પંચાળનો વીરલો
પંચાળનો વીરલો
પંચાળની કંકુવરણી
ભોમકામાં ભાડલા ગામે ઇ.સ.૧૮૨૦માં વસ્તા શેઠ અને લાડકીબાઈ નામના જૈનને ત્યાં એક
બાળક જન્મ્યું,એ બાળક એવું તેજસ્વી લાગે છે કે પોતાના અવતારને હીરાની જેમ ઉજાળવા જ
જન્મ્યુ છે,જેનું નામ પાડવામાં આવ્યું વીરજી.
વીરજી જેમ જેમ મોટો થવા લાગ્યો એમ લોકોની ધારણા
સાચી પડવા લાગી અને તેમનામાં અપાર દયા,દાન અને પરોપકારની વૃતિ ભારોભાર જોવા મળતી
હતી,તે કોઇપણ સાધુ ફકીર,અંધ કે અભ્યાગત જોવે કે તરત તેની પાસે જઈ એના ખબર અંતર
પૂછે,પાણી પાઇ,જમાડે વગેરે સેવા કરે.અરે બીજા છોકરાઓ કેવી કેવી અલ્લડ રમતો રમે પણ
વીરજી તો આ બધાથી દુર જ રહે અને બસ એને એક જ વિચાર આવે કે હું કેમ લોકોની સેવા કરી
શકું,બસ એને તો કોઈ દુખિયા,માંદા કે વૃદ્ધની સેવામાં જ રસ પડે છે એવું જે કઈ જોવે
એટલે વીરજી ત્યાં તરત પહોચી જ જાય,ત્યારે બીજા તેના જેવડા છોકરાઓ તેને ખીજવે કે
જોવો મોટો ભગતડો કેવો છે પણ તેના મન ઉપર એ મશ્કરીની લકીરેય અસર થતી નહોતી.
વીરજીને ચાર બહેનો
અને એક નાનો ભાઈ હતો,જેમના પિતા ચોટીલાના દરબાર ભોજબાપુ અને દાનાબાપુના કામદાર હતા
પણ તે જમાનાના પગારમાં સાત જણાના કુટુંબનું ગુજરાન ચલાવવાનું પણ છતાં વાણિયો દિલનો
ઉદાર તે કંઈપણ ખોટું કર્યા વગર સંસારનું ગાડું ગબડાવ્યે જતો હતો.આથી માબાપને મદદ
કરવા વીરજી પણ નાના મોટા કામો કરે ફેરી કરી એ પાંચ પૈસા રળે એમાંથી પણ અભ્યાગતોને
એકાદ ટુકડો આપવાનો એવો તો પાછો એમનો ઉદાર જીવ હતો.
વીરજી ને નિશાળે
બેસાડેલ પણ માંડ તેણે લખતા વાચતા શીખ્યું હશે ત્યાં તો તેને કામ માટે નિશાળ છોડી
દેવી પડી પણ ત્યારે બીજાને ક્યાં કોઈને ખબર હતી કે આ તો સંસારી જીવ જ નથી સેવાનો જ
અવતાર ગાળવા આવ્યો છે.પણ એવામાં ૧૭ વર્ષની વીરજીની ઉમરે તેના પિતાનું અવસાન થયું
અને એ પછી પાછા થોડા સમયમાં માતાનું પણ અવસાન થયું,આથી વીરજીની જવાબદારી અનેક ગણી
વધી ગઈ,બે બહેનોને પરણાવી એ બધું કામ ખાલી ખિસ્સે કરવાનું એ કેટલું બધું અઘરું
હતું પણ એ કદી હિમત હારતો નહિ.હવે બે બહેન અને એક ભાઈ તેમની જવાબદારીમાં રહ્યા પણ
તેમ છતાં એ કોઇપણ કામ કરી આવે અને બે પૈસા કમાય ને એ ઉપરાંત એમાંથી પણ કરકસર કરી પૈસા
બચાવી તેમાંથી ગરીબોને માંદા ઢોર અને કૂતરાઓની
સેવામાં વાપરે.પછી તો વીરજીભગત તરીકે ઓળખાવા લાગ્યા અને સૌ કોઈ એને રામરામ જે શ્રી
કૃષ્ણ કહેતા ને આમને આમ સાદગીમાં જીવન વીતતું હતું.વીરજી ભગત ક્યારેક ઠાકર થાળી
કરે રામ ગુણગાન ગાય અને આનંદ કરે,પણ ત્યાં વળી તેમને માથે એક ઉપાધિ આવી પડી કે
તેમના બહેન ફૂલબાઈ બાળવયે વિધવા થયા.તે એ પાછા પોતાના માવતર આવ્યા તે થોડી ઉપાધિ
વધી. પણ જરાય હિમત નો હાર્યા કે આ તો ભગવાન બધી કસોટી કરે છે.ઉલટાની સેવાકીય
પ્રવૃત્તિ વધુ કરવા લાગ્યા અને લોકોને પણ વીરજી ભગતની નિખાલસ અને નિર્લોભ,નિસ્પૃહી
વૃત્તિ જોઈ મદદ કરવા માંડ્યા કે આ તો સેવાનો જીવ છે,આપણે તો સેવા ન કરી શકીએ તો
આપણે એને મદદ કરી માનવ અવતારને દીપાવવો જોઈએ.એ રીતે વીરજી ભગતની સેવાકીય
પ્રવૃત્તિને વેગ મળી રહ્યો હતો,પછી તો કેટલાક કોળી ખેડૂતોએ તેમને માણું માપું જ
બધી આપ્યું એ જ રીતે વેપારીઓએ ધર્માદા ખરડો કરી ભગત ને આપવા લાગ્યા.
એવામાં એક દિવસ વીરજી
ભગત રાણીમાં રૂડીમાં પાસે સત્સંગમાં ગયા તો રાણીમાં રુડીમાં કહે વીરજી ભગત તમે તો
સક્ષમ છો તો ભૂખ્યાને રોટલા દેવાનું ચાલુ કરો ને,ચોટીલા તો મોકાનું ગામ છે ત્યાં અમદાવાદ
જતા આવતા મુસાફરો અને યાત્રાળુઓ રોકાય છે તો સદાવ્રત ચાલુ કરો ?વીરજી ભગત કહે અરે
માં મારા ભાઈ બહેનો અને થોડાક દુઃખિયાનું હું માંડ માંડ પૂરું કરું છે તે ત્યાં
આટલું બધું તો કેમ થાય.રાણીમાં કહે અરે ભગત આ દુનિયા હજુ સારા કામને ટેકો દેનાર
અને મદદ કરનાર મળી જ રહે છે,માણસની માણસાઇ સાવ મરી પરવારી નથી હો.
આથી વીરજી ભગતને પણ
થયું કે વાતતો સાચી છે આપણે સદાવ્રત શરુ જ કરવાનું અને પછી એને પૂરું કરવાની
જવાબદારી તો ઈશ્વરની ગણાય.તો ચાલ ચોટીલામાં સાધુ સંતો અને મુંડિયા અને અભ્યાગતો
અને દુખિયારા માટે સદાવ્રત શરુ કરુ.
આથી વીરજી ભગતે
સદાવ્રત શરુ કર્યું અને જમાવટ થઇ ગઈ લોકો અને યાત્રાળુ તેમના ગુણગાન ગાતા થઇ
ગયા,ચોટીલાના ખાચર દરબારો પણ ખુશ થઇ એ પણ જગ્યાને મદદ કરતા હતા.એ સમયે ચોટીલામાં પાણીની
તંગી હતી તે જાણે કે ખુદ ઈશ્વરે જ જગ્યામાં આવી એક પાણીકળો મોકલ્યો તેણે એક જગ્યા
બતાવી ત્યાં કુવો ગાળતા ટોપરાના પાણી જેવું મીઠું પાણી થયું,જે કુવો પછી ભગતના
કુવા તરીકે ઓળખાયો.
આ પછી તો વીરજી ભગતની
કીર્તિ પુરા કાઠિયાવાડમાં પહોચી વળી તે ચોટીલાના દરબારગઢમાં વાઘા ખાચરના વિધવા
રાણી અને ભોજ ખાચરના માતુશ્રી મંદેબાઈએ જમીન અને ધાધલ નાગભાઈના ફૂઈબા અમુલાબા કે જે પંચાળના
મહાસતી ગણાતા તેમણે રોકડ રકમ આપતા ત્યાં ધર્મશાળા પણ બંધાય અને થોડા સમયમાં
ઇ.સ.૧૮૬૯માં રામ મંદિર પણ બંધાયુ.પછી તો રોજે રોજ જગ્યામાં હડેડાટ માણસો આવે ને
જાય અને પેટની આંતરડી ઠારતા જતા હતા. રોજ વીરજી ભગત કહે હાલો હાલો મારા બાપલિયા
સહુ જમીને અમીનો ઓડકાર ખાવ બસ એજ મારા જીવનનો ઉદેશ રહ્યો છે.પછી તો વીરજી ભગતે
જરૂરિયાત વાળાને લોટ,દાળ,સાકર,મસાલો અને ગોળનું પાકું સીધું પણ આપવાનું શરુ કર્યું
ને ક્યારેય તેમાં ઓટ આવતી નહોતી.એ વાતું આખા કાઠિયાવાડમાં પવન વેગે પહોચી ગઈ કે
ચોટીલા જેવું સદાવ્રત ન થાય.આથી જગ્યાની કીર્તિ રાત દિવસ વધવા લાગી અને જગ્યાની
ગાયોના ગુજરાન માટે જમીનો પણ દાનમાં આવવા લાગી હતી.આ બધી સેવા અને જવાબદારી વીરજી
ભગત એકલા સંભાળે અને પોતે આજીવન બ્રહ્મચારી જ રહ્યા અને ભક્તિ કરી પંચાળને ગૌરવ
અપાવ્યું.અરે સવંત ૧૯૩૪ના દુષ્કાળમાં પણ જગ્યાએ કોઈને જમ્યા વિના રહેવા ન દીધા ભલે
જગ્યા ઉપર કરજ થયું પણ તેમને મનમાં પૂરો વિશ્વાસ હતો કે કરજ તો ભગવાન જ ભરી દેશે
અને એમ બન્યું પણ ખરું એક દિવસ લીંબડીના ઠાકોર સાહેબ જસવંતસિંહજી રાજકોટથી લીંબડી
જતા ચોટીલા જગ્યા માં આવ્યા અને તેમણે વીરજી ભગતની સેવાની વાતો નજરે જોઈ અને જાણી
તે તેમણે જગ્યાનું બધું લેણું ભરી આપ્યું.વીરજી ભગતના પરચાની અને સાદગી ભર્યા જીવનની
અનેક વાતો પંચાળમાં સંભળાય છે.સવંત ૧૯૪૩ ચૈત્ર વદ ૫ ને ગુરવારે (ઇ.સ.૧૮૮૭) વીરજી
ભગત દેવ થયા,એ પછી તેમના ભાણેજ જેઠા ભગતે એજ પરપરા જાળવી રાખી.આજે જગ્યા વ્યવસાયે
ડોકટર એવા હરિપ્રસાદજી સંભાળી રહ્યા છે.
Comments
Post a Comment