પ્રેમકથા
મોરબીના જાડેજા
રાજકુલમાં રવોજી બીજાને ત્યાં ઇ.સ. ૧૮૫૮માં જન્મેલા વાઘજી ઠાકોર રાજ્ધુરા
લીલાલેરને પ્રજાના સુખથી ભોગવી રહ્યા છે જેને કાઠિયાવાડનો વાઘને કાઠિયાવાડના
શાહજહાં પણ કેવામાં આવે છે. રાજા છે ભાઈ એની જાહોજલાલીમાં તે વળી શું ખામી હોય
કોઇપણ પ્રકારનું તેમને દુઃખ નથી, રાજકુમાર કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થીને
પરદેશના પ્રવાસો કરેલા એવા તેમણે મોરબીને
શણગારીને કાઠિયાવાડનું પેરીસ બનાવી દીધું હતું.
વાઘજી
ઠાકોરના લગ્ન ચુડાના રાજકુંવરી અને થરાદના રાજકુંવરી અને એ સિવાય પાલીતાણાની
રાજકુંવરી બાજીરાજબા સાથે રંગેચંગે થયા હતા અને તેમની કુખેથી કલૈયા કુંવર લખધીરજી
મહારાજાએ જન્મ લીધો હતો.
પરંતુ
મોરબીના રાજની માથે એક ઉપાધિ આવી હતી એ ઉપાધિ હતી વાઘજી ઠાકોર તેમના હજુરી એવા
ગોકળભાઈ ખવાસની યુવાન પુત્રી મણીમાં નાત જાત કે સ્થાન માનપાન કે કશું જોયા વિના
પ્રેમમાં પડ્યા છે અને સાચો પ્રેમી એવું જોવે જ નહીને.જે મણી જુવાનજોધને મીણની
પુતળી જેવી,પડછંદ કાયા,દૂધ જેવો ઉજળો વાન,કેરીની ફાડ જેવી આંખો,ગુલાબના ગોટા જેવું
મો છે જેનામાં ફાટફાટ જોબન ભર્યું છે એવી મણીની તરફ ઢળ્યા અને પછી તો ગળાડૂબ બની
ગયાને વાઘજી ઠાકોરનું હ્રદય મણીએ મીણ જેવું બનાવી દીધું ને વાઘજી ઠાકોરને પ્રેમ
સરોવરમાં ભીંજવેલા જ રાખે છે.મણીના ગળામાં તો જાણે કોયલ જ બેઠી હોય તેવો કંઠ છે એ
ગાઇ ત્યારે મોટા સંગીતકારને પણ શરમાવે એવા મધથી પણ મીઠા ભાવવાહી ગીતો ઠાકોરને
સંભળાવે.
મણી રૂપાળી તો એવી કે પાણી પીવે ત્યારે
ગળામાં પાણી ઉતરતું દેખાય હો. સામા પક્ષે વાઘજી ઠાકોર પણ એવા જ રૂપાળા હો. રૂપાના
ગંઠેલા તાર જેવી દાઢી,રૂપને જોબનને શૂરવીરતા તેમના યદુવંશી દેહમાં હિલોળા લે
છે,એવા વાઘજી ઠાકોર મણીના સોંદર્યમાં પૂરેપુરા રંગાય ગયા છે પણ છતાં તેમને હૈયે ચિંતા સેવાય છે કે આ મણી કઈ મારી પરણેતર
તો ન જ કહેવાય.
કેટલીય
વાર જાડેજા કુળના વડીલો,મોભીઓ અને રાણીસાહેબ બાજીરાજબાએ વાઘજી ઠાકોરને ઠપકો આપ્યો
કે આપ કૃષ્ણ ભગવાનના કુળના રાજવીને આ ન શોભે,કદી સિંહ ઓખર કરે નહિ હો. પણ વાઘજી ઠાકોર આવી કોઈ વાત કે
મેણાને ગણકારતા જ નથીને વધુને વધુ મણી મય બનતા જાય છે.
ત્યારે
આર્ય કન્યા ક્ષત્રાણી બીજું તો રાજાને શું કરી શકે કે બોલી શકે,કે કુળ ગૌરવનું ભાન
કરાવી શકે આથી તેઓ મોરબીથી પોતાના બાળકુંવર લખધીરજીને તેડી પાલીતાણે રીસામણે ચાલ્યા
ગયાને કહેતા ગયા કે “ જે દી આપ યદુકુળને શોભે એવા વર્તનથી દેખાસો તે દી જ પાછા મોરબીના ઝાડવા જોઈશ
અને એ સિવાય પાછી ફરું તો ગોહિલ કુળની દીકરી મટી જાવ ”.
રાણીસાહેબ
પિયર ચાલ્યા જતા હવે તો વાઘજી ઠાકોરને કોઇપણ અડચણો રહી નથી તે પ્રેમફાગ ખેલવાનો
છુટો દોર મળી ગયો છે ને રાત દિવસ મણીનો સાથ છોડતા જ નથી ત્યારે મોરબી રાજના કોઈ
શાણા અધિકારીએ વાઘજી ઠાકોરને સમજાવ્યા કે બાપુ આમ વગર લગ્ને મણી સાથે રહેવું એ આપ જેવા માટે સારું ન કહેવાય
તેના કરતા આપ તેની સાથે લગ્ન જ કરી લ્યોને
રાજાને તો એક થી વધારે રાણીઓ હોય જ એમાં કઈ ખોટું નથી. વાઘજી ઠાકોરને પણ એમ
લાગ્યું કે આમ પ્રણય ચોરીછુપીથી થોડો થાય
પ્રણય તો ગંગાના નીર જેવો પવિત્ર હોય છે.
આથી
વાઘજી ઠાકોર મણીને પરણીને નજરબાગ પેલેસમાં લાવ્યા અને થોડા વર્ષો તો વાઘજી ઠાકોરને
મણીનો પુરતો સાથ સહકારને ગળાડૂબ પ્રેમ મળ્યો પણ આખરે મણીને રાજરોગ (ટી.બી.) લાગુ પડ્યો ત્યારે વાઘજી ઠાકોર
મણીના છત્રી પલંગથી જરાય આઘા ખસતા નથી તેમને એમ છે કે હમણાં મારી પ્રેયસી આંખો
ખોલશે ને ઉભી થશે પણ મણી તો ગળીને સાવ
મલોખા જેવી બની ગઈને તેના હાડકા પણ ગણી શકાય એવો દેહ બની ગયો. વાઘજી ઠાકોરે મણીનો
રોગ મટાડવામાં કોઇપણ પ્રકારની મણા રાખી નહોતી દેશ દેશાવરના વૈધો,હકીમો અને
ડોકટરોને તેડાવ્યા પણ સૌ કોઈએ હાથ ધોઇ નાંખ્યા,વાઘજી ઠાકોરે તો પાણીની જેમ પૈસા
વાપર્યા પણ વિધાતાના ચોપડે મણીની ઉમર ઓછી લખાણી હતી તેથી કોઈનું કશું જ ચાલ્યું
નહિને મણીએ તો ઇ.સ.૧૯૦૩માં સ્વર્ગની વાટ
પકડીને આદિત્ય ને નિશાનાથ ચંદ્ર આથમી ગયો
ત્યાં તો મોરબીના રાજમહેલમાં ધોળે દિવસે
અંધારું સર્જાય ગયા જેવું બન્યું.મોરબીના રાજમહેલમાં અજબની શાંતિ છવાય ગઈ છે, વાઘ
જેવા વાઘજી ઠાકોર ભાંગીને ભૂકો થઇ ગયાને તેમને સતત ચારેકોર મણીના અવાજના ભણકારા જ
સંભળાય છે. મણી વગરનું જીવન વાઘજી ઠાકોરને નાચીજ લાગ્યુંને પોતાની પ્રિયતમા જતા
અર્ધપાગલ જેવા છ મહિના રહ્યા ને કાયમ તેઓ સાદો જ ખોરાક લેતા હતા. વાઘજી ઠાકોરને
શોક માંથી બહાર કાઢવા તેમના મિત્ર વિશ્વનાથ ભટ્ટે આવી અનેક કથાઓ કહી અને કૌટુંબિક સંબંધો અને જીવન મરણના
સંબંધોના અનેક દાખલાઓ આપ્યા તેથી થોડા
સમયમાં મહારાજા શોક માંથી બહાર આવ્યા અને
મણી પાછળ વાઘજી ઠાકોરે ૧૬ હજારને ખર્ચે સ્મશાન અને મચ્છુનદી પર ઘાટ બંધાવ્યો,ભાગવત
સપ્તાહ કરી અને ૧૬૦ બ્રાહ્મણોને ચારધામની યાત્રા કરાવી પછી તે વિચારે છે કે મારી
પ્રેમિકા મણી માટે કોઈ યાદગાર સ્મારક બનાવું તો કેમ રહે? આથી બહુ લાંબા વિચારો કરી
અનેક ના મત જાણીને મણિમંદિર બનાવવાનો નિર્ણય લીધો કે જેથી કરીને પોતાના પ્રેમની
અને મણીની વાત કાયમ આ દુનિયા યાદ રાખે. આથી વાઘજી ઠાકોરે પોતાના મુખ્ય ઇજનેર શ્રી
દફતરી અને જયપુરના શિલ્પી રામનારાયણની નિગરાની હેઠળ આશરે પોણા બે એકરમાં
મણિમંદિર બાંધવાની શરૂઆત કરી દીધી ને ત્રણ
શિખર વાળું મંદિર બાંધ્યું ને મુખ્ય મંદિરનું શિખર ૧૧૨ ફૂટ ઊંચું,મંદિરનો મેઘનાદ
મંડપ બે મજલાવાળોને મંદિરની ચારેબાજુ બે મજલાવાળી ભવ્ય ઇમારતો બાંધી જેની
પાછળ રૂપિયા ૩૦ લાખ ખર્ચી નાખ્યા ત્યાં તો
વાઘજી ઠાકોરને પણ મણીએ સ્વર્ગમાં પોતાનો વિરહ સહન ન થતા ઇ.સ. ૧૯૨૨માં ઉપર બોલાવી
લીધા.આથી વાઘજી ઠાકોરના આદર્યા અધૂરા રહ્યા જેવો ઘાટ સર્જાયો.
પણ
ભલેને મહારાજા લખધીરજીને પિતાશ્રીનો મણી તરફનો પ્રેમ પસંદ નહોતો પણ હવે બાપના ગયા
પછી મર્યાના ધોખા સ્મશાન સુધી જ હોય એ ન્યાયે પિતાના અધૂરા કાર્યને આગળ વધાર્યું
અને ૩૦ લાખ ઉપર બીજા ૨ લાખ રૂપિયા વાપરીને મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું અને
મહારાજા લખધીરજીએ આ મંદિરને મણિમંદિર નામ આપવાને બદલે વાઘ મંદિર નામ આપ્યું અને
લોકોને પણ એ નામે જ બોલવાની ફરજ પાડી અને જે ન બોલે તેને સાદી કેદમાં પણ પૂરી દેતા
હતા,પણ આઝાદી બાદ સ્વતંત્ર મિજાજના લોકોએ તો વાઘ મંદિરને બદલે મણિમંદિર તરીકે જ
ઓળખ્યું.
વાઘજી ઠાકોરે માત્ર રંગરાગ અને પ્રેમ જ
ભોગવ્યો નહોતો પણ રાજ્યમાં પ્રજા કલ્યાણના અનેરા અને નીચે મુજબના વિશિષ્ટ કાર્યો પણ
કર્યા હતા.તેમણે મોરબીની સુશોભિત બાંધણીની બજાર બાંધી, ૯૪ માઈલની રેલવે શરુ કરી
ઉપરાંત ટ્રામ્વે શરૂ કરી અને મોરબીમાં ઘરે ઘરે નળ આપ્યા,મચ્છુ નદી પર ઝૂલતો પુલ
બાંધ્યોને પુલના બંને છેડે કાંસાના બે આખલાના બાવલા મુકાવ્યા, વુડહાઉસ નામનો
લોખંડનો ટાવર (ગ્રીન ટાવર)બાંધ્યો,કાઠિયાવાડમાં પોતે પ્રથમ વિમાન અને ફોર્ડ મોટર
લાવ્યા,પોતાની પ્રજાને લાઈટ અને ટેલીફોનની સુવિધા આપી,ઇ.સ. ૧૯૦૬માં ઘોડા પર સવાર
પોતાનું બાવલું મૂકાવ્યું આજે પણ લોકો આ બાવલા અને મણિમંદિરને જોઈ આ પ્રેમકથાને
યાદ કરે છે. વાઘજી ઠાકોરના બાવલાને મોરબીને આસપાસના લોકો પોતાના નાના રોગોમાં
નાળિયેર વધેરવાની માનતા કરે અને સાજા થઇ જાય ત્યારે આવી પુરાભાવથી નાળિયેર વધેરે
છે આવી શ્રધ્ધા લોકોને પોતાના રાજા તરફ છે.આજે પણ આ બાવલે નાળિયેરના છોતરાનો ઢગલો
જોઈ શકાય છે.
Comments
Post a Comment