જૂનાગઢ નવાબનો અનેરો લગ્નોત્સવ ડૉ. પ્રદ્યુમ્ન ખાચર


જૂનાગઢ નવાબનો અનેરો લગ્નોત્સવ
ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
        આજ સોરઠમાં તા.૨-૮- ૧૯૦૦ના રોજ  નવાબ રસુલખાનજીના રંગમહેલ નામના રાજમહેલમાં ચારેબાજુ  ખુશીનો માહોલ જામ્યો છે ને ઓલિયા નવાબ રસુલખાનજી છુટા હાથે પોતાને ત્યાં બીજા કુંવર અવતર્યાની છોટી મુગલાય સમી ખુશાલી વર્તાવી રહ્યા છે. પણ થોડા વર્ષોમાં નવાબ રસુલખાનજીએ તો ખુદાના ઘરની વાટ પકડીને બાળ શાહજાદાને  ૧૧ વર્ષની વયે બાપ વિનાના એકલા બ્રિટીશરોની શેહશાયામાં ઉછરવાના દી આવ્યા,પણ ૮૬૧ પાદરના ધણીને અંગ્રેજો થોડા દુઃખી થવા દે.
        ત્યારે અંગ્રેજોએ ગાર્ડિયન અને ટ્યુટર બને રાખ્યા જે મહાબતખાનજીને જરાય પણ ઓછું આવવા દેતા નથી પણ તોય માબાપ જેવો પ્રેમ તો દુનિયાની કોઈ તાકાત ન જ  આપી શકે ને. આથી બાળ મહાબતખાનજી કેટલીક વાર રાજમહેલના છાને ખૂણે જઈ આંખ ભીની કરી આવે છે. એશોઆરામ અને સુંવાળી ગાદીમાં આળોટનારો  જીવ રાતદિવસે અજવાળીયામાં ચંદ્રની કળા વધે તેમ મોટો થતો જાય છે એવામાં એક દિવસ વહીવટદાર એચ.ડી.રેન્ડોલે હુકમ ફરમાવ્યો કે આ તો  સોરઠ સરકાર જૂનાગઢ નવાબનું ફરજંદ છે તેને આપડે કોઈ સામાન્ય જગ્યાએ ન ભણાવવા જોઈ પણ તેમને ઇંગ્લેન્ડ ભણવા મોકલવા છે,તરત જ ટ્યુટર શાહજાદાને તેડી સ્ટીમ્બરમાં બેસી ઇંગ્લેન્ડ ભેગા થઇ ગયા પણ આ શાહજાદાના નસીબ વાંકા હતા તો એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા એક વર્ષમાં ભણતર પડતું મૂકી પાછા ફરવું પડ્યું પછી તેમને ભારતભરની વિખ્યાત કોલેજ રાજસ્થાનની ધરતીમાં અજમેરની મેયો કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. નવાબ રસુલખાનજીના વલીએહદ શાહજાદા શેરજુમ્માખાનજીનું અકાળે ભર યુવાનીએ ૨૭ વરસની વયે અવસાન થતા હવે આ શાહજાદા મહાબતખાનજી જૂનાગઢ રાજના ગાદી વારસ ઠર્યા છે એ રેન્ડોલની ધારણા સાચી પડી કે નવાબનું ફરજંદ છે તો કોક દી તો તેનું ભણતર અવશ્ય કામ આવશે.
         મહાબતખાનજીને જૂનાગઢના રાજસિંહાસને બેસાડવાની તારીખ રાજ જ્યોતિષશ્રી  જોશી એ નક્કી આપી છે કે ૩૧- ૩- ૧૯૨૦ના રોજ જેમને સોરઠની ગાદી પર બેસાડો તરત જ બધી ત્યારીઓ થઇ ગઈ ને નવાબને બહાઉદીન કોલેજના મધ્યસ્થ ખંડમાં ભવ્ય રાજદરબાર ભરી રાજનો તમામ કારભારને તિજોરીને તોશાખાનાની ચાવી વહીવટદાર રેન્ડોલે સોંપી આપી ત્યારે આ ઉદાર દિલ નવાબે તરત જ એક પળ પણ મોટી આવક જતી કરવાનો  લકીરેય વિચાર કર્યા વિના ગિરનાર,સોમનાથ,પ્રાચી ને દામોદરકુંડે લેવાતો મુંડકા વેરો માફ કરી દીધો ને પોતાના બાપદાદાની સહિષ્ણુતાનો પરિચય કરાવ્યો.
        હવે નવાબના સગાવ્હાલાઓ હવે જૂનાગઢ રાજને શોભાવે એવી રાજકન્યા શોધવાની ત્યારીમાં પડ્યા છે એવામાં આ લોકોની નજર ભોપાલની શાહજાદી મુન્વરર્જ્હા પર ઠરી છે શાહજાદી જાણે કે રૂપરૂપનો અંબાર છે જેના રૂપને જોબન તેના દેહમાં હિલોળા લે છે પડછંદ દેહ,ઉજળો વાનને કેરીની ફાડ જેવી આંખોને,કોળીમાં આવે તેવી તેની કમર છે તો બધાને ગમી ગઈ ને નવાબની મંગની (સગાઈ)કરી નાખવામાં આવી ને જોત જોતામાં તો લગનનું મુહૂર્ત પણ આવી ગયું છે પણ અધિકારીઓ ચિંતામાં છે કે  જૂનાગઢથી ભોપાલ જાન કેવી રીતે લઇ જવી ત્યાં તો રેલવે ઓફિસર બોલ્યા એલાવ મુંજાવ છો શુ? આપડી રેલવે ઘરની છે તો જોડી દયો સલુનોને ડબા. આથી નવાબની જાન ખાસ ખાસ ટ્રેનમાં લઈ જવાનું નક્કી થયું.
         જૂનાગઢમાં બધાને કંકોતરીઓ મળી ગઈ છે કે ભોપાલ જાનમાં આવવાનું છે જાન તા.૨૯-૩-૧૯૨૧ના રોજ ખાસ ટ્રેનમાં ઉપડી  ને રેલના ડબામાં લગ્નગીતના ઝકોર મીર ,લંઘાઓએ બોલાવ્યા ને કાઠીયાવાડી ગળાનો પરિચય થયો ને  શાહી ઠાઠમાઠ થી પરણીને જાન જોત જોતામાં પાછી આવી ત્યારે નવાબે આ લગ્નોત્સવની એવી ખુશાલી કરી કે આખું ગુજરાત અને રાજા મહારાજાઓ અચંબામાં પડી ગયા. આ લગનની ખુશાલીમાં જે જમણવાર કરવામાં આવ્યો તે અતિ વિશિષ્ટ નમૂનેદાર હતો કે જૂનાગઢમાં વસતી તમામ નાતના આગેવાનો ને બોલાવ્યા કે તમારી નાતમાં કેટલા માણસો છે અને તેમની ઈચ્છા મુજબ નું ખાણું પૂછવામાં આવ્યુ કે તેઓને શું જમવાનું ગમશે એ લખાવો,એવી કુલ ૩૪ નાતને તેમની માંગણીને ઈચ્છા મુજબ અલગ અલગ દિવસે ૩૨ ભાતના ભોજન પીરસવામાં આવ્યા.જેમાંશીખંડપૂરી,રવાનું ઓરવું,ફૂલવડી,બાસુંદી,બુંદીના લાડુ,સુરતી મીઠાઈ,મેસુબ,કળી ચેવડો પીરસવામાં આવ્યાને માથે જતા લીલો મેવો અને ઠંડા પીણા અને મુખવાસમાં સોડા લેમન,જિંજર,આઈસ પાન અને સિગરેટ આપવવામાં આવી હતી.  
        પ્રજાજનોને માટે નવાબના આ શુભ પ્રસંગની ખુશાલીમાં નાટક,સિનેમેટોગ્રાફ,રોશનીને આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતભરના રજવાડાઓ લગ્નોત્સવની ખુશાલીમાં પોતાના રાજ તરફથી પોશાક અર્પણ કરવા આવ્યા હતો.
        બીજી બાજુ આખા કાઠિયાવાડ,ગુજરાતમાંથી ભાટ,ચારણ,બારોટ અને સામાન્ય પ્રજાજનો એ નવાબને બિરદાવતા ખુશાલી ગીતો રંગબેરંગી કાગળમાં લખી મોકલ્યા છે,આ બધા ગીતોને તપાસવા માટે નિષ્ણાતોની એક કમિટી નિમવામાં આવી છે જેણે ગીતો તપાસ્યા પછી બધા ઇનામ પ્રાપ્ત રચયિતાઓને નવાબ દ્રારા ૨૦૦ નંગ સોનાના કડા ને ૨૦૦ નંગ સોનાની વીંટીઓ ભેટ આપવામાં આવી છે ત્યાં તો વળી નવાબને બિરદાવતું ગીત કવિ જીવણદાન બાણીદાને   છેડ્યું કે .....
        ઉની મોટરું આંગણે ને મેડીયુંમાં માલે,
        માંગણ મહાબતખાનના હાથી ઉપર હાલે,
        માંગણને દેતો મોટરું દાન વિસે દેવાય,
        માંગણ મહાબતખાનના ધનથી ધરાય ગયા,
        વેઢ કડાને વીંટીયુ હેમના બનાવી હાર,
        કવિયુ ને કાયમ દિયે સોરઠ સરકાર.
        નવાબનો સારી રીતે લગ્નોત્સવ ઉજવાય ગયા બાદ તંત્ર ને કદર કરવાનું  મન થયું કે આમાં સારી રીતે કામ કરનાર માણસોની કદર કરવી જોઈ તો તરત જ બીજું એક ફંક્શન યોજવામાં આવ્યું કે જેમાં લગ્નોત્સવની તમામ કમિટીના સભ્યોને જાહેરમાં બિરદાવી લેટર્સ ઓફ થેન્ક્સ નો પત્ર આપવામાં આવ્યો.
        નોંધ : આ લખનારે આ નવાબ પર સોરઠ સરકાર નવાબ મહાબતખાનજી નામે સ્વતંત્ર  પુસ્તક પ્રગટ કરેલ છે.
       

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર