શૂરવીરની માતા રાઈબાઈ
શૂરવીરની
માતા રાઈબાઈ
આ દેશની જનેતાએ હંમેશા પોતાના સ્વાર્થ
કરતા દેશ અને ધર્મને વ્હાલા ગણ્યા છે અને છતાય પોતે ક્યાય અહંકાર કે એક પણ ઉકારો
કર્યો નથી એ તો આ દેશની ભૂમિનો અનોખો પ્રતાપ છે.આજે અહી એવી એક માતા અને વીર
પુત્રની વાત કરવી છે કે આ દેશના યુવાનો મોત દેખાતું હોય છતાં સામે ચાલીને પણ મરવા
ઉભા થયા છે અને આ ધરતી માટે માબાપના કહેવાથી ખપી ગયા હતા.
એ શૂરવીર હતા કુંડળના હાથિયા પટગીર. જેમની
માતા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભક્ત અને શ્રીજી મહારાજના સમકાલીન રાઈબાઈમાં. ભાવનગર રાજ્ય અને કાઠીઓને કાયમ ગામ
ગરાસ માટે ઝગડાઓ ચાલ્યા જ રાખતા હતા,આ સમયે કારિયાણીના ખાચર દરબારોને ભાવનગર રાજ્ય
તરફથી અન્યાય થયો,આથી કારિયાણીના ખાચર દરબારોએ પોતે નાના પણ ભાવનગર રાજ્ય સામે
બાંયો ચડાવી તેથી રાજ્ય સામે અવારનવાર ચકમક ઝરવા લાગી.
કાઠી દરબારોના વણ લખ્યા રિવાજ મુજબ
જયારે જયારે કોઈ કાઠીને ઝગડો થાય ત્યારે તેમના બધા જ સગા વ્હાલાઓ તરત હાજર થઇ જાય
અને મદદ કરે,આ ન્યાયે કુંડળથી રાઈબામાએ પોતાના ત્રણ જુવાનજોધ દીકરાઓને બોલાવીને કહ્યું કે બેટા તમારા મામા મુશ્કેલીમાં
છે તો તમારે તેમને મદદ કરવા જવું જોઈએ.દીકરાઓ કહે અરે માં તમે એવું કેમ પૂછો છો
ચાલો અત્યારે જ કારિયાણી જઈએ.આથી રાઈબામા પોતાના ત્રણેય પુત્રોને લઇ કારિયાણી
આવ્યા,ત્યારે માંચા ખાચર કહે અરે બહેન તમે આ ઝઘડામાં કેમ આવ્યા.રાઈબા કહે આપણે બને ભાઈ બહેન
સ્વામિનારાયણ પંથી છીએ તો આપણે એકબીજાના દુખે દુઃખી અને સુખે સુખી થવું જોઈએ.
વળી જો તમારા જેવા સમર્થ ભક્ત માટે મારા
દીકરાઓ જો યુદ્ધના મેદાનમાં કામ આવી જાય તો એથી રૂડું બીજું શું હોય શકે.આ
વાર્તાલાપ ચાલતો હતો ત્યાં એના બીજા દિવસે તો દરબારો ભાવનગર સામે આસોદરને ભાંગવા
જવાનું નક્કી થયું.
પરંતુ રાઈબામાંનું મન તો મક્કમ હતું અને
બધી જ ઉપાધિ અને લડાઈને ભૂલી જઈને બેઠા બેઠા માળા કરી રહ્યા હતા એવામાં એકાએક
અચાનક જ પ્રકાશ થયોને જ્યાં રાઈબામાં એ આંખો ખોલી ત્યાં તો તેમની સામે સાક્ષાત
શ્રી હરિ ઉભા હતા તો નવાઈ પામી રાઈબા કહે હે પ્રભુ અત્યારે આપ અહી કટાણે.
શ્રી હરિએ કહ્યું હા હું તમને એક વાત
જણાવવા આવ્યો છું કે આવતી કાલે કારિયાણી અને ભાવનગર રાજ્યની વચ્ચે એક લડાઈ થશે
જેમાં તમારા દીકરા હાથિયાનું મોત થશે માટે જો તમારો રાજીપો હોય તો હું ત્યાંથી
તેને અક્ષ્રરધામમાં લઇ જઈશ,બાકી જો આપ ના પાડો તો વિધાતાએ એના જે લેખ લખ્યા છે એ
ફેરવી નાંખું અને અને હાથિયાને જીવતો
રાખું.બોલો જલ્દી શું કરવું છે?.
રાઈબામાં વિચારમાં પડી ગયા કે માળું શું
કરવું દીકરો ખોવો કે તેને ધામમાં મોકલવો પણ પોતે તો પરમજ્ઞાની અને ભક્તિવાન હોવાથી
થોડું વિચારીને શ્રી હરિને કહ્યું કે અમે તો હાથિયાને બહુ બહુ તો જમીન જાગીર પૈસા
ટકા આપશું,જયારે આપ તો અક્ષ્રરધામનો કાયમી
વાસ આપો છો તો તેથી બીજું વધારે સારું શું ગણાય,તો આપના આશીર્વાદ તેના ઉપર ઉતરે
એવા મારા ઓવારણા છે.
શ્રી હરિ સમજી ગયા કે રાઈબાએ ખરી ભક્તિ
પચાવી છે એને સંસારની કોઈ મોહમાયા કે મમતા ખેચતી નથી માત્રને માત્ર પ્રભુના
ચરણોમાં રહેવાની મમતા જ છે.આજ કાઠિયાણીને ખબર છે કે મારો એક દીકરો લડાઈ માંથી પાછો
આવવાનો નથી પણ એમણે તો ત્રણેય દીકરાને બોલાવ્યા અને જમવા બેસાડ્યા એમાં હાથિયાના
માથા ઉપર હાથ ફેરવીને કહ્યું બેટા આજ મારા હાથનું આ છેલ્લીવારનું ઢોકળીનું શાક અને હરીસો જમી લે.
હાથિયો કહે હ હ માં આવા વેણ તમે સીદને
ઉચારો છો.આથી રાઈબામાં એ માંડીને આખી વાત કરી કે ગઈકાલે શ્રી હરિ આવીને મને આ વાત
કહી ગયા છે અને જે તને યુદ્ધના મેદાનમાં તેડવા આવશે અને ધામમાં લઇ જશે,જો જે દીકરા
ધર્મને છોડતો નહિ અને અધર્મને દૂર રાખજે,ગમે તેમ થાય તોય સામી છાતીએ લડીને વીરગતિ પામજે,
કાઠીનો દીકરો કઈ મોતથી ડરે જ નહિ ને રાઈબાનું ધાવણ ઉજાળજે.
બીજે દિવસે સવારે કારિયાણીથી પાળ
ઉપડ્યું એમાં રાઈબાના ત્રણેય દીકરાઓ પણ ભળ્યા અને આસોદરના પાદરમાં મંડી ઝાકાઝીક
બોલવા ને સામસામાં ઘા થવા,તલવારોના ખડિંગ ખંડિગ અવાજો આવે છે સામસામે ગોળીબારો પણ
થવા લાગ્યા એવામાં એક ગોળી સનનન કરતી આવી તો હાથિયા પટગીરના કપાળને કાચલી ની જેમ ઉડાડતી ગઈ.
હાથિયા પટગીર ઘોડા ઉપરથી ભફાંગ દઈને હેઠા
પડ્યા પણ તેમના મોઢામાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દો નીકળ્યા ત્યાં તો તરત જ
શ્રી હરિ યુદ્ધના મેદાન માં સામે જ હાજર થયા ને બોલ્યા કહે હાલો હાથિયા પટગીર તમને
અક્ષ્રરધામમાં મૂકવા જવાના છે. આટલા વેણ સાંભળી તરત જ હાથિયા પટગીરે આંખો બંધ કરી
દીધી.
બીજી બાજુ હાથિયા પટગીર મરાતા કાઠીઓની
ફોજમાં ભંગાણ પડ્યું અને બધા વિખેરાયા.ત્યારે હાથિયા પટગીરની સમજદાર ઘોડી તરત જ
કારિયાણીના દરબારગઢમાં આવીને નીચું મોઢું કરીને પગેથી જમીન ખોતરવા લાગી એ જોતા જ
બધા સમજી ગયા કે નક્કી હાથિયા પટગીર કામ આવી ગયા છે બાકી ઘોડી આમ અચાનક કદી પાછી
આવે નહિ.
આથી રાઈબામાએ દરબારગઢની કોરેથી હેઠા
ઉતરીને ઘોડીને કંકુનો ચાંદલો કરીને વધાવી કે ધન્ય છે તારી કાઠિયાવાડીમાને કે મારા
દીકરાને ધામમાં મૂકીને આવી એ સમાચાર તે સૌથી પહેલા પહોચાડ્યા.
આટલું જ નહિ આ પ્રસંગ બન્યા પછી
રાઈબામાએ આખા ગામમાં સાકર વહેચી કે મારો દીકરો યુદ્ધમાં કામમાં આવ્યો અને
અક્ષ્રરધામમાં ગયો.આથી ઘણાને દુઃખ થયું કે આ કેવા માં છે તો કોક કહે માં દીકરાના
આઘાતમાં ગાંડા થઇ ગયા છે,અત્યારે રડવાનું હોય એને બદલે સાકર વહેચે છે,પણ આ સંસારી
જીવોને ક્યાં એ ખબર હતી કે આ રાઈબામાં એ સાક્ષાત શ્રી હરિ સાથે વાતો કરતા અને નાતો
ધરાવતા અને વધુ જાણનારા હતા.
જયારે ભાવનગરના રાજવીને આસોદરની આ
લડાઈની અને હાથિયા પટગીરની વાતની ખબર પડી
ત્યારે તેણે તરત જ અધિકારીઓને બોલાવી કારિયાણીના કાઠીઓ જે માંગતા હતા એ બધાનો હક્ક
અને ગરાસનો લેખ કરી આપવાનું કહી દાના દુશ્મન તરીકે ઓળખાયા.આ વાત શ્રી હરિએ જાણી તો
એ પણ ખુશ થયા કે આખરે ઘી ના ઠામમાં ઘી પડી ગયું અને હાથિયા પટગીરને અક્ષ્રરધામ
પ્રાપ્ત થયું.
કથાબીજ સૌજન્ય- શ્રીબ્રહ્મપ્રકાશસ્વામી
કુંડળધામ
તા.૨૫-૬-૨૦૧૭ મુંબઈ સમાચાર ઉત્સવ પૂર્તિ
Comments
Post a Comment