આઈ જીવણી – ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
આઈ જીવણી – ડૉ. પ્રદ્યુમ્ન
ખાચર
આપણા સાહિત્ય,ઈતિહાસ,લોકકથા અને બોલીમાં જ જે
તે સમયના વિચારો, લોકમાનસ,રહેણીકરણી પ્રતિબિંબિત થતી હોય છે એવા પ્રસંગોમાં જીવનનો
સંઘર્ષ,સ્વમાન,દેશપ્રેમ,માણસાઇ,રખાવટ.ઉદારતા,મિત્રપ્રેમ,નાત પ્રેમ જોવા મળે છે.આ
પ્રસંગોમાં કોઈ વ્યક્તિ બુદ્ધિને દોડાવીને જોખવા જાય તો તે નહિ સમજી શકે,આવા
પ્રસંગો તો એ યુગની તાસીર સાથે સરખાવે તો જ આજનો માણસ એની સાચી મજા માણી શકશે,આવી
કથાઓને હ્રદયમાં ઉતારવા માટે ડહાપણ અને બુદ્ધિને તાળા કુંચીમાં બંધ કરી દેવી પડે
છે,વળી આ બધા પ્રસંગો તલવાર યુગના અને તલવારની ભાષામાં જ કોતરાયેલા હોવાથી તલવારની
ભાષામાં જ સારી રીતે સમજી શકાશે. કાઠિયાવાડની સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ
ચારણ,બારોટ,મીર વગેરે લોકોએ કર્યું છે એમાંય ચારણો તો ખોટું જણાય તો પડકારે
એ એમના લોહીમાં રહ્યું છે,જેમના કંઠમાંથી ખુશી અને રોષ બંનેનો જુદો જુદો અવાજ
નીકળ્યો છે,અહી અન્યાય સામે ખમકારો કરતી
એક ચારણની દીકરીની વાત કરવી છે.જે
ચારણકુળમાં નવલાખ લોબડીયાળુ માતાજીઓ થયા છે અને આજે પણ લોકો તેને પૂજે છે.
કચ્છ કાઠિયાવાડની
ધરતી ઉપર અનેક લોકોએ બલિદાન આપીને આ ધરતીને ભગવાનના ચોપડે અમરત્વ અપાવ્યું છે,બાકી
કાળા માથાનો માનવી ઘણીવાર આવી ઘટનાઓ ભૂલી પણ જાય છે.આ ધરતી ઉપર એક કાળે એવું હતું
કે મારે તેની તલવાર અને જાળવે તેની જમીન,આથી વારેવારે ઝઘડાઓ અને યુદ્ધો પળેપળે થતા
હતા જેમાં નબળાનું તો કામ જ નહિ જો સબળા
હોય તો આવા અનેક કારણોસર ભડવીરો બહારવટે નીકળતા તે બહારવટુ કરી રાજયને હંફાવતા ને જો
રાજય ખાનદાન અને સમજદાર હોય તો માનપૂર્વક
સમાધાન કરી લેતું પણ જો પણ જો રાજ્ય
ન માને તો અન્યાય પામેલા લોકો પોતાનો જીવ દઈને જ જંપતા એ હતી એ યુગની રીતરસમ.
એક
નાની અમથી વાત માંથી એક અનાથ ચારણીયાણીએ ત્રાગું કરીને પોતાનો જીવ આપી દીધો તેની
વાત માંડવી છે.કચ્છની વાગડ સરહદ પર એક કાનમેર ટીંબાએ નાનકડું ગામડું આવેલું છે, આ
કાનમેરનો રણીધણી દેવાજી ઠાકોર છે એ દેવાજી એટલે એની આજુબાજુના ગામોમાં ફે ફાટે છે
કોઈથી દેવાજી સામે થવાય નહિ.
દેવાજીના કાનમેરમાં એક રાસુ નામે માલધારી રહેતો
હતો જેને એક દિવસ વગડામાં ઘેટાં બકરા ચારતા ચારતા એક નમણી નાગરવેલ જેવી દીકરી મળી
આવી જેનું નામ છે જીવણી.એ ક્યાંની ને કોની દીકરી એ બધેય તપાસ કરતા ક્યાંય પણ વાવડ
મળ્યા નહિ કે આ જીવણીના માબાપ કોણ છે,તો હવે તો રાસુએ જ જીવણીને સાંચવવી રહી એ તેનો ધર્મ થઇ પડ્યો, વળી રાસુને ઘેર પણ સંતાનની ખોટ
હોવાથી એતો ખુશ થઇ ગયો કે પ્રભુએ મારા ઉપર મહેર કરીને જીવણીને મોકલી છે.
જીવણી
એટલી નાની કે બિચારીને તેના માતા પિતાના કઈ નામ ઠામ આવડે નહિ તે આ પાલક પિતાને
ખોળે જ રમતા રમતા થોડા દિવસમાં તો જુવાનજોધ થઈને ઉભી રહીને રાસુએ જીવણીને પિતાનો
પ્રેમ આપવામાં જરાપણ ઓછુ આવવા દીધું નહોતું.
હવે
તો રાસુના ઘરના તમામ કામો જીવણીએ
સંભાળી લીધા છે ને ઘરને સ્વર્ગ
સમાન અને લીપ્યું ગુપ્યું આંગણું સોના જેવું મઢેલું રાખ્યું છે,પરંતુ એમાં એક દિવસ
બન્યુ એવું કે કાનમેરના ઠાકોર દેવાજી ફરવા નીકળ્યાને ગામના પાદરમાં રાસુના ઘેટાં
બકરા જોયાને રાસુના બે પાંચ ઘેટાં બકરાની
માંગણી કરી પણ રાસુએ ઘેટાં બકરા દેવાની ઘસીને ના પાડી દીધી.રાસુને દેવાજીએ
ખૂબ સમજાવવા કોશિષ કરી પણ તે ન માનતા દેવાજીને પણ વટ અને અહમનો સવાલ થઇ પડ્યોને તે
એને પોતાનું અપમાન સમજી બેઠા કે એક નાનો
એવો માલધારી મને આ આ રીતે બે ચાર ઘેટાં બકરા દેવાની ચોક્ખી ચણાક ના કહી દે એ તો
કેમ ચલાવી લેવાય.ગામધણી હોવાથી તેણે તો તરત જ રાસુને વગર ગુને કાળ કોટડીમાં પૂરી
દીધો અને બધા જ ઘેટાં બકરા જપ્ત કરી લીધા છતાં હજુ રાસુ તો નાનો માણસ હોવાથી
દેવાજીને કાકલુદી કરે છે કે બાપુ મને જવા દયો પણ ઠાકોર માને શેના ?
રાત
પડી ગઈ પણ રાસુ ઘેર ન આવતા તેના ઘરે સૌ ચિંતામાં પડી ગયા અને તપાસ કરાવતા ખબર પડી
કે તેને તો દેવાજીએ જેલમાં પૂર્યા છે તો રાસુની પાલક દીકરી બધાને કાલાવાલા કરે છે
કે કોક જાવને મારા બાપુને છોડાવી લાવોને પણ કોઈએ આગળ ડગ ન માંડતા આખરે જીવણી જ નીકળી
પડી કે હું હમણાં જ મારા બાપુને છોડાવી
લાવું છુ.
જીવણી
તો ધૂંવાફૂવા થતા લાલ તાંબા જેવી થઈને આવી દેવાજીની દોઢીએ ત્યાં તો કાવા કસુંબા
ઘૂંટાય છે ને ડાયરો જામ્યો છે ત્યાં જીવણીએ જઈ સાદ પાડ્યાને વિનવણીઓ કરી પણ કોઈ
જીવણીની વાત સ્વીકારતું જ નથી પણ ત્યાં
કોક અવળચડું વગર વિચાર્યે ન કેવાય કે ન
સહેવાય એવા વેણ બોલ્યું કે “જો તું આમ કર તો આ કામ થાય” જીવણી કે અરે મારા બાપુ એ
તો ધણી કહેવાય રાજા કહેવાય તેના પેટ તો સમદર જેવા હોય,આવા ન જ હોય ?
ચારણીયાણી થોડી એવા વેણ સાંખી લે એ કંઈ થોડી સામાન્ય
કુળની હતી કે સમાધાન કરી મન મનાવી લે તેણે તો તરત જ પળવારનો વિચાર કર્યા વિના તરત
જ પોતાના મખમલી કાપડાને ચરર કરતા એક જ ઝાટકે ચીરીને પોતાના બંને થાનેલા કાપી સામે ફેક્યાંને દોઢીએ ને ડાયરામાં ખોબો ભરીને જે માતાજી કહીને લોહી છાટયુ ને ત્રાગું કરી ચારણીયાણી બોલી કે તે જે ગરીબને
દુભવ્યા છે તો મારી માતાજી તારા લેખા લેશેને તારે દીકરીએ પણ દીવો રહેશે નહિ ને જો
કોઈ બચશે તો એ ગાંડો થઇ જાશે જા દેવાજી જા .
બીજી
બાજુ કપાયેલા થાનેલાએ જીવણી લથડાતા લથડાતા ગામ બહાર નીકળી ત્યાં એક જસા નામના
મુસલમાન કોળીએ તેને ટેકો આપ્યોને ઉઠાવી લઇ પાણી પાયુંને તેની આંતરડી ઠરતા જીવણીએ કોળીને
આશીર્વાદ દીધા કે જા “તારા ઘરની ઘંટી પરનું વાસણ તારું અક્ષયપાત્ર બનશે, કદી તારા ઘરને મુશ્કેલી નહિ
પડે”
જયારે
બીજી બાજુ દેવાજીના જે ત્રણ ભાઈઓ કાઠિયાવાડમાં જતા રહેલા તે આવ્યા અને દેવાજી પાસે
ગરાસમાં ભાગ માંગ્યો પણ એ શેનો આપે તો ધીંગાણું થયું ને પેલા ભાઈઓએ ગરાસ ખુંચવી
લીધોને પછી તો દેવાજી ભટકી ભટકી મૃત્યુ
પામ્યો.
આ
પછી તો દેવાજીના વંશજોએ પોતાના ગઢમાં જીવણીને સતી તરીકે સ્થાપિત કર્યા,આજે પણ
કાનમેરની ઉતર દિશામાં સતી જીવણીના સ્થાનકે લોકો આ ઘટના છેક સંવત ૧૫૭૭માં બની છતાં
અડગ અને અખંડ એકધારા આવતા રહ્યા છે,જે ધરતીની ખાનદાની,રખાવટ,પિતૃપ્રેમ,વટ વચન ટેક
અને ત્રાગાની ઘટનાને જાળવી પૂજી રહ્યા છે.
નોંધ: આઈ જીવણીના પાળિયામાં સંવત ૧૭૭૪
જેવું વંચાય છે પણ ગામ લોકોના મુખે આ ઘટના સંવત ૧૫૭૭ની મનાય છે,પાળિયામાં સતીના
બંને થાનેલા કપાયેલા બતાવ્યા છે.
Comments
Post a Comment