ઘોડીએ છ જણાના પ્રાણ બચાવ્યા.
ઘોડીએ છ જણાના પ્રાણ બચાવ્યા.
મોરબીના પડખામાં અદેપર નામનું એક ગામ છે અને ગામમાં કડવા પટેલો અને
ઝાલા દરબારોના ઘર છે.આ ગામમાં ઈ.સ.૧૮૬૪ની સાલમાં ખેડૂતો એ
હોશેહોશે મોલપાણી વાવીને આભ સામું મોઢું રાખીને બેઠા હતા કે ક્યારે મારો વાલોજી
વરસે અને આ મુરજાતી મોલાતને જીવતદાન દે તો છૈયા છોકરાઓ આ વર્ષના દાણાપાણી ભેગા થાય
પણ એમ કઈ થોડો મેઘરાજા માની જાય મેઘરાજાને મનાવવા તો કેટલાય કાલાવાલા કરવા પડે અને
પ્રજાના રખેવાળે જ સીધી વાતું કરવી પડે.
અદેપરના પાદરમાં સર્વ ડાયરો મેઘરાજાની ચિંતામાં બેઠા છે એવામાં
જમજમાટ કરતા ગેલુભાના કુંવર દાજીબાપુ નીકળ્યા ત્યાં તો બધા ખુશ થઇ ગયા અને ગામના
મુખી જુઠા પટેલ ફેફરે કહ્યું કે શું દાજીબાપુ વછેરી દેવા આવ્યા?.ગમે તેમ તોય દાજી બાપુ એ ગામના ગરાસિયા દરબાર હતા તે આવું વેણ જાવા ન
જ દે એટલે એણે પટેલને કહ્યું કે હા પટેલ હવે વછેરી તમારી જ માનો,બધો ડાયરો કહે અરે દાજીબાપુ વરસાદ ન લાવ્યા આમ નકરા આવ્યા,આથી દાજીબાપુને થોડું એમ તો જરૂર લાગ્યું કે માળું વરસાદ નથી પણ ગામ
ધણીનો દીકરો છું તો એટલો વિશ્વાસ છે કે ભગવાન જરૂર સારા વાના કરશે. દાજીબાપુએ તો ઘોડીને છુટી મેલી દીધી અને ડાયરામાં માંડ્યા ગલતાન કરવા.
રામ જાણે ભગવાન દાજીબાપુનો ભાવ સમજ્યાં કે આ ગામ ધણીની વાત સ્વીકારવા
જેવી છે તો ઘડીકવારમાં કાળા ડીબાંગ વાદળાઓ ઘેરાવા માંડ્યા અને બારેમેઘ ખાંગા થઇ
વરસવા માંડ્યા અને વીજળી માંડી સબાકા દેવા અને ધરતી જળબંબાકાર થઇ ગઈ અને હેતભર્યા
માનવીઓ મહેમાનને મળવા દોડે એમ નદી નાળા મહાસાગરને મળવા માંડ્યા દોડવા અને કડડડ
કટકા થઈને વીજળી ડુંગરાઓને હલાવવા માંડી અને વરસાદ તો મોટા મોટા ફોરે ઠમ ઠમ ઠમ કરતો વધુને વધુ પડવા
માંડ્યો.
આવો જોરદાર મેઘો મંડાણો હતો એવામાં એક જુવાન દોડતો દોડતો આવ્યો અને
કહે બાપુ ઉપરવાસમાં વરસાદે જમીનો ખોદી નાંખી છે અને મચ્છુ નદી મહાનદી ને માટલિયો
વોકળો એ બે કાંઠે ભરપૂર જાય છે અને કદાચ આ પાણી પળવારમાં આપણા ગામમાં પણ પહોચે એમ
છે.
હજુ તો આ જુવાન વાત કરે છે ત્યાં તો પાણી ફરી વળ્યા અને ગામને બાનમાં
લઇ લીધુ,ઢોલી તરત જ ગળામાં ઢોલ નાંખી બુંગિયો
વગાડવા માંડ્યો અને ચારેય બાજુ રીડિયારમણ
થઇ ગઈ કોઈક બુઢાઓને બહાર કાઢે છે કોઈક ઢોરને છોડે છે,કોઈક પટારામાંથી માલ મિલ્કત કાઢે છે તો કોઈક ઉચાણવાળી જગ્યા શોધે છે
અને ઢોલી તો ધ્રીજાંગ ધ્રીજાંગ ઢોલની દાંડી ટીપ્યે જાય છે,આજુબાજુના ગામવાળા બચાવવા આવ્યા પણ કોઈની કારી ફાવે તેમ નથી અને કોઈ
માઇના લાલની પાણીમાં પડવાની હિમત હાલતી નથી,થોડીવારમાં તો
ચીભડાના વેલા તણાય એમ માણસો તણાવા માંડ્યા પણ કાચબા જેવા માથા ઉપર દેખાય છે
ચારેબાજુ પાણી ફરી વળ્યું છે,બુંગિયો વાગે છે કોઈને કોઈ બચાવી શકે
તેમ નથી એવે સમયે દરબારની ડેલીને પણ પાણીએ ઘેરી લીધી,ને ડેલીએ ઉભેલા સાત જણા હવે વિચારે છે કે હવે આપણે જીવીએ તોય સાથે
અને મરીએ તોય સાથે એમ જ કરીએ અને ડેલી બાર જેવો પગ મૂક્યો ત્યાં તો ચારેકોર પાણી
પાણી દેખાય છે પણ ડૂબતો માણસ તરણું પકડે એમ આ લોકોએ સાતેય જણાએ ખેડૂતે ઊંચા ઢોરાં
પર કરેલી ગંજી ઉપર ચડી જવા નક્કી કર્યું અને સાતેય જના પોતે બચી જશે એમ માની એ
ગંજી ઉપર ચડી ગયા પણ થોડીવારમાં પાણી ત્યાં પણ ફરી વળ્યું અને ગંજીને હોડીની જેમ
ઉપાડી લીધી તેમ છતાં સાતેય જણા હાથમાં અંકોડા ભરાવીને બેઠા છે પણ એ કેટલીક ઝીક
જાલી શકે આવે સમયે દાજીબાપુને પોતાની વીજળી નામની ઘોડી યાદ આવી અને દાજીબાપુએ
ઘોડીને જેવો સાદ દીધો કે તરત જ સામે વીજળીએ હાવળ દીધી પણ દાજીબાપુ વિચારે છે કે આ
પાણીમાં વીજળી બિચારી શું કરે પણ પશુને પોતાના પ્રાણ કરતા પોતાના માલિકનો પ્રાણ
વધુ વ્હાલો હોય છે,આથી વીજળીએ ધબાંગ કરતો પાણીમાં કુદકો
માર્યો પણ માથાથી ઉપરવટ પાણી ચાલ્યું જાય છે અને તેમાં વીજળી તરતી તરતી આગળ ચાલી આ
સાતેય જણા પાસે આવી પહોંચી,તે તરત જ એક જુવાને ઠેકડો મારીને વીજળી
ઉપર સવાર થઇ ગયો અને વીજળી તેને પાણી બહાર મૂકી આવી પણ વીજળીને ખબર છે કે હજુ મારો
માલિક પાણીમાં જ છે,આથી વીજળી પાછી પાણીમાં પડી અને બીજા
માણસને પણ માથે બેસાડી બહાર લઇ આવી,આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ જણાને
બહાર કાઢી આવી પણ આ છ માં વીજળીનો માલિક તો ન આવ્યો તો પાછી આ સમજદાર વીજળી
પાણીમાં પડી અને ડૂબકા મારતી જાય છે અને ધણીને ગોતતી જાય છે.અને આખરે દાજીબાપુને પણ ઘોડીએ પીઠ ઉપર સવાર કરી કાંઠે લાવવા કોશિશ
કરી ,પરંતુ બન્યું એવું કે વીજળીથી છુટી પડી
ગયેલી વછેરીએ જયારે પોતાની માને અને એના માલિકને ત્યાં જોયા એટલે એ વછેરી પણ
પાણીમાં ખાબકી ત્યારે વીજળી ફરી પાછી પાણીમાં પડીને પોતાની વછેરીને બચાવવા જાય છે
અને પળવારમાં વછેરી પાસે પહોચીને વછેરીના બેય આગલા પગ પોતાની પીઠ ઉપર ચડાવ્યા અને
કાંઠા ઉપર કુદકો લગાવતા વીજળી અને ત્રણેય જણા પાછા ભટકાણા પણ તેમ છતાં દાજી ઘોડીથી
જુદા પડતા નથી અને ફરીવાર વીજળીએ છલાંગ મારી પણ એ ઉપર પહોંચી ગઈ પણ પોચી પડેલી
ભેખડ પડતા વીજળી અને દાજી બેય એમાં દબાય ગયા.આમ એક મૂંગા પ્રાણીએ છ જણાને બચાવ્યા પણ પોતાના માલિક અને વછેરીને
બચાવવા જતા પોતાનો પ્રાણ આપી દીધો.આજે પણ જોગ ડુંગરી અને અદેપર વચ્ચે આ
વીજળીનો ઘોડાચગો મોજુદ છે,આ હોનારત પછી બીજી ટેકરી માથે અજમેરને
નામે ગામ વસ્યું આ પાણીદાર ઘોડાના વંશવેલા પણ પાણીદાર જ નીવડ્યા એમ આ વીજળીની
વછેરી પાણીદાર થઇ અને એ વછેરી માટે જ અજમેર
ગામ ભાંગ્યું,ધીંગાણું થયું.આજે દાજીબાપુ નથી વીજળી પણ નથી પણ ટેકરી ઉપર ગઢ મોજુદ છે અને લોકજીભે
આ દુહો ગવાતો રહ્યો છે કે
ઉંચો ગઢ અજમેર નીચે મચ્છુના નીર
ઉપર માટેલિયો હડહડે
પડખે બાલાજી પીર.
કથા બીજ સૌજન્ય –કાશીરામ
વ્યાસ, રાજકોટ
Comments
Post a Comment