પરદુઃખભંજન મૂળુ માણેક --ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
પરદુઃખભંજન
મૂળુ માણેક
ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
કાઠિયાવાડની ધરતી પર અનેક બહારવટિયાઓ એકે એક દેશી રજવાડામાં થયા હતા .એમાંના મોટા ભાગના તો પોતાના કોઈ અન્યાય કે પારકાના અન્યાયને લઈને પણ
બહારવટે ચડેલાને અંગ્રેજો અને રાજાઓને મોઢે ફીણ લાવી તોબા પોકારાવી દીધા હતા.ભલે અંગ્રેજોને રાજવીઓ રાજસતાના માલિક હતા,તેની પાસે ફોજ હતી,બળ હતું, નાણા હતા પણ બહારવટિયાની સામે તો એ બધું જ ટૂંકું અને વિસાત વિનાનું
થઇ પડયું હતું. એક જ બહારવટિયાને મહાત કરવા માટે
રજવાડાઓ પણ હાંફી જતા હતા,એવા વાઘેર બહારવટિયાઓને હરાવવા અંગ્રેજ
સરકાર,જૂનાગઢ,જામનગર,પોરબંદર રાજ્યની એમ ચાર ફોજે ભેગા
મળીને કામ કરવું પડ્યું હતું ને એ બહારવટાનો અંત માછરડાની ટેકરી પર
આણ્યો હતો. એવા એક નેક દિલ અને ઓખાનો રાજા ગણાય
એવા એવા મૂળુ માણેકના બહારવટાના એક પ્રસંગની આજ વાત માંડવી છે. એક કાળે આ ધરતી પર કેવા દયાળુ અને ન્યાયનો
પક્ષ લેનારા માણસો પાક્યા હતા કે જેઓ
બીજાના દુઃખને અન્યાયને પોતાનો અન્યાય માની બેસતા હતા.
આવા પરદુઃખભંજન ઓખામંડળના બહારવટિયા જોધો માણેક અને મૂળુ માણેક હતા .આ વાઘેર બહારવટિયાઓને ગાયકવાડ સરકાર અને અંગ્રેજોએ અન્યાય કર્યો અને
બેટ દ્વારકા અને દ્વારકા પર તોપું
મુકાણીને મંદિરો પણ ઉડાવી દેવાયા ત્યારે આ વાઘેરો એ જબરી ટોળી ઉભી કરીને બ્રિટીશ
સરકારની શાન ઠેકાણે લાવવા અનેક લાંઘણો કરી ઉજાગરાને રજળપાટ કરી બહારવટું આદર્યું, આ બહારવટામાં નીતિ ધર્મનું
ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું જેમાં સ્ત્રી,બ્રાહ્મણ,ચારણ,વિષ્ટિકાર કે નબળાને કદી રંજાડવામાં આવતા નહિ. અરે એના બહારવટાનો એકે એક પ્રસંગ જોવો તો આજે પણ આપણને તેની ખાનદાની
અને રખાવટ પર ઓળઘોળ થઇ જવાનું મન થઇ જાય કે વાહ જણનારીએ
જણ્યા છે હો, જો આવા જ નરપુંગવો જ આ ધરતી ઉપર પાકતા હોત તો કદી પણ કોઈને અન્યાય
રહેત નહી ને પોલીસ ને ન્યાયાધીશો કાયમને માટે નવરા જ બેઠા રહેતા હોત !
મૂળુ માણેક વડોદરાની જેલ તોડીને પાછો કાઠીયાવાડમાં આવ્યો છે ને
માધવપુરના માધવરાયના મંદિરના દરવાજા ખોલાવી પોક મૂકી રડેલો એ મૂળુ માણેક .
પોરબંદર પંથકના ગામડાઓ ધમરોળી રહ્યો છે,લોકો તેને ઓખાનો રાજા માની રહ્યા છે,બરાબર આવે સમયે એક રાંડીરાંડ બાઈ સુતારના દીકરાનું સગપણ થયેલું પણ
તેને તેની સાથે ન પરણાવતા જેને બીજે દેવાય
ગઈ છે સવેલી ઉપાડ્યા જેવું બન્યું છે.
સુતારની આંખ માંથી ઊંઘ ઉડી ગઈ છે રાત દિવસ સુતાર તો વિચારો જ કર્યા
કરે છે કે જો આ લગન નહિ થાય તો મારી રાંડી
રાંડ માને તો બિચારીને આખી જિંદગી દુઃખના જ દાડા રહેશે,આથી બિચારો આના માટે દરદર ભટકી પોતાને થયેલા અન્યાયની વાતો માંડી
રહ્યો છે,પણ દરેક તેને ઠીક લાગે એવા રસ્તા બતાવે
ને આશ્વાસનો આપે છે.છેવટે સુતારે પોતાની નાતને પણ વાત કરી,નાત પટેલના કહ્યા મુજબ રૂપિયા ભર્યાને જમણવાર કર્યો પણ છતાં સુતારનું
કામ થયું નહિ ત્યારે બિચારાને થયું કે હવે તો પોરબંદર જઈને મહારાણા વિક્માતજીને આ સામાજિક
અન્યાયની વાત કરું તો કાંક મારું ગાડું ગબડેને સામાવાળા ઢીલા પડે,પરંતુ રાજ તો આવા કામમાં શેનું આડું પડે કે તને કોક કન્યા પરણાવતું નથી તો અમે તારો રસ્તો કરી દઈ? પણ છતાં ડૂબતો માણસ તરણું પકડે એમ સુતાર તો ગયો છાયાના દરબારગઢમાં ને માંડીને વાત કરી તો રાજ વાળા એ સાંભળીને
કહે અરે ભાઈ ! તારી નાતના કામમાં રાજને વચે પાડીને
તું શું કામ અમારો સમય બગાડે છે .
આવું સાંભળી બિચારો સુતાર લાચાર બની પાછો દરબારગઢમાંથી પોચા પગલે વળી રહ્યો છે ત્યારે તેને
ઓખામંડળ બહારવટિયાઓ પોતાની મદદે આવશે એવું ઓહાણ આવ્યું તો એ ગામેગામથી મૂળુ માણેકના ઠામ ઠેકાણા પૂછતો આવ્યો અને મૂળુ માણેકના પડાવના ઠેકાણે પહોચ્યો ત્યાં તો
ચોકી કરતા પહરેદારને અચરજ લાગી કે આ સુતાર વળી અહી શું કામ આવ્યો હશે ? આપણે કયા ગઢના
કમાડો અહી ઘડાવવા છે ? નજીક આવીને સુતાર માંડીને વાત કરે છે કે હું બધે થી હારીને
આવ્યો છું ને મને અન્યાય થયો છે આ બાબતે મને મદદ કરો, ત્યારે પેલા તો મૂળુ માણેક ખિજાયો કે શું અમે કોઈને પરણાવવા નીકળ્યા
છીએ જા જા .
પણ આખરે સુતારની લાંબી અને મનદુઃખી વાત સંભાળતા મૂળુ માણેક નું દિલ પીગળી ગયું કે લે સુતાર હું હવે તારું દુઃખ
ભાંગુ નહિ ને તને ત્યાં જ પરણાવું નહિ તો વાઘેર મટી જાવ .બસ
વળી પાછો મૂળુ માણેકના મનમાં વિચાર આવ્યો કે ક્યાંક આમાં અવળું ન કરી
બેસું હો .નહીતર માધવરાય મારી ભેગા નહિ રહે, તો સુતારને પૂછ્યું કે હેં સુતાર કન્યાને તો તારી સાથે પરણવાની
ઈચ્છા છે કે નહિ ? સુતાર કહે હા બાપુ એ તો પરણવા રાજી જ છે .
મૂળુ માણેકે હવે સુતારને પરણાવવાના વચનને સીલ માર્યું અને કહે જો
સુતાર અમારી એક શરત તારે પાળવી પડશે હો,અમે તને
પરણાવશું ખરા પણ તારે પરણ્યાની પેલી રાત
સિવાય વધુ એક રાત પણ ઘરે રહેવાનું નહિ હો ? અને અમારી સાથે
જ પછી હાલી નીકળવું પડશે હો ?
સુતાર થોડો ખંચકાયો પણ સામાવાળાની ખીજ અને પોતાની મનની માનેલીને
સવેલી બનાવી કોઈ ન ઉપાડી જાય માટે મંજૂર થઇ ગયો.
વાઘેર બહારવટિયાઓએ સુતાર
પાસે થી બધું જાણી લીધું કે જે દી જાન
નીકળે તે દી જ વચેથી રોકી લેવીને એ જ
કન્યા સાથે સુતાર ને પરણાવવો. હવે બહારવટિયાઓ ઓડા બાંધી બેઠા છે
ત્યાં તો લગન ગીતના જકોર બોલતા સાંભળ્યાં ને તરત બધા બહારવટિયા જાનને ઘેરી વળ્યા
કે ખબરદાર કોઈ દેકારો મચાવતા નહિ વરરાજાનું જ અમારે કામ છે એમ કહી વરરાજા પાસે આવી
તેના શરીરેથી તમામ શણગાર ઉતરાવી લીધોને, એ બિચારા પેલા ગરીબડા
સુતારને પહેરાવ્યો, પેલો વરરાજો તો બિચારો નીમાણો થઇ પડ્યો
સામે બહારવટિયા ઉભા છે કશું બોલે તો ચગચગતિયું સગી ન થાય એ જાણે છે.
આ રીતે સુતારને શણગારી વરરાજો
બનાવી જાનડિયું પાસે પાછા ગીત
ગવરાવી પેલી સવેલી ઉપાડી જનારની જ બેન પાસે લુણ ઉતરાવી સુતારને ચાર ફેરા ફેરવ્યા
ને સુતારને થયેલ અન્યાય રોકાવ્યો.
વિશેષ નોધ :
આ વાઘેર બહારવટિયામાં જોધો માણેક ગીરમાં તાવને કારણે મૃત્યુ પામ્યો
જે જગ્યા આજે જોધા આંબલી તરીકે ઓળખાય છે અને તેના બે ભત્રીજામાં દેવા માણેકનું મોત
માછરડાની ધાર પરની તા.૨૯-૧૨-૧૮૬૭ની લડાઈમાં થયુંને ને મૂળુ માણેક
નું મોત પોરબંદર પાસેના વાછોડા ગામના ધીંગાણામાં તા .૭-૫-૧૮૬૮ના રોજ થયું.
Comments
Post a Comment