રાજવંશને બચાવવા એક નહિ છ છ દીકરાનું બલિદાન આપ્યું.


 રાજવંશને બચાવવા એક નહિ છ છ દીકરાનું બલિદાન આપ્યું.
      આ દેશની જનેતા કદાચ એક પુરુષ કરતા પણ વધુ સહનશક્તિ અને મક્કમ મન ધરાવે છે એવું આ વાત સાંભળતા જરૂર થઇ આવે,આ દેશના પાણીમાં અને લોક વ્યવહાર અને સંબધોમાં કેવી નવીનતા રહી હતી કે બસ તેનામાં ખાનદાની અને રખાવટ અને વિશ્વાસના ગુણો જ વધુ ભરેલા હતા,અમીચંદો તો કોક જ નઠારી નારીના પેટે પાકતા હતા.
      આજ અહી એક એવી અડગ અને કડક વજ્ર જેવું મનોબળ અને કાળજું ધરાવનાર દંપતિની વાત કરવી છે.આ દેશની પ્રજાએ હમેંશા રાજબીજને રાજવંશને જીવ કરતા પણ વધારે પ્રેમ કરીને તેને જાળવવા માટે ડગલે ને પગલે બલિદાનો આપ્યા હતા,આથી ભારતવર્ષમાં રાજદીપકો જલતા રહ્યા હતા.
      આ દંપતિ એટલે ભીંયા ક્ક્ક્લ અને તેની પત્નિ મલ્લણી,બેય જણા એવા કે દૂધને સાકરને મેળ એવો મનમેળ.આથી કદીપણ એકબીજાની વાત કદી ઉથાપે નહિ ને જે કરવાનું હોય તે દિલ રેડીને કામ કરે.
      મધ્યયુગમાં તો રાજાગાદી માટે ડગલે ને પગલે દગા ફટકા અને યુદ્ધ છાશવારે થતા જ રહેતા એ જમાનાની એ તાસીર હતી એવા સમયે નવાનગરના સ્થાપક જામ રાવળજી એ કચ્છના જામ હમીરજીને દગાથી રાજમહેલમાં દગાથી માર્યા પણ છતાં તેમની તલવાર રક્ત તૃષાથી શાંત પડી નહોતી ને તેમના બે બાળકુંવરો ખેંગારજી અને સાહેબજીને પણ પકડીને ટૂંકા કરી નાંખવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા પણ એમ થોડું કઈ કાળા માથાના માનવીનું ચાલે છે એ તો એની વિધાતા એ જે લેખ લખ્યા હોય એ મુજબ જ થાય,પણ રાજ સતાધીશોને એમ હોય કે એ તો અમે કરી જ નાખીએ વિધાતાના લેખમાં મેખ મારી દઈ.
      જામ હમીરજી પાસે એક સીદી રહેતો હતો જેનું નામ છચ્છર બુટો જેને થયું કે આ બેય બાળકુંવરોને પણ ક્યાંક જામ રાવળજી મારી જ નાખે તો જામનો વંશ ચાલ્યો જાય તો આ વફાદાર નોકરે બેય કુમારોને પોતાની સાથે લઈ લીધાને તેને સાંચવે છે પણ રાજની ભીંસ વધતી જ જાય છે કે ક્યાં ગયા ખેંગારજી અને સાહેબજી.
      જામ રાવલ કોઇપણ ભોગે પોતાનું અધરું કાર્ય પૂરું કરવા માંગતા હતા તો તેની સામે બિચારો આ સીદી છચ્છર બુટો કેટલીક જાક જાલે પણ તે કુંવરોને લઈને ભાગ્યો અને જ્યાં જામ હમીરનો પાકો ભાઈબંધ  ભીંયા ક્ક્ક્લ  રેલડી ગામે રહેતો હતો ત્યાં આવી પહોંચ્યો.
      ભીંયા ક્ક્ક્લ જાતે મિંયાણોને એને વફાદારી અને ખાનદાનીને રખાવટ માટે પોતાના પ્રાણ કરતા પણ વધુ વ્હાલુ લાગે એવો જોરાવર ને અડગ આદમી.
      ભીંયા ક્ક્ક્લને છચ્છર બુટાએ બધી વાત કરી કે કચ્છમાં આમ બન્યું છે, આ બન્ને બાળકુંવરોને ઉગારી લેવા એ મારી ને તારી ફરજ છે.ત્યાં તો ભીંયા ક્ક્ક્લ કહે એલા એમાં તારે વળી મને આવી ભલામણ કરવાની હોય હું જામ હમીરજીનો જીગરીને વફાદાર દોસ્ત છું,આજ મિત્રતાનું ઋણ ચૂકવવાનો માતાજી અને અલ્લા એ મોકો આપ્યો છે.
       છચ્છર બુટો કહે પણ રાખજે કડક જાપ્તો કે ગુપ્ત જગ્યાએ આ કચ્છની મહામૂલી અમાનત છે હો બાકી જો જાહેર થઇ જશે તો બધું પાણીમાં જશે અને લટકામાં આપણને પણ મોતની સજા જ મળે હો.
      ભીંયા ક્ક્ક્લ ને છચ્છર બુટો આ વાત કરે છે ત્યાં તો જામ રાવળજીના પગીઓ પગેરું દબાવતા રેલડી ગામે આવી પહોચ્યા ને બસ ભીંયા ક્ક્ક્લના વાડા પાસે નિષ્ણાંત પગીઓ અટકી ગયા કે આટલામાં જ ક્યાંક કુંવરોને રાખવામાં આવ્યા છે.
      ભીંયા ક્ક્ક્લે પોતાના વાડામાં ઘાસની મોટી ગંજીમાં વચ્ચે પોલાણ રાખી એમાં બન્ને કુંવરોને સંતાડી દીધા હતા,આથી પગીઓની વાત પણ સાચી પડી કે અહીંથી આગળ પગેરું જતું જ નથી,ત્યારે જામ રાવળના માણસો માંડ્યા ધૂંવાફુંવા થવા કે એલા મિંયાણા આ કોઈ કુંવરો તારા સગા થતા નથી તો સાચું કહી દે કે ક્યાં છુપાવ્યા છે પણ ભીંયા ક્ક્ક્લ એક નો બે થતો નથી ને એક જ  કક્કો કુટે છે કે મેં ક્યાં છુપાવ્યા છે તો હું કાઢી આપું તો જામ રાવળે વધુ દબાણ કર્યું ખૂબ ધમકીઓ આપી પણ જમાનાનો ખાધેલ ભીંયો ક્ક્ક્લ લકીરેય ન દબાયો અને કોઇપણ મોટી લાલચો આપી પણ લપટાયો જ નહિ.
      જામ રાવળને પોતાની તલવારનું અને સતાનું અભિમાન હતું કે માણસ સતા અને તલવાર પાસે નમી જ પડે,આથી જામ રાવળે કહ્યું કે જાવ ભીંયા ક્ક્ક્લના છોકરાઓને પકડી લાવો પછી જોઈએ કે આ મિંયાણો વળી કેવોક અડગને વફાદાર છે.
      આ બધો જ સંવાદ સામે ઉભેલી મલ્લણી નામની તેની મિંયાણી સ્ત્રી સાંભળે છે તેનું હદય થડકારા ચૂકી ગયું પણ ગમે તેમ તોય એક મરદની વહુ હતી તે બધું સહન કરીને ઊલટાની એના પતિને હરમત દીધી કે જો જો હો ખાવિંદ ક્યાંક જામ હમીરજી નું લુણ ન લાજે ક્યાંક ફસકી ન જતા હો.
      ભીંયા ક્ક્ક્લે પોતાનો દીકરો હાજર કર્યો તે તરત જ જામના માણસે તેના માથાના વાળ ખેંચી નજીક લાવ્યો ને કહે બોલ જોઈ તે રાજના કુંવરોને ક્યાં છુપાવ્યા છે બાકી તારું આ રતન હમણાં જ અહી જ રોળાય જશે.
      અરે બાપુ એમ હું ક્યાંથી કુંવરોને કાઢી આપું મેં સંતાડયા જ નથી,ન માન્યો ત્યારે સરદારે પેલા બાળકની ડોક ઉપર ધડાંગ દઈને તલવારનો ઝાટકો મારી માથું ધડથી જુદું કરી દીધું ને કુમળા લોહીના ફુવારા ઉડયા પણ છતાં ભીંયા ક્ક્ક્લ કે મલ્લણી બે માંથી એકેય થડક્યા નહિ.
      વળી પાછુ પૂછવામાં આવ્યું કે બોલો હવે છુપાવેલા કુંવરોને કાઢી આપો છો કે નહિ?અરે બાપુ તમે ગમે તેમ કરો અને અમારા બચ્ચા ને મારી નાંખો તો ય જે અમે નથી સંતાડ્યા એ ક્યાંથી કાઢી આપીએ એમ કહ્યું.
      જામ રાવળની આ ટોળીને તો બસ ખેંગારજી અને સાહેબજી જ દેખાતા હતા,તે બધું જ ભૂલી આવો અમાનુષી ત્રાસ ગુજારતા જ જતા હતા,એક, બે ,ત્રણ,ચાર ,પાંચ,છ એમ દીકરાઓને એક પછી એક વાઢી નાંખ્યા પણ ત્યારે પણ મલ્લણી તો મક્કમ રહી શકી પણ ભીંયા ક્ક્ક્લની આંખમાં આંસુડુ દેખાયું તો મલ્લણીએ બાજી સંભાળી લીધીને મંડી સાન કરવા કે હે મિંયાણા ક્યાંક આ બલિદાન એળે ન જાય હો જરાક વધુ મરદ થા,સાતેય દીકરા મારી કુખેથી જ મેં આપ્યા છે ને હજુ બીજા દીકરા હું આપી શકીશ પણ કચ્છના માલિકનું રક્ષણ કરવું જ છે.
      આખરે જયારે સાતમાં છોકરાને પણ વધેરી નાખવા હાજર કરવામાં આવ્યો ત્યારે દેશની ખમીરવંતી મલ્લણીએ જામ રાવળને કહ્યું કે સાથે સાથે અમને બેય ને પણ વધેરી નાંખો તો પણ અમે જે કુંવરોને સંતાડ્યા નથી તે ક્યાંથી કાઢી આપીએ.
      આથી આખરે લશ્કર ને દયા આવી કે આ સાચા લાગે છે તે સાતમાં દીકરાને છોડી મૂક્યો.આમ જામ રાવળની નિર્દયતા સામે આ દંપતિનો રાજપ્રેમને દેશપ્રેમની જીત થઇ ને લશ્કર ચાલ્યું ગયું.પછી ખેંગારજી અને સાહેબજી ઘાસની ગંજીમાંથી બહાર આવ્યા અને બોલ્યા કે અમને અમારી માએ એક જન્મ આપ્યો હતો પણ બીજો જન્મ તો તમે આપ્યો છે.
      કવિઓએ કચ્છી બોલીમાં એક દુહો રચ્યો કે
કચ્છ ક્ક્કલે રખેઓ,રખેઓ કાછેરા,
કાં મિંયાણી મલ્લણી,કાં અકબરમાં.
જેનો ભાવાર્થ થાય છે કે ક્ક્કલોએ કચ્છના ધણીનું રક્ષણ કર્યું તેમાં મહાન અકબરને જન્મ આપવાનું જેટલું માં તેની માતાને ઘટે છે એટલું જ માં આ કુમારોને બીજો જન્મ આપનાર તેની માતા મલ્લણીને ઘટે છે.
      આ પછી ખેંગારજી અને સાહેબજીએ મોટા થઇ લશ્કર તૈયાર કરી કચ્છની ગાદી મેળવીને છેક ૧૯૪૭ સુધી રાજ્ય એમના વંશવારસોએ જાળવી રાખ્યું હતું.









Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર