અલગારી મસ્તરામજી મહારાજ
અલગારી મસ્તરામજી મહારાજ
કાઠિયાવાડ પ્રદેશ ગુજરાતભરમાં
સંત સુરા અને સતી જતિનો પ્રદેશ ગણાય છે. કાઠિયાવાડને ખૂણે ખાંચરે અનેક નામી અનામી સંતો
થયા છે અને એમણે પોતાનું અને ધર્મનું નામ ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે કોતરાવ્યું છે.આજે
અહી એક અલગારી અને અવધૂત પુરુષ એવા મસ્તરામજી મહારાજની વાત કરવી છે કે જેઓ ભાવનગર મહારાજા
તખ્તસિંહજીના ગુરુ હતા,ને પોરબંદર,ગોંડલ,લીંબડી અને લાઠી રાજયના રાજવીઓ પણ તેમના અનન્ય
ભક્ત હતા.મસ્તરામજીએ એક અલગારી સાધુ કોને કહેવાય એનો પોતે જ જીવી બતાવી દાખલો પૂરો
પાડ્યો હતો.સાધુ એટલે સાધુ એને કોઇપણ જાતનો હરખ શોક ન હોય કે કોઇપણ જાતનો લોભ કે મોહ
નહિ તેવો કદી એક સ્થળે આશ્રમ બાંધી ૮ કે ૧૨ દિવસ રહ્યા નહોતા ને ગામેગામ ફરતા જ રહેતા.
પોતાના શરીરની પણ કોઈ માવજત નહિ શરીરે વસ્ત્રમાં
તો એક કૌપીન અને બીજી ચાદર કેડે વીંટાળતા હતા, માણસ માટે ખોરાક સિવાય બીજી જરૂરિયાત
વસ્ત્રની રહી છે તે સંબધમાં તો જ્ઞાનમાં મગ્ન રહેનાર મહાત્માઓ એમ જ સમજતા કે આ શરીર છે તે જ આત્માનું વસ્ત્ર છે તો બીજા વસ્ત્રની તે શરીરરૂપી
વસ્ત્રને જરૂર નથી,એક વસ્ત્ર પર બીજું વસ્ત્ર શા માટે ? એવું મસ્તરામજી માનીને ચાલતા.સાદું
ભોજન માત્ર દાળ રોટલો છાશ અને જળ પાત્ર તો કદી પોતાની પાસે રાખ્યું જ ન હતું.તેવો
મિષ્ટાન કદી લેતા નહિ અને જો કોઈ આગ્રહ કરી પીરસે તો એ ઉઠાવી લેવાનું કહેતા અને એમ
બોલે કે અમારા જેવા ત્યાગીને આ મિષ્ટાન વડે
ઇન્દ્રિયો વકરાવીને શું કામ છે,જયારે ભૂખ્યા થાય ત્યારે કોઈનું ઘર જોતા ઉભા રહી જાય
અને બુમ પાડતા મૈયા ભૂખ લાગી છે અને જો રસોઈ તૈયાર ન હોય ને લોટ મળે તો લોટ પણ ફાકી
લેતા હતા.જયારે તેમને કોઈ ખાવાપીવાની વસ્તુ ઉપર આશક્તિ જાગે કે લોકો વધુ ખવરાવવાનો
આગ્રહ કરે ત્યારે તે વસ્તુ એટલી બધી એક સાથે ખાતા કે તે બધી જ વાનગી કે રસની ઉલટી થઇ
જાય ને ઉલટી કરતા જાય અને બોલતા જાય કે લે મન હજુ ધરાયને ખાઈ લે.ગામની વસતિથી પણ દુર
રહેવું ને બસ એક જ કામ રામનું નામ રટણ કર્યા કરવું અને મસ્ત બનીને વિહરતા રહેવું,આથી
સંસારી લોકોએ જેમનું નામ જ મસ્તરામજી મહારાજ
રાખી દીધું હતું.તેઓએ ગોહિલવાડના પ્રવેશદ્વાર સમા બોટાદમાં પોતાની ધૂણી ધખાવી
હતી અને એ જ બોટાદમાં પોતે છેલ્લા શ્વાસ લીધા હતા ત્યાં જ તેમનું સમાધિ સ્થાન રચાયું
છે.
કાઠિયાવાડનો કોઈ
માણસ મસ્તરામજી મહારાજના પૂર્વાશ્રમ વિશે કશું જાણતો નહોતો પરંતુ તેમની બોલી હાલચાલ
અને રહેણીકરણી ઉપરથી તેમને મારવાડના હોય એમ માનવામાં આવે છે એમ કહેવાય છે કે તેઓનું
બાળપણ અયોધ્યામાં જુવાની મારવાડમાં ને પ્રોઢા અને વૃદ્ધાવસ્થા બોટાદમાં ગઈ.ક્યારેક
કોઈ ભક્તજન તેમને પોતાના વિશે પૂછે તો એમ કહેતા કે “બ્રહ્મ અમારા પિતા છે ને માયા અમારી
માતા છે અને વિશ્વ અમારી જન્મભૂમિ છે.”જે કોઈ ભક્તજન એક વખત પણ મસ્તરામજી મહારાજ ના
દર્શન કરી લે તેમને ખબર પડે કે અસલ સાધુ કેવા
હોય કેવો તેનો ત્યાગ હોય અને કેવું તેનું જીવન હોય તે યાદ રહી જતું હતું.જેનો શિષ્ય
ભાવનગરના મહારાજા હોય એને તો કઈ વાતની ખામી હોય પણ કદી કોઈ જાતનો લોભ લાલચ કે મોહ ભાવનગર
રાજ્ય પાસે રાખ્યો નહોતો એટલું જ નહિ પણ ભાવનગર જાય ત્યારે તળાવની પાળ ઉપર પીપર નીચે
બેસે અને રાત્રે તો પાછા જંગલમાં ચાલ્યા જાય,આ જોઈ મહારાજા તખ્તસિંહજીએ કહ્યું આપ મારા
ગુરૂ છો અને હું ભાવનગરનો મહારાજા છું તો આપ આજ્ઞા આપો તો આપને અનુકુળ આવે તો સ્વતંત્ર
મકાન બંધાવી આપું,ત્યાં તો મસ્તરામજી ખડખડાટ હસવા લાગ્યા કે અરે રાજન આ દેહ માટે મકાન
થોડું હોય,જંગલ ઝાડવા અને ગુફાઓ જ મારું નિવાસ્થાન છે સાધુ તો ફરતા ભલા એને બંધન હોય
નહિ.
એક વખત વળી મહારાજા તખ્તસિંહજીએ
મસ્તરામજી મહારાજને હારતોરા કરી મોતીબાગ પેલેસમાં પધરામણી કરાવી અને ઊંચા આસને બેસાડી
નમસ્કાર કરી રૂપિયા એક હજારની એવી પાંચ થેલી અર્પણ કરી કહ્યું કે આ ભેટ સ્વીકારો પણ
મસ્તરામજી મહારાજે કહ્યું મારે પૈસાને શું કરવા તમારે જ્યાં દાન પુણ્ય કરવું હોય ત્યાં
કરી દેજો અને રૂપિયાની થેલીને હાથ પણ અડાડ્યો નહિ.
મસ્તરામજી મહારાજના
અનેક ચમત્કારોની વાતો લોકજીભે જાણવા અને સાંભળવા મળે છે.બોટાદના જીનના એક પારસી મેનેજર
રૂસ્તમજી શેઠ કે જે સાધુ સંતોમાં શ્રદ્ધા નહોતા રાખતા પણ તેમની પત્ની માણેકબાઈ ખૂબ
દયાળુ અને પરોપકારી હતી તેને ભક્ત બનાવી માંસાહાર છોડાવ્યો હતો અને રામનામ જાપનો પરિચય
કરાવ્યો હતો.
મસ્તરામજી મહારાજ
પાસે અનેરી સિદ્ધી હતી પણ ભાગ્યે જ એ સિદ્ધીનો ઉપયોગ કરતા હતા અને પોતે સિદ્ધકોટીના
સંત હતા છતાં બિલકુલ દેખાડો નહિ કે જ્ઞાનનો દંભ નહિ તેવો એમ કહેતા કે જે સામાન્ય માણસ
દુઃખ દર્દથી ગભરાય રાડો પાડે છે,જયારે જ્ઞાની એમ કહે દુઃખ દર્દ શરીરનો સ્વભાવ જ છે
અને શરીર એ કઈ હું નથી દુઃખ તો શરીરને છે એમાં મારે શું ?અને પોતે એવું જીવી જાણી પણ
બતાવ્યું કે ટાઢ તડકો રોગ કે ડર કોઈને પણ ગાંઠે જ નહિ.
મસ્તરામજી મહારાજે
પોતાની આખર અવસ્થામાં કોઈ રાજા મહારાજાની ચાકરીનો ભાવનગર મહારાજા તખ્તસિંહજી કે લીંબડીના
જસવંતસિંહજીની સેવા લેવાનો અસ્વીકાર કર્યો અને અન્ય ધર્મી પારસી એવા રૂસ્તમજી શેઠને
કહ્યું કે “યે દેહ તીસરે દિન ઇધર હી પડને વાલા હૈ યે મિટી ઇસ મિટી મેં મિલને વાલી હૈ
સબકો બોલ દે અબ શરીર યહાં સે કિધર ભી જાને વાલા નહિ હૈ”.આ મહાપુરુષે કોઈ સંપ્રદાય કે
વાડાઓ ઉભા કર્યા નહિ કે કોઈને પોતાનું ખોટું મહત્વ સમજાવ્યું નહિ,બસ ભક્તો પાસે એક
જ મંત્ર જપાવ્યો તે હતો બે અક્ષરનો પવિત્ર શબ્દ રામ નામ.
આખરે મસ્તરામજીએ સંવત ૧૯૫૭ અષાઢવદી ૧૧ ને ગુરુવારે રૂસ્તમજી
શેઠના બંગલે જ દેહ ત્યાગ કર્યો.
તસવીર સૌજન્ય – ધાધલ બાબભાઈ બોટાદ
Comments
Post a Comment