ક વેણને ખાતર સિંહનો શિકાર ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


                                      ક વેણને ખાતર સિંહનો શિકાર
ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
કાઠિયાવાડની ધરતીની નદીને  કુવાનું પાણી જ કોણ જાણે કેવું રહ્યું છે કે તેનું પાણી પીનારા માણસો વટ,વચનને રખાવટ વાળા ને ઝિંદાદિલ જ રહ્યા છે. વળી જયારે પણ કાઠિયાવાડનો કોઈ આબરૂદાર કે પાણીદાર માણસને કોઈ માંય કાંગલો મહરમાં કાંઇ  વેણ ક વેણ બોલી જાય તે તલવાર જેમ જ શરીરમાં ઉતરી જતા અને એ વ્યક્તિ તેનો જવાબ વાળવા પોતાની જાતને જોખમમાં મૂકી પોતાની યોગ્યતાને કે પાત્રતાને દુનિયાના ચોક વચાળે મુકીને પોતાની અને પોતાના પૂર્વજોની કદર કરાવીને જીવતો હતો ને તેને પોતાના માટે પોતે અને બીજાએ બોલેલા વેણની હંમેશને માટે જાગૃત રહેતો કાઠિયાવાડી માણસ હતો.
      ત્યારે આજે આવા જ એક અડાભીડ નિર્ભય અને માણસના મહર ખાતર મરવા ઉભો થયો  એવા કાઠી દરબાર કાથડ ખુમાણની વાત માંડવી છે કે જુવો તો ખરા એ સમયનો માણસ ને  પોતાની જાતની અને સામાના બોલની કેવી કિમત હતી ને કેવી મર્દાનગીથી એ લોકો જીવતા હતા.એ આજની ફોફલી અને અબી બોલ્યા અબી ફોક ને લાજ શરમને ફિકસમાં મુકીને ચાલતી પેઢીને માટે કરવી છે કે આપણા પૂર્વજો કેવા એક વચનીને મોભાદારને શબ્દેશબ્દે જીવને તોળીને જીવનાર હતા.
      આ વાર્તાનો પ્રસંગ ઇ.. ૧૮૩૫ની આસપાસ સાવરકુંડલા પાસેના સેંજળ ગામમાં બન્યો હતો,સેંજળ એટલે કે જ્યાં સેંજળીયા નામની નદી વહે છે તેની બાજુમાં વસેલું ઘટાટોપ ઝાડીમાં વસેલું પાઘડી પને પથરાયેલું કાઠિયાવાડના છોગાં જેવું નાનકડું રૂપકડું એ ખુમાણ દરબારોનું ગામ.
      આ ખુમાણો એટલે કાઠિયાવાડના ત્રણ પરજના કાઠી દરબારો ખાચર ખુમાણને વાળા એમની એક પરજનું ઉચકુળ  જે કુળમાં લોમા ખુમાણ,જોગીદાસ ખુમાણ જેવા અનેક નરપુંગવો પાક્યા છે.આવા અડીખમ ને રુંવે રુંવે ખાનદાનીના પરપોટા બાજેલા છે એવા કુળમાં સેંજળમાં સાદુળ ખુમાણ પોતાના ગામગરાસનું રક્ષણ કરી જીવતર ગુજારી રહ્યા છે,પોતે પણ શિકારના જબરા શોખીનને જે કોઈને રંજાડતા દીપડા કે જાનવરને ભાળે તેને સાદુળ ખુમાણ પળવારમાં તો તેને ભો ભેગા કરી દેતા હતા.આ સાદુળ ખુમાણને ત્યાં સૂરજ નારાયણે આભને ટેકો દે એવા બે દીકરાઓ દીધા ત્યારે કાઠી કુળના રીવાજ મુજબ તેના ફુઈબાએ બને ના નામ પડ્યા એક નું નામ કાથડ ને બીજાનું નામ માણશિયો.બને ભાઈઓએ કાયમ શુરાતનના જ ધાવણ ધાવ્યા હતા કે જે ભાઈઓ કોઈ નો અન્યાય જોવે કે વાત સાંભળે ત્યાં તો તેના રુંવાડા અવળા થઇ જાય એવી રામ લક્ષ્મણ જેવી જોડી,જેના રુંવાડે રુંવાડે મરદાય આંટો વાઢી ગઈ હતી.

      એવામાં એક દિવસ સેંજળના મેપા ભરવાડનું ખાડુ ગામની પાસે જ મદાવાના બાવળના ડુંગર પાસે પડયું છે જેમાં એક ડાલામથ્થો નરકેસરી આવ્યોને એક નવચંદરી ભગરી ભેસને થાપો મારી પછાડી દીધી ત્યારે જીવની જેમ ઉછેરેલી નવચંદરી પરની  તરાપ મેપો થોડો સાંખી લે એતો તરત જ કુહાડી લઇ છુટ્યો ને સાવજને જોઈ સોય ઝાટકીને કુહાડી ફટકારી દીધી,ત્યાં તો રીડિયા ને પડકારા થતા ને ગામના લોકોનો ગોકીરો સાંભળી સિંહ  મારણ પડતું મુકીને બાવળની કાંટમાં સંતાય ગયો.
      આ વાવડ સાદુળ ખુમાણના ડાયરામાં પહોચ્યા કે ભરવાડે આવું પરાક્રમ કરી દેખાડ્યું હો ત્યાં તો સાદુળ ખુમાણના નાના દીકરાને એમ થયું કે અરે ભરવાડ તે એ સિંહને  જીવતો જવા દીધો તો લે હું આવું ને સિંહને ગોતી કાઢું ને અધૂરું કાર્ય પૂરું કરું. માણશિયા ખુમાણે સિંહને હાકલા પડકારા કરી બહાર કાઢ્યો ને બંદુકની ગોળીએ ગોંડલના રાજકુમાર નટવરસિંહજીની અદાથી ઠાર માર્યો.
      સેંજળના માણશિયા ખુમાણની આ અડગતા ને વીરતાની વાતો કાઠિયાવાડના ચોરે ગલીએ રમતી મેલાણી અને સરસ્વતી પુત્રોએ ને શીઘ્ર કવિઓએ તરત જ ગીત અને દુહાઓની બિરદાવલીઓ રચીને કાયમ સાદુળ ખુમાણના ડાયરામાં સિંહની વાતો ને બિરદાવલીઓ ગવાય છે,આ સાંભળીને થાકેલા સાદુળ ખુમાણના મોટા દીકરા કાથડ ખુમાણ કહે કે બાપુ ભાઈ એ બંદુકે સિંહ માર્યો તો એમાં વળી આ બધા આટલા બધા વખાણ કેમ આપણને ફૂલવવા કરે છે કે શું ? ડાયરામાં આટલું સાંભળતા એક અળવીતરો કાઠી મહર બોલ્યા વિના ન રહી શક્યો ને કહે સાદુળબાપુ હા હો સાચું આપડા કાથડભાઈ તો બંદુકને અડ્યા વિના જ તલવારથી સિંહ ને મારી નાંખે એવા જોરાવર છે હો.
      સીધી સાદી વાતે અવળો રંગ પકડ્યો પણ કાઠી કુળ ની તમામ મરજાદને રંગ ને ઓળખનાર કાથડ ખુમાણ ડાયરામાં તો પોતે કાંઇ  સાંભળ્યું જ નથી એમ મૂંગા રહ્યા પણ મનમાં ગાંઠ વાળી લીધી કે કાઠી તારા વેણ ને સાચું ન પાડું તો સૂરજનો સંતાન નહિ.
      સાદુળ ખુમાણ સમજી ગયા કે આ કાઠીની અળવીતરી બોલીએ જુવાન દીકરાને વટના રસ્તે ચડાવી દીધો છે તો હવે તેને કયાંઇ સિંહ આવ્યાના સમાચાર પહોચાડવા દેતા નથી,નહીતર આ કાથડ ખુમાણ  ગયા વિના રહે જ નહિ.
      જાણે એ કેટલુંક બાંધીને છાનું રાખી શકાય.સેંજળમાં તો છાશવારે સિંહ આવે ને મારણ કરીને ચાલ્યા જાય એમાં એક દિવસ સિંહ પીઠવડીની વાડીમાં દેખા દે છે ને આપા સાદુળ ની ગાય ને મારીને મારણ ખાય રહ્યો છે, ત્યાં તો ગામના એક કોળીએ સમાચાર આપ્યા કે બાપુ સિંહ આવ્યો છે ને મારણ કરીને બેઠો છે ત્યાં તો કાથડ ખુમાણની કહુ તુટવા માંડી ને તરત જ ઉભા થયા ને ઢાલ અને તલવાર હાથમાં ઉપાડી.
આ જોતા ગાયોના ગોવાળ જીવલાને પણ થયું કે બાપુને એકલા થોડા જવા દેવાય,તે પણ કાથડ ખુમાણ સાથે હાલી નીકળ્યો,બને એ સિંહનો શિકાર કઈ રીતે કરવો એ નક્કી કરી લીધું.
        કાથડ ખુમાણ કહે જીવલા તું આથમણી બાજુ રે ને હું ઉગમણી બાજુ ઉભો છું,હવે જીવલાએ સાવજને પડકાર્યો પણ સાવજતો  કાથડ ખુમાણ તરફ જ ગોળી જેમ ઉપડ્યોને ફટાક દઈ તરાપ મારી.
        પરંતુ ચપળ કાઠી બચ્ચાએ સમય પારખી ગોઠણીયા  વાળી લીધાને ડાબા હાથે ઢાલની ઉપર સિંહનો પંજો પડ્યોને પોતાનું રક્ષણ કરી લીધુંને પોતાનું તમામ બળ વાપરી ઊંટના પાંસળા જેવી તલવારનો ઘા કરીને સાવજની સોંસરવી કાઢી નાખીને તો પણ સાવજે થોડો સામનો કર્યોને ઢાલ મોઢામાં લઇ લીધી પણ આખરે સાવજ નિષ્પ્રાણ થઇ પડ્યો.આપા કાથડ ખુમાણ પણ લોહીલુહાણ થઇ પડ્યા.
        જયારે બીજી બાજુ સાદુળ ખુમાણ તેના કાથડ ખુમાણના બાપુ શિકારી સહીત અહી આવી પહોચ્યા ત્યારે કહે છે કે અરે બેટા જાનવરે લગાડ્યું કે શું ? તો આપા કાથડ ખુમાણ કહે ના બાપુ  આતો પેલા ભાગીને ભરાઈ ગયેલા સાવજનું લોહી છે તે મેં મહરમાં બોલેલા કાઠીના  વેણ ખાતર શિકાર કરી બતાવ્યો છે.
        આ પ્રસંગ બનતા વળી પાછા સેંજળના ખુમાણને બિરદાવતા કેટલાક ગીતોને દુહા રચાયા હતા.
     

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર