વટનો કટકો જેઠો ખત્રી
વટનો કટકો જેઠો ખત્રી
એ જમાનાની તો શું તાસીર હતી કે કેવા કેવા રિવાજો અને રૂઢિઓ હતી એમાંય
જો રૂઢિ કે રિવાજમાં કઇ ફેરફાર દેખાય તો આવી જ બને. કાઠિયાવાડની દરેક નાતે એ રિવાજ અને રૂઢિ મુજબ જ રહેવાનું એવો વણલખ્યો
દસ્તાવેજ રહેતો.
પરંતુ એમાં કોઈ જાડા બળિયો કે બહાદુર જન્મે ને તે જો એનાથી ઉપરવટ
જઈને કઈક કરવા માંડે તો તેને અન્ય લોકો જરૂર પડકારે જ કે એલા એય આ તારો અધિકાર નથી
હો તારાથી આવા કપડાં ન પહેરાય ?તારાથી આ હથિયાર ન રખાય ?તારાથી આવી દાઢી ન રખાય ? વગેરે વગેરે.
આવો ફાટેલ જમાનો એમાં કોઇથી નીતિ નિયમો અને ટેક કે રૂઢિથી આગળ ચાલવું
એટલે મોતને જ નિમંત્રણ આપવા બરાબર ગણાતું હતું,છતાં અહીના પાણીકઢા,બળકઢા માણસોએ બધું એકબાજુ મૂકીને જરૂર પોતાનો રંગ,રસ,પ્રેમ અને કૌવત
બતાવવા બલિદાનો દેતા જરાય ખચકાયા નહોતાને જાણે કે તેણે એ રૂઢિ અને ઈજારાને તોડવાનો
પ્રયત્ન કરતા હતા.
અહી આવી જ એક રૂઢિ કે પરંપરાનો તોડનાર બ્રહ્મ ક્ષત્રિય આશરા ઓડક જેઠા
ભાભાની વાત કરવી છે.જેઠા ભાભા એટલે
પડછંદ આદમીને રૂની સફેદ પૂણી જેવી મૂછો ફરતી રાખે.તમામ વાતના શોખીન ને પોતે બ્રહ્મ ક્ષત્રિય હોવાથી તલવાર પણ બાંધતા તે
એ પંથકના ગરાસિયાઓએ મહેણું માર્યું કે આ ખત્રી વળી શું તલવાર બાંધી જાણતો હશે અને
જેઠા ભાભાની તલવાર બાંધવાના આ શોખને કાલાવાડ આસપાસના તમામ ગામોમાં ખબર પડતા ઘણા કાળા થઇ જાય કે આ માળો ખત્રી તે
વળી શું વટ મારે છે. કોઈ દિવસ
લડવાનું આવે તો ખબર પડે કે તલવાર કેમ બાંધી જણાય છે,તે દી તો ખત્રીની તલવાર દાતરડી જ બની જવાની છે,આવી ટીકા ચોરે ગલીએ થાય છે. એવામાં એક દિવસ જેઠા ભાભા પોતાની દીકરીને તેડવા જતા હતા અને કેટલાક
યુવાનોએ તેને જોતા વળી પાછુ મેણું માર્યું કે એલા તું વળી કયો શૂરવીર છો કે લડવૈયો
છો તે આવા ઠાલા મફતનો રોફ જમાવી ફરે છે,જેઠા ભાભા કહે ના ના ભાઈઓ એવું ન હોય ભાઈ “ બાંધે તેની તલવાર નહિ પણ મારે એની તલવાર હોય ”
આટલું સાંભળતા તો ગરાસિયા યુવાનો લાલઘુમ થઇ ગયા કે એલા આ તો પાછો
ઠાલા મફતનો આપણને ઈતિહાસ શીખવે છે.આથી યુવાનો કહે જેઠા ભાભા આવી જાવ લડવા કોણ રંગ બતાડે છે ને કોણ
તલવાર બાંધી જાણે એ પરીક્ષા કરી લઈએ.
જેઠા ભાભા કહે તમારી વાત સાવ સાચી પરીક્ષા તો મારે દેવી જ છે પણ હું
આ દીકરીને તેડી આવું પછી પાછા આવીને આપણે હોડ
માંડીએ ગરાસિયા યુવાનો કહે વાંધો નહિ જો જો હો ફસકી ન જાતા અરે જેઠા ભાભા કહે હું
બ્રહ્મક્ષત્રિય છુ મારી બહાદુરીમાં વિશ્વાસ રાખજો હું પાછો આવીશ જ.
જેઠા ભાભા દીકરીને તેડીને પાછા વળ્યા ને હરિપર આવ્યા ત્યાંની ધાર
પરથી દીકરીને કહ્યું જો બેટા કાલાવાડ સામું દેખાય છે તું ચાલી જા હું હમણાં અહીના
આ જુવાનડાઓને આપેલા વચનને પાળી બતાવી ને મારી તલવારનો રંગ બતાવીને પાછો આવું જ છું.
આથી બિચારી દીકરી કહે ઠીક બાપુ વેળાસર પાછા આવતા રહેજો હો જાવ તમને
માત્રીમાની ખમ્મા ખમ્મા. જેઠા ભાભાની રાહ
જોઇને ૧૨ ગરાસિયા યુવાનો ઉભા જ હતા કે આપણે આજ તો મર્દાનગીની પરીક્ષા કરી જ લેવી
છે બેય જણા કાલાવાડ અને હરિપરની વચ્ચે ભેગા થઇ ગયા કે હાલો ભરી પી લઈએ.
જેઠા ભાભા કહે તમે ૧૨ ને હું એકલો એના કરતા એમ કરો આપણે એક એક જણા
લડી બતાવીએ,રાજપૂતો એમ કઇ
દગો કરે એવા નહોતા એ કહે બરાબર છે એમાં કઇ વાંધો નહિ હાલો એમ કરી એ.એક ગરાસિયા જુવાનને મેદાનમાં જેઠા ભાભા સામે ઉતાર્યો અને મંડી તલવારો
ખંડીગ ખંડીગ ટકરાવાને એક મરાયો,બે મરાયા ત્રણ ચાર એમ કરતા કરતા પાંચ યુવાનોને જેઠા ભાભાએ તલવાર દાવમાં કાપી નાખ્યાં
અને બોલ્યા કે જોયું ને હવે બાંધે તેની તલવાર નહિ મારે તેની તલવાર હોય.
આથી બાકી બચેલા પાંચેય જણા હવે મુંજાયા કે આતો જેઠો ભાભો તો નીકળ્યો
પ્રખ્યાત લડવૈયાને આંટી મારી દે એવો તો
હવે એના કરતા આપણે આ રીતે એક એકની સાથે લડવામાં નહિ ફાવીએ એમ માની તે પાંચેય એ એક
સાથે જેઠા ભાભા માથે ધસી ગયાને જેઠો ભાભો ઘડીક તો મંડ્યો તલવાર સમળવાને પોતાના પર એક ઘા પણ પડવા દેતો નથી અને વળી બીજા
બે જણા ને જેઠા ભાભાની તલવારે કાપી નાખ્યાં ને આખરે થાકીને લોથપોથ થઈને જેઠા ભાભા
પણ બાકીના સાથે લડતા લડતા કામ આવી ગયાને છેલ્લા શબ્દે પણ બોલતા ગયા કે “કયો જોઈ કે બાંધે તેની તલવાર નહિ મારે તેની તલવાર કહેવાય”
આજે પણ કાલાવાડને હરિપર વચ્ચે એ શૂરવીર જેઠા ભાભાની
ખાંભી એક ઓટા ઉપર ઉભી છે અને તેને આશરા ઓડકના બ્રહ્મક્ષત્રિયો શુરાપુરા તરીકે પૂજે
છે.
જેઠા ભાભા પર રબારી ભરવાડ અને પશુપાલક કોમોને પણ એવી જબરી શ્રદ્ધા છે
કે તે પોતાના કેટલાક કામ માટે જેઠા ભાભાની માનતા માને છે એ માનતા પાછી કેવી એ જાણી
નવાઈ લાગે કે ઢોર ચારતા હોય ને ક્યાંક આઘા પાછા જાય કે સુઈ જાય તો કહેતા જાય કે જો
ઢોર કોઈના ખેતરમાં જેઠા ભાભા જવા દેતા નહિ અને આવ્યે જોવે કે ઢોર ક્યાંય કોઈના
ખેતરમાં નુકશાન કર્યું નથી એટલે તરત જ જેઠા ભાભાની ખાંભીએ નાળિયેર વધેરે એવી તો
એમને જબરી શ્રદ્ધા છે.
Comments
Post a Comment