ચતુર કામદાર જેતસી ભગા


  ચતુર કામદાર જેતસી ભગા
કાઠિયાવાડના રાજાઓનો વહીવટ સમો સુતરો અને આંટીઘુંટી વિનાનો ચાલ્યો તેની પાછળનું એક કારણ તેમના ચતુર દીવાનો અને કામદારો હતા.જામનગરનો મેરૂ ખવાસ,જૂનાગઢના દીવાન અમરજી,ભાવનગરના ગગા ઓઝા,પ્રભાશંકર પટ્ટણી કે રાજકોટના દીવાન દરબાર વીરાવાળા ચતુરાઈ અને રાજહિત માટે કાયમ ઇતિહાસના પાને કોતરાયેલા રહ્યા છે. કેટલાક દીવાનોએ રાજ્યની સલામતી માટે બધું જ કર્યું અને જસનું પોટલું રાજા ઉપર અને અપજસ નું પોટલું પોતાના  માથે જ રાખીને રહ્યા હતા.
આજે અહી કાઠિયાવાડના નાના એવા એક કાઠી રજવાડાના કામદાર જેતસી ભગા વોરાની વાત કરવી છે,જેતસી ભગા હતો તો વાણિયો પણ તલવાર અને જમૈયો અને ભાલુ રાખે એવો કામદાર અને કાચા પોચા કાઠીને તો જવાબ પણ ન દે એવો ફાટેલ કામદાર.
જસદણ દરબાર ચેલા ખાચરનું મૃત્યુ થયું પછી જસદણ રાજ્યમાં ભારે કચવાટ પેદા થયો ને ગરાસ માટે અનેક કાવાદાવાને ઝઘડાઓ થયા,એ સમયે હજુ કાયદાનું બહુ જાજુ શાસન આવ્યું નહોતું ત્યારે  કાયદાનું નહિ તલવારનું શાસન વધુ ચાલતું હતું.
આ સમયે જસદણના રણીધણી જેવા માંકબાઈએ અડગ મનના  કાઠિયાણી અને પોતાનું ધાર્યું જ કરે અને સામા પક્ષે જરા પણ નમતું ન જોખે પણ સામે આલા ખાચર ઉદાર અને ભોળા.આ માંકબાઈના કામદાર તરીકે જેતસી ભગા કામકાજ કરે છે.
આલા ખાચર અને ભાયાતો  વચ્ચે કાયમ કોઈને કોઈ બાબતનો ઝઘડો ઉભો જ હોયને એકબીજાના એક બે કાઠી કે સંધી કે આરબના લોહી વહ્યા જ હોય,આવું ચાલે ત્યારે ભાયાતો મુંજાણા કે આ આલા ખાચરને બચાવનારો  જ આ વાણિયો છે તો તેનો જ કાંટો કાઢી નાંખીએ તો કેમ રહે તો પછી ભોળા આલા ખાચરને છેતરતા વાર નહિ લાગે એવો મનસુબો ઘડી કાઢ્યો.
વાણિયાએ ચતુર કોમ ગણાય તેથી એને આ વાતની ગંધ આવ્યા વિના રહી નહિ,આથી જેતસીએ નક્કી કર્યું કે હવે નાની અણિયાળીમાં રહેવામાં માલ નથી આપણે રાજાના આ અંગત ઝઘડામાં ટીપાઈ જશું તો બાલ બચ્ચા રખડી પડશે.
આથી જેતસી વોરા નાની અણિયાળી છોડીને જતા સરધાર જતા રહ્યા તો ત્યાં રાજકોટ રાજયે કહેવડાવ્યું કે વાણિયાભાઈ જસદણ રાજ છોડીને આવ્યા છો તો અહી રાજકોટ રાજ્યનું કારભારું કરોને?, ત્યાં તો  લાજવંતો જેતસી વોરા કહે “નાં બાપ જાડેજાનો કામદાર તો કદી નહિ બનું પણ એની વસતિ તરીકે રહીશ પણ કામદાર તો જસદણનો જ હોઉં.
બીજી બાજુ માંકબાઈએ જેતસીને મનાવવા પાછા વાળવા માણસો મોકલ્યા પણ એ માન્યો નહિ ત્યાં જસદણમાં ધીંગાણું થયું અને તેમાં અનેક મરાણા અને ભાયાતો હટી ગયા અને વાજસુર ખાચર ગુજરી ગયા  ત્યારે બ્રિટીશ સરકારે જસદણની ગાદી આલા ખાચરને સોપી દીધી પણ હવે આલા ખાચર મુંજાયા કે માળું કામદાર હવે કોને રાખવો,કોઈક કહે જો જેતસી ભગાને જ રાખીએ તો સારું.
આથી આલા ખાચર ખુદ જેતસી જ્યાં રાજકોટ રાજ્યના આશ્રયે સરધાર રહ્યો હતો ત્યાં ગયા અને દરબાર આલા ખાચરે માંડીને વાત કરી કે હવે જસદણમાં કજીયો નથી સાફસુથરો વહીવટ કરવાનો છે તો તમે પાછા જસદણ રાજયના કામદાર બનો,જેતસી આ વાત સાંભળી તૈયાર થઇ ગયો પણ એક શરત કરી કે હું ઘર ખોરડા તો સરધારમાં જ રાખીશને રોજ કામદારું કરવા જસદણ આવી જઈશ,આલા ખાચર કહે બરાબર કઇ વાંધો નહિ.
પુરા જસદણ રાજમાં હરખની હેલી ફરી વળી કે જેતસી ભગા પાછા આવે છે.કોઈએ તો આલા ખાચરને સલાહ આપી કે  તે જેતસીને રાજની લગામ આપી સારું કર્યું વાણિયા વગરનું રાવણનું રાજ પણ ગયું હતું ને ”?
જેતસી વોરા કહે રાજમાતા જોજો હું જસદણ રાજ્ય ભલે નાનું રાજ રહ્યું પણ તેનો વહીવટ અને આલા ખાચરનું નામ કાઠિયાવાડમાં ન પંકાવું તો વાણિયો મટી જાવ.
હવે જેતસી વોરા રાજની તમામ બાબતો તરફ રાતદિવસ ધ્યાન આપે છે,જસદણ રાજ્યની કચેરીમાં ચારેબાજુ ખુશીખુશી અને ચારણો,બારોટો અને મીર અને સમોવડિયાના ડાયરા ભરાય છે ને જસદણના રસોડાનો રોટલો એવડો  મોટો થયો કે રાજને રસોડે ચોવીસ કલાકમાં ગમે ત્યારે  માણસ માંગે ત્યારે જમવાનું મળે છે .બીજીબાજુ પ્રજાજનને પણ એવી સુવિધા કે જસદણના દરબારગઢના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેતા ને ગમે ત્યારે પીડિત માણસ આવીને ફરિયાદ કરી શકે.
જેતસી ભગાએ જસદણ રાજ્યની  ચોરાસીમાં સુખ શાંતિ સ્થાપ્યા અને જૂના પુરાણા ટીંબાને પાછા સજીવન કરી ગામડાઓ સજીવન કર્યા.રાજ્ય આખામાં ચોરી લુંટફાટ અને ગુંડાગર્દીને તો સાવ મિટાવી દીધીને જસદણ રાજ્યમાં આલા ખાચરનો ડંકો વાગવા માંડ્યોને, પ્રજાજનો રાજવી અને કામદારના ગુણગાન ગાતા જરાપણ થાકતા નથી.
જસદણ રાજ્યને ૧૦ વર્ષના અમલમાં તો ક્યાં નું ક્યાં જયપુર જેવું બનાવી દીધું.સામા પક્ષે આલા ખાચર પણ એવા કે જેતસી ભગાને કાયમ તમામ અઘરા કાર્યો ને સુવિધાઓ અને શાંતિને કારભારનો જસ આપી મોટો કરી દેખાડે કે જસદણની અમીરાત તો જેતસી ભગાએ ઉભી કરી છે.
જેતસી વોરાએ તેની દીકરીનું વેવિશાળ જેતપુર રાજ્યના માનીતા અધિકારીના પુત્ર વેરે કર્યું હતું,વળી એ અધિકારી એટલે દરબારનો ખાસ અને માનીતો માણસ તે જયારે જાન લઇ જસદણ આવ્યા તો જેતપુર દરબારે વાણિયામાં વટ પડાવવા બે હાથી મોકલ્યા, તો જાનમાં હાથી આવેલા જોઈ જેતસી મુંજાણો કે આ તો ભારે કરી કહેવાય હો આપણા ગજા બહારનું આ બધું કહેવાય હો પણ આપણી આબરૂ જસદણનો ધણી નહિ જ પડવા દે એવો તેને પાકો વિશ્વાસ છે,આથી જેતસીએ આલા ખાચરને એક પત્ર લખ્યો કે બાપુ જેતપુર દરબાર જસદણ રાજની ને મારી લાજ લેવા હાથી લઈને મારે ઘેર જાન આવી છે તો ......
આલા ખાચર તો પોતાના માનીતા અને નમક હલાલ કામદારનો પત્ર વાંચતા જ ખેચાય ગયા કે શું કામદારની દીકરીને કઇ મેણું ખમવું પડે એવું તો કેમ બનવા દઉં તે તરત જ તેણે રાજ્યમાં  હુકમ કર્યો કે આપણો કામદાર વેવાઈ પાસે જરાપણ શરમાવો ન જોઈએ તો રાજના હાથીખાના માંથી ચાર હાથી અને ઘોડાસરમાંથી ૧૦૦ ઘોડા જાનનાં ઉતારે સામૈયામાં મોકલો એટલુ જ નહિ,ખુદ દરબાર આલા ખાચર પણ જેતસીની દીકરીના લગ્ન માણવા આવ્યા.
ત્યારે આખા કાઠિયાવાડની પ્રજા અને જેતપુર દરબારને ખબર પડી કે  વાહ ધણી તો ધણી આવા જ  હોય કે પોતાના કામદારની આબરૂ માટે રાજય આખું તેના પર ઓળઘોળ કરી દે.
જસદણ આલા ખાચરના આવા વ્યવહારથી જેતપુરવાળા વેવાઈ અને દરબાર બન્ને શરમાઈ ગયા કે આપણે જાનમાં હાથી લાવ્યાની ભૂલ કરી ગયા છીએ.
 આલા ખાચરને જેતસી વોરાની લાજ રાખવાનો કે કદર કરવાનો આ મોકો મળ્યો તે દિવસે  જેતસી વોરા બોલી ઉઠ્યો કે બાપુ નોકરી કરવી તો તમારા જેવા કદરદાન અને મરદ માણસની જ હો.
**********

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર