આદર્શ સયંમી રાજવી લાખાજીરાજ
આદર્શ સયંમી
રાજવી લાખાજીરાજ
એક સમયના રજવાડા અને કાઠિયાવાડ રાજ્યની
રાજધાનીના શહેર એવા રાજકોટના પ્રજા વત્સલ અને પ્રાત સ્મરણીય લાખાજીરાજની વાતના
મંડાણ કરવા છે,બાપલીયા આજની પ્રજાને તો એ પણ ક્યાં ખબર છે
કે આ ભૂમિ પર કેવા કેવા અડાભીડ અડીખમ અને પ્રજાને દુઃખે દુઃખી ને સુખી એવા રાજાઓ
હતા એમાંય કાઠિયાવાડના જે પાંચ સાત આદર્શ પ્રજાવત્સલ રાજવીઓમાં જે નામ આવે એમાંના
એક હતા જેમણે પ્રજાની પ્રસન્નતા અને સક્રિય સેવાને જ રાજધર્મ માનીને જીવન
ગુજાર્યું હતું તેમનું બાળપણ એક ઉત્તમ ખેલાડી અને હોશિયાર વિદ્યાર્થી તરીકે
રાજકુમાર કોલેજમાં વીત્યું હતું અને સાહેબો અને સહાધ્યાયીઓ તેમનું નામ લઇ થાકતા
નહોતા એવી તો પ્રીતિ પ્રાપ્ત કરી હતી.ક્રિકેટમાં નામના મેળવેલી ને પ્રેસિડેન્સીના ખેલાડી હતા અને દહેરાદુન
કેડેટ કોરમાં ચમક્યા હતા.
રાજગાદી પ્રાપ્ત કરીને તો એક સંત આદર્શ
પુરુષને છાજે એ રીતનું જીવન જીવનારા સંયમી રાજયોગી પુરુષ હતા.એ રાજશાહીના
ચરમસીમાના યુગમાં આ રાજવીએ રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરવાની પરવાનગી આપી
ગાંધીજીના પ્રીતિપાત્ર બન્યા હતા અને તેથી જ ગાંધીજીએ ઇ.સ.૧૯૨૫માં તેમને
મહાત્મા ગાંધીજીએ સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા.નરેન્દ્ર
મંડળની છેલ્લી બેઠક સમયે વાઇસરોયથી માંડીને અન્ય મોટા મોટા રાજવીઓ એ લાખાજીરાજની
હિમત અને પ્રજા તરફના પ્રેમ અને નીતિના બે મોઢે વખાણ કર્યા હતા.જયારે બીજા
અન્ય મોટા મોટા રાજવીઓ ડરતા હતા ત્યારે રાજકોટના આ રાજવીએ પ્રજાને હાથમાં સતાની
લગામ સોપવાનો નિર્ણય કરનાર હતા, લાખાજીરાજ જયારે પ્રજાને કઈક વધુ સતા આપે
કે સુધારા આપે ત્યારે અન્ય રાજાને થતું કે હમણાં જ લાખાજીરાજને અંગ્રેજો રાજગાદીએ થી
ઉતારી નાંખશે પણ એવું કશું બન્યું નહિ અને લાખાજીરાજ રાજગાદીના લોભમાં કદી પણ પડ્યા
વિના રાજ તો પ્રજાના હિતમાં જ
ચલાવ્યું હતું.
રાજકોટ રાજ્યમાં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી
હતી રાજાનો રાજા કોઈ હોય જ નહિ પણ લાખાજીરાજ એવું માનતા નહોતા અને ને ક્યારેય પણ
અધિકારી કે નાના નોકરોને ગેર વ્યાજબી ઠપકો અપાય ગયો હોય એ તેમને સમજાતા રાજા હોવા
છતાં તેની પાસે ખુલા દિલથી માફી માંગવાની તેમનામાં ઉદારતા હતી તેથી જ એ પ્રજાના
હ્રદયમાં ઈશ્વર જેટલું સ્થાન પામ્યા હતા.આથી લાખાજીરાજ માત્ર રાજકોટ રાજ્યમાં નહિ પણ
આખા હિંદુસ્તાનમાં માનપ્રદ સ્થાન ભોગવી શક્યા હતા રાજકોટ રાજ્યને આદર્શ મનોરાજ્ય
રામ રાજ્ય જેવું બનાવવાના સ્વપ્ના સેવનાર રાજવી હતા.
આ આદર્શ રાજવીમાં ત્રણ ગુણ હતા (૧) ઊંચા લોકોની
મિત્રતા કરવી (૨) મિત્રતા બાંધ્યા પછી નિભાવવાની ટેક (૩) સ્વતંત્રતા અને પ્રજાવત્સલતા.
અંગ્રેજો વિરુદ્ધ રચાતા વાતાવરણને એક આદર્શ
રાજાએ પ્રજાને મદદ કરીને આગળ કરી તેથી લાખાજીરાજ બ્રિટીશ સરકારમાં થોડા અળખામણા
લાગતા હતા અને એટલે જ તેમને ગાદી મળવામાં થોડો વિલંબ કરવામાં આવ્યો હતો. લાખાજીરાજે
ગાદીએ બેસીને અવસાન સમય સુધીમાં કેટલાક સુધારા અને સગવડતાઓ પ્રજાજનો માટે કરી હતી,જેમકે રાજ્યની
આવકમાં વધારો,હુન્નર ઉધોગોને પ્રોત્સાહન,રાજ્યમાં સારા
માણસોની અવરજવર વધારી,કેળવણીમાં સુધારા કરાવ્યા,કોલેજની
સ્થાપવાની યોજના કરી,વર્તમાન પત્રો પરના અંકુશો હળવા કર્યા,કન્યા કેળવણી
પર ભાર મૂક્યો વગેરે.
જયારે સમગ્ર હિન્દુસ્તાનના રાજવીઓ
અંગ્રેજોના ઓથાર હેઠળ એવા ડરી રહ્યા હતા કે તેમનું જીવન અને રાજ કાર્યો રેલવેના
ડબાની પેઠે એજન્સીએ નાંખી આપેલા પાટા ઉપર જ ચાલતું જયારે લાખાજીરાજનું જીવન અને
કાર્યો અને સુધારા તો એ ચીલે નહિ પણ જે ચીલે પ્રજાને ફાયદો થાય એ ચીલે ચાલનારું
હતું.
લાખાજીરાજએ પ્રજાને એવા તો લાડકોડ લડાવ્યા
હતા કે પ્રજાએ સુખનો અનુભવ કર્યો અને પોતે પણ પ્રજા પ્રેમથી તૃપ્તિનો ઓડકાર લીધો
હતો તેથી એક આદર્શ રાજા આવો હોવો જોઈએ એનું ઉદાહરણ થઇ પડ્યા હતા,તેઓ વાને થોડા
શ્યામ હતા પણ હ્રદય તો ચમકતા તારા જેવું હતું તેમનો સ્વભાવ જેટલો સરળ અને પ્રેમાળ
હતો એટલો જ ઉગ્ર પણ હતો પણ તે બધો ખ્યાલ રાખી જીવનારા રાજવી હતા. એક આદર્શ
પુરુષના જીવનના બે ત્રણ ઉત્તમ દાખલાઓ જ
ટાંકવા છે કે જે આજે પણ આપણને પ્રજા અને રાજા વચેનો પ્રેમ અને વ્યવહાર તરફ અંગુલી
નિર્દેશ કરે છે.
એક વખત રાજકોટમાં ભયંકર રોગચાળો ફાટી
નીકળ્યો હતો ને રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ સમાતા નથી ને ડોકટરો રાત દિવસ એક
કરીને જાતે જાતના નોખા નોખા ઈલાજ કરે છે પણ દર્દ હટવાનું નામ લેતું નથી એવા સમયે
લાખાજીરાજ હોસ્પિટલમાં દર્દીના ખબર અંતર પૂછવા આવ્યા છે ને ડોકટરો સાથે વાતચીત કરે
છે ને કહે છે સાહેબો મારા પ્રજાજનો કેમ ટપોટપ મરે છે તો કઈક અકસીર ઈલાજ શોધી કાઢો
એવી મારી રાજા તરીકે વિનંતી છે ડોકટરો કહે બાપુ આ દર્દમાં દર્દીઓને મચ્છરથી બચાવવા
પડે અને હોસ્પિટલમાં ખાટલે મચ્છરદાની નથી ને દર્દીને મચ્છર કરડે ને દર્દ પાછુ ઉપડે
છે બાપુએ આ સાંભળી તરત જ હુકમ કર્યો કે આપડા રણજીતવિલાસ પેલેસમાંથી બધી મચ્છરદાની
છોડી લાવો અને અહી હોસ્પિટલના દરેક ખાટલે બાંધી દયો ને રાજકોટ રાજ્યની પોતાની
કાપડમિલ હતી તેમાં મચ્છરદાની બનાવવાનો હુકમ કરવામાં આવ્યો ને બાપુ બોલ્યા કે “મારી
પ્રજા એ મચ્છરદાની વાંકે મરવી ન જોઈ રાજાએ પેલા પ્રજાનું સુખ જોવું જોઈ.”
બીજો એક પ્રસંગ એમ બન્યો કે તેમને અરજ કરવા
એક દિવસ એક સ્ત્રી નોકર હજૂર બંગલે આવીને બાપુના અંગત મદદનીશને મળી કે મારે બાપુને
મળવું છે,તેથી બાપુને નખશીખ અંદરથી ઓળખનાર પેલાએ કહ્યું કે બાપુ તમને અહી હજૂર
પેલેસમાં મળશે નહિ પણ છતાં ચબરખી મોકલું છુ,બાપુએ ચબરખીમાં બાઈ માણસનું નામઠામ ને
ઉંમર જોઈ જણાવ્યું કે એ બાઈને કહો રાજવીને
હજૂર પેલેસમાં નહિ પણ હજૂર ઓફિસે જ મળી શકાશે ને આ અનુભવ પછી તરત જ બાપુએ સરકયુલર
જાહેર કર્યો કે કોઈપણ સ્ત્રીને મુલાકાત માટે હજૂર બંગલાની પરવાનગી આપવી જ નહિ અને સ્ત્રી વર્ગને હજૂર બંગલે પ્રવેશવાની કડક
મનાઈ ફરમાવી.
ત્રીજો એક પ્રસંગ એવો બન્યો કે જયારે
લાખાજીરાજે આખરી શ્વાસ લેવાના શરૂ કર્યા હતા ને આખે શરીરે ભારે તૂટ થતી હતી ને
અસહ્ય દર્દ થતું પણ એ એક પણ ઉંહકારો કરતા નહિ ત્યારે યુરોપિયન ડોકટરે કહ્યું હતું
કે “ અંતની ઘડી સુધી મૃત્યુની સામે આવી બહાદુરીથી લડતા આવા વીર પુરુષને મેં મારી
નોકરીમાં જોયા નથી”. લાખાજીરાજ છેલ્લી ઘડીએ પણ શિવ શિવ અને રામ રામનું જ રટણ કરી
રહ્યા હતા,આ સમયે યુરોપિયન ડોકટરે યુરોપિયન નર્સને બાપુના શરીરને ચાંપવાની આજ્ઞા
કરી ને જ્યાં નર્સે હાથ લાંબા કર્યા ત્યાં તો આ સંયમી રાજપુરુષ બોલી ઉઠ્યા કે નહિ
નહિ હો મારા અંગને કોઇપણ પરસ્ત્રી હાથ ન અડાડે એવું હું ઈચ્છું છુ એમ કહી યુરોપિયન
નર્સને હાથ અડાડવાની ના પાડી દીધી.
જયારે લાખાજીરાજનું અવસાન થયું ને તેમની
સ્મશાન યાત્રા વખતે રાજકોટની બજારોમાં બંને બાજુ લોકો હારબંધ ઉભા રહ્યા હતા અને
સ્ત્રી બાળકોને પુરુષોની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હતો કે એક દેવ પુરુષની
વિદાય થઇ કારણકે પ્રજા તેને માબાપના રૂપમાં જ માનતી હતી,ટૂંકમાં
લાખાજીરાજ સાચના બેલી,લોકશાહી વિચારોના જન્મદાતા,વિચારક ,દ્રષ્ટી
સુધારક,જુલ્મગારના શત્રુને પ્રજા સાથે કુસુમ જેવા રાજવી હતા.
Comments
Post a Comment