અરણેજના બુટભવાની માતા- : ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


       અરણેજના બુટભવાની માતા- : ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
કાઠિયાવાડમાં જેટલી જ્ઞાતિને જાતિ એટલા જ લોકદેવતાને દેવીદેવતાઓ છે,જેમાં પૌરાણિક લોક્દેવો અને કુળદેવીઓ,સ્થાનદેવીઓ,દુઃખ મટાડનાર દેવીઓ વગેરે આવે છે. લોકોની આ દેવી દેવતાઓમાં પહાડ જેવડી શ્રદ્ધા જોડાયેલી છે,જેનો અભ્યાસ કરતા માણસની આંખો ચાર થઇ જાય કે આવું હોય શકે? બસ સામાન્ય માનવને તો એના દુઃખદર્દ દુર કરે એનો અવાજ સાંભળે એ જ એના દેવીદેવતા એટલે જ એમણે પત્થર એટલા પૂજ્યા દેવ એમ કહેવાય છે.આવા દેવીદેવતાને સહારે જ આપણું લોકજીવન ટકીને હર્યું ભર્યું રહ્યું છે,બાકી તો કરમાય જ ગયું હોય.    
 આજે અહી ભાલ પ્રદેશના બુટભવાની માતાના પ્રાગટ્યની અને પરચાની વાત અહી મૂકીને લોકશ્રદ્ધાના કેન્દ્રને મનોમન વંદન કરવા છે.બુટમાતાનું સ્થાનક ધોળકા ધંધુકા રેલવેના ટ્રેકની અડોઅડ આવેલ અરણેજ ગામમાં આવેલું છે,જેના ઈતિહાસ વિષે અનેક લોકકથાઓ લોકમુખે ચર્ચાય છે.બુઢામાર નામના રાક્ષસને હણ્યો માટે બુઢામાર અને બુઢમાં અને એમાંથી અપભ્રંશ બુટમાં થયું, તો વળી કોઈ એમ પણ કહે કે બુટીયા રાક્ષસને માર્યો માટે બુટ માતાજી.
બુટમાતાજીનું પહેલા સ્થાનક રોજકા ગામે હતું જેનો ભુવો મેરિયા નામનો કોળી હતો જે ખૂબ જ શ્રદ્ધાવાન હતો ને માતાજીની એવી પૂજા કરતો કે માતાજી તેને પ્રસન્ન થયા તે કહ્યું કે માંગ માંગ મેરિયા ત્યારે મેરિયા ભુવાએ કહ્યું કે જો માતાજી આપ ખરેખર પ્રસન્ન થયા હો તો મારી સામે જ આવો અને વાતો કરો,માતાજી કહે બેટા રહેવા દે તારાથી મારો તાપ સહન નહિ થાય એના કરતા બીજું કૈક માંગ પણ વિચાર બદલે તો એ ભૂવો કે ભક્ત ન કહેવાય,તો કહે ના માતાજી મારો એ નિર્ણય અફર છે.માતાજી કહે ઠીક જ એક દિવસ જરૂર તારી સન્મુખ આવીશ બસ રાજી.
માતાજી હવે તો વચને અને વરદાને બંધાયા કે મેરિયા કોળીને હવે તો ના નહિ જ પડાય.એક દિવસ મેરિયો કોળી પૂજાપો લેવા ગાડામાં ધંધુકા જવા નીકળ્યો,પણ રસ્તામાં તેણે એક ડોસી જોઈ તેની માથે માખીઓ બણબણે છે,કપડા મેલાઘેલા છે,ઉમર તો એટલી બધી છે કે આખા શરીરે માત્ર કરચલીઓ જ છે,જે ડોસી ગાડા આગળ ઉભી રહી ગઈને કહે મને બાપા ભેગી બેસાડતો જા ને મને કડકડતી ભૂખ લાગી છે,ઉમર છે,થાક છે ને ભૂખને લીધે મોત સામું દેખાય છે  પણ આવી ડચકા લેતીને ગંધાતી મેલી ઘેલી ડોસીને મેરિયો શેનો બેસાડે તે એ તો માંડ્યો આડાઅવળા બહાના દેવા કે આમ છે તેમ છે વગેરે વગેરે.
મેરિયાએ તો ડચકારો કરીને ગાડું હાંકી મેલ્યું ને ડોસીને બેસાડ્યા નહિ.પણ જ્યાં ધંધુકાથી ખરીદી કરીને પાછો વળ્યો ત્યાં દિવસ આથમું આથમું થઇ રહ્યો હતો,મેરિયાને જલ્દી રોજકા પહોચવું હતું,એવામાં તેની નજર ઉજ્જડ માર્ગમાં અંધારામાં કોઈ જાણે વાટ જોતી હોય એમ એક સુંદરીને જોઈ એ એવી તો સ્વરૂપવાન છે કે મેરિયાએ કદી ક્યાંય પણ આવું સ્વરૂપ જોયું જ નહોતું,જેનું મુખ ચંદ્ર જેવું અને આંખોનું તેજ સૂર્ય જેવું હતું .આથી મેરિયો તો આવું સ્વરૂપ જોઈ થોડો લપેટાયો અને એ સુંદરીને કહે ચાલ ગાડામાં બેસી જા પણ સુંદરીએ ગાડામાં બેસવાની નાં કહી ત્યારે મેરિયાએ નીચે ઉતરી સુંદરીનું કાંડું પકડ્યું કે હાલ બેસી જા છો કે નહિ.
આટલું થતા તો તરત જ આકાશમાં ચમકારો થયોને કડાકો બોલ્યો ને ધરતી ધ્રુજવા માંડીને  સુંદરીમાંથી માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું ને કહ્યું કે મેરિયા સવારવાળી ડોસી પણ હું જ હતી,હું તારી પરીક્ષા કરતી હતી પણ તું તો સ્વાર્થીને રૂપ લોલુપ નીકળ્યો,તારામાં વાસના ભરેલી છે જા તું મને ઓળખી ન શક્યો તો આ ગાડામાંથી ઉતરતા જ તારું મોત થશે અને હું રોજકા છોડી દઈશ.
ખરેખર એવું જ બન્યું ને ગાડામાંથી ઉતરતા જ મેરિયાનું મૃત્યુ થયું ત્યારે રોજકામાં વસતા બુટમાંની મૂર્તિ જ  અદર્શ્ય થઇ અને અરણેજના કાળુભા વાળાને સ્વપ્નમાં માતાજી આવ્યા કે હું તારે ગામ આવવા માંગુ છું ને વધુમાં કહ્યું કે હું બુટમાતા છું અને તમારા ગામને પાદરે ઉભેલા વડમાં ઉતરી છું તો તમે મને બહાર કાઢો.
કાળુભા કહે માતાજી તમે કૈક પ્રમાણ આપો,બાકી મારું કોણ માને?ત્યારે માતાજીએ કહ્યું કે જા વડની નજીકમાં કંકુ ચોખાને સોપારી મળે તો માનજે કે એ મારી નિશાની છે,આથી કાળુભા એ તો ગામ લોકોને ભેગા કરી આ વાત કરી ને ગાયકવાડી વડલાએ લઇ ગયા તો ઉપરોક્ત બધા એંધાણ મળ્યા,હવે વડલાને કાપવો કેમ? તો મૂળ ખોદતા ગયા અને થોડા સમયમાં નીચેથી મૂર્તિ મળી ત્યાં તો લોકોએ જય જય કર કરી બુટમાંના નાદથી આકાશને ગજવી મૂક્યું અને આ પછી મૂર્તિને વાજતે ગાજતે અરણેજમાં લઇ આવ્યા અને ત્યાં સ્થાપન કર્યું.
જે ગાયકવાડી વડલા નીચેથી આ મૂર્તિ નીકળી હતી તે વડલો એવો ઘેઘુર હતો કે તેની નીચે આઠસો નવસો માણસો બેસી શકતા હતા.આ વડલા નીચે કાઠિયાવાડની સવારી વખતે ગાયકવાડી લશ્કર આરામ કરતુ હતું.પણ જયારે આ વડલા નીચેની મૂર્તિ કાઢવા માટે કાપતા એ વડ સુકાય જતા દામાજીરાવ ગાયકવાડે તપાસ કરાવી કે આ વડલો કોણે કાપ્યો છે ત્યારે ગામ માંથી કોઇકે કહ્યું કે આ વડલો કાળુભા વાળાએ માતાજીના નામે કપાવ્યો છે,આથી ગાયકવાડી લશ્કરે તરત કાળુભા અને ધોળુભાને પકડી લીધા કે અને હુકમ કર્યો કે આ બને ભાઈઓને વાંકા રાખીને તેના માથે મોટું આડસર રાખવાનું કહ્યું પણ બુટમાતાજીએ એવો પરચો બતાવ્યો કે આડસર કાળુભા અને ધોળુભાના બરડા ઉપરથી સવા ગજ ઉપરથી લટકતું રહ્યું આ સમયે કાળી રાતે તમરાઓ બોલતા હતા અને તંબુઓ પાસે માતાજીના ભક્તો રટણ કરતા હતા કે આ ભાઈઓને છોડાવી લેજો,ત્યાં તો અચાનક માતાજીના ઝાંઝરનો રણકાર ભક્તોએ સાંભળ્યો અને અંતરિક્ષમાંથી અવાજ આવ્યો કે કોઈ ગભરાતા નહિ.બીજી બાજુ તંબુમાં સુતેલા દામાજીરાવ ગાયકવાડને સ્વપ્નું આવ્યું કે અને માતાજીએ તેમને કહ્યું કે મારા ભક્તને છોડી દે હું બુટમાતાજી છુ,હું એ વડલામાં ઉતરી હતી  એટલે એમણે એ વડલો ખોદાવ્યો હતો,દામાજીરાવ કહે એ વાતનો મારે કેમ વિશ્વાસ કરવો કોઈ પ્રમાણ કે ચમત્કાર દેખાડો,ત્યારે માતાજીએ કહ્યું કે સાંભળી લે દામા તારી રાણી ગર્ભવતી છે તેને પુત્ર જ અવતરશે એ પુત્રને ડાબે અંગે લાખું હશે,આવી જ રીતે તારી જે ઘોડી સભર(ગર્ભવતી) છે તેને પંચકલ્યાણી વછેરો આવશે,ને વધુમાં એમ પણ કહ્યું કે તું તારે જા અમરેલી હું તારી ભેરે જ છું ત્યાં તારી ફતેહ થશે.માતાજીના તમામ આશીર્વાદ સાચા નીવડ્યા તેથી દામાજીરાવ ખુશ થયા અને આ અરણેજ ગામ ગાંગડ દરબાર પાસેથી વેચાતું લઇ માતાજીને અર્પણ કર્યુ હતું.
આ પછી એમ કહેવાતું કે અરણેજની એક તસુ એ જમીન કોઈ વ્યક્તિ માતાજીની ઈચ્છા વગર ભોગવી શકતું નહિ જયારે બ્રિટીશ સરકારે અરણેજ પાસે રેલવેના પાટા નાંખી રેલવે ચાલુ કરી ત્યારે ટ્રેન મંદિર પાસે જ આવીને અટકી પડતી હતી,આથી કોઈ જાણકારે અંગ્રેજ ઓફિસરનું ધ્યાન દોર્યું કે પહેલા માતાજીની રજા લ્યો કે એનો કર ભરો તો જ ટ્રેન ચાલશે,આથી ના છૂટકે ગોરા ઓફિસરે મદિરમાં આવી માતાજીને વંદન કર્યા અને માતાજીની આજ્ઞા લીધી અને દર વર્ષે રૂપિયા ૨૧૧ રોકડા અને કાપડું બાંધી આપ્યું પછી ટ્રેન આગળ ચાલી હતી આવી કથા મળે છે.
આજે પણ હિંદુ કે મુસલમાન ડ્રાઇવર અરણેજમાં મંદિર પાસે ટ્રેન નીકળે ત્યારે માતાજીને નાળીયેર વધેરીને જ આગળ જાય છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર