વાઘેરો અને માછરડાની લડાઈ


વાઘેરો અને માછરડાની લડાઈ      
આજ તો ભાતીગળ અને સાંસ્કૃતિક એવા વાઘેરોના બહારવટાની છેલ્લી લડાઈની વાત માંડવી છે. ઓખામંડળમાં અડાભીડ અને શૂરવીર ને કોઇપણ નો અન્યાય સહન ન કરી લે એવી વાઘેર પ્રજા વસી રહી છે,જેમાય માણેક એટલે વાઘેરોની ટોચમટોચ અટક.
        વાઘેરો ઓખામંડળના માલિક કે રાજા હતા પણ બ્રિટીશ સરકારે તેમને અન્યાય કરી બહારવટિયા બનાવી દીધા.ઓખામંડળ એટલે જ્યાં એક ઇંચ પણ જગ્યા બલિદાન અને ઈતિહાસ વિહોણી ન મળે હો, આવા પ્રદેશમાં માણેક કુળમાં મબલખ અમુલખ પુરુષો પાક્યા હતા,જેમાં સમૈયો માણેક જાણે દેવ પુરષ જ જોઈ લ્યો એવો રાજા,પ્રજાના એકે એક બોલને વેણ પાળનારો હો.
        અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક બે ભાઈઓ રહે જે કુટુંબ માંથી જોધો માણેક,દેવો માણેક અને મૂળુ માણેક જાગીરદાર માંથી બહારવટિયા થયા.
ઓખામંડળને દ્વારકાનો કબજો ગાયકવાડ સરકારે સંભાળી લીધો ને આ સ્વમાનપ્રિય વાઘેરોને જીવાઈ મળવા માંડીને પોતાનું રાજ ગયું પણ જેના શરીરમાં ઘૂમતા બળને કોણ બાંધી શકે તેથી જીવાઈ ખાનાર વાઘેરોને આનાથી લકીરેય સંતોષ નથી,વળી તુમાખી સ્વભાવ ધરાવતા સુબાઓ આવે એ પણ પોતાની સતાનો રોફ આ સિંહ જેવા વાઘેરો પર જમાવેને જીવાઈ ચુકવવામાં આનાકાની કરે બાના બતાવે અપમાન કરે અને જાણે કે દાન દેતા હોય એવો ભાવ રાખી દયામણે ચહેરે જીવાઈ મોકલે પણ આ સિંહો આવું થોડું સહન કરી લે.
આથી વાઘેરોએ નકકી કર્યું કે આવી બ્રિટીશ સરકારને તો હવે ભરી પીવી છે તેથી વાઘેરોના તમામ ગામોમાં ઊંટ ફેરવ્યો ને બધા વાઘેરોને હાકલી હાકલીને ભેગા કર્યા કે બોલો હવે આપણે શું કરવું છે,આપડે ઓખામંડળના ધણી મટીને નમાલા ખાય એવી જીવાય ચાટતા રહેવું છે?શું આપડી ભાવી પેઢી આના ઉપર જ નભશે તો એ નમાલી નહિ બની જાય? શું આપડે આપડા શૂરાતનને આપડા શરીરમાં જ દફનાવી દેવું છે?બોલો બોલો ?. વળી આપણાથી બ્રિટીશ સરકારને ભેગા ગાયકવાડના જુલમો જોવાતા નથી.
આટલું સાંભળતા તો તમામ વાઘેર જુવાનોના લોહી ઉકળી ઉઠ્યા કે હા હો તો લડી જ લેવું છે અને વાઘેરો ત્રણ જણાની આગેવાનીમાં  બહારવટે ચડ્યા.
જોધા માણેક,દેવા માણેક અને મૂળુ માણેકે મોટી ફોજ બનાવી ને આખું દળકટક જય  રણછોડરાય,જય માધવરાય ના ગગન ભેદી પોકારો કરતા અમરાપરથી નીકળ્યું દ્વારકા સર કરવાને ફટાફટ દ્વારકાના કિલ્લાની રાંગ પર ચડી ગયા અને અંદર ઉતરી જાકાજીક બોલાવી ને દ્વારકા અને બેટ પર વાઘેરોએ  પોતાનો વાવટો વાવટો ચડાવી દીધો,પછી તો અંગ્રેજો ભૂરાયા થયા અને બેટ ઉપર તોપોના નાળચા ગોઠવ્યાને યુનિયન જેકના વાવટા વાળી ફોજે હડુડુડુ હડુડુડુ કરતા ગોળા જીંકયા ને બેટને રફે દફે કરી નાખ્યું ને ફોજે મંદિરોને પણ બાકાત રાખ્યા નહિ ત્યારે લોકોએ મૂર્તિઓને મંદિરમાંથી બહાર ખસેડી લીધીને મંદિરો પણ પળવારમાં જમીનદોસ્ત બન્યા.
 આ પછી જોધા માણેક અને મૂળુ માણેકે દ્વારકા અને બેટને રામરામ કરી પોતાના રહ્યા સહ્યા સાથીદારોને ભાગવું પડ્યું. આખરની વાઘેરો અને અંગ્રેજોની લડાઈ માછરડા ગામની  ધાર પર થઇ.
માછરડાની ટોબરા ધાર પર આ વાઘેર બહારવટિયા સંતાયા છે, ધાર  ઉપર રાત્રે ખુશાલી મચાવવા રાસડાના ઝકોર બોલે છે એના રાસડાથી જાણેકે ધારના હૈયા ફુલાતા હોય એમ લાગે છે. માછરડાની ધાર પર પુરતું પાગરણ ક્યાંથી હોય બિચારા વાઘેર બચ્ચા કડકડતી ઠંડીમાં ટાઢમાં તાપણા કરી તેની આસપાસ સુઈને જ રાત ગાળે છે ને વાતું કરે છે કે આ અંગ્રેજ સરકાર શું કરશે.?  આથી આ લોકોને પરાસ્ત કરવા જામનગર,જૂનાગઢને પોરબંદર ને અંગ્રેજોની સંયુક્ત ફોજ રચાણી,પછી તો માછરડાની ધારે ત્રણેય રાજની ફોજ આવીને ઉતરીને કેડીઓ શોધીને મંડી ઉપર ચડવા અને થોડા સમયમાં તો નાના બાળકને એની માં ગોદડામાં વીંટી લે એમ વાઘેરોને ચારે બાજુથી વીંટી લીધા પણ ધાર ઉપર તો સૌ બહારવટિયા મોતની સજાઈ પાથરીને જ બેઠા હતા તો પડકાર કર્યો કે આવતા રહો અંગ્રેજ બચ્ચાઓ,વાઘેરો પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે અને અમારે અમારી માં ના ધાવણ નથી લજવવા અને અમે તમારી સામે કૂતરાની જેમ પૂછડી પટપટાવતા હાજર થઈ જઇને તમારા  પગ ચૂમી લઈ એવા નથી.
આવા જવાબથી તા. ૨૯-૧૨-૧૮૬૭ના રોજ ફોજ વધુ ઉત્સાહ અને ઝનૂનથી આગળ વધીને કેપ્ટન લાટુચ ઉતાવળો થઇ ટેકરી ચડવા ઘોડો લઇ ચાલ્યો ત્યાંતો એક વાઘેરે છનનન કરતી ગોળી છોડીને તે કેપ્ટન લાટુચ ડફ દઈને ગુણ પડે તેમ હેઠો પડ્યો ને ત્યાં જ મરણ પામ્યો.
પણ ફોજની આગળની ઝપાઝપીમાં દેવો માણેક મૃત્યુ પામ્યો ત્યારે કેપ્ટન હેબર્ટ ખુલ્લી તલવારે વિજયના મદમાં  દેવાની લાશ આગળ ફરતો હતોને તેને એમ કે આ મરી ગયો છે એમ માની મરેલા પર તલવાર હુલાવવા ગાયો ત્યાં તો દેવા એ પડખે પડેલી બંદુક ઉપાડી કેપ્ટન હેબર્ટની પર ગોળી છોડી ને તેના રામ રમાડી દીધા.
આ લડાઈમાં ૧૯ વાઘેરો મરાયા તેની લાશો માછરડાના પાદરના વડલાની ડાળે ટીંગાડવામાં આવી અને ફોજે પોતાના વિજયનો આમજનતામાં પ્રચાર કર્યો. આ લડાઈમાં જે બે અંગ્રેજ મરાયા તેને માછરડા ગામના પાદરમાં જ દફનાવવામાં આવ્યા ને તેના ઉપર એક સ્થંભ ઉભો કરી તેની કીર્તિ કાયમ રાખવાની કોશિષ કરી પણ એ સ્થંભ ૨૦૦૧ના ધરતીકંપની જોરૂકી ઝપટે ચડતા આજ એ જમીનદોસ્ત બની ગયો છે. બ્રિટીશરો તો બહુ પાકાને હોશિયાર મુત્સદી તો પોતાના જે બે અધિકારી ને ૨૬ સૈનિકો આ લડાઇ મરાયા તેમની સ્મૃતિમાં માછરડાની ટોબરા ધાર પર ચાલીસેક  ફૂટ જેટલો ઉંચો એક વિશાળ સ્થંભ ઉભો કર્યો ને તેના બને પડખામાં અંગ્રેજી અને ગુજરાતીમાં લેખ મૂક્યાને અંગ્રેજ ફોજની  વીરતાના વખાણ કર્યા ને દરેક મરનારના નામ તેમાં કોતર્યા છે. આ સ્થંભ આજે પણ માછરડાની ધાર પર ૧૪૯ વરસથી અડીખમ ઉભો છે. આપણા લોકોના કીર્તિ લેખો આ રીતે પત્થરના ટુકડામાં ન કોતરાયા પણ જનતાની ને ચારણો,બારોટોની જબાન પર જળવાયેલા છે એ છે કાઠિયાવાડની સંસ્કૃતિ રખી પ્રજા,એ વાત પણ સાચી છે ને કે આ જગતમાં સાચાના ક્યાં કીર્તિ  લેખો કોતરાણા છે.   
આવા વીર  વાઘેરોના બે  દુહા જોઈ વિરમીએ.
* માણેકે માંડવ રોપિયો,વાગે ત્રંબક તૂર,
  દેવે ખાગેથી ડંસિયા,હેબટને લટુર.
        * માછરડે શક્ત્યું મળી,પરનાળે રગત પીવા,
          અપ્સરા થઈ ઉતાવળી,વર દેવો વરવા.




                                  

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર