એક વેણ ના હિસાબે દોસ્ત વેર લઇ આવ્યો.
એક વેણ ના હિસાબે દોસ્ત વેર લઇ આવ્યો.
આ જગતની શરૂઆતથી જ
માનવોમાં ભાઈબંધી થતી આવી છે અને જેણે નિભાવી જાણી છે એ જાણનારાના નામો ઇતિહાસમાં
ઝગમગતા રહ્યા છે,ભાઈબંધ કેવા હોય કે જે કાળી રાતે પણ દોડી આવે ને જરૂર પડ્યે
પોતાનું માથું પણ હોડમાં મૂકી દે,આવા અનેક મિત્રો કાઠિયાવાડની આ બળુકી ભૂમિમાં થયા
છે.
આજે અહીં બે
ભાઈબંધોની વાત કરવી છે એક ભાઈબંધ છે કાઠી અને આહીર અને બીજો ભાઈબંધ છે કાઠી અને
મુસલમાન.
આ વાત છે પ્રખ્યાત
જતીપુરુષ જોગીદાસ ખુમાણના કાકા સુરા ખુમાણની.ખુમાણો અને ભાવનગર રાજ્યને તો કેટલાય સમયથી
ગામ ગરાસ માટે સામાસામી ઝાકાઝીક બોલે છે પણ ખુમાણો મચક દેતા નથી એવામાં એક સમયે
સુરા ખુમાણે મહુવાનો ફેરો કર્યો ને વળતા પોતાના ગરાસના ગામ મિતિયાળા આવે છે,બરાબર
એવા સમયે જ આ ખુમાણોને ઝેર કરવા નીકળેલો
ડોળીયાનો સંધી જમાદાર જુસબ ફોજ લઈને નીકળેલો ને તેણે જોયું કે સુરા ખુમાણ આ સમયે
ફેરો લઈને જઈ રહ્યા છે તો આવી રૂડી તક પછી ક્યારેય પાછી નહિ આવે ને તરત જ ભાવનગર
રાજના ઇનામ ને પાત્ર ઠરીશ એમ માનીને આ સંધી બેટડાએ તો તરત જ લુસડી ગામ નજીક જ ઓડા
બાંધ્યા.
આ જુસબ સંધી એવો
તો પાકો નિશાનબાજ હતો કે તેનો હાથ જમરાજની અનિચ્છા હોય તો જ ખાલી જાય,તે જુસબની
ગોળી સનન કરતી છૂટીને સીધે સીધી સુરા ખુમાણની છાતી સોસરવી ઉતરી ગઈ.સુરા ખુમાણ ઘોડા
ઉપરથી પડી જતા તેને અન્ય કાઠી સવારોએ તરત જ લઇ લીધા ને લુસડી ગામમાં આહીરો પાસે
લાવ્યા પણ ત્યાં તો સુરા ખુમાણે પ્રાણ છોડી દીધા હતા,હવે શું કરવું વધુ રોકાઈ એ તો ભાવનગરની ફોજ ગામમાં આવીને
બધાને પકડી લે અને આ મરનારના મોતનો મલાજો પણ કદાચ ન જળવાય તો હવે શું કરવું.
આવા સંકટના સમયે
લુસડીના ખાનદાન આહીરો આ બધું સમજી ગયા કે કાઠી દરબારો અમે તમારી આ સ્થિતિ સમજી
શકીએ છીએ અને અમારામાં પણ ખાનદાની અને દોસ્તી ને રખાવટના સંબંધો ભરપૂર ધરબાયેલા જ
છે હો.તમે મુંજાવમાં તમે તમ તમારે ભાગવું હોય તો ભાગી જાવ,જ્યાં સુધી લુસડી ગામનો
એકેએક આહીર બચ્ચો કામ નહિ આવે ત્યાં સુધી આપા સુરાના દેહને ભાવનગર તો શું પણ
સાક્ષાત યમરાજ આવશે તો પણ નહિ લેવા દઈએ. અરે એટલું જ નહિ બધાની હાજરીમાં જગજાહેર સુરા
ખુમાણનો રૂડી રીતથી કાઠી રીતભાતનો ડેલો
કરીને એનો અગ્નિદાહ અમે કરશું.કાઠી ડાયરો કહે અમે સાવ આમને આમ અમારા મોભીને મુકીને
જતા તો નહિ રહીએ એવા તો કાયર નથી જ પણ કૈક
આડા અવળા ને છુપા તો જરૂર રહેશું.
હવે કાઠી ડાયરાનો
શ્વાસ હેઠો બેઠો કે ના ના મોતનો મલાજો તો આ આહીરો પાળશે જ તો હવે છડેચોક પકડાય
જવામાં માલ નથી,આથી એ બધા આડા અવળા પળવારમાં થઇ ગયા.
બીજી
બાજુ રોફ છાંટતો જુસબ જમાદાર લુસડીમાં આવીને માંડ્યો પટ્ટા પછાડવા કે તમે શું સમજો
છો આ રાજના ગુનેગારને કેમ તમે આશ્રય આપ્યો,આવું,કરાય જ નહિ ઠીક ભલે હવે જે કર્યું
તે ભાવનગર રાજ્યનો હુકમ છે કે તેનું માથું વાઢી લાવવું તો સુરા ખુમાણનું માથું અમે વાઢી લઈએ છીએ ને તેને ભલાની અણીએ ભરાવી ને અમે ભાવનગર
લઇ જશું.
આટલું
સંભાળતા તો આહિર ડાયરો લાલચોળ ધગેલ તાંબા જેવો થઇ ગયો કે નાં એમ તો કદી જ નહિ
બને.ભાવનગર રાજને શું આ જીવ વગરના દેહ સાથે વેર છે,અમે એનું માથું તો નહિ જ લઈ જવા
દઈએ.
આથી
ચપળ જુસબ પણ સમજી ગયો કે કે આ આહિરો ખાનદાની ને રખાવટ અને મિત્રતા માટે મરી જ પડશે
એના કરતા પાછા વળી જવામાં જ માલ છે.આથી એ વિલે મોઢે પાછો વળ્યો.પછી તો લુસડીમાં જ
સુરા ખુમાણના રૂડી રાજ રીતથી અગ્નિ સંસ્કાર થયા અને તેમની લોકિક ક્રિયા મિતિયાળા જ મંડાણી.
સુરા
ખુમાણનું નામ મોટુંને વહેવાર પણ મોટો તો રોજ અસંખ્ય માણસો કાણે આવે છે એમ એક દિવસ
મોટે મોટે થી ઓહ ઓહ કરતો પડછંદ કાયાનો માટી ચાલ્યો આવે છે અને બધા છાના રહી રહી
ગયા પણ આ માણસ છાનો રહેતો નથી એવી બધી ભાઈબંધી તેને આ સમયે જીવને અકળાવે છે કે મારા સુરા
બાપુ હવે મને ક્યારેય નહિ જ મળે.
આથી
કોઈ ટીખળી ડાયરામાંથી બોલ્યું કે એલા જો તને ખરેખર સુરા બાપુ આટલા વ્હાલા હોય તો
તું એમ કેમ કહેતો નથી કે લાવો તલવાર હું જુસબ જમાદારનું માથું વાઢી આવું ?
એક
તો મિત્ર ગયાનું જબરું દુઃખ અને સામે વળી આવો કડક ને મશ્કરી
ઉડાડતો મહર સાંભળવા મળતા તરત જ આ ગોરી જમાદાર હડફ દઈને બેઠો થઇ ગયો ને બોલ્યો કે
હવે તો અહી રોકાય એ બીજો,એનું માથું ફરી ગયું અને ચકરી ચડી ગઈ ને તરત જ ઘોડી એ
ચડીને નીકળી ગયો ને પળવારમાં જુસબના સગડ દબાવી ને ડોળીયા માંથી તેના વાવડ મેળવી
લીધા.
સવારના
સમયે જેવો જુસબ બહાર જવા નીકળ્યો કે તરત જ આડા ઉતરીને ગોરી જમાદારે જુસબનું માથું તલવારના એક જ
જાટકે અલગ કરી નાખ્યું ને એને ભેગું લીધું કે હવે તો કાઠી દરબારોને મારી દોસ્તી ને
દુઃખનું પ્રમાણ દેખાડયે જ રહીશ.
આ
ગોરી જમાદાર તરત જ મિતિયાળા આવ્યો ત્યારે બરાબર લાગ જોઈ સુરા ખુમાણનું કારજ હોવાથી
ચારેય પરજના કાઠી દરબારો હાજર હતા અને એમાં બરાબર એવે સમયે ડાયરો વાતોના હિલોળા લે
છે ને કાવા કસુંબા થાય છે.ત્યારે વચ્ચે માંડવા આવીને જેમ દડો ઉલાળે એમ જુસબનું
માથું ફેક્યું કે લ્યો આ મને મહર કરનાર ને આ જુસબના માથાનું ઇનામ ચડાવું છું અને
મારી અને સુરા બાપુ સાથેની દોસ્તીનું પ્રમાણ જગજાહેર આપું છું બસને હવે તો માન્યા
ને કે દોસ્ત ગયાનું દુઃખ માણસને અનહદ ને કેવું થતું હોય છે.
તા.૮-૧૦-૨૦૧૭ મુંબઈ સમાચાર
Comments
Post a Comment