નાથીબાઈનો અખંડ પતિ પ્રેમ


                      નાથીબાઈનો અખંડ પતિ પ્રેમ
એક કાળે આખા એશિયા ખંડમાં જે બંદરની ખ્યાતિ ફેલાય હતી એવા બંદરની અખંડ પતિપ્રેમનો ચૂડલો જાળવનારી  નાથીબાઈની વાત કરવી છે,જે બાઈ પડાણાના નાઘોરી જમનાદાસની વહુ હતી ને તેનો પતિ પરણ્યા પછી જ દરિયાની વાટે ચાલ્યો ગયો હતો પણ બાઈને અતુટ વિશ્વાસ છે કે એક દિવસ મારા ચૂડલાનો પેરાવતલ જરૂર પાછો આવશે,આથી બાઈ એકધારા પંદર પંદર વર્ષથી કાયમ સલાયાના બંદરે આવીને ઉભી રહે અને જે જે કોઈ ઉતરે કે ખલાસીઓ હોય તેને પૂછે કે હે ભાઈ તમે ક્યાંથી આવો છો? આમાંથી કોઈ એમ્બોયથી આવે છે? કોઈએ મારા ધણીને ત્યાં ભાળ્યા હતા.
એમાં વળી કોક દયાળુ માણસ પૂછે કે શું નામ તેનું ત્યાં તો નાથીબાઈ શરમાઈ જાય કે ભાયડાનું નામ કેમ લેવું પણ આજુબાજુ જોઈ નજર કરે છે કે ના ના કોઈ ઓળખીતું નથી તે બોલી,એનું નામ છે જમનાદાસ પણ ગામના એને જમનો કહે છે.
બધા જ ના પાડે છે કે ના હો અમે એવા કોઈ જમનાદાસને ઓળખતા નથી કે ભાળ્યો નથી,આટલું સાંભળતા તો નાથીબાઈ આગબોટ જેવડો નિસાસો મૂકે છે ને દરિયાના કાંઠે ઉડતા પોતાના પાલવથી આંખમાં આવેલા આંસુ લુછતી જાય છે.પણ બિચારીને પતિ પાછો એક દિવસ પાછો મળશે જ એવો વિશ્વાસ છે તો પાછી સમી સરખી થઇ બધાને કહે અરે કોક તો એમ્બોય જાવ તો ત્યાં આ ગરીબ બેનનું આટલું કામ કરજો ને હા બેન હા એમાં શું તારું કામ જરૂર કરી આપશું આ તો પૂણ્યનું કામ છે એમ કહીને લોકો આશ્વાસન આપે છે.
વળી કોઈ વાતોડિયું મુસાફર હોય તો પાછુ નાથીબાઈને વાતે ચડાવે કે કેવા છે ને ક્યારે ગયા ને શું આટલા સમયમાં કોઈ ખબર પત્ર પણ નથી વગેરે વગેરે. ત્યાં તો બાઈ વાત  માંડે કે અરર ભાઈ હું ૮ વર્ષની ઉમરે પરણી હતી અને એ ૧૬ વર્ષના એ ત્યારે અમે અલગ ઘર માંડતા એ મોટી કમાણી કરવા પરદેશ ઉપડી ગયા તે હજુ આજ ૧૫ વર્ષે પણ આવે છે ?
આ બાઈ એટલે સલાયાના ધનજી ઘેલારામની દીકરી કે જેને પડાણાના જમનાદાસ હરખચંદ સાથે પરણાવેલ.
નાથીબાઈનો શુદ્ધ અખંડ પવિત્ર પતિપ્રેમ પણ આ દુનિયા તો કાંઈ થોડી સમજે તે માંડી નાથીબાઈની આડી અવળી વાતો કરવા કે આતો સાવ નફફટ બાઈ  છે ને રોજ દરિયાકાંઠે જઈને નવા નવા મર્દોની સાથે ગામગપાટા મારે છે,આ વાતની જાણ નાથીબાઈની ઓરમાન સાસુને થઈને એણે તો નાથીબાઈ  ની માને આ વાતની ફરિયાદ કરીકે તમે જૂઓ તો ખરા આ વહુ આબરૂને બટો લગાડે છે,આથી તેની માનો પણ ઠપકો મળ્યો કે એલી નાથી આ શું વાતો થાય છે ગામના મોઢે.આથી નાથીબાઈ તો બિચારી હવે છાની છાની સાગરકાંઠે તોય પતિની ખબર કાઢવા જાય છે.
એવામાં એક દિવસ એક વાઘેર નાથીબાઈને ઘેર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે એ જમનાદાસને ચીની ચાંચિયાઓ ૭ વર્ષ પહેલા પકડી ગયા છે ને બાનની રકમ મોકલવા છતાં છોડ્યા નથીને જો બધા બંદીવાનના ૪૦.૦૦૦ કોરીને જમનાદાસની ૬૦૦૦ કોરી રકમ માટે એમ્બોયના બેટમાં બધાને પૂરી રાખ્યા છે એમ વાઘેરે કહ્યું.
આટલી વાત મળતા તો માં દીકરીને વધુ ઉપાધિને વેદના વધી કે હવે શું કરવું આપણે ત્યાં કોઈ આદમી તો છે નહિ વળી રાતે વિચારે ચડે છે કે મારો જમનો શું વિચારતો હશે કે કોઈક આવશે કોઈક છોડાવશે,પગે સાંકળો બાંધી હશે પણ એને છોડાવવા કોણ જાય?
આખરે નાથીબાઈને જ થયું કે કોઈ નહિ પણ હું જ મારા ખાવિંદને છોડાવી લાવીશ આમેય મરેલીને આમેય મરેલી તો છેલ્લો ઉપાય કરી લેવા દે ને. નાથીબાઈએ આ વાત માને કરતા માં એ થોડી આનાકાની  કરી પણ પછી તો માં દીકરી બન્ને સલાયાની તમામ ઘરવખરી માલમત્તા વેચી ઉપડ્યાને દરિયો ખેડતા ખેડતા ત્યાં પહોચ્યા ત્યાં એમ્બોયમાં તેને એક ખોજા ગૃહસ્થ આ બે કાઠિયાવાડી  નારીને એકલી જોઈ નવાઈ પામી ગયો ને તેની વાત સાંભળી બોલી ઉઠ્યો કે વાહ કાઠિયાવાડી  નારીઓ.
એકલી અટુલી બે બાઈઓનું આવું પરાક્રમને પ્રેમ જોઈ ખોજા ગૃહસ્થ વેપારીએ કહ્યું અમે પણ તેને છોડાવવા ફાળો કરી બાનની રકમ મોકલેલી પણ એ ચાંચિયાઓ દગાખોર નીકળ્યા ને બાનની રકમ ચાઉં કરી ગયા પણ કોઈને છોડ્યા નહિ
નાથીબાઈ કહે અરે હવે તો મને જ જવા દો ચાંચિયા પાસે એને હું ખોળો પાથરી પગે પડી વિનવીશ કે મારા ધણીને છોડી મૂકો.આથી ઘણો વિચાર કર્યા પછી ખોજાને થયું કે આ બેઈ બાઈઓને  એકલી મૂકવા કરતા મારા દીકરા હાસમને તેની સાથે મોકલું,આખરે ત્રણેય જણા વહાણમાં બેઠા અને ત્રણેક દિવસને અંતે  ચીનાઈ ચાંચિયાના બેટે પહોચી ગયા,પણ આ કાઠિયાવાડની બે વીર નારીને જોઈ ખૂંખાર ચાંચિયાનો મુખી તો નવાઈ પામી ગયો કે ઓહો એક ખાવિંદ માટે આટલું મોટું જોખમ ખેડીને આવી સફર.
ચાંચિયાના મુખીએ બાઈને પ્રશ્ન કર્યો કે તને બીક ન લાગી ?,નાથીબાઈ કહે માણસ જાતમાં રહેલા ઈશ્વર ઉપરના વિશ્વાસને લઈ હું અહી આવી છુ તમારે પણ બેન દીકરીઓ હશે જ એ યાદ કરી મારા પતિને છોડી મૂકો કાં પછી મને પણ પકડી લ્યો કાં બેય છુટા રેશુ કાં બેય કેદમાં.
આટલું સાંભળતા તો ચાંચિયો નરમ ઘેસ જેવો થઇ ગયો ને તરત જ તેણે હાલારી તમામ કેદીઓને  હાજર કરવા હુકમ કર્યો ને કહ્યું કે જમનાદાસ હોય એ આગળ આવે ત્યારે એક માણસ આગળ આવ્યો એ ૩૦ વર્ષનો છતાં ૬૦ વર્ષના જેવો લાગતો હતો,ત્યારે જેમ દમયંતીએ નળ રાજાને ઓળખી લીધેલ તેમ નાથીબાઈએ તેને ઓળખી લીધો નાથીબાઈએ હવે પોતે લાવેલા નાણાની પોટલી ચાંચિયાના પગ  પાસે મૂકી ત્યાં તો મુખી બોલ્યો બસ બહેન બસ તારી હિમંત ધીરજ અને પતિ પ્રેમ પર અમે ફિદા છીએ,આ નાણા તારી પાસે રાખ અને લઇ જ તારા ખાવિંદને અમે એને દુઃખી કર્યો છે પણ તું એને સુખી કરજે.
આ ઉપરાંત ચાંચિયા ખુશ થઇ કહે નાથીબાઈ તું અમારી પાસેથી જે કઈ જોઈ એ માંગી લે કાઠિયાવાડની આ બેટીએ અન્ય બાન પકડાયેલા તમામ ભારતવાસીને છોડી આપી દેવા કહ્યું.
ચાંચિયાએ હુકમ કરતા બધા ભારતીય બંધકોને છોડી મૂકવામાં આવ્યાને થોડા જ મહિનામાં નાથીબાઈ ૩૦ મુસાફરોને બાન છોડાવી સલાયા પાછી ફરી આવી,આવી હતી વીર નારીઓ. 
કથાબીજ સૌજન્ય : નાજભાઈ નથુભાઈ વાળા - ચાડિયા
 


     
 
 
 

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર