શ્રદ્ધાનું બળ


શ્રદ્ધાનું બળ
 જો માણસ અતુટ અને ભગવાનને પણ શરમ આવે એવી શ્રદ્ધા રાખે તો તે કદી અફળ જતી જ નથી,પણ માંહ્યલો ચોખો હોવો જોઈએ. કાઠિયાવાડના બાબરિયાવાડ પંથકમાં બોતેર શાખાના બાબરિયાઓ વસે છે,એ એવા બળવાન અને અડાભીડ કે તેઓએ  કાઠિયાવાડના ભલભલા વીર પુરુષો સાથે બાથમબાથ કરેલી ને જીત મેળવેલી.
આવા કુળમાં ભક્ત સેસુર બેપારિયાનો જન્મ ઈ.સ.૧૮૨૦ આસપાસ નાગેશ્રી પાસેના બારપટોળી ગામે લખમણભાઈ બેપારિયા અટકના કાઠીને ઘેર થયેલો.નાના કાઠીને ઘેર જન્મ પણ તેનો જીવ તો નાના તાલુકદારને પણ એકબાજુ મૂકી દે એવો ઉદાર.  
બાળક સેસુરમાં નાનપણથી જ ભક્તિને દયાનો જીવ દેખાતો તેના પિતા સાથે તુલશીશ્યામ દર્શને જાય ને પિતા સાથે જ શ્યામ ભગવાન સામે એવો લીન થઇ પ્રભુ સ્મરણ કરે એ જોતા બધા જ કહેતા કે આ છોકરો કાઠી કુળને  દીપાવશે અને સંસારમાં રહીને પણ સંત ગણાશે. ઈશ્વરે જાણે કે એવું શું ધારી નિર્માણ કરેલું તે તેમના ધર્મપત્ની પણ એવા જ ઉદાર અને દયાળુ પ્રકૃતિના જાણે કે એક જ ક્યારામાં રોપેલો ચંપો ને કેળ જ જોઈ લ્યો ને બેય ને દૂધ ને સાકરનો  જેવો મેળ એવો જ મેળ.
ભગતનું જીવન સાવ સાદું કોઈપણ જાતનું અભિમાન નહિ કે હું વળી શેનો ખેડૂત જેમ આ ધૂળમાં મથું ને ખેતી કરું.આથી સેસુર ભગત ખેતી પણ જાત પંડે જ કરે ને જે કઇ વાવે તેમાં પ્રભુ એનો સ્વભાવ અને વાણી વર્તનને દયાળુ જીવ જોતા હજાર ગણું કરીને પાછુ આપે. તે બને જણા ઉદાર હાથે પાછુ પ્રભુનો જ માલ ગણી પાછુ માણસના મુખે ધરીને દરેકને રોટલા જમાડેને ઘરમાં જ આનંદથી રહે,તેમને ત્યાં મહેમાનો સમાતા નથી, જે કોઈ સેસુર ભગતના મહેમાન થાય એ કદી એની મહેમાનગતિને ભૂલે નહિ એવી રૂડી રીતથી બને જણા મહેમાનોની આગતા સ્વાગતા કરતા તો તેનું ફળિયું હંમેશા ચારણ,બારોટને અભ્યાગતો સાધુ બ્રાહ્મણોથી હર્યુંભર્યું છલકાતું જ રહેતું,કોક દિવસ જો મહેમાન આંગણામાં ન દેખાય તો ચિંતામાં પડી જાય કે હે કાઠિયાણી આપણાથી કઇ ખોટું તો નહિ થઇ ગયું હોય ને ? આજ કેમ મહેમાનો દેખાયા નહિ આવો દયાળુ જીવ.
બારપટોળી ગામમાં સદાવ્રત શરૂ કરેલ પણ પછી ત્યાંથી નીકળી ગયેલા અને નાગેશ્રી પાસેના મીઠાપુર ગામમાં પોતાના ગરાસની ૫૦૦ વિઘા જમીન હતી તો ત્યાં જઈ સદાવ્રત શરૂ કરી ખેતી કરી રહેતા હતા ને બસ એમનું હવે જિંદગીનું એક જ વ્રત થઇ ગયેલું માનવ સેવા અને પ્રભુ ભક્તિ જ.
જેમના મુખ્ય ત્રણ કામ હતા.(૧)  ખુદ મહેનતથી અનાજ પકવવું અને એ પણ પછી માનવને મુખે જ પાછુ ધરી દેવું.(૨) સવાર સાંજ પ્રભુ ભક્તિમાં એવા લીન બની જવું કે આ સંસાર સાથેનો નાતો જ ભૂલી જવો.(૩) દર મહિને અગિયારશે તુલશીશ્યામના દર્શન કરી જાત્રા જુવારવી.
આ સમયે ઇ.સ.૧૮૩૮-૩૯માં દુષ્કાળ પડ્યો પણ એ કેવો કારમો કે  તાવડામાંથી જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા હતા,ત્યારે સેસુર ભગતે પોતાના કોઠાર ખુલ્લા મૂકી દીધા હતા તો આવા સમયે સમગ્ર બાબરિયાવાડ પંથકના સાધુ,બ્રાહ્મણ,કવિ,બારોટ,ચારણને એક જ આશાનું સ્થળ દેખાતુ  તે સેસુર બેપારિયાનું ઘર.
એવામાં એક દિવસ વળા પંથકના કવિરાજે તૂટેલ કંઠે હાકલો કર્યો કે જય શ્યામ, છે સેસુર ભગત ઘેર,ત્યાં તો કાઠિયાણીએ દરવાજો ખોલી મીઠો મધ જેવો આવકાર આપ્યો કે હા કવિરાજ ભગત ઘેર જ છે આવો આવો પધારો,કવિરાજને કાઠિયાણીનો આવકારો સાંભળીને જ મપાય ગયું કે આ ઘેરથી કોઈ નિરાશ થઈને પાછુ જાતું જ ન હોય?
અંદર કવિરાજ ગયા સેસુર ભગતે તેમને આવકાર્યા ને હાથમોઢું ધોવરાવ્યા ને રંગત ચાકળીયુ નાખીને જ્યાં જમવા બેસવાનું કહ્યું ત્યાં કવિરાજ કહે ભગત આ બધું પછી મારી અઢારેય નાડિયું તૂટે છે મેં આજે રતિભાર પણ અફીણ લીધું નથી તો પહેલા કસુંબાની વ્યવસ્થા કરો.
આવી વાત થતા તો સેસુર ભગત,સગાળશા ને ચંગાવતી જેવા મુંજાણા હતા.તેવા જ મુંજાયા કે મારે ઘેર અફીણ ક્યાંથી હોય ને મેં તો કદી નાડેય અડાડ્યું નથી પણ કાઠીનું ખોળિયું હોવાથી મઈ મહેમાન માટે થોડુક ઘરમાં રાખે ખરા પણ આજે તો ચણોઠીના દાણા જેટલુંય અફીણ ઘરમાં છે નહિ ને આજે કટાણે અફીણ ક્યાંથી લાવવું તે મુંજાયા કે આજ મારે ઘેર આવેલો અભ્યાગત નિરાશ થશે તો મને શરમના પાર નહિ રહે. આ સમયે સેસુર ભગતે શ્યામ ભગવાનને સ્મર્યા અને જ્યાં આંખો ખોલી ત્યાં તો તેને નજરે તાજી વાવણી વાવેલું સાંતી ચડ્યું ને જેના દાંતા ઉપર લચકા જેવોને કુંણો માખણ જેવો ગારો ચોટેલો જોયો તે જાણે કે અફીણ જેવો જ લાગે.,સેસુર ભગતે તો શ્યામ પ્રભુનું નામ લઇ ચારણ કવિરાજને એ ગારાને ઉખાડી ગોળી વાળી આપ્યો કે લ્યો આ અફીણ.
ચારણે તો કશું જ જોયા જાણ્યા અને વિચાર્યા વિના ગોળી મૂકી મોઢામાં ને જેમજેમ ગારાની ગોળી ઓગળતી ગઈ એમ ચારણના દેહમાં ચેતન આવતું ગયું. પછી તો અનેક ચારણો દુહા લલકારવા માંડ્યા.
સવારે સેસુર તણું, ચિતમાં સમરણ થાય,
ભોજન ભાણા માંય,લાભે લખમણ રાઉત.
પવંગાને ઘેટક પાવરા,ધધક ઘિયારી ધાર,
દોયલાને દરબાર,સા નો આવે સેસુરિયા.
નાજારૂની ન થાય,નહિ મોઢે નૂર,
સારાની સેસુર લાલચ લખમણ રાઉત.
જળ ઉપર ઝુમર તરે,ઉપર ભાર અમૂલ,
બોતેરમાં બેપારિયા,સતત ટેકો સેસુર.
કવિરાજ જતી વખતે કહે સેસુર ભગત તમે આવું તેજ અસલ માળવાનું અફીણ ક્યાંથી લાવ્યા હતા તો સેસુર ભગત કહે કોઈ દિ ખોટું બોલતો નથી એ અફીણ તો મારા શ્યામ ભગવાને લાજ રાખી મોકલ્યું હતું બાકી આપનો જીવ મારી સામે હાલ્યો જાત તો મારે પણ સોડ તાણીને આપણી સાથે જ સુવું પડત,કવિરાજ એ તો વાવણિયાના દંતાળ ઉપર ચોટેલો રૂપિયાભારનો ગારો જ મેં આપને આપ્યો હતો..
આ સેસુર ભગતને  બીજા પણ બે  એવા પરચા શ્યામ ભગવાને પૂરેલા કે કોઈ મહેમાને એવું કહેલું કે તમારા જેવા નાના જેવા માણસથી આવા સદાવ્રત ન ચાલે આ બંધ કરો,એટલું સાંભળતા તો સેસુર ભગત કહે હા તો લ્યો કાલથી દાળ રોટલાનું સદાવ્રત બંધ કરી ને ઘી ગોળ અને ચોખા સદાવ્રત આપશું બસ. અને તરત જ જાફરાબાદ ઘી,ગોળ અને ચોખા લેવા માણસ મોકલી દીધો પણ બહુ જાજી વસ્તુ વેપારીએ જોતા માલ આપવાની ના પાડી દીધી ત્યારે એમ કહેવાય છે કે તેમના પાછા ફરેલા ગાડા ને એક વાણિયો મળ્યો અને અને બધી પૂછપરછ કરી અને કહ્યું કે અરે ભગત તો સંત છે તેના ગાડા પાછા ન વળાય.એમ કહી જાફરાબાદ જઈ માલ ભરાવ્યો અને પૈસા ચૂકવી દેતા ગયા ને કહેતા ગયા કે હવે ગમે ત્યારે સેસુર ભગતના ગાડા આવે તો માલ માંગે એટલો આપી દેશો હું એ રકમ ચૂકવી આપીશ,લોકો એવી શ્રદ્ધા રાખે છે કે એ કોઈ વાણિયો નહિ ખુદ શ્યામપ્રભુ હતા.બીજો પરચો પૂર્યો હતો કે ભગવાને સ્વપ્નામાં આવી કહ્યું કે સેસુર સવારે  જા મીઠાપુરના ખારામાં ખાડીમાંથી તરતી આવતી બે ભૂરી ભેંસો તને મળશે ને ખરેખર ભેંસો મળી હતી.
સેસુર ભગત પછી તો આખા બાબરિયાવાડ પંથકમાં પ્રભુ જેમ પૂજાતા અને લોકો સાજા માંદા થાય કે કઈ પણ દુઃખ પડ્યે તરત ભગત પાસે આવે અને કહે અમને દોરો કરી આપો ત્યારે ભગત કહેતા કે  શેના દોરા ને શેના ધાગા,દોરા ધાગા તો દીનોનાથ જ છે પણ અભણ લોકો માને નહિ તો તેને રાજી કરવા એકાદ દોરાનો અમથો ત્રાગડો લઈ કોઇપણ મંત્ર બોલ્યા વિના આપી દે ને મનમાં બોલે કે મારા શ્યામપ્રભુ તારે હવાલે આ દુઃખ.આથી અનેક દીનદુઃખિયા અને રોગિષ્ટ લોકો સેસુર ભગતના પ્રતાપે સાજા થયા હતા.સેસુર ભગત બહુ લાંબુ જીવ્યા ત્યાં સુધી લોકોની સેવા કરતા રહ્યા અને તેમના વંશજો જીકાદ્રી ગામે રહેતા તેણે પણ આ સેવા પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.
                                       પુરક માહિતી : શ્રી ગભરુભાઈ ઓઢાભાઈ વરૂ -ત્રાકુડા

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર