નવાબ મહાબતખાનજીનો ઇન્સાફ


   નવાબ મહાબતખાનજીનો ઇન્સાફ
ગરવા ગિરનારની ગોદમાં નવાબ મહાબતખાનજી ત્રીજાનું રાજ્ય તપતું હતું એ સમયની વાત છે નવાબ મહાબતખાનજીને કૂતરા અને ગાયો પાળવાનો જબરો શોખ હતો અને સ્વભાવે ખૂબજ ઉદાર અને ઇન્સાફી પ્રકૃતિના ઇન્સાન હતા.એ કદી કોઈનું દુઃખ જોઈ શકતા નહોતા અને પ્રજાને ચાહનાર રાજા હતા અને ગમે તેવા ઉપાયો કરીને ( પાકિસ્તાન સાથે જૂનાગઢના જોડાણના અપવાદ સિવાય) પ્રજાને સુખ આપવાની તેમણે અનેક કિસ્સામાં તેમણે કોશિશ કરી હતી.
એમના સમયમાં એક કુંભારણ બાઈ ઉપર ખૂનનું તહોમત મુકાયું,આ બાઈ પૈસે ટકે તો ખૂબ જ સુખી પણ મગજની એવી ફાટેલ હતી કે તેની સામે મુછાળા મરદ પણ આઘું  રહેવાનું પસંદ કરે, આખા વંથલી મહાલમાં આ કુંભારણ ગંગાબાઈ માથાભારે અને ફાટલાય માટે પ્રખ્યાત હતી. પણ માણસ કહે છે ને કે કોઈનો વધુ પડતો એંકાર સારો નહિ.
 આ બાઈ ઉપર એક દિવસ ખૂનનું તહોમત આવતા એ તો સાવ મુંજાય ને પડી ભાંગી પણ પૈસે ટકે સુખી હોવાથી એણે કાઠિયાવાડના એ વખતના વિખ્યાત બેરિસ્ટર પોપટલાલ ચુડગરને વકીલ તરીકે રાખ્યા કે શું નો છોડે નવાબનો ન્યાયાધીશ? પોપટલાલ ચુડગર ભલભલા ગુનેગારોને એવી દલીલો કરી પળવારમાં ન્યાયાધીશને વિચારતા કરી છોડાવી શકતા હતા.
ગંગાબાઈને તો જૂનાગઢ રાજ્યની પોલીસ પકડી ગઈ અને થોડા સમયમાં તેને પાક દિલ અને ઇતિહાસના વિદ્વાન ન્યાયાધીશ કરીમ મહમદ માસ્તરની કોર્ટમાં રજૂ કરવામાં આવી અને જોરદાર દલીલો ચાલી પણ નેકદિલ પવિત્ર ઇન્સાન કરીમ મહમદ માસ્તરની કોર્ટમાં રાજ્યના વકીલોએ એવી એવી દલીલો કરીને પોપટલાલ ચુડગરને આ કેસમાં મૂંગા કરી દીધા,ગંગાબાઈ પાંજરામાં ઉભા ઉભા વિચારે છે કે આ મુવો પોપટલાલ ચુડગર આજ અહી કેમ મૂંગો થઇ ગયો છે ને સામા જવાબો વાળી શકતો નથી પણ એને બિચારીને ખબર નથી કે કાયદાની બહારના પ્રશ્નો તો પૂછી શકાય નહિ ને  સામેવાળાના સવાલો જ એવા આવતા કે એના જવાબો આપી શકાતા નથી ને પોપટલાલને પરસેવો વળી ગયો એવી સામસામી જોરદાર દલીલો બને વકીલોએ કરી,આખરે દલીલ પૂર્ણ થતા કરીમ મહમદ માસ્તર બધું જ સાંભળીને શાંત ચિતે હુકમ ફરમાવે છે કે આ કેસની તમામ દલીલો અને સબૂતો અને જુબાનીઓ સાંભળતા મને એમ જણાય છે કે ખરેખર ગંગાબાઈ ગુનેગાર છે તેથી હું તેને ફાંસીની સજા ફરમાવું છું. જૂનાગઢ રાજ્યને બ્રિટીશ સરકારની રૈયત સિવાય કોઇપણ રૈયતને દેહાંતદંડ કરવાની સતા હતી.કોર્ટમાં ઘડીક સૂનકાર છવાય ગયો અને આ સજાનો હુકમ સાંભળતા તો ગંગાબાઈના હોશકોશ ઉડી ગયા અને ઘડીક તો સાવ સાનભાન ગુમાવી બેઠી પણ પૈસે ટકેસુખી હોવાથી પાછી તરત જ હોશમાં આવી ગઈ કે હજી આ ક્યાં આખરી અદાલતનો હુકમ છે આપણે આગળ અપીલ કરી છૂટી જશું
આ સમયે વળીકોઈ ડાહ્યું માણસ બોલ્યું કે એલી બાઈ એમાં મુંજાશ શું જૂનાગઢ રાજ્યમાં તો એકની ઉપર કેટલી કોર્ટ છે મુનસફ કોર્ટ,આસી.જજની કોર્ટ સદર અદાલત અને હજૂર કોર્ટ એ બધીમાં અપીલ કરવાનો તારો હક્ક છે,આથી ગંગાબાઈ હિંમતમાં આવી ગઈ અને તેણે એક પછી એક કરતા જે હજૂર કોર્ટ હતી તેમાં અપીલ કરી એ કોર્ટમાં  ઉકેલ ખુદ નવાબ આપતા હતા,તેમાં અપીલ થતા જ ગંગાને થોડા સમય માટે જામીન માટે છુટી કરવામાં આવી,પણ તેનું મન એવું ચક્કરાવે ચડેલ છે કે હવે શું કરવું આ તો આખરી ઉપાય છે બાકી તો ફાંસીને માંચડે લટકવું જ પડશે.આથી એ હજારો ઉપાયો શોધે છે ત્યાં વળી નવાબી રાજકુળના કોઈ જાણકારે કહ્યું બાઈ નવાબના કુતિયાણા વાળા બેગમ બહુ જ દયાળુ અને ઉદાર છે તું એમને કહે તો એ નવાબસાહેબ પાસે તારી સજા માફ કરાવે,આથી જેમ ડૂબતો માણસ તરણું પકડે એમ આ બાઈએ બેગમને ગમે તેમ કરી મળવાનું કરી અને સરદારબાગમાં તાજમંઝિલમાં બેગમને મળી અને બધી વાત કરી કે આપ જ મારા જીવનદાતા બની શકો છો તો મારી ફાંસી રોકવા આપ નવાબ સાહેબને સમજાવો.બેગમ કહે અરે ગંગાબાઈ અમે રાજકાજમાં કદી માથું જ મારતા નથી પણ તું એક સ્ત્રી છો અને હું પણ એક સ્ત્રી જ છુ એ નાતે તારી મુશ્કેલી સમજી હું અમસ્થી વાત વાત માં તારી વાત નવાબસાહેબને કાને નાંખીશ પછી જો તારા નસીબ સારા હશે તો તું છુટી જઈશ,ગંગાબાઈ કહે ભલે એટલું કરો તો પણ બસ.
કુતિયાણાવાળા બેગમ નવાબ સાહેબને ખૂબ સારી રીતે જાણતા હતા તે એક દિવસ સરદારબાગમાં કેનલ હાઉસમાં ફરતા ફરતા વાત મૂકી કે નવાબસાહેબ આપણા રાજમાં આજ એક ઔરતને ફાંસીની સજા થાય છે? નવાબ સાહેબ વિચારો વિચારો.
નવાબ ને થયું કે બેગમ કદી રાજ વહીવટમાં દખલ કરે નહિ ને આજે કેમ આમ બોલે છે?પણ પછી નવાબને થયું કે ગમે તેમ તોય બેગમ એક સ્ત્રી જ છે તો તેને બીજી સ્ત્રી માટે પેટમાં બળ્યું હશે તો કીધું હશે.બેગમના આ વાક્યથી નવાબ વિચારતા થઇ ગયા કે હવે શું કરવું જે ચુકાદો પવિત્ર અને વિદ્વાન ન્યાયાધીશ કરીમ મહમદએ આપ્યો હોય એને બદલવો એ પણ સારું ન કહેવાય અને જો એ ચુકાદો માન્ય રાખું તો બે ઔરત એક ગંગાબાઈ અને બીજા કુતિયાણાવાળા બેગમ નારાજ થશે.આથી તેમણે એવું કર્યું કે પહેલા મને એ જણાવો  કે શું કદી જૂનાગઢ રાજ્યમાં કોઈ સ્ત્રીને ફાંસીની સજા કરવામાં આવી છે.તો અધિકારીઓ કહે એ માટે તો આપણે રાજ્યનું પોલીસ અને ન્યાયતંત્રનું તમામ રેકર્ડ તપાસવું પડે પછી એનો જવાબ મળે ત્યાં કોઈ બોલ્યું કે આપણા રાજ્યમાં શિવદતરાય માંકડ જૂનાને અનુભવી અધિકારી છે એમને આવી બધી ખબર જ હોય આપણે તેમને પૂછીએ.આથી તરત જ શિવદતરાય માંકડને બોલાવવામાં આવ્યા અને પૂછ્યું તો તે કહે  ૧૫ દિવસમાં હું આનો જવાબ આપીશ એમણે રાજ્યના તમામ દફતરો તપાસી કહ્યું કે ના જૂનાગઢ રાજ્યે કદી કોઈ સ્ત્રીને ફાંસીની સજા કરી નથી..
આ જાણી નવાબને થયું કે તો પછી મારા રાજ્યમાં શું કામ એક સ્ત્રીને ફાંસીની સજા કરવામાં આવી એવો ઈતિહાસ બનાવવો જોઈએ.આથી તરત જ નવાબે ગંગાની ફાંસીની સજાનો હુકમ રદ કર્યો અને તેને બદલે તેને જન્મટીપની સજા કરી.
આ ગંગાબાઈ પછી જયારે વલીએહદ શાહજાદા દિલાવરખાનજીના જન્મદિવસની ખુશાલીમાં જે કેદીઓને છોડવામાં આવ્યા તેમાં એ છુટી અને બાકીનું જીવતર પૂરું કર્યું પણ એ કદી નવાબ અને બેગમને ભૂલી નહિ.
 કથા બીજ- મગનલાલ ગોંડલીયા બગસરા

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર