જાડેજાઓનું ગાયો માટે બલિદાન ડૉ. પ્રદ્યુમન ખાચર
જાડેજાઓનું ગાયો માટે બલિદાન
ડૉ. પ્રદ્યુમન
ખાચર
ભાવનગરને ઇ.સ.૧૭૨૩માં
મહારાજા ભાવસિંહજીએ વસાવ્યું એ પહેલા ત્યાં વડવા નામનું એક ગામડું હતું. ભાવનગરને ચાર દરવાજા હતા. (૧) ઘોઘા દરવાજો (૨) ખાર
દરવાજો (૩) રૂવાપરી દરવાજો (૪) વરતેજ
દરવાજો .જેમાં ઘોઘા દરવાજાની બહાર આ ઘટના બની હતી. ભાવનગરમાં પ્રજાવત્સલ ગોહિલ કુળનું
રાજ છે.રાજ્યની ગાદીએ એકથી એક ચડિયાતા રાજવીઓ આવ્યા છે. ભાવનગરમાં ઘોઘા દરવાજાની
બહાર ચાડીકા ધાર આવેલી હતી ત્યાં ઝુંઝા નામનો ભરવાડ જોક બાંધીને રહેતો હતો,એ
જમાનામાં ગામની બહાર રહેવું એ જબરું જોખમ ગણાતું મારે તેની તલવાર અને જીતે તેનું
ગામ ગણાતું આવો જમાનો હતો.અવારનવાર લુંટફાટ કરનારા અને જંગલી પશુઓ સિંહ,દીપડા ચડી
આવતા હતા પણ માલધારીને બિચારાને ગામની અંદર રહેવું કેમ પોષાય ?
આ ભરવાડની ચાડીકા
ધારની જોક પર એક દિવસ ઓચિંતા જ સમી સાંજે જતોનું ટોળું ચડી આવ્યું અને ગાયોને
છોડવા માંડી ત્યાં તો નેસમાં રીડિયારમણ બોલી ગઈ કે દોડો દોડો કોઈ આપડી ગાવડિયું
હાંકી જાય છે ત્યાં તો ગોવાળણોની ચીસોથી એકલો ઝુંઝો ભરવાડ બહાર આવ્યો ત્યાંતો સામે
સામટા જતો હાથમાં હથિયારો લઇને ઉભા છે.ત્યારે ભરવાડે બીજા ભરવાડોને પડકારો કર્યા
કે જુવાનો જો જીવતર વાલા હોય તો જોકમાંથી બહાર નીકળો નહીતર ઘરવાળીયુંના ચુડા
નંદવાઈ જશે.
હવે ભરવાડ જતોને
ગાયોને છોડીને આગળ લઇ જવા દેતો નથી અને રકજક કરે છે,ત્યાં તો ભરવાડના શરીર પર
ટપોટપ લાકડીઓના ઘા વીંજાવા માંડ્યા એ જોઈ તેની ગાયો કળી ગઈ અને ભરવાડ આગળ દોડીને
ગઈને જતોની લાકડીઓ ગાયમાતાઓ ખમવા માંડી પણ જતોની અનેક લાકડીઓની રમજટ બોલે છે પણ એ
બિચારી ગાયો કેટલીક જીંક જીલે.આખરે ઝુંઝો ભરવાડ ત્યાં જ મરાય ગયો. આ દ્રશ્ય પેલી
ભરવાડણ જુવે છે ત્યારે પોતાની કકળતી આંતરડીએ કદુવા કાઢી કે “જતડાઓ તમારાથી
ભગાય એટલું ભાગજો તમે ભાવનગરનું પાદર નહિ વટી શકો તમને ભાવનગરીઓના ભાલા વીંધી
મારશે ‘’
જયારે જતો ઝુંઝા
ભરવાડની ગાયો હાંકી ગયાની વાત વાયુવેગે પ્રસરી ને વડવામાં વસતા જાડેજાઓને ખબર પડી ત્યાં
તો તે બધા ગૌરક્ષા કરવા થનગનાટ કરવા લાગ્યા,ત્યારે બીજા લોકો કહે અરે જુવાનો
ભરવાડની ગાયોવાળી જાય એમાં તમારે શું ?
જાડેજાઓ કહે અરે રાજપૂત બચ્ચા ગાયો માટે માથા આપે છે અને અમારા જીવતા ગાયોને આ
જતોના હાથમાં નહિ જ જવા દઈ.
તો હવે તેની પાછળ
પડ્યે જ છૂટકો છે તેથી જાડેજાઓ તો નીકળી પડ્યા,જયારે સામી બાજુ જતોને
માર્ગ જડતો નથી અને આજુબાજુમાં જ અથડાતા ફરે છે ત્યાં જાડેજાઓ જતોને આંબી ગયા અને ત્યાં ધીંગાણું જામ્યું. કેટલાક
જાડેજા અને જતો ત્યાં જ ખપી ગયા પણ ગાયોને છોડાવી લેવામાં આવી.
જયારે બીજી બાજુ
પેલા ઝુંઝા ભરવાડના શબને અગ્નિદાહ દેવાનો હતો ત્યારે તેની ભરવાડણ બોલીકે “ હવે ઝુંઝાને બીજે
લઇ જઇ દાહ દેવાની જરૂર નથી અહી જ ચિતા ખડકાવો અમે બને એકસાથે જ ચિતા પર બેસીને
સ્વર્ગની વાટ પકડશું. ત્યારે કોઈક વાત ડાહ્યો ભરવાડ બોલ્યો કે આપડામાં તો
નાતરાનો રીવાજ છે,તો તું શું કામ નકામી
જીવ દેવા બેઠી છે બુન ?
આવા શબ્દો ભરવાડણે
સાંભળતા તે બોલી ઉઠી કે શુરા અને સતીઓ દરેક કુળમાં જન્મે હો એ કોઈ એક કુળનો ઈજારો
ન હોય ?
આટલું સંભાળતા
દરેક ભરવાડો સમંત થઇ ગયા પણ કોક કહે ચિતા તો અહી ન જ કરવી જોઈ તેને બદલે બીજે કે
સ્મશાને કરવી જોઈ ? પણ ભરવાડણ કહે આ
ઠેકાણું જ સારું છે મારું મન અહી જ ધરાય છે ને આ પછીના કાળમાં ચાડીકાની ધાર પર
શંકર ભગવાનનું મંદિર બંધાશે ને એની છાયા અમારા પથરાશે.
આખરે ઝુંઝો અને
ભરવાડણનો તે સ્થળે જ અગ્નિદાહ દેવાયો ભરવાડણ પતિના શબ સાથે જીવતી જ બળી મરી.
આ ચાડીકાની ધાર
ઉપર જ પછીના સમયમાં તખ્તેશ્વરનું મંદિર બંધાયું અને ત્યારથી તે તખ્તેશ્વરની ટેકરી તરીકે પ્રસિદ્ધ બની.
આજે પણ પ્રશ્નોરા
બોર્ડીંગની આગળ એ ઝુંઝા ભરવાડની ખાંભી અને સતી ભરવાડણનો પાળિયો છે,તેની નજીક ગાયની
ખાંભી પણ ઉભી કરવામાં આવી હતી. જે આ ઝુંઝા
ભરવાડની ગાયો માટે અઢાર જાડેજાઓ કામ આવ્યા તેના પાળિયાઓ અનંતવાડીના પાછલા
ભાગમાં એક પાકા ચુનાબંધ ઓટા પર છે. જે કાયમને માટે ગૌપ્રેમ અને નિસ્વાર્થ ભાવનાનો
સંદેશ રેલાવી રહ્યા છે.
Comments
Post a Comment