કદરદાનીનું સ્મારક- ડૉ.પ્રદ્યુમ્ન ખાચર


કદરદાનીનું  સ્મારક
ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
આખા વિશ્વમાં ભારત દેશની કેટલીક વિશિષ્ટતાઓ અલગ પ્રકારની જણાય છે,જેમાં ભારતના નક્શાના આકારથી માંડીને ખાનપાન,રહેણીકરણી,ભાષા,સંસ્કૃતિ,વ્યવહાર એ બધી જ બાબતોનો સમાવેશ થઇ જાય છે.સમગ્ર ભારતમાં કુલ ૫૬૨ દેશી રજવાડા હતા અને તેમાંના ૨૨૨ દેશી રજવાડા તો કાઠિયાવાડમાં  જ હતા.જેમાં ગુજરાતનું સૌથી મોટું રજવાડું એટલે ગાયકવાડનું વડોદરા .
      રાજા મહારાજાઓ હમેશા પોતાના શોખ કોઈને કોઈ રીતે વિશિષ્ટ અને અન્ય ઠેકાણે ન જોવા મળતા એવા જ શોખ ધરાવતા હતા જેમકે વગર માંચડે શિકાર કરવો,પાલતું પશુઓ મોટી સંખ્યામાં પાળવા,અંગ કસરતોના  ખેલ કરાવવા.
      આવા જ એક શોખીન અને કદરદાનને શિક્ષણપ્રેમી અને સમાજસુધારક,આર્ષદ્રષ્ટા અને પ્રજાવત્સલ  મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિકાર પ્રસંગની  હૃદયના થડકારા ચુકી જાય તેવી અને  કદરદાની  આનું નામ કહેવાય તેની વાત કરવી છે. જીવતી જાગતી છતાં પણ કલ્પનાને ટોકર મારે એવી આ વાત છે.
      આજ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે  હુકમ કાઢ્યો છે કે આપડે આપડા વિસ્તારના ગીરમાં શિકાર કરવા જવું છે તો તેને લગતી તમામ શાહી  તૈયારી કરો,આવો હુકમ છૂટતા જ તરત જ પગીઓ,સગડ પકડનારા અને શિકાર ટોળીના માણસોને હાજર થવાના હુકમો કાઢવામાં આવ્યા અને દરેકને જોઈતી તમામ સામગ્રીઓ બીજે દિવસે આપવામાં આવી જેમકે બંદુકો, ૨૮ રતલ ગોળી ,૨૮ રતલ છરા, ૨૮ રતલ દારૂ, ૬ મોટા કેપની ડબી, ૧૪ બગલ થેલા ,૧૨ ચામડાના પટ્ટા,તંબુઓ, જાજમો વગેરે .
      આટલી તૈયારી થઇ ગયા પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઉપડયા સિંહનો શિકાર કરવા  અને આખો પડાવ ધારીમાં આવ્યોને ત્યાના બંગલે રોકાયો. હવે નક્કી કરવામાંઆવે છે કે  ક્યાં સ્થળે  મહારાજાને  શિકાર માટે લઇ જવા તે માટે ઘણી ખાખાખોળ કરીને શિકારનું સ્થળ શિકાર પાર્ટીના આ અફસરે નક્કી કર્યું  કે આપડે દલખાણીયાના જંગલમાં જઈએ તો આપણે શિકાર કર્યા વિના પાછા  ન ફરવું પડે.
      સિંહનો શિકાર કરવો એ કંઈ નાની માના ખેલ નથી એના માટે તો ૫૬ની છાતીને બળુકું હદયને ઊંચો પડછંદ અવાજ જોઈએ કારણકે  શિકાર વખતે તો ન ધારેલી મુશ્કેલીઓ સામે આવે, હાકલા પડકારા કરવા પડે,સિંહને પણ હાકોટા મારી હાંકવા પડે,રીડિયા કરવા પડે, સિંહને ઉઠાડવા પડે તેને સવળે કે અવળે રસ્તે  ચડાવવા પડે અને ગંધ પારખું ને ચપળ પ્રાણીને જગાડીને કે સામે ચાલીને મારવું એ તો મોતની  સાથે જ લડાઇ કરવા બરોબર ગણાય .
        રાજવીઓને આવા શિકાર કરવાનો જબરા શોખ માટે કાઠિયાવાડના કેટલાય  રાજાઓ અને રાજકુમારોએ પોતાના જીવ જોખમમાં મૂક્યાના દાખલા છે.
                શિકારનો દિવસ આવી ગયો  ને દલખાણીયા પાસેની કાંગસા ગામના વીડ પાસેના વોકળા પાસે માંચડો  બાંધવામાં આવ્યો છે,મહારાજા સયાજીરાવ ગાયકવાડ તો આવીને સડસડાટ માંચડા ઉપર ચડી ગયાને  વિચારે છે કે કયારે સિંહ દેખાયને વિન્ચેસ્ટર બંદુકમાંથી ગોળી છોડું ને આ મર્દાનગીનું છોગું ચડાવું એવા વિચાર સાથે માંચડા પર બેઠા છે,સિંહ દેખાતો નથી ત્યારે શિકાર પાર્ટીના માણસો  નાના માણસોને પૂછે છે કે અટાણે કેમ હજુ સિંહ દેખાતા નથી કઈ દીમના આ પ્રાણીઓ હાલ્યા ગયા છે,તપાસ કરો સગડ મેળવો.
        એલાવ આ તમે આ તે કેવું ઠેકાણું શોધ્યું કે સિંહના વાવડ મળતા નથી કયાંક આપડો ફજેતો ન થાય હો નહીતર વડોદરાના આ મહારાજા આગળ આપડી આબરૂના ધજાગરા ઉડશે હો ? ત્યાં તો શિકાર ટોળકીના બે જુવાનો બોલી ઉઠ્યા કે સાહેબ અથરા થાવમાં જુવો તો ખરા સામે જંગલમાં સળવળાટ થાય છે જોવો જોવો એમ કહેતા તો સામેથી સિંહે ગર્ભિણીના ગર્ભ છૂટી જાય એવી ડણક દીધીને તરાપ મારી ઉભો રહેવા ગયો ત્યાં તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમયચૂક કર્યા વિના પોતાની બંદુકમાંથી ધડુમ કરતો ગોળીબાર કરી દીધો પણ નસીબજોગે મહારાજાનો ઘા નિષ્ફળ ગયોને,પછી તો આ જંગલનો રાજા થોડો ખીજાયા વગરનો રહે કે ઓછો ઉતરે,સિંહે પાછી ફટાક કરતી છલાંગ મારી માંચડે ચડવા ગયો ત્યાં તો કોળીના બે જુવાનોએ સિંહને ચડવા ન દીધો અને પાછો હટાવ્યો, ત્યાં તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે બીજી ગોળી છોડીને સિંહના રામ રમાડી દીધા.
        પરંતુ એમાં એક કોળી યુવાન ત્યાં જ  ઘાયલ થયોને  મહારાજા સયાજીરાવના ખોળામાં માથું મૂકી મૃત્યુ પામ્યો,બીજો યુવાન ઘાયલ થયો પણ પ્રજાના પાલનહારને  બલિદાન આપી બચાવી લીધા.
        શિકાર કરી લીધા પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ બંગલે પાછા ફરી રાતના વિચારે ચડે છે કે આ વખતે તો ભારે થઇ હો કદાચ સિંહ મારું પ્રાણપંખેરુ ઉડાવી નાંખત જો પેલા બે છોકરા ન હોત તો ? આટલું વિચારતા વિચારતા થયું કે આવા વિશ્વાસુ અને પ્રાણના રખોપા કરનારા યુવાનો વિષે મારે કશુંક તો કરવું જ જોઈ જીવતો છે તેને માટે  અને બીજા યુવાનના માબાપને ખાસ વડોદરા બોલાવી શાબાશી આપવી જોઈએ,બિરદાવવા જોઈએ, આવા વિચારે મહારાજા ચડી ગયાને રાત લાંબી થતી જાય છે ને ગજર ભાંગતો જાય  છે અને પછી વડોદરા જઈને સારો દિવસ જોઈ  મહારાજા સયાજીરાવ ગાયકવાડે જીવિત  કોળી યુવાન ને તેના બાપને વડોદરા બોલાવ્યાને બહુમાન કરી કહ્યું કે હું તમને માનપત્ર આપું કે ગામ ગરાસ આપું તે તો બહુ લોકો નહિ જોવે કે જાણે ?  પણ  કોળી તારા છોકરાને હું એવી જગ્યાએ મૂકાવીશ કે દુનિયા મને જોતા પહેલા તારા આ છોકરાને જોશે ને તેને પેલી સલામ કરશે.આ પછી મહારાજા સયાજીરાવ  ગાયકવાડ કહે  સારામાં સારા શિલ્પકારની શોધ કરો અને આપડી સાથે શિકાર પાર્ટીમાં રહેલ અને બહાદુરી બતાવનારને શહીદી વહોરી લેનાર સુખપુર ગામના બે કોળી જુવાન હરીભાઈ  જીવાભાઈ જીંજરિયા અને અરજણભાઈ ભગવાનભાઈ કનેરિયાના પૂતળા બનાવો ને તેને વડોદરાના નાક સમા કમાટીબાગના દરવાજે મૂકાવો, આખરે શિલ્પકાર માત્રેની પસંદગી કરવામાં આવી ને તેમણે આ બને યુવાનોના પૂતળા બનાવ્યા તેને વિધિવત રીતે ઇ.સ.૧૯૩૩માં મૂકવામાં આવ્યા આજે આ ઘટનાને ૮૨ વરસ વીતી ગયા છે પણ આ બહાદુર યુવાનના પૂતળા એક મહારાજાની કદરદાનીનો સતત આ જગતમાં ફેલાવો કરી રહ્યા છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર હિમત બહાદુર જીતેન્દ્રસિંહજી ગાયકવાડ જણાવે  છે કે જયારે મહારાજા પ્રતાપસિંહજી ગાયકવાડ સ્કાઉટના  ડાયરેક્ટર જનરલ ઓફ વર્લ્ડ હતા તે તો સ્કાઉટના તમામ છોકરાને તેની પુણ્યતિથિ નિમિતે સલામ ભરાવતા હતા. અરે  અમે નાના હતા ત્યારે આ કોળી યુવાનના પૂતળા ને અમને પણ અમારા વડીલો સલામ ભરાવતા હતા. જયારે  અમારા દાદીમાં આ વાત બાળપણમાં કરતા ત્યારે રીતસર રડી પડતા કે આવડો મોટો ઉપકાર આ યુવાનોનો  ગાયકવાડ માટે છે. 
 આજે આ હળાહળ સ્વાર્થ અને લોભ મોહ અને ખેલદિલીને કદરદાની ભૂલેલા લોકોને આ પૂતળાઓ  અને મહારાજા સયાજીરાવ સંદેશ દઈ રહ્યા છે તો તાજ હોટેલ મુંબઈ અને અક્ષરધામ ગાંધીનગર ને બચાવવામાં શહીદ થનારા અધિકારીઓ અને જવાનો માટે આપડે કશુક કરવું જોઈએ તો ભાવી પેઢી આવા કાર્યોમાં વધુ રસ લેતી થઇ પરમાર્થ કરતી થશે. જો આવું બને તો માણસ ઈતિહાસ અને લોકકથાઓ માંથી કશું શીખ્યો ગણાશે. આવી વાર્તાઓ જો આજની પ્રજા વાચેને વિચારે તો તેને શીલ,સંયમ,નીતિમતા,લાજ,રખાવટને કદરદાનીના શબ્દોના અર્થો સમજાશે.
: શિવશક્તિ વાલાનીનગર પ્લોટ ન. 14 શેરી ન 2 જૂનાગઢ     મો .98794 21025
       

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર