દીકરીનું બલિદાન – ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


       દીકરીનું બલિદાન – ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
બોટાદના થડમાં આવેલ તુરખા ગામ ખાધેપીધે સુખી છે ને ગામના દરબાર ઉગા ખાચર એટલે વટનો કટકો અને કાઠીના શણગારરૂપ ઉગા ખાચરને ત્યાં એક દીકરી અવતર્યા છે જાણેકે કાચની પુતળી જ જોઈ લ્યો જેનું નામ પાડ્યું છે જાનબાઈ. તે જાણે કે સોળ હજાર ગોપીમાં રાધાજીની જેમ શોભી રહ્યા છે.
            આ દીકરી જોતજોતામાં તો રાત દિવસ વધીને બાળપણ વટાવી ગઈને પંચાળના રિવાજ મુજબ એક દિવસ વૈશાખ મહિનાની અખાત્રીજને દિવસે ગામની ઘણી દીકરીયું ગામના પાદરે વડલે જે કઇ હાથ આવ્યુ તે દોરડા,વરત કે સિંચણ લાવી તેના હીંચકા બાંધીને ફંગોલિયા ખાઈ રહી છે જેની પાસે હીંચકો બાંધવા દોરડું નથી એ જોગમાયાઓ તો જોગીડાની જટા જેવી વડવાઈઓ ઝાલીને પણ મોજના ફંગોળા ખાઈ છે.ગામના દરબાર  ઉગા ખાચરની પ્રજા  ઉપર એવી અમી દ્રષ્ટિ છે કે ગામની બધીય દીકરીયું  ભેગી જ રમે છે એમાં કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી ને અઢારેય વરણની દીકરીયું ઝૂલા ઝૂલે છે .
        બરાબર આવે સમયે આ પાદરના વડલાની સામે એક મેદાનમાં ગુજરાતનો સુબો જે અહી કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવા આવ્યો છે જેનો પડાવ પડ્યો છે સુબાની સાથે અનેક  સવારો અને ઘોડા ઊંટ અને શસ્ત્ર સંરજામને ઘણું બધું છે,માણસો રાવટીઓ અને તંબુઓ ખોડી રહ્યા છે એ અરસામાં સુબો નીકળ્યો ટહેલવાને તેની નજર વડલા નીચે ઝૂલતી કુંવારકાઓ ઉપર પડતા જ તેની ત્યાં નજર ચોટી ગઈ કે ઓ હો આ તો કાચની પુતળી સમાન અલ્લાએ તેને ખરેખર નવરાશની પળે જ ઘડેલ હશે તો ખરેખર તો ભલેને આ પરદેશી ને બીજા મલકની હોય તેને  રાજમહેલમાં લાવવી જ છે, એવા મનસુબા ત્યાં જ ઘડવા માંડ્યોને મોહબાણમાં ઘવાય પડ્યો પણ એને બિચારાને ખબર નથી કે આ કાઠી કુળ છે કે જેણે પોતાના ઇતિહાસમાં કદી પણ  કોઈ મુસલમાન બાદશાહ કે સુબાને કન્યા આપી નથીને એ મરી જાય,ભાગી જાય,રાજપાટ છોડી દ્યે ,જંગલમાં ભટકી ખાય પણ એ કદી  મુસલમાન સાથે બેટી વેવાર બાંધે જ નહિ.
        પણ બિચારા સુબાને મનમાં એમ જ છે કે જો ભારતવર્ષના મોટા રાજપૂતોએ (નવા સંશોધનો મુજબ રાજપૂતોએ મુસલમાનોને એ કુંવરીઓ રાણીજાઈ નહિ પણ રખાતોની દીકરી પરણાવી મુત્સદી બતાવી હતી) પણ બાદશાહો અને સુબાને પોતાની કન્યાઓ પરણાવી તો આ નાનકડી ઠકરાતનો ધણી  વળી ઉગા  ખાચરની શી વિસાત.
        સુબાની અધીરાઈ વધી કે જટ બસ એને પામી લઉં  તે તેણે વડલા તરફ પગલા માંડ્યા ત્યાં તો આ ગભરૂ જુવાન કન્યાઓ સુબાની મેલી મુરાદ પારખીને બધી જ હડી કાઢીને પોતપોતાના માળામાં પંખીના બચલા લપાય જાય એમ ઘરમાં લપાય ગયું.
        આથી સુબો તો નિરાસ થઇ ગયો કે હાથમાં આવેલો શિકાર નજર સામે જ અલોપ થઇ ગયો તે બિચારાએ માથે પસીનો લુછતા ગિરનાર જેવડો નિસાસો નાખતા ત્યાં ઘેટા બકરા ચારતા ભરવાડને પૂછ્યું કે એય ગોવાળિયા પેલી કાચની પુતળી જેવી છોકરી કોની છે,ભરવાડ કહે એ તો અમારા ઉગાબાપુના દીકરી જાનબાઈબા છે.
        સુબો તો આટલું સરનામું ને ઓળખાણ પામતા હરખઘેલો દોડતો દોડતો પડાવે આવીને  બે બુઢા ઠરેલ સ્વભાવના સિપાઈઓને આખી વાત સમજાવીને તુરખાના દરબારગઢમાં મોકલ્યા કે જાવ તમે એ કન્યા વેરે મારું માંગું નાંખો ને પહેલા સલુકાઇથી કામ લેશો ને જો ન આનાકાની કરે તો કહી દેજો  કે “ના પાડશો તો અમારું લશ્કર જાનબાઈને બળજબરીથી  ઉપાડી જશે.”
        બે બુઢા સિપાહીઓ ઉગા ખાચરની ડેલી વટાવી આવ્યા ઓતરાદા બારના ચાર ઓરડાના ખૂણાની ઓફિસે આવ્યા.
        બંને સિપાઈએ તો હરખે હરખે સુબાની વાત દરબારને સાંગોપાંગ જણાવી ત્યાં તો ઉગા ખાચરના મોઢા ઉપર કાળી મેસ છવાય ગઈ કે એલા આતો અટાટની ક્યાંથી આટકી ભારે કરી આને હવે કેમ કરી પુગવું પણ ઠરેલ મગજના અને કાઠી કળાના જાણકાર અને માહેર હોવાથી પળવારમાં પાછો ચહેરાને એવોને એવો સતેજ બનાવી લીધો કે સામેના સિપાઈઓને કઈ અણસાર પણ ન આવવા દીધો.
        સિપાઈઓને  ઉગા ખાચરે કહ્યું ભલે સુબાની માંગણી પર હું મારા ભાઈ મિયાંજળ ખાચર સાથે વાતચીત કરીને કહું તમને અમારો જવાબ .
        પછી તો ઉગા ખાચર અને મિયાંજળ ખાચર મસલત કરી સુબાના માણસોને કહ્યું  હા મંજુર છે અમને તમારી ઇચ્છા ને તમારાથી સારું કોણ બીજું હોયને અમે અમારા રિવાજ મુજબ લગ્ન લખી આપીએ છીએ તો ત્યાં સુધીમાં અમારી બધી તૈયારી થઇ જાય અમે તો નાના ગામ ધણી કહેવાય બહુ જલ્દી તો ન પહોચી શકીએને ? તો બહુ જાડી જાન જોડી લાવતા નહિ હો અમારાથી એને બરાબર સચવાય નહિને પછી અમારો જીવ કોચવાય એ કરતા થોડા માણસો જ લાવજો,બાકી જો જાડી જાન લાવો તો અમે કરજામાં આવી જઈને અમારા ગામગરાસ ગીરવે મુકવાના દી આવે.
        બીજું એ કે અમે એકેય કાઠીએ કદી મુસલમાન વેરે દીકરી આપી નથી તો અમારી નાતમાં હેઠા જોયા જેવું થાય તો તમે રાતે જ જાન લઇ આવોને અમે રાતમાં જ ફેરા ફેરવી દઈ તો બીજી કોઈ કડાકૂટ નહી.
        સુબાના માણસો તો આ ચાલ કળી શક્યા નહિ, તેને થયું કે વાત સાચી જ કરે છે દરબારો. બીજી બાજુ મિયાંજળ ખાચર અને ઉગા ખાચર આજુબાજુના તમામ સગા સબંધીને લાકડીયો તાર વેતો કરીને ભેગા કર્યા,આ ઉપરાંત આજુબાજુના  ૨૦૦-૩૦૦ કોળી જુવાનડાઓને બોલાવી રાખ્યાને બધી જ જાતની તૈયારી કરીને માંડ્યા જોવા વાટ કે કે દી સુબો પરણવા આવે તો તેને ઘા ભેગો ટૂંકો કરી નાંખીએ.
        નક્કી કરેલ દિવસે સુબો તો શેરો પહેરીને આવ્યો તુરખા પરણવા આવે ત્યારે સુબા સાથે અનેક સિપાહીઓ અને હથિયારબંધ માણસો છે ત્યારે વળી દરબારે કાઠી કળા કરી કે અમારા રિવાજ મુજબ માંડવિયા અબીલ ગુલાલ રમતી વખતે હથિયાર ન રાખે તો તમે જાનૈયા પણ હથિયાર ન રાખો ને તેને વજેરીમાં મૂકી દયો.
        પરણવાના હરખમાં માણસ બધું ભૂલી જાય છે ને તેને બીજા કોઈ સાચું શું કે ખોટું શું એવા વિચારો આવતા જ નથી તે સુબો પણ સાવ મૂંગોમસ થઇ ગયોને બધાને કહે મૂકી દયો હથિયારો આ દરબારગઢની વજેરીમાં તાળામાં કશો વાંધો નહિ.
        થોડો સમય માંડવિયાને જાનૈયા અબીલ ગુલાલની ડમરીમાં  ગુંચવાયા ને ફટાફટ કરતા  કાઠી દરબારોએ તલવારો કાઢીને મંડ્યા આડેધડ વિંજવા તો ઘડીકમાં તો અનેક લોથો ઢાળી દીધીને મડદાના ઢગલા થઇ ગયાને લોહીની નદીયું તુરખામાં હાલવા માંડી.
        બીજી બાજુ સુબો જ્યાં ભાગવા જાય છે ત્યાં તો જાનબાઈ હાથમાં તલવાર લઈને કુદી પડીને સુબાની ડોક પર સોય જાટકીને ઘા કર્યો તે માથાને ધડથી જુદું કરી નાખ્યું કે લે તું પરણવા આવ્યો તો ને તો લે કાઠિયાણીનો મિજાજ જોતો જા.
        પણ બીજી બાજુ એવું બન્યું કે જ્યાં એક કાઠી સરદાર સુબાના ઘોડાને સોઈ જાટકીને બરછી  મારવા ગયોને ઘોડો ફરી જતા એ બરછી હલાભા ગઢવીની દીકરી અને જાનબાઈની સોસરવી નીકળી ગઈને બને બહેનો ત્યાં જ કંકુની લોળ જેમ ઢળી પડી.
        આજે પણ આ બને દીકરીઓની તુરખામાં ચામુંડામાતાજીના ડુંગરા ઉપર નાનકડી દેરીઓ છે ને તેના પર લાલ ધજાઓ ફરકી રહી છે.

       

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર