સિદ્ધ યોગી મહાત્મા લટુર સ્વામી : ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


   સિદ્ધ યોગી મહાત્મા  લટુર સ્વામી  : ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
મારો નાથ જાણે કોને ખબર આ કાઠિયાવાડની ધરતીમાં ખબર નહિ કુદરતે કેવા કેવા ગુણ મૂકેલા છે કે કાઠિયાવાડની ધરતીને માનો ખોળો જાણીને ભારતભર માંથી સાધુ સંતો અને રાજવંશના સ્થાપકો અહી આવીને સ્થિર થયેલા આપણે જોઈએ છીએ.આ ધરતીએ બહારના એ સાધુ હોય કે ક્ષત્રીય હોય એને ખેંચીને લાવીને અહી સ્થિર કર્યા છે.જેમાં તમે કાઠિયાવાડના ગમે તે રાજવંશના સ્થાપકને મૂકો કે કોઈ સમર્થ સાધુ સંતને મૂકો એમાં આ વાત જોઈ શકાય છે.
આવા જ ન્યાયે આજે કાઠિયાવાડની ધરતીની આ લુણ રખી ધરતી ઉપર અઢારમાં સૈકાની શરૂઆતમાં અયોધ્યા તરફના એક સાધુ મહાત્મા આવ્યા,આમ તો એમનો હેતુ આ દેવભૂમિની યાત્રા કરવાનો હતો પણ આ ભૂમિ કઈ ખેચાણ વાળી અને તપ કરવાને લાયક જણાતા અહી જ રોકાય જવાનું નક્કી કર્યું કે હવે અહી જ રહેવું છે.
જેમનું નામ હતું લટુર સ્વામી,જેઓ સાવરકુંડલાની બાજુના વાંશીયાળી ગામ પાસેના સૂરવા ડુંગરના ભોયરામાં આસન જમાવીને બેઠા હતા,બસ એમનું તો એક જ કામ પ્રભુભક્તિ કરવીને આજુબાજુમાંથી જે કઈ કંદમૂળ અને ફળફૂલ મળે એનાથી જ શરીરને ટકાવી રાખવું,બીજી કોઈ જંજટ નહિ,આવા કેટલાય સાધુ સાધુ સંતો અગમ નિગમના જે જાણકારો હતા તે માત્ર વનસ્પતિ અને ફળફૂલ ખાઈને જ પોતાના શરીરને જાળવી રાખતા હતા.
લટુર સ્વામી રહેતા હતા સૂરવા ડુંગરના એક ભોયરામાં પણ ક્યારેક ક્યારેક એ બહાર આવે પણ જુજ લોકો જ એના દર્શન કરી શકે એવા સમયે જ બહાર આવે,એમાં એક દિવસ શેલાણા શાખનો રાજા નામનો રબારી સૂરવા ડુંગરમાં લટુર સ્વામીને જોઈ ગયો તે એ તો નવાઈ જ પામી ગયો કે આ સાધુમાં તેજ કેટલું બધું દેખાય છે તે  એણે તો બિચારાએ દોટ જ મૂકી કે બાપુના ચરણ સ્પર્શ કરી આવું,પણ ત્યાં તો બાપુ પાછા ભોંયરામાં જતા રહ્યા તે બિચારાએ પહાડ જેવડો નિઃસાસો મૂક્યો કે આપણા જેવા માણસના ભાગ્યમાં આવા અસલ સાધુના દર્શન ક્યાંથી હોય ?.પણ રબારી આ ઘટનાથી નિરાશ ન થયો અને ઉલટાનો શ્રદ્ધાવાન બન્યો કે જે હોય તે આપને આ બાપુના દર્શન કરવા જ છે એ વાત પાકી.
આથી એ રોજ સૂરવા ડુંગરના ભોંયરાના દ્વાર આગળ દૂધનો એક લોટો ભરીને મૂકવા માંડ્યો અને એ પાછો વળે ત્યારે રોજ દૂધનો ખાલી લોટો જોવા મળે,આથી રાજો રબારી મનમાં હરખાય છે કે મારા દૂધનો બાપુએ સ્વીકાર તો જરૂર કર્યો છે,આમને આમ છ મહિના રાજાએ બાપુને દૂધ પહોચાડ્યું.
એમાં એક દિવસ રાજાને દૂધનો લોટો લેવા જતા અચાનક જ લટુર સ્વામી ભેગા થઇ ગયા તે કહે એલા ગોક્ળી શું તું રોજ આ દૂધનો લોટો મૂકી જા છો,રબારી કહે હા બાપુ. લટુર સ્વામી કહે એલા એમાં તને મને દૂધ પાયે શું વળે એના કરતા છોકરાઓને પાતો હો?
રાજો રબારી કહે ના ના બાપુ આપ જેવા સાધુ સંતના આશીર્વાદથી જ અમારા ઝોકમાં દૂધ ઘીની નદીઓ વહે છે,બાકી તો ત્યાં પણ કાળ ત્રાટકીને બધું જ એક જ કોળિયામાં સ્વાહા થઇ જાય.
લટુર સ્વામી અને રાજા રબારી વચ્ચે આ વાર્તાલાપ થતા એ તો ખુશખુશાલ થઇ ગયો. લટુર સ્વામી કહે ઠીક તો તમ તમારે દૂધનો લોટો લાવતો રેજે. ધીરેધીરે લટુર સ્વામી અને રાજા રબારીને સારી એવી ઓળખાણ  અને મન મળ્યા જેવું થઇ ગયું.
આથી રબારીના મનમાં તો  ક્યાંય હરખ સમાતો નથી અને આખા ગામમાં વાતો કરે કે મને તો એક સિદ્ધયોગી મહાત્માનો મેળાપ થયો છે,આથી ધીરેધીરે રાજો રબારી એના મિત્રમંડળ અને સગાવ્હાલાને લટુર સ્વામીના દર્શને લાવવા માંડ્યો.
આ પછી તો રાજા રબારીની કાલીઘેલી વાતો અને લટુર સ્વામીના તપ અને તેજથી આકર્ષાયને અનેક લોકો લટુર સ્વામીના દર્શને આવવા માંડ્યા,ત્યારે ત્યાના દરબાર સાદુળ ખુમાણના કાને લટુર સ્વામીની વાત આવતા એ પણ તેમના ડાયરા સહિત દર્શને આવવા માંડ્યા.મેવાસા ગામના દરબાર ઓઘડભાઈએ લટુર સ્વામીને જગ્યા બાંધવા ૨૫ વિઘા જમીન અર્પણ કરી.આ પછી તો લટુર સ્વામી ભોંયરાને છોડી નવા સ્થાપેલા આશ્રમેં આવ્યા અને બસ તેમનું એક જ કામ કે જે કોઈ આવે એને મીઠો આવકારો આપે,ખબર અંતર પૂછે અને દિન દુઃખિયા અને ભૂખ્યાને રોટલો અને આશ્વાસન આપે,સાજા કરે.આ રીતે સાધુ જીવનને ઉજળું બનાવી રહ્યા હતા.
આ લટુર સ્વામી આમ સીધી રીતે તો કોઈને ત્યાં સંતાન ન થતા હોય તો તેને દીકરા ન દેતા  અને કોઈ પૂછે તો ઉલટાના ખીજાતા કે શું અમે તમને સંસારીને દીકરા દેવા આવ્યા છીએ,પણ એમના મૂંગા આશિષથી હામા પંચોળીને ત્યાં રૂડો રૂપાળો દીકરો થયો હતો,જે કથા રોચક અને ચમત્કારિક છે .
સાવરકુંડલા પંથકના આજુબાજુના અનેક લોકોના દુઃખ દૂર કર્યા અને સદમાર્ગે વાળ્યા,આશ્વાસન આપીને બેઠા કર્યા. લટુર સ્વામીના કેટલાક પરચાઓ વિશે તો આજના યુગમાં માનવીને માનવું પણ અઘરું છે.
આખરે લટુર સ્વામી લોક સેવા કરતા કરતા પોતાનું આયુષ્ય પૂરું થયાનો અહેસાસ કરતા તેમણે જાહેરાત કરી કે મારે જીવતા સમાધિ લેવી છે પણ તેમના ભક્તજનો અને દરબારોએ  સમજાવ્યું કે બાપુ જીવતા સમાધિ ન લેવાય?.ત્યારે લટુર સ્વામી કહે તો પ્રાણ ગયા પછી તો સમાધિ લેવાય ને? બધા કહે હા બાપજી એ તો રૂઢી અને રિવાજ કહેવાય.આથી તરત જ લટુર સ્વામીએ સંવત ૧૯૭૩ કારતક વદ ત્રીજના દિવસે સૌની નજર સામે જ ભજન કીર્તન કરતા કરતા જ બહુ મોટી ઉમરે પ્રાણ ત્યાગી દીધા. આજે પણ સાવરકુંડલા પંથકના દરેક ગામો લટુર સ્વામીની સમાધિએ જબરજસ્ત આસ્થા રાખી માનતાઓના ગંજના ગંજ ખડક્યે જાતા થાકી નથી અને અવિરત ચેતના પ્રજવલિત છે.આ લટુર સ્વામીના બે શિષ્યો થયા હતા રામદાસજી બાપુ અને લક્ષ્મણદાસ.જે રામાનુજ સંપ્રદાયના હતા.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર