શૂરવીર રાહો ડેર --ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
શૂરવીર રાહો ડેર
ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
કાઠીયાવાડની શૌર્ય ભૂમિનું આછેરું દર્શન કરાવવાની આજ તો જાજેરી તલપ વળગી છે. બાબરાથી
નવેક માઈલ છેટા એવાને પાઘડી પને જ પથરાયેલુ કાઠીયાવાડના છોગાં જેવું ગામ એટલે
ચાવંડ.
આ ગામની ત્યારે જાજેરી વસ્તી આહીરોનીને
ગામ ખમતીધરને કહવાળું,તેથી બહારવટિયાઓની કાયમ નજરું ચાવંડ ઉપર જ મંડાયેલી જ રહે. વળી
ગામમાં કાણકિયા કુટુંબના દેવી માં ચામુંડાના જ્યાં અખંડ બેસણા હોય એવું રૂપકડુંને
બળુકું ગામ.
જેમાં એક રખાવટવાળોને ખડતલને પહોળી છપ્પનની
છાતીના આહિરને ઘેર એક બાળક જન્મ્યું ત્યારે તેની ફુઈએ એ બાળકના સામુદ્રિક લક્ષણો પારખી કે જે એ અભણ આહીરાણી ક્યાય પણ નીતિમતા કે
શુરવીરતા કે રખાવટ કે દાતારીની કોઈ પાઠમાંળા શીખવા ગઈ નહોતી એણે ભત્રીજાનું નામ
પાડ્યું રાહો.
ધીરે ધીરે રાહો તો રાત ને દિવસ વધતા મોટો
થતો જાય છે ને હવે તો તેને જુવાની આંટો લઇ
ગઈ છે,રાહાને જોઇને જ નબળી છાતીના
દુશ્મનના પાટિયા ભીસાય જાય એવો પોરહીલો માણસ.
જેને નીરખો તો કુંભસ્થાન જેવી ભુજાઓ,પડછંદ
કાયાને દોઢેક ફૂટ પહોળી છાતીને મૂછો પર તો
શૂરવીરતાના અનેક આંટા બાજી ગયા છે આવો અઠ્યાવીસ વરસનો જુવાન હો .
એક વખત બહારવટિયાઓએ આવા પોરહીલાને કહવાળા
ગામ પર નજર કરી કે આજ તો ચાવંડને લુંટીને
ખડિયા ભરવા છે,તે ઘોડાની રમજટ બોલાવતા ડમરીયુ ઉડાડતા બહારવટિયા ચાવંડમાં આવી ગયા
ને ત્યાં તો નાના એવા ગામમાં ગોકીરો થઇ પડ્યોને ભીરુ વેપારીઓની દુકાનો ટપોટપ વહાવા
માંડી બરાબર આવા સમયે રાહા ડેરને બરોબર વાડીએથી આવ્યાનો સમય ત્યાં આ ઝાકાઝીક બોલતી
સાંભળીને રાહાને તો જાણે સામે થી ડણક ચડીને બધા આહીરોને અહી ચડેલા જોઇને રાહો પણ
સિંહની જેમ તાડુકી ઉઠ્યો કે લાવો હથિયાર ત્યાં તો વિશાળ દિલની આહીરાણી કહે અડાભીડ આયર એ તો મેં કયારુંના મોરય રાખી
દીધા છે ને જટ આ લઈને જાવને ગામનું રક્ષણ કરો.
આવું તો એક ભારતીય આર્યનારી જ બીજાને
બચાવવા માટે કહી શકે,ત્યાં તો અનેક આહીરો ચાવંડના ચોકમાં બહારવટિયા સામે ધીંગાણે
ચડવા આવી ગયા એટલું જ નહિ આહીરાણીયું પણ પણ સાંબેલા ને રવૈયા લઇ નીકળી પડીને
મંડ્યું દેવા ત્યાં તો જોત જોતા માં બહારવટિયાઓની સતર લોથું ઢળી પડી હવે તો
બહારવટિયાને થયું કે હવે રોકાશું તો કોઈ નહિ બચે તો હીરાણાના મારગેથી ભાગી છુટ્યા.
પરંતુ બહારવટિયાનું પડેલ કોઈ હથિયાર લેવા રાહો નીચે
વળવા ગયોને ત્યાં કોઈ છુપાયેલા બહારવટિયાએ
ગોળી છોડીને ગોળી રાહાના સાંથળ આરપાર નીકળી ગઈ ત્યાં તો
રાહો કહે અરે મારા મારતલ તું જતો ક્યાં ? એમ કહી પાછળ વાગેલી ગોળીએ ધોડ્યોને આઘેરે
જતા તો તેને આંતરી લીધોને તેના રામ રમાડી દીધા.
પરંતુ રાહો તો એવો ઘાયલ થયેલો કે તેણે
પોતાની જ પછેડી જાંઘે બાંધી દીધીને જીવ ટકાવી રાખ્યો,આહીરો રાહાને જોળીમાં નાખીને ઘેર
લાવ્યા, થોડા જ દિવસમાં વૈધ કામમાં કુશળ એવા
નાંનજી બાબરે રાહા ડેરને જોતજોતામાં પાછા બેઠા કરી દીધા.
જયારે બીજી બાજુ ગાયકવાડ સરકાર તરફથી ગામનું રક્ષણ કરવાના ઇનામમાં
ને કદર રૂપે દોઢસો વિઘા જમીનને બે કોશની વાડી એનાયત કરીને તેની કદર કરવામાં આવીને
જેનું કાયમને માટે કરમુક્ત ખોરડું જાહેર કરવામાં આવ્યું.
એ પછી એક દિવસ ચાવંડ ગામમાં ઢોલ વાગી
રહ્યો છે એમ રાહાને ઊંધમાં થયું કે
બહારવટિયાઓ આવ્યા છે તો રાહો તલવાર ખેચીને શેરીમાં સિંહ કુદી પડે એ રીતે કુદી પડ્યો, ત્યાતો પેલો
નાનજી બાબર કહે અરે રાહાભાઈ શું આ સ્વપ્નું આવ્યું કે શું ? અહી ક્યાં કશું પણ છે.પણ
રાહાને મનમાં રાતદિવસ મરવાનાને મારવાના જ
વિચાર આવતા હતા તેથી તેને આવો ભાસ થયો ને કુદી પડતા રૂજાયેલો ઘા પાછો વકર્યો ને
રાહાએ આખરી શ્વાસ ખેચી કાઢ્યા.
જો કોઈને આ વાતનું પારખું કરવું હોય તો
જાજો ચાવંડની ખેપ મારવા હજુ ત્યાં સંવંત ૧૯૧૬ની બનેલી આ ઘટનાની યાદ અપાવતો અબોલ
પાળિયો હાજરા હજૂર ઉભો જ છે,આ રાહા ડેરનો એક રાસડો પણ જોડવામાં આવ્યો હતો, જે હજુ
સાતમ આઠમના તહેવારોમાં બહેનો હોંશેહોંશે ગાઈ છે ને રાહાના બલિદાનને તાજું કરે છે.
વાવના ઝાંપેથી
ધાડા આવિયા રે;
આવી ઉતર્યા ચાવંડ
ગામને ચોક રે;
રાહા ડેર અલબેલો
મારિયો;
ધારેથા ધાબળીયાયું
ઘોડીયુરે;
રાખી રાહા ડેર ની
લાજ રે;
હાટે હાટે રૂવે
હાટ વાણિયારે;
ચોરે રૂએ ચારણ ભાટ
રે;
ઘેરે છે લાખુબાઈ
લાડકા રે;
રોળ્યાં લાખુબાઈના
લાડ રે;
સોનાવરણી આપાની ચે
બળે રે;
રૂપા વરણી ઉડે એની
ધુહ રે;
સંવંત ઓગણીસો સોળમાં
રે;
મામલો મચ્યો ચાવંડ
ચોક રે .
સૌજ્ન્ય: રાહાભાઈ મસરીભાઈ
ડેર - નવી ચાવંડ
Comments
Post a Comment