સમર્થ ભક્ત દાદા ખાચર


                          સમર્થ ભક્ત દાદા ખાચર
વૈરાગ્ય અને ભક્તિનો તથા ત્યાગ વૃતિનો આધારસ્તંભ ગણાય એવા દાદા ખાચરની  વાત કરવી છે. જેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વના ભક્તોમાં સદાય ગુજતું નામ છે.
જે કાઠી દરબારો ભાતીગળ અને સાંસ્કૃતિક અને બેનમૂન ઈતિહાસ ધરાવે છે અને વટ,વચન,મર્યાદા અને અર્થસભર બોલી અને મહેમાનગતિ અને રસોઈ કળા માટે જગ વિખ્યાત થયા છે એવા ઈતિહાસ પ્રસિદ્ધ કાઠી દરબારના કુળમાં  દાદા ખાચર સંવત ૧૮૫૭ પોષ વદ ૬ના રોજ જન્મ્યા હતા. દાદા ખાચર એ ગઢડાના એભલ ખાચરના દીકરા હતા. દાદા ખાચરનું બીજું  નામ ઉન્ન્ડ કે ઉતમ ખાચર પણ કહેવાયું છે અને એમનું બાળપણ જ ભગવાન સ્વામિનારાયણની નજર સામે જ અને ખોળામાં વીત્યું હતું અને ભગવાને જ તેમને વઢવાણના હરિ ભક્ત બેચરભાઈ વિપ્રને રાખી ભણાવ્યા હતા અને રાજરીત અને વહીવટ શીખવ્યો હતો.
દાદા ખાચર એટલે પૂર્ણપણે ત્યાગી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં રહીને જ જીવનારા માણસ, એમના ચાર બહેનો પણ એવા પવિત્ર હતા,જેમાં જીવુબા ઉર્ફે મોટીબા અને લાડુબાને તો સ્ત્રીઓના ગુરુપદે સ્થાપ્યા હતા અને સાંખ્યયોગી ને કર્મયોગી સ્ત્રીઓમાં ગુરુભાવથી જોવાતા હતા અને તે ધ્યાન કરી શકતા અને બીજાને પણ ધ્યાન શીખવતા હતા. કાઠિયાણીઓ તો એવી હોય કે જે ક્યારેય પણ પોતાના બાપની આબરૂ જવા ન દે અને મહેમાનો વખતે કોઈને મોળપ પણ કળાવા ન દે અને દરેક કાઠિયાણીને કડવો ઘૂંટડો સહેલાયથી ગળતા આવડે એવા એમના બહેનોમાં જીવુબા અને લાડુબા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે કોતરાવી ધ્રુવ તારાની જેમ  આજે પણ ચમકી રહ્યા છે.
દાદા ખાચરનું બાળપણ ખૂબ જ વિસ્મયપૂર્વક વીત્યું હતું અને પોતે ખૂબ જ સરળ અને વિવેકી ભલભલા માણસ એમનો વિવેક જોઇને વિચારતો થઇ જાય કે ખરેખર એમણે પોતાના માતપિતાના સંસ્કારને ઉજાળી બતાવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન જયારે ગઢડામાં આવ્યા ત્યારે તેમણે પોતાનો વિશાળ દરબારગઢ અને ૨૦૦ વિઘા જમીન કૃષ્ણાર્પણ કરી દીધી હતી અને પોતે સમર્પિત બની ગયા.દાદા ખાચર અને સ્વામિનારાયણ ભગવાનને કેવી પ્રિતી હતી એ જોવા જઈએ એમ જ લાગે કે બન્ને એકબીજાના હૈયામાં સમય જાય એવી રીતે જીવ્યા હતા.દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્થાન સમયે કાળી રાત્રે પણ કઈ પણ વિચાર્યા વિના ઉઘાડા પગે દોડતા આવે અને પોતાના માથા પણ હોડમાં મૂકી દેતા ખચકાટ ન અનુભવે.
એજ રીતે સ્વામિનારાયણ ભગવાન પણ દાદા ખાચર માટે ઢાલ અને કવચ બનીને રહ્યા હતા,જયારે પણ દાદા ખાચર ઉપર કોઇપણ પ્રકારની વિપતિ આવવાની હોય જેમાં ભાવનગર રાજ્ય હોય કે આજુબાજુના ભાયાતો કે ગોવાળિયા દરબારોની પરેશાની હોય એ વખતે પણ પોતે એમની વિપતિ હટાવનાર હતા.શ્રી હરિએ ક્યારેક દાદા ખાચર માટે કસુંબલ વસ્ત્રો પહેરી પોતાના હાથમાં ઢાલ અને તલવાર પણ ધારણ કર્યા હતા અને કછોટો વાળી માથે સાફો બાંધી કેડે જમૈયો અને કટાર ભરાવી વાંહે બાણનું ભાથું ભરાવી લડવા નીકળ્યા પણ હતા એ એકબીજા પ્રત્યેનો આદરભાવ અને પ્રેમ બતાવે છે.
દાદા ખાચર સ્વામિનારાયણ ભગવાન સાથે અનેક વખતે સાથે  બહારગામ જતા અને એની બહુ મોટી અસર સામેના માણસ ઉપર પડતી હતી.
જયારે એભલ ખાચર પોતાના ચાર વર્ષના દીકરા દાદા ખાચરને લઈ મળેલા ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરનું એક જ નજરમાં સામુદ્રિક દર્શન કરીને પળવારમાં કહી દીધું કે આ દીકરો તમારું કુળ ઉજાળશે અને એનું નામ દેશ પરદેશમાં સત્સંગીઓમાં કાયમને માટે ગવાતું રહેશે અને એ મહાન ભક્ત થશે.આ પછી સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરનું પવિત્ર અને ત્યાગી જીવન જોઈ અને ગઢડાનો પ્રેમ જોઈ કહેલું કે ગઢપુર જેવું તીર્થ નહિ થાય અને દાદા ખાચર જેવા કોઈ ભક્ત નહિ થાય અને દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાને જ ગાદીએ બેસાડી આશીર્વાદ ઉચારેલા કે સૂર્ય ચંદ્ર તપશે ત્યાં લગી દાદા ખાચરનું રાજ્ય તપશે અને તે અમર બની જશે.
જયારે એભલ ખાચર પોતાના પુત્ર દાદા ખાચરને લઈ સ્વામિનારાયણ ભગવાનને મળેલા ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાને કહેલ કે બાપુ અમે પણ તમને અમારા જ માન્યા છે,તમારા પરિવારને અમે અમારો જ પરિવાર માન્યો છે.વિશેષમાં કહેલ કે તમારો દીકરો દાદો તે અમારો દીકરો છે અને તમારી દીકરીઓ તે અમારી દીકરીઓ છે અમે ત્યાં અખંડ રહેશું એવું અમે વરદાન આપીએ છીએ.
દાદા ખાચર અને સ્વામિનારાયણ ભગવાન વચ્ચેના બે ચાર પ્રસંગો અહી જોતા એમ લાગે કે આવો અનન્ય ભાવતો કોક ભાગ્યશાળી જ કેળવી શકે.
દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાન ઉપર કેવી અપાર ભક્તિ અને પ્રેમ હતો કે એક વખત સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને બોલાવતા તે બહાર દાઢી કરાવતા હતા તે અડધી દાઢી મૂકાવી ઉભા થઇ તરત જ સ્વામિનારાયણ ભગવાન સામે હાજર થયા હતા એ તેમનો અનન્ય ભાવ બતાવે છે. દાદા ખાચરને અડધી દાઢીએ જોઈ શ્રી હરિએ કહ્યુકે દાદા ખાચર તમે શું કરતા હતા તો કહે પ્રભુ હું દાઢી કરાવતો હતો પણ આપનો કોલ મળ્યો એટલે હું આ રીતે જ આવી ગયો ફરમાવો શું હુકમ છે ત્યારે શ્રી હરિ હસવા લાગ્યા કે આ મારો કેવો ભોળો અને જાન પણ આપી દે એવો ભક્ત છે એમ માની તેમની આંખ માંથી આંસુ સરી પડ્યા અને બોલ્યા કે પણ દાઢી તો પૂરી કરાવી લેવાય ને?ભલા માણસ.
સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતોમાં અવારનવાર દાદા ખાચરના દરબારનો ઉલ્લેખ આવે છે.આ વચનામૃતમાં શ્રી હરિના નામ પછી સર્વપ્રથમ નામ આવતું હોય અને સહુથી વધુ આવતું નામ તે છે દાદા ખાચર.
દાદા ખાચરના બીજા લગ્ન જયારે ભટ્ટવદર મુકામે નાગપાળ વરૂના દીકરી જ્સુબા સાથે થયા ત્યારે ખુદ સ્વામિનારાયણ ભગવાને જાનનો રથ ચલાવ્યો હતો.
સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા પછી દાદા ખાચર ખૂબ જ દુઃખી દુઃખી રહેતા હતા અને વારંવાર રડી પડે શૂન્યમસ્ક થઇ જતા ત્યારે બીજા સંતોએ દાદા ખાચરને હરિના ચરિત્રો સંભળાવ્યા ત્યારે મન થોડું ઉદાસી માંથી બહાર આવ્યું  અને શાંતિ થઇ.આખરે દાદા ખાચર શ્રી હરિના ચરિત્રો સાંભળતા જ બાવન વર્ષની ઉમરે સંવત ૧૯૦૯ પોષ સુદ ૯ ના દિવસે ભૌતિક દેહનો ત્યાગ કર્યો.દાદા ખાચર અને અન્ય કાઠી દરબારોના ત્યાગ અને સમર્પણના હિસાબે શરૂઆતમાં જ સ્વામિનારાયણ સંપ્રદાય સહેલાયથી ખૂબ જ ફૂલ્યો ફાલ્યો અને શરૂઆતની અડચણો અને મુશ્કેલી રોકનાર ઢાલ રૂપ કાઠી દરબારો રહ્યા હતા.
સંદર્ભ કાઠીઓ અને કાઠિયાવાડ - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર



Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર