ગાયોની વ્હારે
ગાયોની
વ્હારે
સોરઠમાં કેશોદ પાસે હાંડા જેવું સિન્દુરિયા ગામ આવેલું
હતું ગામમાં વાળા દરબારો ખૂબ જ સંપ અને એકરાગથી જીવતર જીવીને કાઠી કુળને ઉજળું કરી
રહ્યા હતા, સિન્દુરિયામાં સેલારકા પેટા શાખાના ઉગાવાળા નામના દરબાર કાઠિયાવાડ ઉપર
જબરજસ્ત ધાક ધરાવે છે,તે ઉગાવાળાની સામે પડવાનું જેવો તેવો તો કોઈ નામ જ ન લે પણ
એક વખત ઉગાવાળા ગામમાં હાજર નથી તો બગસરાના પૂના બાબરિયાને થયું કે લાવને રેઢા પડ
જેવું છે તો સિન્દુરિયા ગામનું ધણવાળી આવું તો પૂનાની ટોળીએ સીમમાં ચરતી ગાયોવાળી
ત્યાં તો રીડિયા રમણ થઇ ગોવાળો તો બિચારા કેટલીક ઝીક ઝાલે બાકી નકામાં નંદવાય જાય
તો છોકરા રોટલા વગરના થઇ જાય,આથી ગોવાળિયાઓ તો ભાગી જ ગયા,ઓછામાં પૂરું પૂના
બાબરિયાને તો ફાટ આંટો લઇ ગઈ હતી તે ગાયો તો વાળી પણ સિન્દુરિયાના ઉંચી પડથારના
દરબારગઢની ડેલીએ પણ કહેતો ગયો કે ઉગાવાળા આખા કાઠિયાવાડમાં તમારો સિક્કો પડતો હોય
પણ આ ગાયો ને ભડ ભાદર હો તો છોડવવા આવી જાજો.
દરબારગઢમાં દરબાર
હાજર નથી તે આવા કડવા વેણ જ્યાં કાઠિયાણીએ સાંભલ્યાં ત્યાં તો તે લાલ હિંગોળા જેવા
થઇ ગયા અને બોલી ઉઠયા કે અરે સાલા તું શું
એમ સમજે છે કે કાઠીના ઘરમાં કોઈ નથી?આ રહ્યો મારો ૧૪ વર્ષનો સાત ખોટનો મારો દીકરો
ફકીરાવાળો એ પણ ગાયોની વારે ચડશે જ હો. બાકી કોઈ ન હોય તો કટાણે તો કાઠિયાણીને પણ તલવાર હાથમાં લેતા તો આવડે જ.
આ પછી કાઠિયાણીએ
ફળિયામાં રમતા ફકીરાવાળાને સાદ પાડ્યો કે એલા ફકીરા અહી ઓરો આવતો ત્યાં તો બાળક
બધું પડતું મૂકીને આવ્યો કે બોલો બા શું કામ છે, કાઠિયાણી કહે જો બેટા આજ આપણા કુળની લાજ જાય તેમ છે તારા બાપુ બહારગામ ગયા છે
અને આ લોકો ગાયો વાળી જાય તો તને શરમ નથી આવતી તુ કઈ નાનો નથી હો ઢાંઢાં જેવડો તો
થયો છો તો તુ આજ મારું ધાવણ ઉજાળી બતાવ એવી આ તક છે.
માતાના આ વેણ
ફકીરાવાળાને બરછીની જેમ દિલમાં ઉતરી ગયા અને તેને પણ થયું કે હા હો આજ પરાક્રમ
બતાવવાનો મોકો છે.
ત્યારે બાળ
ઉગાવાળા તરત જ ઘોડા ઉપર પલાંગીને હાથમાં તલવાર લઈને નીકળી પડ્યોને જોત જોતામાં તો
તેણે ગાયો વાળનારને આંબી લીધાને ત્રાડ પાડી કે એલાવ મેલી દયો ગાયોને.પૂનો કહે એલા
છોકરા આ કઈ મોઈ દાંડિયા કે દડાની રમત નથી તો પાછો વળી જા આ તો ખાંડાના ખેલ છે.
ફકીરાવાળો કહે
હા એ બધી જ મને ખબર છે પણ તમે અત્યારે ગાયોને પાછી વાળી મેલો તેના વાછરું વલવલે છે
ને જયારે મારા બાપુ ઉગાવાળા હાજર હોય ત્યારે તમતમારે સમી છાતીએ હાલ્યા આવજોને પણ
અત્યારે આ રહેવા દયો.
પણ પૂનાનું મોત
પોકારતું હતું તેથી તે એકનો બે થતો નથી કહે અરે છોકરા એમ કઈ રાહ થોડી જોવાય પણ
તારા બાપને કહેજે કે બગસરાની સાતલી નદી માંથી ગાયુંને પાછી હાંકી જાય,બાકી
છોકરાવથી છાશું ન પીવાય. જાવ પાછાં તમારા મોઢામાં હજુ દૂધ ગંધાય છે.
આટલું સાંભળતા
તો બાળ ફકીરાવાળાનો મગજ ગયો અને હડફ દઈને તલવારનું
એવું જોરદાર જાવું માર્યું કે પૂના બાબરિયાનું માથું ડફ દઈને ધડ પરથી હેઠું
પડ્યું,પૂનો મરાતા અન્ય બીજા સાથીદારો મૂઠીયું વાળીને ભાગ્યા પછી આ બાળ યુવાનોએ
દરેક ગાયોને પાછી વાળી સિન્દુરિયા પહોચાડી.ઉગાવાળા ગામતરેથી પાછા આવ્યા જ્યાં
પોતાના જુવાન દીકરાના આ પરાક્રમની વાતો સાંભળી ત્યાં તો તેમની છાતી સવા ગજ ફૂલવા
માંડી કે વાહ સૂરજનારાયણ કાઠીને સંતતિ દયો તો આવી જ દેજો. આ ફકીરાવાળાએ શંકરદાદાના
મંદિરે પોતાના માથાની કમળપૂજા ચડાવી પોતાનો પ્રાણ હોમ્યો હતો,આ ફકીરાવાળાએ આ ઘટના
પછી બડોદરનું તોરણ બાંધી સિન્દુરિયાને બદલે ત્યાં બડોદર રહેણાક કર્યું હતું,આ
ફકીરાવાળાને ખોડાવાળા નામે બાપ જેવો જ
શૂરવીર ને ખાનદાન પુત્ર થયો હતો.
ફકીરાવાળાના આ
પરાક્રમને આપણા લોક કવિઓએ ગીત અને દુહામાં જાળવી લેવાનું કામ કરીને ઈતિહાસ
રક્ષણનું કામ કરી ખાનદાનને રખાવટવાળા અને બહાદુર લોકોની વાહ વાહ મેળવી નીચે મુજબ
દુહાઓ રચ્યા હતા.
પાળ્યું તે પિતાતણું,વ્રત
મરદાય વાળા,
ડરે છે કૈક ડાઢાંળા,ફેફર કલેજે
ફકીરિયા.
ત્રાંબુ ત્રણ મણ તોળીયે,સોનું
હોય એક શેર,
તુમાં એ ઉગણ તણા,ફકરા એ તો ફેર.
બેટો બાપ તણે,ચીલે જો ચાલે નહિ,
(તો) જનની કાંવ જણે,વરવી લાગે
વેરડા.
કાશીને કેદાર,રામેશ્વર આવ્યો રમી,
હાલારે હાહાકા,તારી ફડકે ધ્રુજે ફકીરિયા.
હિંદવાણે રાણો વડો,અહરાણે અકબર શાહ,
તુ ફકરા ઉગમતણાં,પરજારો પાતશાહ.
કાઠિયાવાડની ધરતી ઉપર અનેક શુરવીરોએ
ગાય,બહેન,દીકરી અને મૂંગા પશુ માટે પણ પોતાના જીવને જોખમમાં મૂકીને તેની રક્ષા કરી
છે તેને લોકોએ અને ચારણોએ ભરપૂર બિરદાવી અમર કરી દીધા છે અને આવા પ્રસંગો બીજા
લોકોને પ્રેરણા દેતા રહ્યા છે કે જીવ્યા આને કહેવાય, નહિ કે કોઇપણ જોખમમાં હજાર
જાતના વિચાર કરે કે આમાં તો પછી આમ થાય, ખર્ચ થાય,મારા છોકરાઓનું પછી શું થશે.એ તો
માત્ર મુઠી ધાન ખાતા જીવડા જેવા જ ગણાય.
Comments
Post a Comment