આઈ સોનબાઇ - ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
આઈ સોનબાઇ - ડૉ
.પ્રદ્યુમ્ન ખાચર
ચારણ કુળમાં અનેક સાક્ષાત
જગદંબાઓ પાકી છે, જેમાં ભક્તિ,દાતારી,તપ, તેજ અને રખાવટને દિલાવરીના ગુણો અવશ્ય
જોવા મળે. આઈ સોનબાઇ અને લાખબાઈ એટલે ભક્તિ પરાયણ અને સંસારી મોહમાયાને ત્યાગીને
બેઠેલા રાણા ગઢવીના બંને દીકરી, તે જાણે કે એકબીજાના બોલ જીલવા જ માતાજીએ સર્જયા
હતા એવા અવતારી જીવ.
રાણા ગઢવી પાસે ૫૦-૬૦
ભેંસોનું એક બહુ મોટું ખાડુ છે એમાં એક દિવસ એક કોળીનો બાજરો ભેંસુ ખાઈ ગઈ ને કોળી
ને કોળણ તો બિચારા અધમૂવા જેવા થઇ ગયા ને સવારે ઉઠીને સીધા જ રાણા ગઢવીના નેસે
આવીને આખા ઘરે ટીટોડી જેવો કાળો કલ્પાંત આદર્યો કે હવે અમારું આ વરસ કેવું
જાશે,જોવોને અમારી મહેનતનો બાજરો તો તમારી આ બધી ભેંસો રાતે છુટીને ખાઈ ગઈ છે.
ગઢવી તો
દાતારને પરદુઃખભંજન હતા તે તેણે પોતાની ભેંસોના ખાધેલા બાજરાના સ્વયંમ કરેલ દંડમાં
દશ ભેંસુને બે ખાંડી કપાસિયા,બે કળસી બાજરોને, એકસો એક રાળ ( ચલણ) રોકડા આપ્યા ત્યાં
તો કોળી ને કોળણ રાજીના રેડ થઇ ગયાને ટીટોડીના જેવા કલ્પાંત ને બદલે મોરલાની જેમ
ટેહુક ટેહુક ગરકવા માંડ્યા. પણ હવે રાણા ગઢવીને પોતાની પંચાવન વરસની અને ચારણીયાણી
પિસ્તાલીસની ઉમર થતા લાગે છે કે હવે આપડે ઘેર તો ક્યાંથી ખોળાનો ખુંદનાર આવે એમ
વિચારતા વિચારતા બંને જણા રડી પડ્યા કે આપડે આંગણે કોક આવીને રડે છે તો આપડા ઘેર
ક્યાંથી ભગવાન સંતાન મોકલશે. પણ આ પછી ઘણા સમયે કોળી ને કોળણ પાછા ગઢવી પાસે
આવ્યાને કહે “ અમને એક દી સ્વપ્નું આવ્યું કે તમારે આંગણે બે જોગમાયાઓ રમતી હતી
જેમાં એકની આંખમાં ધુંવાડા નીહરતાને બીજીની આંખમાં અમીના ઢગલા જોયા હતા” તેનું એ
સ્વપ્નું જોત જોતામાં સાચું પડ્યું.
કુદરતે તો તેમને ઘેર બે જોગમાયા સમાન દીકરીઓનું
નિર્માણ કર્યું હતું ને જે પેલી દીકરી અવતરી તેનું નામ પાડ્યું લાખબાઈ.
બે અઢી
વરસે બીજી દીકરી જન્મી એ તો જાણે કે નાગબાઈનો જ અવતાર જોઈ લ્યો ને જેનું નામ પાડ્યું
સોનબાઇ. લાખબાઈ તો એવા તેજવાળા કે કોઈ એની સામે મીટ માંડીને નજર ન રાખી શકે એવી
ભારે,અરે પાણા ઉપર નજર કરે તો પાણો પણ ફાટી જાય. આ બંને દીકરીયું એટલે સાક્ષાત
સ્ત્રી શક્તિનો પુંજ.
જયારે બીજા સોનબાઇ એ તો
સાક્ષાત અન્પૂર્ણાનો જ અવતાર.આ સોનબાઇને તેના બાપ રાણા ગઢવીએ તેના ભાણેજ દેવદાસ સાથે
પીળા હાથ કરી વળાવી તે દી તો ગીરના નેસનું ઝાડવે ઝાડવું રોયું તું, જાણે કે
સોનબાઇના ગયા પછી નેસડામાં કોઈ ઉજાસ જ નથી સાવ અંધારપટ છવાઈ ગયો છે,પણ બન્યું એવું
કે સોનબાઇ પરણીને સાસરે તો ગઈ ત્યાં લોકમાન્યતા મુજબ આ બંને દંપતિ કોડી કરડાએ
રમ્યાને બે કોડી દેવદાસ ને જ આવતા બધાએ
માન્યું કે ઘરમાં તો દેવદાસનું જ હાલશે પણ એવું બન્યુ નહિ.
આ સમયે
સોનબાઇએ તો બીજા બધાનું મન પારખી ફટાક
કરતી ચુંદડીનો ઘુમટો ખોલી નાખી બોલી કે અલ્યા ચારણ તમારા કુંવારઘડા ઉતરી ગયા હો મારે તો આટલો જ ભાગ ભજવવાનો હતો, તું
તારે બીજી ચારણયાણી ગોતી જ લેજે હો મારી આશા રાખતો નહિ મારે તો પ્રભુને જ ભજવા છે
એટલું કહીને સોનબાઇ તો ગીરમાં એકલાં પંડે પોતાના બાપના નેસડા તરફ હાલી નીકળ્યા તો
પાછી આવેલી દીકરીને માટે બાપ થોડો પોતાનું બારણું બંધ કરી દે એણે તો સોનબાઇને
નેસડામાં સમાવી લીધી પણ એક દી સોનબાઇના માબાપે સ્વર્ગની વાટે હાલી નીકળ્યા,હવે તો આ
બે બેનડીયું જ નેસડામાં રહ્યું ને થોડા સમયમાં લાખબાઈ પણ સ્વર્ગે સિધાવ્યા.
પણ થોડા સમયમાં તો
સોનબાઇએ જોગમાયા તરીકે ગીર કાંઠામાં નામ કાઢ્યું લોકો તેને પોતાના વિવિધ દુઃખની
માનતાઓ કરવા લાગ્યા,એમાં એક ઈસર શાખના હમીર ચારણને પોતાની જોગમાયા જેવી ચારણયાણી
પર શંકા પડતા તેને ઉકળતા ઘીના તવામાં પૈસા નાખી તે કાઢી લેવા કહ્યું ત્યાં તો
જોગમાયાએ જેમ કોઈ બાઈ ગોળામાં ડૂબેલો પ્યાલો હાથ નાખી કાઢી લે એમ બાઈએ ઘીની
કડાઈમાંથી અડપ દઈ પૈસા કાઢી લીધાને હમીર
તો ફાટ્યું આંખે જોઈ જ રહ્યો પણ હમીરને ઘી ના છાંટા ઉડેલા તેના ડાઘ પડી ગયા અને
પછી કાળો કોઢ નીકળેલો તે સોનબાઈની કૃપાથી મટ્યા
હતા, આ પ્રસંગને યાદ કરતા કેટલાક દુહાઓ રચાયા છે જેમકે
સજનો કસાઈ સોય જેમ તારેલો ત્રિકમે ,
હમીર પારાધિ હોય સાચેય તાર્યે સોનબાઇ.
ભૂલ્યો હમીર ભાન આવ્યો શરણે આપને,
દેવી દે વરદાન સવળે મોઢે સોનબાઇ.
કાયાને કાળો કોઢ અવસુરી આંટો ફર્યો,
દેવી તું હર દોઢ સામું જોજે સોનબાઇ.
જેહળ સરખો જોય અપરાધી તો આંગણે,
ચારણ કરજે સોય સામું જોઈને સોનબાઇ.
હોય ગુના હજાર અવસુરી આઘા કરો,
તપેલા અંગને તાર સઢ બાંધીને સોનબાઇ.
હમીરના હજાર પ્રાછત પરજાળી દિયો,
પારાધિ પળવાર શરણે આવ્યો સોનબાઇ.
બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જા,
મોઢું ફેરવે માં શરણ કોનું સોનબાઇ.
પછી તો સોનબાઇએ
તુલસીશ્યામ પાસે સરાકડિયાએ નેસ બાંધીને મુસાફરોને માંડ્યા દૂધપાકને રોટલા ખવરાવવા
લાગ્યા.આખરે તો લાખબાઈ પણ સ્વર્ગે સીધાવતા સોનબાઇ એકલા થઇ ગયા,ત્યારે જે ચારણયાણી
પોતાના ધણી દેવદાસને છોડી આવેલી તે દેવદાસ આ નેસડે આવ્યો અને બંને દંપતિ છતાં
જળકમળવત અલગ અલગ રહ્યાને સમાજની સેવા કરતા રહ્યા ત્યારે તો આ શંકાશીલ દુનિયા જોઈ જ
રહી કે છે હો દુનિયામાં આવા અડગ માણસો.
આ
સોનબાઇના નેસની મસવાડી જૂનાગઢના સહિષ્ણુ મુસલમાન નવાબે માફ કરેલી પણ ઉનાના સફીમિયા
કરીને એક તુમાખી અમલદારને નવાબીની
સહિષ્ણુતાનો વિચાર કર્યા વિના લાગ્યું કે આવું તે થોડું હોય રાજમાં તે આ ખાડાની
મસવાડી ન ભરે ત્યારે તેણે આઈ સોનબાઇના ખાડાની પંદર વરસની એક સાથે મસવાડી કાઢવાનો
હુકમ કાઢ્યો,ત્યારે તરત જ આઈ સોનબાઇ એક વરોળ ભેંસ માથે બેસીને જૂનાગઢ જગદંબાના
રૂપે આવ્યાને જ્યાં ઓલિયા નવાબ રસુલખાનજીએ તેને રંગમહેલ સામે આવતા જોયા તે જોતા
વેંત તેમણે દીવાનને એજ ઘડી હુકમ કરી આપ્યો કે સરકડિયાના નેસના આઈ સોનબાઇના ખાડાની
મસવાડી ન લેવી. આઈ સોનબાઇ સવંત ૧૯૬૦માં દેવલોક પામ્યા જેની પાછળ ઉના પાસેના ભાચાના
પણ મુંબઈમાં વેપાર કરતા શેઠ વનમાળીદાસે એક દેરી બંધાવી છે, આ વનમાળીદાસ શેઠને આઈ સોનબાઇએ ગીરની કોઈ
વનસ્પતિની વેલની દવા કરી દીકરો આપ્યો હતો અને કહેલ કે દીકરાનું મોઢું બાઈ માણસ
જેવું હશે કારણ કે તે વેલની દવાથી અવતર્યો છે..
સંદર્ભ .જયમલ્લભાઈ પરમાર
Comments
Post a Comment