વેંત ચડિયાતો શૂરવીર


                                વેંત ચડિયાતો શૂરવીર
આપણે એવું જરૂર સાંભળ્યું હોય અને જોયું હોય અને કર્યું હોય કે ફૂલ પધરાવવા કોઈ હરિદ્વાર,અલ્હાબાદ કે ગયાજી જાય,પણ કદી એવું સાંભળ્યું છે કે પોતે જ પોતાના ફૂલ પધરાવવવા જાય,તો આજ અહી એવા ભડવીર શૂરવીરની વાત માંડવી છે કે જેણે પોતાના હાથે જ પોતાના અસ્થિ પધરાવ્યા હતા ત્યારે તીર્થગોરો ઘડીક તો હ્રદયનો ધબકારો ચૂકી ગયા હતા કે આ ક્યાંક ભૂત થઈને તો નથી આવ્યાને એ શૂરવીર હતા ગુઆણા ગામના ભાણજી દલ.
        જે નવાનગરના જામ સતાજીના સમયમાં થઇ ગયા,પણ શૂરવીરતા,ખુમારી અને ખાનદાની અને દિલાવરી તો તેમનામાં જાણે કે ભગવાને બધી જ ભરી દીધી હતી.એક દિવસ સવારના પહોરમાં જ જામ સતાજીએ હુકમ કર્યો કે ચાલો આપણે સહુએ બિલેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવા જવું છે,આથી જામનો રસાલો તૈયાર થયો અને જામના રંગત અને બેનમૂન રથ જોડવામાં આવ્યો અને બળદોને માથે ચાંદીના મોરાવાળી ઝૂલો ઓઢાડી બળદોને પણ ખોળ ચડાવી છે,બળદની કોન્ઢે ચાંદીના પોપટ ઝૂલી રહ્યા હતા.રથમાં બગલાની પાંખ જેવા ધોળા સેતર તકિયાને ટેકો દઈને જામસાહેબ બેઠા છે.રથ ધીરેધીરે હાલ્યો જાય છે,જામસાહેબને આમ તો ક્યાં મોલ પાણી જોવે પણ અહી જામ પોતાની સીમમાં મોલ જોતા જાય છે,પરંતુ એવામાં એકાએક બળદ ઠચકવા લાગ્યો ત્યારે રથ હાંકનારે ઉતરીને જોયું ત્યાં તો બળદને પગે મોટું સોડું નીકળી ગયેલું અને લોહીની ધાર વહે છે તે તરત જ રથને ઉભો રાખવામાં આવ્યો અને બળદોને છોડી નાખવામાં આવ્યા.
        જામ સતાજી કહે કાં આમ અધવચ્ચે બળદોને છોડ્યા,આટલા તે પંથમાં તે કઈ પોરો હોતો હશે,ત્યાં તો સાથીદારે કહ્યું કે ના જામસાહેબ બાપુ એવું નથી પણ બળદ ઘાયલ થયો છે ને હવે હાલી શકે એવી સ્થિતિમાં નથી.
        જામ સતાજીએ રથની બહાર ડોકું તાણીને કહ્યું કે આ ગામ દેખાય એ કોનું છે,જસો વજીર કહે બાપુ એ ગામ ગુઆણા અને ભાણજી કાકાનું ગામ એ છે.જામ કહે લ્યો ત્યારે તો ભાણજી કાકાને ત્યાંથી જ બળદ લઇ આવોને,આથી જસો વજીર વળી બેપાંચ જણાને લઇ જવાને બદલે આખા લાવ લશ્કર સાથે ગુઆણા ગામમાં ગયા ત્યાં તો ભાણજી કાકા ચોરે ડાયરો ભરીને જ બેઠા હતા તેના મગજમાં મોટી તિરાડ પડી ગઈ કે આ વળી કોણ આપણી હદમાં રજા લીધા વિના લાવ લશ્કર સાથે હાલ્યું આવે છે.
        એટલે તરત જ ભાણજી કાકા એ ચોરની કોરેથી જ પડકારો કર્યો કે એલા એય  તમારા શરીર વા એ જલાય ગયા લાગે છે? જેસો વજીર ત્યાં તો ભાણજી કાકાનો મગજ ઓળખી ગયો અને ઘોડા નીચે ઉતરીને કહે નાં કાકા એવું નથી આ તો જામ સતાજીના રથ માટે એક બળદ લેવા આવ્યા છીએ.ભાણજી કાકાનો મગજ ઉલટાનો વધુ ગરમ થયો કે જાવ જામ સતાજીને કહો કે બળદ નહિ મળે?શું બળદ લેવા આમ અવાય? જાણે ગામ ભાંગવા આવ્યા હોય.
        પરંતુ પછી થોડીવાર પછી ભાણજી કાકાને થયું અરે એવું થોડું કરાય એ  તો જામ છે તે તરત જ પોતાની દેવાંગી ઘોડી ઉપર સવાર થઇ જામના રથના ઠેકાણે ગયા અને કહ્યું કે આ જે ખેતરમાં બળદો હાલે છે તેમાં ગમે તે બળદ લઈ લ્યો.
        વધુમાં ત્યારે ભાણજી કાકાએ જામ સતાજીને કહ્યું કે આ તો બળદનું કામ હતું પણ જો ભવિષ્યમાં મારા જેવું કોઇપણ કામ પડે તો કહેજો આથી જામના મનમાં એક સાચા શૂરવીરની છાપ ઉભી થઇ.
        એવામાં જામના મિત્ર જૂનાગઢના સુબા એ જામને ચીઠ્ઠી લખી તેડાવ્યા કે જૂનાગઢ ઉપર દિલ્હીની ફોજ ચડી આવી છે તો આપની મદદ જોઈએ છે.જામસાહેબ પોતાની અગાઉની દોસ્તી દાવે તરત જ જૂનાગઢને મદદ કરવા લશ્કર મોકલવા હુકમ કાઢ્યો.
        આ સમયે જેસો વજીર કહે બાપુ આજ મેરૂ ન આવ્યો પણ ગુઆણાના ભાણજીકાકા આમાં ભેગા હોય તો સારું રે.
        આટલા શબ્દો સાંભળતા તો જામ સાહેબને જૂના સંબંધો સાંભર્યા કે ભાણજી કાકાએ કહેલ કે મેરૂ ખડી પડે તે ડી યાદ કરજો.આથી તરત જ મારતે ઘોડે સવારને ગુઆણા મોકલ્યો તે જેવી સવારે ભાણજી કાકાને જામની ચિઠ્ઠી મળી કે તરત જ એ સડાક દઈને હોકો પીતા એમાં ઉભા થઇ ગયા અને તરત જ જામની પાસે મારતે ઘોડે ડાયરામાં પહોચી સૌને જય માતાજી કર્યા.
                              ભાણ ચડિયો ભલપે,સહસ્ત્ર છે હથિયાર,
                              શીશ નમાવ્યા સતિયલને,લઇ ફરમાવો કામ.
  નવાનગરના જામનું બધું જ લાવ લશ્કર  દડમજલ કરતુ જૂનાગઢના મજેવડી ગામે આવી પહોચ્યું.સામે પક્ષે મુસલમાન સેનાપતિએ તોપું ગોઠવ્યું હતી તેના કાનમાં ખીલા ધરબવાનું કામ જો ભાણજી કાકા સંભાળે તો હું લડાઈમાં ઉતરું એવી જેસા વજીરે હઠ કરી.
ભાણજી કાકા કહે અરે જેસા વજીર એમાં મુંજાવ છો શું  એ કામ હું કરી આવીશ અને તરત જ નાગફ્ણીયું મંગાવી લીધી.આ બધું લઇ ભાણજી કાકા તો લશ્કરની  રમરમાટી બોલતી એની વચ્ચે જઈ પહોચ્યા અને અનેક તોપોના કાન બુરી દીધા.જયારે બાદશાહી લશ્કરે તોપુમાં જામગરી ચાંપી તો એકેય તોપું ન ફૂટી,તેથી બધા વિચારમાં પડી ગયા કે માળું ક્યાંક દારૂ ભેજવાળો આવી ગયો લાગે છે.ત્યાં તો કોકને ખબર પડી કે એલાવ આ તોપના કાનમાં તો કોકે નાગફણીયુ જડી દીધી છે અને  નાગફણીયુ જડનાર પણ દેખાયો તો ભાણજી કાકા ઉપર બાદશાહી લશ્કર તૂટી પડ્યું.
પણ જામના લશ્કરની સાથેની અગાવની શરત મુજબ એમણે થાંભલા ઉપર લટકતો ધ્વજ જેવો પાડી દીધો કે સામે જેસા વજીર સમજી ગયા કે તોપું હવે નકામી થઇ ગઈ છે તે જામની ફોજ રમરમ કરતી તૂટી જ પડી અને માંડી બટાજટી બોલાવવા અને લોહીના ફુવારા ઉડ્યા અને હસનાપુર પાસે આ રમખાણ મચ્યું અને પળવારમાં બાદશાહી ફોજ હારી ગઈ અને ભાણજી કાકા અને જેસા વજીરે જૂનાગઢને જીતાડીને જામસાહેબ પાસે આવીને કહ્યું કે બસને બાપુ મરદના વેણને માપી લીધુને.
આ ભાણજી દલ આ લડાઈ બાદ બે એક મહિના પરદે રહ્યા અને સાજા નરવા થયા અને એમના શરીરમાંથી વૈધોએ  દોઢ શેર હાડકાની કરચું ઘા રૂજવતા કાઢી હતી તે પોતે જ હાથે લઈ ગંગાજીમાં પધરાવવા ગયેલા.
જયારે ગોર મહારાજે અસ્થિ પધરાવવાની વિધિ શરૂ કરી તો કહે આ જેના અસ્થિ હોય એનું નામ બોલો,ત્યારે તે બોલ્યા કે ભાણજી દલ .તો ગોર દાદા કહે અરે બાપુ તમારું નામ લેવાનું નથી આ જેના અસ્થિ છે તેનું નામ લ્યો ?ભાણજી દલ કહે અરે ગોરદાદા આ અસ્થિ મારા જ છે,આટલું સાંભળતા તો આખા કાશીના પંડિતો આ શૂરવીરને જોવા ઉમટી પડ્યા કે જીવતે જીવ કોઈ અસ્થિ પધરાવવા આવ્યો હોય એવો આ કદાચ પહેલો દાખલો છે.
આ વાતને સમર્થન આપતા કેટલાક દુહાઓ પણ મળે છે.
ભાર મંડળ રો ખડકિયો, મેરૂ ઉટે છે,
(તે દી) ભાણજી જેહાજી તણો,સે’ જે કાંધ ધરે.
સતે કાગળ છડીયા ,દેજો ગુઆણા ગામ,
કાકા તમારું કામ છે,જૂને આવ્યા અહરાણ.
સુબાએ કાગળ મોકલ્યો,દેજો જામને જઈ,
દળ દલ્લીથી આવિયા,તે જૂનાણું જાશે લઇ.
જો તુ ઝટ આવત નહિ,સખાતે સોનીગ્રા,
કામનિયું કાબુલ જાત,જૂનાગઢની જેસિયા.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર