દિવ્ય દષ્ટિવાળા મીણબાઈમા


 દિવ્ય દષ્ટિવાળા મીણબાઈમા
ભારતવર્ષની નારીઓની વાત સાંભળીને યુરોપની દુનિયાના માણસો તો આશ્ચર્યમાં જ મૂકાય જાય છે કે આવી ત્યાગી,ડાહી,સમજુ અને પરોપકારી સ્ત્રીઓ હોય શકે ? પણ કોણ જાણે કે ભારતનું પાણી જ કેવું છે તે આવી નારીઓ ભારતવર્ષમાં જ પાકે છે અને તે પોતાનું નામ સુવર્ણાક્ષરે કોતરાવે  છે.
કાઠિયાવાડના ઇતિહાસમાં નજર કરો તો ગામડે ગામડે ત્યાગી અને દયાળુ અને હસ્તે મોઢે બધું જ સહન કરી લીધેલી સ્ત્રીઓ જોવા મળે કે જે પોતાના ધણીના ઓઢણામાં જ આખો અવતાર કાઢી નાંખે,આવી સ્ત્રીઓએ  સંસારની અગ્નિ જ્વાળાઓ એમણે પોતાના રક્ત છાંટણા કરી બુજાવી છે.
આજે અહી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનું ખૂબ જ આદર અને ભાવપૂર્વક નામ લેવાય છે એવા મીણબાઈમાની વાત કરવી છે કે જેમના ઉપર ભગવાન સ્વામિનારાયણને પણ અગાધ શ્રદ્ધા અને માન હતુ અને તેમના જ્ઞાનને જોઈને તેમનો ભાવ ભગવાને પોતે જ નજરે નિહાળ્યો હતો.
કરિયાણાનો ઈતિહાસ વળી,મીણબાનું આખ્યાન,
પ્રેમે સાંભળો ભક્તજનો, થઇ અતિ સાવધાન.
મીણબાઈમાનો જન્મ સાવરકુંડલાના પાસેના ખાલપર ગામમાં રાઠોડ ધાધલ કુળમાં હાદાભાઈને ત્યાં થયો હતો પણ પછી તેમના પિતા ગઢડા રહેવા આવી ગયા હતા,જેમને ત્રણ બહેનો અને બાવાભાઈ નામે એક ભાઈ હતા જેમાં મીણબાઈ સૌથી મોટા હતા,તેમના જન્મ સમયે જ તેમની ઓજસ્વીતા જોઈ કોઈએ ભવિષ્ય ભાખ્યું હતું કે આ દીકરી બે કુળ તારશે. મીણબાઈને  ૧૦-૧૧ વર્ષની ઉમરે તો બાબરા પાસેના કરિયાણા ગામના  ઉનડ ખાચર સાથે પરણાવી દેવામાં આવ્યા પણ સાસરે આવ્યા પછી એ ડહાપણને  દયા અને  નિરાવરણ દિવ્યદર્ષ્ટિનો ભંડાર ગણાવા લાગ્યા. મીણબાઈમાની ઈશ્વરીય તાકાત જોઇને લોકોને તો એમ જ લાગતું કે આ મીરાબાઈ જેવી સ્ત્રીને સંસારમાં રસ કેમ લાગતો હશે પણ જેવી હરિની ઈચ્છા પરંતુ એવે સમયે ભગવાને પણ ક્યાંક જુદું જ ઘડ્યું હતું તે તેમના પતિ ઉનડ ખાચરનું ભર યુવાનીમાં અવસાન થયું.કાઠી દરબારોમાં તો મરણ પાછળ રોવા કુટવાના કેવા કડક રિવાજો પણ આ મહાજ્ઞાની મીણબાઈમા તો કહે કોઈએ રડવું નહી અને જે કઈ થઇ ગયું છે એને સ્વીકારવું જ રહ્યું,આ તો બધું ઈશ્વરે આપેલું ઉછીનું ધન કહેવાય એ પાછુ ક્યારે લઇ લે તે નક્કી નહિ આમ કહી મીણબાઈમા પોતાના મામા (સસરા)ની પરવાનગી લઈ વૈધવ્યને પ્રભુની આપેલી ભેટ ગણી સાંખ્ય યોગી જીવન જીવવવાનું વ્રત લઇ ગઢડામાં જીવુબા પાસે આવી ગયા અને એવી કડક ભક્તિ તરફ વળ્યા અને સાવ સાદું જીવન જીવે જમીન ઉપર જ સુવે એક જ વાર જમે,પુરુષો સાથે ક્યારેય વાત પણ ન કરે.આમ આવું કઠણ તપ ધરી ભક્તિ કરવા લાગ્યા.
      આ મીણબાઈમાએ ભગવાન જન્મ્યાથી માંડી જ્યાં જ્યાં ગયા એ પહેલા જ એમના કુંટુબીજનોને કહેલું કે એક દિવસ અયોધ્યા પાસેના છપૈયા ગામે પ્રગટેલ હરિબ્રહ્મસ્વરૂપ આપણા ગામમાં પંચપીરની જગ્યાએ આવશે અને ખરેખર એવું બન્યું પણ ખરું કે ઈ..૧૮૦૪ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ પંચપીરની જગ્યાએ આવ્યા ત્યારે મીણબાઈમા ના કુટુંબીજનો એ આ વાતને સાવ સાચી માની હતી કે મીણબાઈમાએ જે ઘેર બેઠા બેઠા સમાધિમાં જોયું હતું એ અક્ષરસ સાચું પડ્યું છે.ભગવાન સ્વામિનારાયણ જયારે કરિયાણા આવ્યા ત્યારે દેહા ખાચર તરત જ તેમને દર્શને ગયા હતા અને પોતાના દરબારગઢમાં ભગવાનને તેડી આવ્યા.દેહા ખાચરે ભગવાન સ્વામિનારાયણને પોતાના દરબારગઢમાં બોલાવી આગતા સ્વાગતા કરી પોતાની આજુબાજુના સગાને તેડાવ્યા કે આજ સાક્ષાત ભગવાન આવ્યા છે,દેહા ખાચર જયારે ભગવાન સ્વામિનારાયણને તેડવા ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણના સોળ ચિન્હો અને દેખાવડું શરીર જોઈને વિશ્વાસુ બન્યા કે ખરેખર આ જ હરિ છે.પછી ભગવાન સ્વામિનારાયણને કહેવામાં આવ્યું કે આપ અહી પધારવાના હતા એ વાત તો અમોને અગાઉ આ મીણબાઈમાએ કહી રાખી હતી, અભયસિંહ રાજવી  ખૂબ જ ખુશ થયા અને તેમણે કહ્યું કે તો તમે જ મને એ આદર્શ નારીનો ઈતિહાસ કહી સંભળાવો,આથી અભયસિંહને મીણબાઈમાનો વૃતાંત સંભળાવવામાં આવ્યો.આ મીણબાઈમા ના જીવનના પ્રસંગોની આધારરૂપ કેટલીક ચોપાઈઓ જોઈએ.
વાત કહી મીણબાઈની,બ્રહ્મચારીએ ભૂપતિ પાસ,
નૃપતિને ઈચ્છા થઇ,એનો સાંભળવા ઈતિહાસ
અયોધ્યાથી ચાલ્યા અવિનાશ,પછીથી કર્યો જ્યાં જ્યાં પ્રવાસ,
મીણબાઈ તે સઘળું નિહાળે,ઘેર બેઠા સમાધિમાં ભાળે.
આવશે પ્રભુ આપણે ગામ,એમ કરતા તે વાત તમામ,
પછી આવ્યા તહા પ્રભુ જયારે,તેણે દીઠા સમાધિમાં ત્યારે.
મહાજ્ઞાની સતી મીણબાઈ,સ્વામીનો શોક કીધો ન કાંઈ,
તેના મરણ સુધીની કથાય,કહું આજ પ્રસંગે હે રાય.
તેનું ખરચ કર્યું  કરિયાણે ,પ્રભુ ત્યાં વિચર્યા તેહ ટાણે
      પછી તો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની  મીણબાઈમાની શ્રદ્ધા ખૂબ જ વધી હતી ને  ધર્મભક્તિમાં ખૂબ જ આગળ વધ્યા હતા.આ મીણબાઈમા જે પૂર્વજન્મના સિદ્ધયોગી હોવાથી બાળપણથી જ યોગ સમાધિમાં જઈ શકતા અને બીજાને પણ યોગ સમાધિમાં લઇ જતા હતા,મીણબાઈએ અનેક વખત અક્ષરધામના ભાવ સમાધિના દર્શન કર્યા હતા,આખરે મીણબાઈમાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો મંત્ર રટતા રટતા જ અને જવાની  રજા માંગતા ભગવાન સ્વામિનારાયણ કહે મીણબા તમે તમારા ભાઈ બાવાભાઈ બહારગામ ગયા  છે એ આવે પછી જજો તેથી બાવાભાઈ ને બોલાવી લેવામાં આવ્યા પછી મીણબાઈમા એ પોતાનો  ઈચ્છા મૃત્યુથી  સૌની સામે જ પળવારમાં દેહ છોડી દીધો તેનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે કે તેમની સ્મશાનયાત્રામાં એક ગાય પણ ડાઘુઓ ભેગી ભેગી આવી હતી અને તેને અનેક વખત પાછી વાળતા વળી નહોતી અને જયારે મીણબાઈનો દેહ ચિતા ઉપર મૂકવામાં આવ્યો ત્યારે એ ગાય ચિતાને સાત ફેરા ફરીને ક્યાં ગઈ તે કોઈ જોઈ ન શક્યું,જયારે મીણબાઈમાના પવિત્ર દેહને દાહ આપીને ડાયરો પાછો વળ્યો એ પછી કોઈ દરબારને ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે આભડવામાં કોણ કોણ હતું તો બધાના નામ આપ્યા પણ એમ પણ કીધું કે એક ગાય પણ પરાણે સ્મશાને આવી હતી,ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એ ગાય નહોતી એ સાક્ષાત ગંગાજી ગાય બનીને આવ્યા હતા.આથી સૌ કાઠી ડાયરો આશ્ચર્યમાં પડી ગયા અને વિચારે છે કે મીણબાઈમા ખરેખર ઈશ્વરનો જ સાશ્વત અંશ હતા.  
      અગિયારમે દિવસે મીણબાઈમાનું કારજ કરવામાં આવ્યું અને સમગ્ર કાઠિયાવાડ માંથી અસંખ્ય કાઠી દરબારો  તેમના કારજમાં આવ્યા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના રસાલા અને સંતો સાથે કારજમાં આવ્યા હતા તેથી સમગ્ર કાઠી દરબારો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્ય ધન્ય થઇ ગયા.એવું કહેવાય છે કે જે વ્યક્તિ મીણબાઈમાનું આખ્યાન સાંભળશે તેનું મન પાવન થાય છે.






Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર