પાણા વિણતા પંડિત થવાય
પાણા વિણતા પંડિત થવાય
આ માણસ આજ આપણને મૂકીને ચાલ્યા ગયાને ૧૨૮ વર્ષો વીતી ગયા બાદ પણ આપણી
સમક્ષ એક જૂનાગઢીની યાદ વાંરવાર તાજી થાય છે તેનુ કારણ છે તેમનું નિસ્વાર્થ ભરેલું
સંશોધન કાર્ય. એ વ્યક્તિ એટલે સદીઓ પુરાણા જૂનાગઢને અને ગિરનારના ગૌરવવંતા
પ્રદેશને સોહામણા સૌરાષ્ટ્રને,આખા ગુજરાત અને તે દિવસના ભરતખંડને પોતાની પ્રાચીન
શોધખોળ વડે આખી દુનિયામાં પોતાનું નામ શોભાવનાર ડૉ.ભગવાનલાલ
તો આજે એક એવા બેજોડ અને ઈતિહાસ જેણે ઇતિહાસના તાણાવાણાને કણો
મેળવીને એક આખો સળગ ઈતિહાસને ઉભો કરવાનો પ્રયત્ન હતો એવા માણસ ભગવાનલાલ ઈન્દ્રજીની
વાત માંડવી છે.જેનો ઇતિહાસ પ્રત્યેનો પ્રેમ અને રજળપાટ અને મહેનતને જુઓ ત્યારે એમ
થઇ જાય કે આવા લોકોને હિસાબે જ ઈતિહાસ ટકી રહ્યો છે,બાકી તો રાજવંશો અને
સ્થાપત્યોની રજેરજ ઉડીને માટીમાં જ મળી ગઈ હોત.
ભગવાનલાલની વાત આજે એટલા માટે કરવાનું મન થયું કે એમણે એ જમાનામાં
પોતે અંગ્રેજી ન જાણતા હોવા છતાં પાશ્ચાત્ય વિદ્વાનોની સાથે રહીને અને યુનિવર્સિટીના
દ્વાર ખખડાવ્યા વિના જ પોતાનું નામ ઇતિહાસની દુનિયામાં અમર બનાવ્યું હતું.
જેમનો જન્મ તા.૭/૧૧/૧૮૩૯ના રોજ જૂનાગઢમાં પ્રશ્નોરા નાગરને ઘેર થયો
હતો જેમના પિતા આયુર્વેદ અને જ્યોતિષના જાણકાર હતા,પરતું આ બાળકને વધુ રસ જાગ્યો
ઈતિહાસ અને પુરાતત્વના ક્ષેત્રેને તેઓ દિલ દઈને ખરા મનથી શોધખોળ કરતા અને તેમને આ
બાબતે એક પ્રેમી જેટલો જ પ્રેમ હતો સત્ય અતિશય વ્હાલું હતું તેના પરિણામ ગમે તેવા આવે
તેની દરકાર રાખ્યા વિના લખતા.૨૨ વર્ષની વયે ભગવાનલાલ તે અને તેમના પત્ની ગંગા બહેન
મુંબઈ જવા રવાના થયા અને ૧૬ દિવસે પહોચ્યા અને ડૉ.ભાઉદાજીને આશરે રહ્યા અને તેમના
સહકારથી જ કામ કર્યું અને તેમને ગુરુ માન્યા.
આ કાર્ય કરવામાં પોતાનો પ્રાણ,સ્વાથ્ય,સંપતિ સામે કદી જોયું નહિ તેમને સેંકડો મુશ્કેલીઓ પડી વાઘ વરુ અને હિંસક
પશુવાળા જંગલોમાં ભટકવું પડ્યું અનેક સ્થળે ટાઢ તડકો ભૂખ તરસ વેઠતા કેટલાક સ્થળે
તો હવામાનની અરસથી માંદા પડી જતા જેસલમેરમાં ભેજવાળા વાતવરણથી ટાઈફોઇડ તથા
મેલેરિયા થયો હતો.પણ અંધારી અને અવાવરૂ એકે એક ગુફા અને સ્થળોએથી ઈતિહાસને ભેગો
કરીને બોલતો કરાવ્યો
પ્રશ્નોરાશાઈ પાઘડી,કુડતી અને પાસાબંધી અંગરખું ઝીણી કસોવાળું અને
ધોતિયું પહેરેલ,જો કોઈ જંગલમાં કે અવાવરૂ જગ્યા એ કોઈ માણસને જોવો તો એ બીજું કોઈ નહિ એ ઈતિહાસને માટે શોધખોળ કરતા
ભગવાનલાલ જ હોય.જૂનાગઢ નવાબ મહાબતખાનજી બીજાએ તેમને ઈતિહાસની શોધખોળ માટે રૂપિયા ૨૦૦ના પગારથી
નોકરીએ રાખ્યા હતા અને જેના ભારતભરના પ્રવાસના અહેવાલો ‘સોરાષ્ટ્ર દર્પણ’ અને
‘પુરાતત્વ’માં છપાયા હતા.હિંદના સ્થાપત્ય પરનું તમામ સાહિત્ય ઉથલાવી અને કેડે
બાંધી ઇ.સ.૧૮૬૮માં તેઓ ભારતના પ્રવાસે નીકળી ગયા.
નાસિક,સોપારા,કારલી,ભાજા,વિદિશા,બેડસા,જુન્નર,પીતલખરા,નાનેઘાટ,બનારસ,અલ્હાબાદ,મથુરા,
દિલ્હી, ખંડવા,ઉજૈન,ઓમકારેશ્વર,ઇન્દોર,સાંચી,ઉદયગીરી,કાલસી.ગ્વાલિયર વગેરે સ્થળોનો
પ્રવાસ કર્યો અને આજના ભારત બહાર નેપાળ,કરાંચી,સિંધ,તિબેટ,બલુચિસ્તાન અને યુસુફઝાઈ
મલકમાં પ્રવાસે ગયા હતા.જેઓએ નેપાળના ૨૩
શિલાલેખો શોધ્યા અને તેના હિસાબે નેપાળના રાજવંશનો અપ્રસિદ્ધ ઈતિહાસ પ્રકાશમાં
આવ્યો હતો. ક્ષત્રપોની સળગ વંશાવળી લગભગ અસંભવિત મનાતી તે તેમને મળેલા સિક્કાને
આધારે તેમણે સળગ બનાવી આપી.
અશોકના શિલાલેખને ઉકેલવાનું કાર્ય પ્રો.વિલ્સન, પ્રો.બુરનૌફ, પ્રો.લોસેન
અને જેમ્સ પ્રિન્સેપ વગેરે એ કાર્ય કર્યું પણ છેવટના ખરેખરા ભાષાંતરનું માન તે
વખતના સાધારણ શહેરી ઉગતા પંડિતના જ ભાગ્યમાં લખાયું હતું.ગિરનારનો શિલાલેખ ઉકેલવા
એ યુવાન રોજ વહેલી સવારે જાય અને આખો દિવસ એના અંકોડા મેળવવાનો પ્રયત્ન કરે અને એક
એક અક્ષર પાછળ કલાકોની કલાકો ગાળતા પણ તેને લકીરેય કંટાળો આવતો નથી.
ઉકેલાય ન ઉકેલાય પણ તે સતત મથતા જ રહે છે એવામાં પોલીટીકલ એજન્ટ
કર્નલ લેંગે જેમ્સ પ્રિન્સેપે ઉકેલેલા બ્રાહ્મી અક્ષરોની એક નકલ જૂનાગઢના પ્રકાંડ
પંડિત મણિશંકર કિકાણીને મોકલી આપી અને એ નકલ એ પંડિતે ભગવાનલાલને આપતા તેમનું કામ
સરળ થઇ પડ્યું ને મંડ્યા માથાફોડ કરી અક્ષરોની માત્રામેળ કરવા,લોકો તેમની ટીકા કરે
છે અસંખ્ય પ્રકારની શંકા કુશંકા કરે છે કે આ પથ્થર પર ભૂતની લખેલી ભાષા છે અને અહી
ક્યાંક ખજાનો દાટ્યો છે એની વાત એમાં લખી માટે આ ખજાનો ગોતવા આ છોકરો મથે છે.કોઈ
વળી એમ પણ કહે કે એલા તારું પથ્થર સાથે માથું ફોડવામાં કઈ નહિ વળે પણ છતાં એ તો
અડગ જ રહ્યા હતા.
થોડા સમયમાં જ તેમણે અશોકના લેખની શુદ્ધ વાચના કરી અને કહ્યું કે
જેમ્સ પ્રિન્સેપે પરાણે નક્કી કરી દીધેલા અક્ષરો ખોટા ઠરે છે તે સાચા શબ્દો આ છે.એ
જમાનામાં અસલી શિલાલેખો ને સમજનાર ભાગ્યેજ એક બે દેશીઓ આખા ભારતવર્ષમાં મળી આવતા
ત્યારે આ કાર્ય તેમણે કર્યું
જેઓએ આ શોધખોળ દરમ્યાન અનેક
સિક્કાઓ,તામ્રપત્રો,કોતરકામના નમૂના,નાની નાની મૂર્તિઓ અને અનેક અલભ્ય પુસ્તકો
સંગ્રહિત કર્યા હતા.આજેપણ એમના નિર્ણયો કાળના સતત વહેણ પર સેતુ સમા બનીને ઈતિહાસની
વાતો કહી રહ્યા છે,એમણે એવું નક્કર અને સચોટ ધારદાર કામ કર્યું કે એમના પછીના
દીર્ઘવ્યાસંગીઓ પણ મૂળગત કશા એમણે શોધેલી વાતોમાં ફેરફાર કરી શક્યા નથી.
આ માનવે જો ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું
હોત તો આપણને તેમજ વિશ્વને ઘણો મોટો લાભ મળ્યો હોત પણ સૌના કમનસીબે આ માણસ માત્ર
૪૯ વર્ષની વયે તા.૧૬/૩/૧૮૮૮ના રોજ વિદાય લીધી.તેઓ સુધારક હોવાથી પોતાની આવરદા ઓછી
હોવાનું જાણી કે મરણ નજીક હોવાનું જાણી મરણ પાછળની ક્રિયા પોતાના હાથે જ કરી
લીધેલી અને પોતાની પાછળ રોવા કુટવાની મનાઈ કરી હતી. જો આજના સંશોધકો તેના ચીલે
કાલે અને પોતાના જીવનને ધન્ય બનાવે. જૂનાગઢમાં આજની પોસ્ટ ઓફીસ રોડ પર તેમનું મકાન
હતું અને એ રોડ નું નામ ડૉ.ભગવાનલાલ ઈન્દ્રજી રોડ હતુ પણ આજે તો એ બે માં કશું જ
નથી પણ પાછુ આપણે એ રોડનું નામ જરૂર પાછુ આપી શકીએ.
Comments
Post a Comment