આપા દાના એ ગામને સાજુ કર્યું – ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
આપા દાના એ ગામને સાજુ કર્યું – ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
ચલાળાના સંત શિરોમણી શ્રીદાનમહારાજની હયાતીની આ વાત છે એ તો અલગારી
અને ફરતા સંત હતા જેમણે માત્ર ગૌસેવા અને દિન દુઃખીયા અને અભ્યાગતોની સેવા કરી હતી
જેમને આજુબાજુના લોકો એક જાગતા દેવ તરીકે માનતા હતા તો રોજેરોજ બાપુને પોતાના
ગામમાં પધરામણી કરવાના રૂડા નોતરાં મળે છે,દાનબાપુ તો કહે
એલાવ તમે મને દેવ કે પીર માનો છો પણ હું તો માત્ર તેમનો ટેલીયો જ છું પણ લોકોને
એમની સાદાઈ અને સેવા પર ભારોભાર માન છે કે આ યુગના આ દેવતાય પવિત્ર પુરુષ જ છે.
આમ ધીરેધીરે લોક માનસમાં
દાનબાપુ દેવ સમાન જ બિરાજમાન થઇ ગયા છે એક દિવસ બાપુ બરવાળા બાવીસી આવેલાને ત્યાનો
શેઠ મૂળચંદ દોશી કહે બાપુ અહી થી સાવ પાઘડી પને અમરાપુર ધાનાણી વાળાનું સાવજના સગડ
જેવું ગામ છે ને ગામ એવું ભક્તિવાળું અને વેપારી,પટેલિયા અને દરબારો વચ્ચે સંપીલું ગામ છે ત્યાં પધરામણી કરો તો એ
લોકો રાજી થશે ને મારા ઉપર ખુશ થશે કે એક સાચા સંતનો ભેટો કરાવ્યો.
દાનબાપુ કહે હાલો અમારે ભગતોને તો બીજું શું હોય જ્યાં આવકાર ને મીઠપ
હોય ત્યાં જવામાં જરાય આળસ નહિ.મૂળચંદ દોશીએ તો અમરાપુર આવીને કાથડબાપુ
અને દરબારો અને પટેલિયાઓને કહી બધી તૈયારી કરાવીને ખખડધજ અનાદિ કાળના ચોરામાં
બુંગણોને પાથરણા પાથરી બેઠક કરીને બાપુ પધાર્યા અમરાપુર.
ગામ સંપીલું અને ભક્તિવાન હોવાથી ગામના નાના મોટા તમામ બધું જ કામ
પડતું મેલીને દાનબાપુને દર્શને આવ્યાને પોતાની પાઘડીયુ ઉતારી ઉતારીને બાઈઓ ખોળા
પાથરીને આશીર્વાદ લે છે ને બાપુના પગમાં સાકરના પડા અને શ્રીફળનો ગંજ ખડકાયો છે.
આપા દાના પણ ગામની ભક્તિ અને સંપ જોઈ ખુશખુશાલ છે ને બાળકોને પોતાના
હાથે જ સાકરને ટોપરાં ખવરાવે છે.
પરંતુ જે કોઈ દર્શનાર્થી આવે તેમનામાં એક નવીનતા દેખાય છે કે સ્ત્રી
હોય કે પુરુષ બધાને ક્યાંક ક્યાંક સફેદ બગલાની પાંખ જેવા પાટા વીંટયા બાંધ્યા છે,મૂળચંદ શેઠ હિમાલય જેવડો નિસાસો નાંખીને કહે છે અરે બાપુ આ ગામમાં
બધાને વાળાનો રોગ થયો છે.અવરતિયા કાઠી શાખાયત કાઠીની જ્યાં મોકો
મળે ત્યાં મશ્કરી કરે જ એટલે તે કાથડબાપુ કહે બાપુ પણ આ ગામમાં બધા વાળા છે તો વાળા
જ નીકળે ને ? આવું સાંભળતા તો બધા ડાયરો ખડખડાટ હસવા લાગ્યો,પણ આ બિચારામાં કેટલાક
તો માંડમાંડ ઉભા થઇ શકે છે ને કોઈક તો આજ જ લાકડીને ટેકે આટલું ચાલી શક્યા છે,બાકી તો બિચારાની માથે માંખીઓ બંણબણતી ઉડાડતા હોય ને એ બિચારા પડ્યા પડ્યા કણસતા હોય.
દાનબાપુ કહે અરે હોય એવું કઈ તે આખું ગામ આ રીતે દુઃખી હોય વાળાના
ગામમાં વાળો જ પીડા કેમ આપી શકે ?
હાલો મને ગામ બતાવો એમ કહી ફટાક દઈ દાનમહારાજ ચોરાના પગથિયા હેઠા
ઉતરી ગયાને ગામમાં ફરતા ફરતા ગામ બહાર આવ્યા ત્યાં એક વાવ જોઈને ત્યાં બે ઘડી
વિચારે ચડ્યાને પછી એક વૈદ્ય જેમ પાણી તપાસે એમ અંદર ઉતરી વાવનું પાણી તપાસી
બોલ્યા કે હં હં આ જ કારણ રોગનું છે.
ગામના લોકો ભક્તિભાવ ખરા પણ પવિત્રતા જાળવતા નથીને વાવની આજુબાજુમાં
જ અપવિત્ર કપડાં ધોવે ને પાણી પાછુ વાવમાં જાય એ સાથે સાથે ગામનો કચરો પણ ને આ
સિવાય મેલાઘેલા માણસો પણ વાવમાં નાહ્ય છે,આવું તો કઈ હોય
એમ એક જમાનાના ભગત અને આજના પર્યાવરણવિદ કે પાણીકળા કે ભૂસ્તરશાસ્ત્રી ગણાય એમ એ બોલ્યા કે આ વાવ જ બુરી દયો.
ગામના લોકોના મનમાં તો ફાળ પડી ગઈ કે અરે અરે આ વાવ તો આપણને કાળના
કાળ ઉતરાવે છે એને થોડી બુરી દેવાય? દાનબાપુ કહે અરે હું થોડો કઈ તમારું
અહિત કરું હાલો હું તમને બીજી જગ્યા બતાવું એમ કહી આગળ એક સૂકાયેલ તળાવડીમાં આવીને
લાકડીથી કુંડાળું ચીતરી આપ્યું કે “અહી વાવ ગાળો ત્યાં પુષ્કળ નીર ભર્યા છે ને જેમાંથી એક મૂર્તિ પણ નીકળશે તો જાળવીને ખોદશો અને જે આ વાવનું
પાણી પીશે તે તમારા રોગનો નાશ કરશે અને એ લોકો બળુકા ને જોરાવર થશે એવા મારા આશીર્વાદ છે.”
ગામ લોકોને પૂરી શ્રદ્ધા બેઠી કે ભગતના વચન કોઈ દી ખોટા ઠરે નહિ તે
તરત જ ગામના બધા મળી માંડ્યા વાવ ગાળવા ઘણશીણા લઈને ધડાંગ ધડાંગ કરતા મંડી પડ્યાને
૧૫ દિવસમાં તો વાવ ગાળી નાંખી પણ એ વાવ
ગાળતા એમાંથી એક મૂર્તિ મળી આવી તે બધા એ મૂર્તિ દાનબાપુ પાસે લાવ્યા તો દાનબાપુ
કહે વાહ આ તો જમનાજી આવ્યા ગણાય તો વાવનું નામ ગોપીવાવ રાખો.
થોડા દિવસોમાં જાણકારો એ
વાવમાંથી નીકળેલી મૂર્તિ સાફસુફ કરી ઓળખી તો એ મૂર્તિ વાઘેશ્વરીની નીકળી તો ગામ
લોકોએ દાનબાપુના હસ્તે જ ગામમાં પ્રતિષ્ઠિત કરાવી,ગામના ઉદાર અને દાનવીર ધાનાણી વાળા દરબારોએ માતાજીના દિવેલીયામાં
જમીન કાઢી આપી.
દાનબાપુ અમરાપુર આવ્યા ત્યારે શ્રી કાથડબાપુ ગીડાને ત્યાં પધરામણી થઇ
અને બાપુની સાથે એ રહ્યા ત્યારે દાનબાપુ કહે કાથડ ભગત તારા મનમાં એમ થાય છે ને કે
દાનબાપુએ મને કંઠી ન બાંધી પણ હું તને કંઠી નહિ બાંધી શકું તને કંઠી બાંધનારો જરૂર
મળશે અને એની નિશાની હું આપું છું કે શ્રીફળ અને સોપારી આપે તો માનજે કે એ તારો
ગુરુ છે પણ હું તો તને શું આપું આ મારી સોટી અને બેરખો છે એ કાથડ ભગતે સાંચવીને પ્રસાદીના તરીકે રાખ્યા, આ પછી સતાધારના
ગીગાબાપુએ કાથડબાપુને કંઠી બાંધી અને શ્રીફળ અને સોપારી ને લીલો નેજો આપ્યા કે જા
બધાને હરિહર કરાવતો રહેજે,ત્યારે દાનબાપુના આશીર્વાદ સહુને સાચા પડેલા લાગ્યા.
આ અમરાપુર જૂનાગઢ નવાબનું ગામ હતું અને એ આ ગામના મણિલાલ દોશી
સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના અને આરઝી હકૂમતના લડવૈયા હતા.આ ઉપરાંત બહારવટીયા રામવાળાના સાથી ગોલણવાળા આ ગામના હતા,જૂનાગઢના વિખ્યાત સાધુ ગુરૂ ગોરક્ષનાથ
આશ્રમના અને હરિયાણાના પહેવા સ્થિત ગરીબનાથ મઠના પીરજી પૂ.શેરનાથજીબાપુ પણ અમરાપુરના ને પૂ.કાથડબાપુના વંશજ છે.
કથા બીજ – શ્રી
નાગભાઈ સી.વાળા અમરાપુર
Comments
Post a Comment