ઘેલા સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર


ઘેલા સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
કાઠિયાવાડમાં તો અનેક દેવીદેવતાઓ અને મહાદેવ તો ગામેગામ બિરાજે છે એમાંના આજે ઘેલા સોમનાથ મહાદેવની વાત કરવી છે, ભોળાનાથનું પ્રાગટ્ય આ ભૂમિમાં કઇ રીતે અને કેવા સંજોગોમાં થયું છે.
       જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ તો ચોમાસામાં તો કાશ્મીર સમું ખીલ્યું હોય છે અને પ્રકૃતિની શોભા એવી નીખરી હોયકે આપણી આંખો આપમેળે ઠરતી લાગે,ખળખળ વહેતી નદીઓ અને નાના ઝરણાઓ આપણા થાકને દૂર કરી દે છે,આજુબાજુના ડુંગરાઓ તો જાણે કે પદમાસન વાળીને ધ્યાનસ્થ બેઠેલા યોગીઓની યાદ અપાવે છે,મંદિરની બાજુમાં જે નદી વહે છે તેને ઘેલો નદી કહે છે એને બીજા નામે ઉન્મત ગંગા કહે છે.
       ઘેલા સોમનાથનું સ્થાપન એ સ્થળે થયું તેની પાછળની લોકકથા એમ કહે છે કે સુલતાન મહમૂદ ગઝનવીએ  સોમનાથ તોડ્યું એ સમયે કેટલાક શાણા ડાહ્યા માણસો એ ભગવાનના લિંગને ભૂગર્ભમાં પધરાવી દીધું હતું અને ત્યાં ગુપ્તવાસમાં ત્યાં મહાદેવની પૂજા કરવામાં આવતી હતી,આવુ તો સદીઓ સુધી ચાલ્યું પણ જયારે ૧૫મી સદીમાં  સુબાને ખબર પડી ગઈ કે આ તો હિંદુઓએ શિવલિંગ બચાવી લીધું છે ને છુપાવી રાખ્યુ છે તો તેને  સોમનાથ તોડવાની ઈચ્છા થઇ આવીને તે નીકળ્યો સોમનાથ તોડવા પરતું સુબાની આ ચડાઈના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયાને રાજા મહારાજાઓ અને લોકોને ખબર પડી ગઈ કે સુબો મંદિર તોડવા આવે છે.આ સમયે જૂનાગઢ ઉપર રા મહિપાલનું શાસન ચાલતું હતુ અને તેના રાજકુંવરી મીનળદેવીને ભગવાન સોમનાથ ઉપર અતૂટ શ્રદ્ધા હતી તેથી તે વંથલીનો રાજમહેલ છોડીને તે પ્રભાસપાટણ જ આવી ગયેલીને ત્યાં નગરા નામનો ટીંબો કહેવાય છે ત્યાં જ રહેવા આવી ગયેલને તેને ભગવાનની રોજ પૂજા કરવાનો નિત્યક્રમ હતો ને મીનળદેવીએ આજીવન કોમાર્યવ્રત પાળવાનું નીમ લીધુ હતુ અને પોતાનુ સમગ્ર જીવન જ શ્રી સોમનાથ મહાદેવને અર્પણ કર્યું હતુ.
       આ સમયે સુબા ઝફરખાનની પુત્રી હુરલ અહી સોમનાથની ભાળ કાઢવા જાસુસી કરવા ત્યાં આવી હતી ને તેણે મીનળદેવીની ભગવાન પરની આવી શ્રદ્ધાને ઈશ્વરોપાસના ને પવિત્ર ચરિત્ર જોઈ એટલી બધી પ્રભાવિત બની ગઈ કે તેણે જાસુસી કરવાનું છોડીને મીનળદેવી ભેગી જ આ મુસ્લિમ સુબાની દીકરી સખી બનીને રહી ગઈ અને હુરલે મીનળદેવીને છાની વાત કહી દીધી કે મારા પિતા સોમનાથ તોડવા આવવાના છે,આથી મીનળદેવીએ તેના પિતા            રા મહિપાલને આ અંગે વાકેફ કરાવ્યા ત્યાં તો આખા કાઠિયાવાડમાંથી રાજપૂતો ચુડાસમા,ગોહિલ,મકવાણા વગેરે સોમનાથનું રક્ષણ કરવા સામા ચડી આવવા લાગ્યા કોઈ કહે અરે અમે દાદાને અમારા રાજ્યમાં લઇ જઈએ તો બીજા કોઈ કહે અમારા રાજ્યમાં.
       બરાબર આવા ટાણે અચાનક હીરાગરજી કરીને એક વ્યક્તિ સામે આવ્યાને તેમણે રાજપૂતોને કહ્યું કે હું પોતે જ સોમનાથથી આવુ છુ ને સોમનાથ દાદાએ જ મને સ્વપ્નામાં આવીને કહ્યુ છે કે મારા લિંગને પાલખીમાં પધરાવવું,આગળ પોઠિયો ચલાવવો તેની પાછળ પાલખી જવા દેવી અને જ્યાં પોઠિયો બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન કરજો. લિંગને ક્યાંય નીચે મૂકતા નહિ બાકી હું ત્યાં જ રહી જઈશ.
       આ વાત એકબીજાની ખેચતાણમાં બધા રાજપૂતોને ગમી ગઈ કે આ વાત બરોબર છે તે બધાએ પ્રભાસપાટણ જઈ મહાદેવના લિંગને પાલખીમાં પધરાવ્યું અને ગિરી,પૂરી,ભારતી અને સોમપુરાએ પાલખી ખંભે લીધીને મીનળદેવી અને સુબાની શાહજાદી હુરલ પણ તેમાં જ ભેગા બેસી ગયા. લાઠીના કારભારી વાણિયાનો પુત્ર ઘેલો ગોરડિયોએ બાણને બે હાથમાં લઇ બેઠો કે બાણને કોઈ અપવિત્ર ન કરી દે.
બીજી બાજુ સુબા ઝફરખાનને ખબર પડી કે શાહજાદી હુરલ જે સમાચાર લાવવા કે જાસુસી કરવા ગઈ હતી તે તો મીનળદેવીની ચાહક અને ભક્ત અને સખી જેવી બની ગઈ છે એવુ જાણતા તે તો લાલચોળ ધગેલ તાંબા જેવો થઇ ગયો કે હવે ચાલો જલ્દી સોમનાથ ને ત્યાં પહોચતા જ ખબર પડી કે આ લોકો મહાદેવના લિંગને તો લઇને જતા રહ્યા છે તે તરત જ એની પાછળ પડ્યો અને રસ્તામાં તેણે રાજપૂતોએ ભારે ટક્કર આપીને અનેકના લીલુડા માથા નાળિયેરની જેમ મહાદેવ માટે ડફોડફ  વધેરાય ગયા.સુલતાન તો ઝપાટા બોલાવતો આગળ જતો જ હતો ત્યાં ભડલી પાસે સુબાના લશ્કરનો ભેટો થઇ જાય તેમ હતો ત્યાં તો કાઠી દરબારોએ સુબાના લશ્કરને રોકી દીધું પણ સુબો ચકોર હતો તો લશ્કરમાંથી છટકીને ભોળાનાથની પાલખી પાસે જઈ પહોંચ્યો ત્યારે મીનળદેવી શિવલિંગને હુરલના ખોળામાં મૂકી પાલખી માંથી બહાર નીકળી ટેકરી ઉપર ચડી ગઈ તો હુરલ લિંગને જમીન પર મૂકી તે પણ મીનળદેવી પાછળ દોડવા લાગી જે ટેકરી પર મીનળદેવીની પ્રાર્થનાથી જમીન ફાટતા મીનળદેવી અને હુરલ બન્ને બહેનો તેમાં જ સમાઈ ગઈ પણ તેની ચુંદડીનો છેડો સહેજ બહાર રહી જવા પામ્યો હતો અને દંતકથા મુજબ કહેવાય છે કે ૧૯૩૪ સુધી એ ચુંદડીનો છેડો બહાર હતો પણ કોઈએ શંકા કરી ખેંચતા તે જમીનમાં ચાલ્યો ગયો એવી વાયકા છે.જયારે બીજીબાજુ સુબો જમીન ઉપર રહેલા શિવલિંગના કટકા કરવા આગળ વધ્યો ત્યાં તેને વેજલ ભટ્ટ અને ઘેલા ગોરડિયાએ અટકાવ્યો તે બન્ને ને સુબે એક જ ઝાટકે ભોં ભેગા કરી દીધાને  સુલતાને સોય ઝાટકીને લિંગ ઉપર તલવારના અનેક ઘા કર્યા પણ શિવલિંગને માત્ર ચરકા જ થયા પણ તૂટ્યું નહિ આટલામાં તો ભડલીના કાઠી દરબારો પોતાની તગમગતી તલવારો અને ભાલા લઈને આવી પહોંચતા કાળઝાળ કાઠીઓને જોઈ સુબો મુઠીયું વાળીને ભાગ્યો. ઘેલાના નામ ને અમર રાખવા આ મહાદેવનુ નામ ઘેલા સોમનાથ નદીનુ નામ ઘેલો રાખવામા આવ્યુ.
મંદિરના ઓરડાનું કામ ચાલતું હતું ત્યારની એક ચમત્કારિક કથા એવી મળે છે કે મહાદેવની બરાબર સામેના કેટલાક ભાગનું ચણતર કડિયા કરે પણ તે સવારે તૂટી પડેલું જોવા મળતુ હતુ આમ અનેકવાર થયુ પછી ત્યાં વચ્ચે એક જાળી મૂકવામાં આવી અને પછી જ ચણતર આગળ વધારી શકાયુ હતુ,આનું કારણ ભક્તોમાં એવુ માનવામાં આવે છે કે મીનળદેવીને રોજ મહાદેવના દર્શન કરવાનું નીમ હતું તો તે મહાદેવના દર્શન વિના કેમ રહી શકે આ ચણતર વચ્ચે આડુ આવતુ હતુ તેથી તૂટી પડતુ ને બારી મૂકતા એ ટેકરી પરથી મીનળદેવી ભગવાનના બરાબર સામેથી દર્શન કરી શકે છે. આજે પણ રોજ મીનળદેવીને દહેરીએ પહેલો દીવો થાય છે.
શ્રદ્ધાળુ લોકો એવુ પણ કહે છે કે કાયમ શ્રાવણ માસમાં જ્યાં વહેલા મંદિર પૂજારી ખોલે ત્યાં ભગવાનની કોઈ તાજા ફૂલ ચડાવીને પૂજા કરી ગયુ હોય છે તે મીનળદેવી જ હોવી જોઈ.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર