ગામ માટે શહાદત


                                          ગામ માટે શહાદત
કાઠિયાવાડ પ્રદેશ તો પંખીના માળા જેવો રહ્યો છે તો એમાં અનેક રાજકૂળો બહારથી આવીને વસી ગયાને પોતાનો જ પ્રદેશ માનીને કાયમી મૂળિયાં નાખીને ધરતીમાતાને ખોળે રમી રહ્યા,જેમ કે ગોહિલ,ઝાલા,જાડેજા,પરમાર વગેરે એમાંના એક કાઠી કૂળની એક શાખા એટલે ગીડા કે જેઓ રાજસ્થાનના રાઠોડ રાજવંશી તેમના વડવાઓ અહી કાઠિયાવાડમાં દ્વારકાની જાત્રાએ આવી ને વસી ગયા હતા .
      આવા ગીડા કૂળમાં સામત ગીડા કરીને એક સાધારણ કાઠી રહે પણ એની જીગર અને વટની તોલે તો કદાચ મોટો ભૂપ પણ ટૂંકો પડે એવો જોરાવર આદમી કે જેનું ગામ ગુંદાળા અને સામત ગીડા  જીવાઈદાર તરીકે અને ગામના પસાયતા તરીકે નેકદિલીથી નોકરી કરી રહ્યા છે ને ગામને જરાપણ  ચિંતા નથી કે જ્યાં સુધી સામતબાપુ બેઠા છે ત્યાં સુધી તો ગામની કાંકરી પણ કોઇપણ ખેરવી ન શકે પણ માણસ કહે છે ને કે એવામાં પણ ક્યારેક અચાનક તો આફત આવી જ ચડેને સલામતી જોખમાય છે. સામત ગીડાનું પસાયતાપણું બરાબર રંગ લાવી રહ્યું છે ને આસપાસના ગામના ગોંદરે સામત ગીડાની રખાવટ અને મરદાઇના વખાણ થાય છે કે વાહ ભઈ વાહ ગીડા જેવું કોઈનું કાળજું  નહિ હો.
      એ ટાણે સોરઠની ધરતી ઉપર મરદના બાચકા જેવા સીદી ભુંગર અને ઝીણા મહિયા બહારવટે ચડેલ ને તેને મન કોઈ ગામ ભાંગવું એ કાચનો ગ્લાસ ભાંગવા સમાન રમત વાતને ગમે તે ગામે  બાબી સરકારની ગમે તેવી ઝડબેસલાક ચોકી હોય તો પણ ગામડા ભાંગી જાયને પાછા વળી બહારવટિયા છતાંય વસતિમાં પોતાની વાહવાહ ગવાય માટે ગામ ભાંગીને બેનું દીકરીયુંને બોલાવે,ઢોલીને બોલાવી રાસડા ગવડાવેને બધા જે દાન લેવાના ખોળિયા ધરાવતા હોય એવાને દાન દક્ષિણા દે કે જેથી એ લોકો આ બને બહારવટિયાની ગામે ગામ વાહ વાહ કરે આવો એનો નિયમ.
      આ બને બહારવટિયાની આવી વાતો અને નીતિ રીતિને હિસાબે રાવણ હથ્થાવાળાએ તેના ગીત જોડ્યા હતા કે  
      ગઢ ભાંગે ગામડા,
      બિયે બાબી જામ,
      કોપ ભંડા કાળોતરો
      (જેનું ) નાહોર ભુંગર નામ.
આ બહારવટિયાએ નક્કી કર્યું કે થાણાદેવળીના દરબાર લક્ષ્મણવાળા સાહેબ બહુ મોટા દાન ધર્મીને નામશા કાઢેલ દરબાર છે તેઓના કોઈ  ગામ ભાંગીએ,એ માટે બહારવટિયે પોતાના નિયમ મુજબ જાસા ચિઠી લખીને ગુંદાળા રવાના કરી દીધી કે રેવું હોય એમ રહેજો ગુંદાળા કે બીજા ગામ ભાંગીને દરબાર લક્ષ્મણવાળાને કાળી ટીલી બેસાડવી કે કાઠી દરબારોના ગામ પણ ભાંગી તો જરૂર શકાય.
      વધુમાં જાસા ચિઠીમાં લખ્યું કે અમે આવશું ફલાણે દિવસે ફલાણે ટાઈમે તો ત્યાર રહેજો.આવી ચિઠી મળતા તો ગામના પટેલિયાવ ને અન્ય લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા કે માળું આ તો ભારે કરી હો હવે તો રાતે પણ જાગતું જ રેવું પડશે ને ગામ આખું ફડકલે ફાટે છે ને ધ્રુજે છે ને પટેલિયાની આંખમાંથી ઊંઘ તો ઉડીને સાતમે પતાળે ચોંટી ગઈ છે.
            સવારે ઉઠીને સામત ગીડાએ થાણાદેવળીના દરબારગઢ સામે ઘોડી મારી મેલી ને દરબાર લક્ષ્મણવાળા સાહેબને મળ્યા એ આ જાસા ચિઠીની વાત કરી કે બાપુ લ્યો આ ચિઠી.
      દરબારે તો જરાય ચિંતા કર્યા વગર સામત ગીડાને રોક્યા જમાડ્યા પણ સામત ગીડા જવાની ઉતાવળ કરે છે ત્યારે કાઠી રીતમાં દરબાર લક્ષ્મણવાળા સાહેબે મહરમાં કીધું કે હે સામત આપા જો બહારવટિયા ગુંદાળા જ ભાંગે તો ?
      ત્યાં તો સામત ગીડા લાલ ચોળ ધગેલ તાંબા જેવા થઇ ગયાને કહે અરે શું વાત કરો છો બાપુ,રાઠોડ કૂળને લજવું એવો ગીડો નથી હો,તો તો આપને મોઢું ન બતાવું મેં કઈ બીજા પસાયતા જેવી ગપોડ ખીચડી નથી ખાધી મારે મોઢે તો આપનું અન્ન ભરેલું છે.
      દરબાર લક્ષ્મણવાળા સાહેબ કહે અરે ગીડા મોટી મોટી વાતુ કર માં તમે રાજસ્થાન છોડીને તો અહી આવીને રહી ગયા છો ને વળી પોરહ માં તો નથી,ગીડા વાતુ તો બધા મોટી મોટી જ કરે પણ ભીસ પડેને ત્યારે બહાનાની હારમાળા ઉભી કરીને બચી જાય હો.
      સામત ગીડા કહે તો બાપુ આપણે ભેગા છીએ ?.
      સામત ગીડાના આવા જવાબો અને વટની વાતો તો થોડા સમયમાં ચારેય દિશામાં ફેલાય ગઈને બહારવટિયાઓએ પણ સાંભળી કે માળો કાઠી છે ખરો આનું પાણી ઉતરવું પડશે હો બાકી તો ક્યારેક ભારે પડે એવો છે.
      થાણાદેવળીથી સામત ગીડાએ વિદાય લઈ ગુંદાળા આવી રાત દી રાહ જોવે છે કે ક્યારે બહારવટિયા આવે છે?. આવ્યા કે આવશે. સામત ગીડા ચોરે બેઠા બેઠા હોકો ગગડાવે છે,ત્યાં ગામની બટકબોલી કુંભારણ પૂતળીબાઈ નીકળી કહે સામત બાપુ જોજો હો બહારવટિયા આવે ને ગામ ભંગાય ને જો તમે ઘાયલ થાવ તો તમને પાણી પાવા હું આવીશ હો આવો મહર કર્યો. સામત આપાને એક મહર દરબારનો કઠતો ને બીજો આવો મહર કુંભારણે કરતા તે વધુ ક્રોધે ભરાયા કે માણસની જાત મને સમજે છે શું વળી?
      આપા સામત કહે એલી કુંભલી તું તો બહારવટિયા આવ્યા હોય તો કોઠીમાં ગરી જા એવી છો ને પાછી ફૂલ મારશ ત્યારે તો ભલભલાને ઝાડા થઇ જાય ને તું વળી મને પાણી પાવા આવવાની હે તું ભારે લોંઠકી હો પૂતળી ભાભી.
      આવા ગામ ગપાટા હાલે છે ને ત્યાં ગામના ઝાંપે રીડિયા રમણ બોલી કે દયો દયો ને ૧૪ જણાની ટોળકી પંખીના માળા જેવા ગામને પીંખી નાંખવા બંદુકડી ને તલવારુ લઇ ચડી આવ્યા છે.ત્યાં તો ગામને ઝાંપે કુંભારણને જ પેલા ખબર પડી કે એલા આતો સાચુકલા બહારવટિયા આવ્યા તે મરદના ફાડિયા જેવી કુંભારણ ઉપડી સામતબાપુની ડેલીએ કે બાપુ થાવ શાબદા જાન આવી ગઈ છે હો ત્યાં તો બહારવટિયા સામા જ દેખાણા તો સામત ગીડા ઘર તરફ દોડ્યા ત્યારે બહારવટિયા કહે અરે કાઠી થઇ ને ભાગ છ. સામત ગીડા કહે એલાવ ભાગતો નથી હથિયાર તો હાથ ધરવા દે તને મારનારી કાળા મોઢા વાળી લેવા જાવ છુ કહીને ઘરે ગયા ઓરડામાં ફાંફા માર્યા પણ બંદુક હાથ જડી નહિ.
      તો જટજટ તલવાર લઇને સામત ગીડા બહાર આવી ગયા ને બહારવટિયાની વચોવચ જઇ ઉભા રહ્યા કે થાવ ભાયડાને કાઠીની શૂરવીરતા જોઈ લ્યો એમ કહીને સોઈ ઝાટકીને બહારવટિયાને ઝીકી તે એ તો ઢગલો થઇ ગયો પણ બીજા એક બહારવટિયાની બંદુકની એક સામટી લીંડી જેવડી ગોળીઓ આપાને વીંધી સોંસરવી નીકળી ગઈ પણ છતાં સામત ગીડા પડ્યા વિના તલવારનો બીજો ઘા બીજા બહારવટિયા પર કર્યોને તેનું પણ ઢીમ ઢાળી દીધું.
                સામત ગીડાની ઉંમર પણ ઘણી છે ને રાણા સાંગાની જેમ શરીરે અનેક ઘા પડેલા છે પણ છતાં બળ કરીને ત્રીજા બહારવટિયાને સ્વધામ પહોચાડ્યો,બરોબર એવા ટાણે સામત ગીડાના ભાઈ પણ આવી ગયા ને તેણે બંદુકનો અવાજ કરી ચોથા બહારવટિયાને માર્યો પણ સામત ગીડાના ભાઈને એક બહારવટિયાએ તલવાર હુલાવી દીધી તે તેણે ત્યાં જ શ્વાસ છોડી દીધા.
        બીજા ચરકા ચરકી થયેલા ઘાયલ થયેલા લોહી નીતરતા ૧૦ જણા ભાગી છુટ્યા.હવે સામત ગીડા પણ લોહીમાં લથબથ પડ્યા છે તે આખરે તલવારનો ટેકો લઇ ઘુંટણ ટેકવી જ્યાં ઉભા થવા જાય છે ત્યાં તો કુંભારણ પૂતળીએ આવીને સામત ગીડાને પાણી પાયું ત્યારે આ મરદ કાઠીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે વાહ પ્રજાપતિના કૂળ ને બાઈ તે વેણ પાળીને દીપાવી જાણ્યું હો.
        આ વાતની થાણાદેવળી દરબારને ખબર પડી તે બાપુ ખુદ ગુંદાળા ખરખરે આવ્યાને રાજાને શોભે એ રીતે દરબાર ભરીને ગીડાના દીકરાવ ને બે સાંતીની બે કોસની જમીન ઇનામમાં કદરદાની માટે આપી ને માથે જતા જતા બને દીકરાવ ને સોનેરી મૂઠવાળી તલવાર બંધાવી કે તમારા બાપ જેવા માણસો હશે ત્યાં સુધી મારા ગામની વસતિને કદી ઉની આંચ નહિ આવે. આ બે ભાઈઓએ ગામને માટે બલિદાન દઈ દીધા  એની આજે પણ ચોરે ગલીએ ડાયરામાં બલિદાનની વાતો હોંશેહોંશે કરે છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર