હરણના શિકાર માટે બલિદાન


હરણના શિકાર માટે બલિદાન
અમરેલીના પડખામાં જ નાનુ એવું પણ રળિયામણુને પારેવાના માળા જેવું ગામ પીપળલગ આવેલું છે,આઝાદી પહેલા આ ગામ વાઘાણી પેટાશાખાના વાળા દરબારોનું હતું.આ ગામના વાળા દરબારો એટલે ભાવનાશીલ,ત્યાગ,રખાવટ અને ઈતિહાસ ઉપર મરી ફીટનારા,વાળા દરબારનું એકેય નાનુ છોકરું પણ એવું ન નીકળે કે પોતાના પૂર્વજની કિર્તીગાથા કે રીતરિવાજ કે પ્રણાલિકાથી આડુઅવળુ જોવાનું સ્વપ્ને પણ  વિચારે. એટલા બધા પૂર્વજો પ્રત્યેના આશિક અને નીતિ રીતીને જાળવી રહ્યા હતા એમાં વળી એક ઘટના એવી બનીકે વાળા દરબારો પોતાના પૂર્વજની હરણની આંખોથી બચ્યા હતા,તેની યાદમાં અને કદરરૂપે કદી કોઇપણ વાળા દરબાર હરણનો શિકાર કરતા નહોતા કે કોઈને શિકાર કરવા દેતા નહોતા.એવા સમયે અમરેલીમાં ગાયકવાડના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટનો એક માણસ મકરાણી શિકારનો એવો જબરો શોખીન તે કાયમ રજાના દિવસોમાં અમરેલીની બહાર નીકળી જાયને જ્યાં શિકાર જુએ ત્યાં પોતાની કાળમુખી માંથી ભડાકો કર્યા વિના રહે જ નહિને ત્યાં પછી બીજું કઇ આડું અવળું જોવે જ નહિને શિકાર એટલે શિકાર.બીજાનું અને પ્રજાની લાગણીનું જે થવું હોય તે થાય.
      એક દિવસ એણે પીપળલગની સીમમાં વાળા દરબારોના રક્ષણના હિસાબે જાજા બધા હરણના ટોળા ફરતા હોવાનું તેણે સાંભળ્યુને એ તો આવ્યો પીપળલગની સીમમાં શિકાર કરવા આવ્યોને જ્યાં પીપળલગના ખેતરોમાં તેણે પગ મૂક્યો ત્યાં હરણાઓને જાણે કે તેની સુગંધ આવી જતા ૧૦૦ની ઝડપે માંડ્યા ભાગવા ત્યારે શિકારીએ પાછળ ઘોડી દોડાવીને મારતે ઘોડે કર્યો ભડાકો પણ એકેય હરણને ગોળી વાગી નહીને તે  મકરાણી શિકારીનો મૂડ જ માર્યો ગયોને તે વધુ ખિજાયો કે શું આજ ક્યાંક શિકાર વગર પાછુ જવુ પડશે કે શું?
      પરંતુ શિકારીના આ બંદુકના અવાજ ગામના પાદરમાં સંભળાયો,ગામના ઘણાખરા વડીલ દરબારો બહારગામ ગયેલા છે પણ જેની મૂછનો દોરો જ હજુ ફૂટ્યો છે એવા ૨૦-૨૨ વર્ષના ભગુભાઈ બાપુભાઈ  વાળાએ આ અવાજ સાંભળી એતો નવાઈ પામ્યા કે આપડી સીમમાં વળી બંદુકનો અવાજ શેનો તે તરત જ ઉભા થઇ આડા અવળા જઈ તપાસ કરે છે કે શું છે આ બધું.
      એટલામાં તો ગામના પાદરે સીમમાંથી દોડતો હાંફતો હાંફતો એક ખેડૂત આવે છે ને ભગુભાઈ વાળાને કહે બાપુ આપણી સીમમાં કોઈ શિકારી આવી ચડ્યો છેને હરણાંઓનો શિકાર કરવા માંગે છે પણ એક બે અવાજ તેના નિષ્ફળ ગયા છે ને છતાં તે હરણાં પાછળ આગળ ગયો છે.
      આટલું સાંભળતા જ ભગુભાઈ વાળાને વાળાને હરણાંની આંખોએ જે વાળાને બચાવ્યાની વાત યાદ આવી ગઈને પોતાના પૂર્વજો આ ગામની સીમમાં કદી પણ હરણાંનો શિકાર કોઇપણ ચમરબંધીને કે ફાટેલને કરવા દેતા નથીને આ વળી શું જો તે હરણાંનો શિકાર કરે તો તે વાળાની પ્રતિજ્ઞા પણ તુટે આથી એમના તો રુંવાડા અવળા થઈને ઠરડાઈ ગયાને કમળ જેવું પ્રફુલ્લિત મુખ ધગેલ તાંબા જેવું થઇ ગયુને ત્રાડ પાડી બોલી ઉઠયા કે શું વાળા દરબાર નો દીકરો બેઠો હોઉંને મારા ગામમાંથી કોઈ હરણાંનો શિકાર કરી જાય એ તો કદી પણ બને જ નહિ.
      આથી તરત જ પાદરમાંથી પાછા વળી દરબારગઢમાં જઈ ખીંટીએથી બે ભડાકાનો જોટો ઉતારીને ખંભે ચડાવીને ઘોડી પર પલાણ માંડીને પુરપાટ સીમમાં તીરની જેમ વછુટીને પળવારમાં તો ભગુભાઈ વાળા શિકારીની પડખે પહોંચી ગયાને લાંબા સાદે પડકારો કર્યો કે એલાવ કોણ છો ?એટલી ખબર નથી કે આ વાળા દરબારોનું ગામ છે ને અહી કોઇપણ હરણનો શિકાર કરી શકતા નથી ને તમે વળી ક્યાં આંખ્યું વિંચીને હાલ્યા આવો છો,તો પળવારમાં પીપળલગની સીમ છોડીને છુમંતર થઇ જા.
      આવા કડવા અને સ્પષ્ટ શબ્દો મકરાણી શિકારીને કાને સંભળાતા એ પણ રાતોપીળો થઇ ગયો એક તો તડકો અને વળી શિકાર પણ છુટી ગયેલો એમાં પાછો લટકામાં દરબારનો ઠપકો મળતા પોલીસખાતાનો માણસ હોવાથી એ પણ અહંમે ભરાયો કે જા જા હું કોણ છુ એ તને ખબર છે ને  વળી આ હદ તો ગાયકવાડ સરકારની છે તો તમે કેમ ઠાલા મફતના રાતાપીળા થાવ છો એમ કહેવા માંડ્યો,આટલું સાંભળતા તો ભગુભાઈ વાળા વધુ ખીજાયાને ફટાક દઈને ખંભેથી જોટો ઉતારીને કટ દઈને ઘોડો ચડાવ્યો ત્યાં શિકારીએ પણ સમય પારખીને પોતાની બંદુક લાંબી કરી ત્યાં તો ભગુભાઈ વાળાએ ભડાકો કર્યો પણ શિકારી માથું નમાવી ગયો તે ગોળી ચરકતી ગઈને એ પડી ગયો પણ પાછો ઉભો થઈ ગયો.
      ભગુભાઈ વાળા બીજીવાર બંદુક ભરવા લાગ્યા ત્યાં તો સમય પારખું શિકારીએ પોતાની બંદુકમાંથી ભડાકો કરી દીધો ને ગોળી ભગુભાઈ વાળાના ડાબા પડખામાં આરપાર નીકળી ગઈને એ પડી ગયા.
      આટલામાં બહારગામથી વડીલો આવી ગયેલાને દેકારો સાંભળતા ભગુભાઈ વાળાના કાકા મોટા બાપુના દીકરા ભાઈ ભાણભાઈ ચાંપરાજભાઈ વાળા આવી પહોચ્યાને જ્યાં જુએ ત્યાં તો ભગુભાઈ વાળા નીચે પડ્યા છે ને તેણે જોયું કે શિકારી નિશાન તાકી રહ્યો છે.
      આથી એ હરણાં અને ભાઈના ઘાયલ થવાના કારણે બમણા જોરથી શિકારી તરફ વળ્યાને શિકારી નજીક આવતા ભાણભાઈ વાળાએ બરાબર નિશાન તાકીને બંદુક ચલાવી તે શિકારી ડફ દઈને ઘોડા ઉપરથી ભફાંગ દઈને હેઠો પડ્યો ને શિકારીએ અરર માડી કહી રાડ પાડી ને શિકારી એ  ત્યાં જ પ્રાણ ખોયો.
      બરાબર આ સમયે જ હરણાંનું ટોળું ફરર કરતુ નીકળ્યું કે હાશ હવે શિકારીની બલા ટળી એમ કહી વિચારતું  ગયું કે અમારી બે આંખોના બલિદાને તો અમારી આખી નાતને બચાવી લીધી છે તો આ વાળા દરબારો કાયમ અમારું રક્ષણ કરતા આવ્યા છે તો તેનું અભરે ભરાજો.
      બીજીબાજુ ભગુભાઈ વાળા ઘાયલ અવસ્થામાં જ સાજા થવાની આશાએ જીવતા રહ્યા અને  રાજકોટના વિખ્યાત સર્જન ડૉ. દસ્તુરને બોલાવ્યા અને તેમનો એક હાથ કાપવો પડ્યો પણ છતાં સારું ન જ થયું અને આખરે શ્વાસ છોડ્યા ત્યારે એમ બોલતા રહ્યા કે મેં પૂર્વજની પ્રતિજ્ઞા પાળવા માટે જ જીવ દઈને સ્વર્ગમાં પણ વડવાઓને રાજી કર્યા છે કે અમારી પેઢીમાં હજુ ઈતિહાસ,ગૌરવ અને અભિમાન અને પિતૃપ્રેમ મુરજાયો તો નથી.
કથાબીજ સૌજન્ય. વાળા ભૂપતભાઈ દેવાભાઈ- પીપળલગ


Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર