ષ્ટપ્રજ્ઞસ્વામી


ષ્ટપ્રજ્ઞસ્વામી
ઝાલાવાડમાં એક મોટું તીર્થ ધામ આવેલું છે જેનું નામ છે વડવાળાની જગ્યા દૂધરેજ. જ્યાં સુરેન્દ્રનગરથી ધાંગધ્રા જતા રોડ પરથી જવાય છે જોકે આજે તો સુરેન્દ્રનગર આડુંને ઉભું ફાલતા દૂધરેજ ને સાવ અડી ગયું છે.દૂધરેજ ગામને અડીને થડમાં ચાલતી નદી ઉમઇ (ઉમગંગા) છે તેના કાંઠે જ આ ધામ ઉભું છે.એ ધામના રસપ્રદ જાણવાને પ્રેરણા લાયક ઇતિહાસની વાત કરવી છે.
ઝાલાઓના મૂળપુરુષ એ હરપાલદેવ છે એ હરપાલદેવને રાણી શક્તિદેવીથી  સોઢોજી,માંગુજી અને શેખરોજી નામના ત્રણ  કુંવરો અને  એક કુંવરી ઉમાદે થયા હતા. એમાં  એક દિવસ હસ્તીશાળાનો એક મદોન્મત હાથી પ્રલયકાળની ગર્જના કરતા કરતા છૂટી ગયો અને દોડતો દોડતો ચોકમાં આવી ગયો,આખા ચોકમાં હાહાકાર મચી ગયો વેપારીઓ દુકાન બંધ કરી અંદર ઘુસી ગયા,જયારે હાથી તો આગળ વધી રહ્યો હતો,બધા પોકારો પાડવા માંડ્યા કે હાથી ગાંડો થયો છે છતાં આ કુંવરો તો નિર્ભયતાથી રમી રહ્યા છે. હાથી હવે તો ત્યાં જ આવી ગયો અને આ રાજકુમારોને ઝપટમાં લે તેમ છે ત્યાં તો પરમ સુશોભિત શક્તિ રાજભુવનના  ઝરુખે બેઠા બેઠા જોતા હતા તેમણે આ દ્રશ્ય જોઇને તરત જ ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કર્યું અને માયાથી ચારે હાથ લંબાવીને ત્રણેય કુમારને ઝાલી લીધા અને ચોથા ચારણના છોકરાને ટાપલી મારી તેથી તે દૂર જઇ પડ્યો આ ચારણના તે પછીના વંશજો ટાપરિયા તરીકે ઓળખાયાને આ ઘટના સુધી આ કુમારોના વડવાઓ માર્કંડેયઋષિ ના વંશજ મખવાન કે મકવાણા તરીકે ઓળખાતા હતા તેને બદલે હવેથી માતાજીએ ઝાલ્યા માટે ઝાલા તરીકે ઓળખાવા લાગ્યા એવા ઝાલાકુળના બે રાજકુમારોની આ વાત છે.
 પાટડી ઝીઝુંવાડાના રાજકુળમાંથી બે રાજકુમારોએ એક ઘટનાના બળપ્રતાપે પોતાનું આખું આયખું બદલી નાખ્યું અને સાધુ બની ગયા તેની વિસ્તારથી વાત માંડવી છે.પાટડીના ગાદીપતિ રણમલજી ઝાલાને બે કુંવરો હતા એક સોઢમલજી ને બીજા વનવીરજી. એમાં વનવીરજીના કુમાર કુંભાજી થયાને કુંભાજીના યોગરાજજી થયા. યોગરાજજીના રાણી ગંગાદેવી એટલે તો યથાનામા તથા ગુણ જેવા પરમપુનિતા સતી હો. રાણી ખૂબ ભક્તિ પરાયણ હતા ને યૌવનના ઉંબરે પગ દેતા જ સંયમના નિયમો પાળતા હતા  ને નળેશ્વર ભગવાનની ઉપાસના કરતા હતા.
      એવામાં એક દિવસ શ્રાવણ માસમાં ગંગાદેવી પૂજા કરીને જ્યાં આડા પડ્યા ત્યાં તેમને સ્વપ્ન આવ્યું કે જા તારા પેટે એક દેવી પુરુષ અવતરશે કે જે મહાન સંત થશે.એ પછી થોડા સમયમાં ગંગાદેવીને ઓધાન રહ્યુંને ચારે બાજુનું વાતાવરણને સમય મંગલમય લાગવા લાગ્યો,મોર ટહુકા કરે છે,વરસાદ ધરતીની તૃષા છીપાવી રહ્યો છે,પુષ્પોના પરાગ બંધાય રહ્યા છે જાણે કે સૃષ્ટી  કોઈક અનોખું જ રૂપ ધારણ કરી રહી છે,એવા સમયે અભિજિત નક્ષત્રમાં યોગરાજજીના રાજમહેલમાં કુંવર જન્મના વધામણા થયા છે.
      ચારેબાજુ આનંદ બેવડાયો છે, યોગરાજજીએ તો સુવર્ણ,ચાંદીને ગાયોના દાન દીધા છે અને બ્રાહ્મણો યાચકોને ખુશ કરવામાં કોઈ ખામી રાખી નથી,કવિઓ,ચારણો,બારોટો ઝાલા રાજકુળની જાત જાતની રસિક બિરદાવલીઓ ગાવા મંડ્યા છે.
                આ ગંગાદેવીને પાંચ કુંવર (૧) સામંતસિંહજી  (૨) આંબાજી (૩) અજયસિંહ (૪) મેંગલજી (૫) મેળાજી અને એક કુંવરી ચંપાબા સંતાનમાં હતા. જેમાં સૌથી મોટા કુંવર સામંતસિંહજી નો જન્મ વિ.સં. ૧૬૬૮ અષાઢ માસ પૂનમના રોજ થયો હતો, જે યુવરાજ હોવાથી તેમને ખાસ તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી,જેની જાહોજલાલીમાં તો શું ખામી હોય તેમને તમામ શાસ્ત્રો અને શસ્ત્રોને વેદ વેદાંગ વગેરે પઢાવ્યામાં આવ્યા હતા.
        એવામાં એક દિવસ સામંતસિંહજી  તેમના નાના ભાઈ સાથે શિકારે નીકળ્યાને ઝિલકા નદીને કિનારે એક નિર્દોષ હરણનો શિકાર કર્યો પણ આ સમયે ત્યાં બિરાજતા યાદવ સ્વામીએ આ શિકાર થતા જોયોને તેનું તો સાધુનું ખોળિયું તો તે જોઇને તેમનામાં  કરુણા પ્રગટીને તેમણે હરણને  સંજીવની વિદ્યાબળે હરણને સજીવન કર્યું અને બંને રાજકુમારોને ભર્યોભર્યો ઠપકો આપ્યો કે તમે કોઈને જીવન આપી શકો છો તો આ રીતે શું કોઈ મૂંગા પ્રાણીનો જીવ લેવાનો તમારો હક્ક હોય શકે ?
        બને રાજકુમારો તો અચંબામાં પડી ગયા કે હા હો સાચું આપડે આ સાધુની જેમ કોઈને જીવતા તો નથી જ કરી શકતા. આ દ્રશ્ય જોયા પછી બને રાજકુમારોનું જીવન પલટાઈ ગયુંને ત્યાંને ત્યાં જ બને એ પોતાના હથિયાર ભાંગી તોડી નાખ્યા અને ઝીઝુંવાડાના રાજમહેલમાં જઈ  માતાપિતા પાસે હાથ જોડી રજા માંગી કે અમે હવે આ સંસારની મોહમાયા માંથી છૂટી જવા માંગીએ છીએ. માબાપ છે ને ભલેને એ પછી રાજા કેમ નથી તેણે શરૂઆતમાં આનાકાની કરી પણ આખરે હા પાડીને બને રાજકુમારોને જવા દીધા.
        આ પછી યાદવસ્વામીએ સામંતસિંહજી અને આંબાજીને વિ.સં. ૧૬૮૬ ભાદરવા સુદ ૫ના રોજ ભગવા વસ્ત્રો પહેરાવ્યા ને નામ આપ્યા સામંતસિંહજીનું નામ ષ્ટપ્રજ્ઞસ્વામી ને આંબાજીનું  નામ અમરચૈતન્યસ્વામી.
        આ ષ્ટપ્રજ્ઞસ્વામીએ એક દાતણની ચીર દૂધરેજ ગામે ફાગણ સુદી ૧૫ના રોજ રોપેલીને તેને ફાગણ વદી પ્રતિપદા એ કોંટા ફૂટયા ત્યારે ષ્ટપ્રજ્ઞસ્વામીએ આજુબાજુની રબારીઓની દીકરીઓને કીધું કે બેટા તમે મને દૂધ પાવા આવો છો તેના કરતા આ વડલાને પાવને એ અબોલ વૃક્ષ થોડું બોલી શકે છે કે મને પાવ. આથી રબારીઓની દીકરીયુંઓએ  રોજે રોજ કોંટા ફૂટેલા વડને દુધને પાણી પાવા માંડયું ને જોત જોતામાં તે દાતણની ચીર માંથી એક મોટો વડ થયો, તે આજની દૂધરેજની વડવાળાની જગ્યા.
        આ વડવૃક્ષના સ્મરણ વાટે એ મહાનુભાવ યોગીન્દ્ર સ્વામીની સ્મૃતિને જાળવવા આ ધામને લોકો વડવાળા ધામ તરીકે ઓળખે છે. આ વડવાળાધામમાં વડને પ્રથમ અંકુર ફૂટ્યાની તિથી ફાગણવદી પ્રતિપ્રદાના રોજ વટોત્સવ નામનો મહોત્સવ ઉજવાય છે.આજ તો આ દૂધરેજની જગ્યા ખૂબ જ ફૂલી ફાલી છે અને રબારીઓનું મોટું તીર્થધામ બન્યું છે.
        ષ્ટપ્રજ્ઞસ્વામીનો વિ.સં.૧૭૮૬ ચૈત્રવદ અમાસના દિવસે ૧૧૮ વર્ષની વયે દેહવિલય થયો હતો.આ ષ્ટપ્રજ્ઞસ્વામીને આપડા ભલાભોળા કાઠિયાવાડી માણસની જીભનો લવો સરખો ન વળી શકતા તેમણે તો તેમને છઠા સામીના (સ્વામી) નામે જ  ઓળખતા હતા.
        ષ્ટપ્રજ્ઞસ્વામીએ સમાધિસ્થ થતા પહેલા પોતાની પાસે રહેલો બેરખો તેમના શિષ્ય લબ્ધરામજીને આપ્યોને કહ્યું કે જાવ જેને કોઈને હડકાયું કૂતરું કરડે તેને આ બેરખો છાશમાં બોળીને તે છાશ પાઈ દેશો તો તેને હડકવાનું ઝેર ચડશે નહિ,આજના કળિયુગ અને વિજ્ઞાનના જમાનામાં પણ હજુ લોકોમાં આ શ્રદ્ધા અણનમ  અડગ રહી છે અને હડકવાના અનેક દર્દીઓ ત્યાં છાશ પીવા આવે છે.
        આ વડવાળાધામ નું મૂળ અસલ સૌપ્રથમ મંદિર ષ્ટપ્રજ્ઞસ્વામીએ જ બંધાવ્યું અને તેમાં ભગવાન ભોળાનાથ અને ભગવાન રામની મૂર્તિઓ પધરાવી હતી.આ પછી ષ્ટપ્રજ્ઞસ્વામીએ અને અમરચૈતન્ય સ્વામીએ અનેક સ્થળોની યાત્રા કરી લોકજાગૃતિ અને સેવાનું કાર્ય કર્યું,આ સમય દરમ્યાન તેમનો પરિચય ગોંડલિયા સાધુઓના મૂળ પુરુષ લોહલંગરીબાપુ (જીવણદાસ) સાથે થયો ને એકબીજાથી પ્રભાવિત બન્યા અને બને એ એક બીજાના પ્રતિકો સ્વીકાર્યા જેમાં ષ્ટપ્રજ્ઞસ્વામીએ લોહલંગરીબાપુ પાસેથી ‘દાસ ’ની પદવી અને તુલસીમાળા અંગીકાર કર્યા હતા.જયારે લોહલંગરીબાપુએ ષ્ટપ્રજ્ઞસ્વામી પાસેથી ભગવો અંચળો અને સમાધિનો સ્વીકાર કર્યો હતો. આ ઘટના સાધુ સમાજમાં એકબીજાના સારા તત્વો સ્વીકારી એકબીજાનું મહત્વ વધારનાર અને એકતા ફેલાવનાર ગણાય છે. હા અને એ જ સાચું છે ને કે આપણે આખરે તો અખંડ અને અમરતત્વની પૂજા કરીએ છીએ. લોહલંગરીબાપુએ ગોંડલમાં ગોંડલી નદીને કિનારે એક જગ્યા સ્થાપી તેમાં એક વડ વાવ્યો તેને માટે પાણી તો દૂધરેજથી લાવીને પાવામાં આવ્યું હતું આમ બે સાધુઓએ એકબીજાની વિધિ વિધાનો સ્વીકારી ઈશ્વરીય એકત્વ અને મિત્રતાનો સંદેશ આ દુનિયાને આપ્યો છે.
નોંધ: ષ્ટપ્રજ્ઞસ્વામીના પ્રથમ શિષ્ય ચાણસ્મા ગામના દેસાઈ લાધાભાઇ અન્ય અને તેઓ ઘરસંસાર છોડી દૂધરેજ આવતા રહ્યા અને ષ્ટપ્રજ્ઞસ્વામીના શિષ્ય બન્યા અને તેમને લબ્ધરામજી નામ આપવામાં આવ્યું. ષ્ટપ્રજ્ઞસ્વામીના બીજા શિષ્ય જતવાડ ના વારાહી ગામના ભાણાભાઈ બન્યા એજ રવિભાણ સંપ્રદાયના ભાણસ્વામી પોતે. આ ઉપરાંત કંકાવટીના રૂડારામ અને રણધીર,ચુલીના ચંપાબાઈ,બાવળીના હીરબાઈ,જસોદાબાઈ,કાનજી,ધનજી એમ અનેક શિષ્યો બન્યા હતા.
               
       
       


Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર