જૂનાગઢ નવાબને સાધુના આશીર્વાદ - ડૉ. પ્રદ્યુમન ખાચર


જૂનાગઢ નવાબને સાધુના આશીર્વાદ
ડૉ. પ્રદ્યુમન ખાચર
        જૂનાગઢ રાજ્યને જે જે નવાબો મળ્યા તેમાના ઘણાખરા ભલાભોળા અને નેકદિલને સહિષ્ણુ હતા, એમાંય નવાબ રસુલખાનજી તો ઓલિયા નવાબ તરીકે  ગુજરાતમાં પંકાયા હતા, જેને નવાબ પણ બનવું નહોતું અને ફકીરી અવસ્થામાં જ અવતાર ગાળવો હતો. જૂનાગઢના આવા નવાબોનો માત્ર રાજકીય અને અછડતો જ ઈતિહાસ લખાયો છે તેમના ઉમદા પ્રસંગો બહુ આલેખાયા નથી.
        નવાબ રસુલખાનજી યુવાવસ્થામાં શિકારના જબરા શોખીન હતા,તેઓ બહુ જાજુ ભણ્યા નહોતા માત્ર થોડું ગુજરાતી અને કુરાને શરીફ વાંચી શકે એટલું જ ભણેલા હતા. શિકારના તો એવા જબરા શોખીન કે તેમનો ડાયરો જામે અને અનેક અવનવા પ્રકારે  શિકારો કરી આવે એવામાં એક વખત તેઓ જોગણીયા પહાડમાં વીરભદ્ર નામના ડુંગરમાં ઇન્દ્રેશ્વર પાસે શિકારમાં ગયા અને તેમણે એક ઝરણાને કાંઠે સાબર ઉપર ગોળી ચલાવીને સગર્ભા સાબરી ઢળી પડીને તેના ડોળા બહાર નીકળી ગયાને મોઢામાંથી લોહી વહ્યું જાય છે, શિકારીની ગોળીનો અવાજ સાંભળીને ઇન્દ્રેશ્વરના મહંત સાહેબ દોડી આવ્યા કે આ શું થયું તે આવીને જુવે છે ત્યાં સાબરી પાસે શિકારી રસુલખાનજી ઉભા છે, ગિરનારી સાધુએ તરત જ પડકાર કર્યો કે આપને યે કામ કિયા કભી ભી મહાદેવ કી સીમાં મેં કભી કીસીને શિકાર નહિ કિયા.સાધુ તો ખીજાણાને કહે આપ કોણ છો તે હું જાણતો નથી પણ આપના તાલકાનું તેજ જોઈને હું કહી શકું છું કે જેના ભાગ્યમાં જૂનાગઢની રાજગાદી લખી છે તે અહી ધાર્મિક જગ્યા પાસે  આવો શિકાર કરે તે અનુચિત છે.
        આટલું સાંભળતા તો રસુલખાનજી સાવ નરમ પડી ગયાને તેમના ગાત્રો સચેત બની ગયા અને કહે બાપુ માફ કરો મારી બહુ મોટી ભૂલ થઇ ગઈ અને  આપ મને સજા કરો.સાધુ કહે ક્ષમાં એ જ સાધુનું લક્ષણ છે, જોવો જે ચીજ આપણે બનાવી શકતા નથી તેનો આપણે નાશ પણ કરી શકતા નથી. ઇન્દ્રેશ્વરના મહંત સાહેબનો આટલો બોધ સાંભળતા તો ત્યાને ત્યાં પહાડ પર જ પોતાની બંદુક પછાડી તોડી નાંખી અને કહ્યું કે કે જાવ બાપુ આજથી હું કદી જ શિકાર નહિ કરું. સાધુ તો ખુશ થઇ ગયા કે આજ એક ઉચ્ચ વ્યક્તિ પીગળી.
        હવે રસુલખાનજીએ પોતાની શિકારી ટોળી વિખેરી નાખીને જૂનાગઢની જમાલવાડીના સાંઈ પાસે બેસી ગયા અને ફકીરીનો રંગ લાગવા માંડ્યો.પછી તો રસુલખાનજીએ લુંગીને ઝભ્ભો પણ ધારણ કરી લીધાને અગમનિગમની ચર્ચા કરે પ્યાલા પીવે ગાંજાની ચલમો ફૂંકે આવી બધી રીત રાજ્કુટુંબને ગમતી નહિ પણ એ કોઈનું માને નહિ ને ધીરે ધીરે તો કાળી લુંગી ખંભે ગરમ ઝભ્ભોને માથે લીલો ટુકડો બાંધી સાવ  ફકીર જેવા  બની ગયા હતા.
રસુલખાનજીને બે બેગમો હતા અને તેને સંતાનો હતા પણ છતાં તે સંસારમાં બહુ જાજુ ધ્યાન આપતા નહિ. ફકીરી પછી રાજમહેલમાં પણ બહુ જતા નહિ, મંગલપુર ગામ તેમને જીવાઈમાં આપવામાં આવ્યું હતું.અરે જયારે તે ગાદીએ નહોતા બેઠા ત્યારે તેમના પર મોદીનું કરજ થઇ ગયેલું તો મોદી વજીર બહાઉદીનભાઈ પાસે આવ્યો કે હવે મારે શું કરવું રસુલખાનજી કરિયાણાનું બીલ આપતા નથી, વજીર બહાઉદીનભાઈ કહે અમે તેમાં કઈ ન કરી શકીએ,ત્યારે મોદીએ રસુલખાનજી સામે દીવાની કોર્ટમાં દાવો કર્યો પણ રસુલખાનજી જવાબ દેવા કોર્ટમાં હાજર પણ ન થયા. આ સમયે નવાબ બહાદુરખાનજી ગુજરી જતા રસુલખાનજી જ નવાબ બન્યા ત્યારે મોદીએ દાવો માંડી વાળ્યો.
અરે જયારે એદલખાનજીને ગાદીએ બેસાડવાના ચક્રો ગતિમાન થયા હતા ત્યારે વજીર બહાઉદીનભાઈ જમાલવાડીમાં રસુલખાનજી પાસે આવ્યા કે આપ જુનાગઢના નવાબ બની  જાવ તો રસુલખાનજી કહે અરે મામુ મેં તો સારી ખલ્ક્ત કા બાદશાહ હૈ ઉસકા ચાકર હું મેરી જગા જૂનાગઢ કે નવાબ કી જ્ગાસે બડી હૈ મેરે કો ગદી પર નહિ બેઠના. વજીર બહાઉદીનભાઈએ ખૂબ સમજાવ્યા કે બાપુ જો આપ ગાદીએ બેસશો તો બાવા સાધુ સંત ફકીરો અને ગિરનારને ધર્મસ્થાનકોનું કલ્યાણ થશે હો અને જો ગાદી નહિ સ્વીકારો તો રાણી સરકારની આજ્ઞાનો ભંગ થશે અને કાળા પાણીએ જઈ રેતીની ઘંટી દળવી પડશે. આથી આખરે રસુલખાનજી નવાબ બનવા તૈયાર થઇ ગયા.
નવાબ રસુલખાનજીને જૂનાગઢ રાજ્યની પ્રણાલિકા મુજબ ગાદી ઓટા પર બેસાડી રાજ્યાભિષેક કરવામાં આવ્યો.તેમણે ગાદીએ બેસી તરત જ કચેરીમાં નાચ મુજરા બંધ કરાવ્યા. નવાબ રસુલખાનજી પાંચ વખતની નમાજ પડતા અને ઇસ્લામના પ્રત્યેક નિયમો પાળતા હતા.
નવાબ રસુલખાનજી ગાદીએ બેઠા પછી તેમણે ઇન્દ્રેશ્વરના મહંત સાહેબને બોલાવી માનપાન આપી કહ્યું કે આપે ભાખેલી ભવિષ્યવાણી  તથા આશીર્વાદ માટે  આપ માંગો  એ આપું, મહંત સાહેબ કહે નવાબ આપે મારા વેણ ખાતર શિકાર કરવાનું કાયમને માટે છોડી દીધુ એજ  મારા માટે માનપાનને ઇનામ અકરામ છે.તોય ફરી નવાબ રસુલખાનજી કહે ના ના એમ ખાલી થોડું હોય ત્યારે ઇન્દ્રેશ્વરના મહંત સાહેબે કહ્યું કે તો ઇન્દ્રેશ્વરમાં એક ગૌશાળા બનાવી આપો  ત્યારે નવાબે તરત જ હુકમ કરી ગૌશાળા અને સક્કરબાગથી ઇન્દ્રેશ્વર સુધીનો રસ્તો બાંધી આપ્યો. આજે પણ ઇન્દ્રેશ્વરની ગૌશાળામાં આ બાબતનો શિલાલેખ મોજુદ છે. આ પ્રંસંગની યાદ જાળવી રહ્યો છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર