સિંહમોઇ માતાજી
સિંહમોઇ માતાજી
આજ તો એવા કુળની વાત કરવી છે કે જેની જીભની એક જ ફૂંકે હિમાલય પણ હલી
જાય,એ કુળ છે ચારણ કુળ.આણદપુર ભાડલાની પાસે નાનું એવું પણ એક દિવસ બહુ મોટું નામ ધરાવતું વાઘેલા,ઝાલા,ખાચર
અને જાડેજાની હકૂમત ધરાવતું સરધાર ગામ વસેલું છે,આ સરધારની પાસે આધીયા ગામના તળાવની પાસેના નેસડામાં ચારણો વસી રહ્યા
છે અને સરધારની બજારોમાં કાળા મલીરમાં
ગલગોટા જેવી ને ચંપાના ફૂલ જેવા ઉજળા વાનવાળી અને સપ્રમાણ ઘાટીલી દેહધારી ચારણયાણીઓ વારંવાર ઘી વેચવા આવતી અને ગામને દૂધ ઘીની કદી તાણ આવવા દેતી નહોતી રોજ સવારે ચારણયાણીઓના ઘમ્મર વલોણા સિંહની ડણકની
જેમ ગાઉના ગાઉ સુધી ગાજતા સંભળાતા હતા .
આ નેસમાં ખાનદાન ચારણ ધાના
નૈયા ભેસોનું જબરું ખાડુ રાખે છે અને તેની રખાવટ અને મીઠપના જેટલા વખાણ કરો એટલા ઓછા છે,આ ધાના નૈયાને ઘેર રૂડી મજાની એક દીકરી છે જેનું નામ છે જીવણી કે
સિમોઇ જે રૂપરૂપનો અંબાર છે કે દાડમની કળી
જેવા દાંત અને મખમલ જેવી પગની પાનીઓ,કાળી ભમ્મર આંખો,લાલ પરવાળાને શરમાવે એવા હોઠ
અને પડછંદ વાહામાં ધુપેલ તેલથી મહેકતો કાળી નાગણ જેવો વાંભ જેવડો ચોટલો છે,જે કોઈ એકવાર જીવણીને નીરખી લે તે તેના રૂપને ભૂલી શકતો નહિ આવી તો એ
રૂપાળી હતી.
પરંતુ ક્યારેક તો એમ લાગે કે ભગવાનને પણ આવા ઘરની ઈર્ષા થતી હશે તે
ધાના નૈયા ગઢવીના ઘરવાળાને ભગવાને લાંબુ ગામતરું
કરાવ્યું પણ ખાનદાન કુળનો ધાના નૈયા
સ્વપ્ને પણ જીવણી સામે જોઈ બીજું ઘર કરવા લલચાયો નહિ અને બાપ દીકરી એક બીજાને
સહારે જીવતરની નૈયા આગળ વધારતા રહ્યા હતા.આવા સમયે રૂડી
કે કદરૂપી દીકરીનો બાપ એમ જ વિચારતો હોય કે આ દીકરીને સારું ઘર અને વર મળી જાય તો
સારું નહીતર બિચારીના કાયમ દુઃખ જોવા રહ્યા.
પણ ધાના નૈયા ને ક્યાં ખબર છે કે મારે ત્યાં તો સાક્ષાત જોગમાયાનો
અવતાર જ જીવણી છે.તે તેને થોડી ચિંતા કરવી પડે આઈ
જીવણીના માંગાના તો ઘણાય આવતા હતા પણ તેનો બાપ હજાર જાતના વિચાર કરી કોઈ ઉત્તર
વાળતો નહિ એને બાપડાને ક્યાં ખબર હતી કે જીવણીએ તો બાપની સેવા કરવા કુંવારા
રહેવાનું નીમ લઇ લીધું છે આથી જયારે જયારે સારા માંગા આવે ત્યારે આડકતરી રીતે ઇશારાથી સમજાવતી હતી કે બાપુ ચિંતા
રહેવા દયો એ ઉપાધિમાં મારે પડવુ નથી.
સરધારના કિલ્લામાં મુસ્લિમ સુબો એવો બાકરખાન વસતો હતો તેની દ્રષ્ટિ
એવી ભારે હતી કે તેની નજરે જે કોઈ રૂપવંતી જોબનવંતી કન્યા આવી ચડે તો તેનું તો આવી
જ બન્યું અને સરધારની બહેન દીકરીઓ જરાય સલામત નહોતી ત્યારે આ બધા દુઃખથી જીવણી પણ
વાકેફ હતી.
એવામાં એક દિવસ જીવણીના પિતા ધાના નૈયા સરધારની બજારમાં ઘી વેચવા
જવાના હતા ત્યારે જીવણી કહે બાપુ આજે તો મારે ગામમાં આવવું છે ત્યારે તેના બાપે
કહ્યું હમણાં સરધારની બજારમાં નીકળવા જેવું નથી જીવણી કહે કેમ ? જાણતી હોવા છતાં અજાણી રહી શું ત્યાં કોઈ સાવજ દીપડો રહે છે આપડે
ચારણ તો દૈત્યોને મારનાર જોગમાયાના છોરું કહેવાઈ આપણને કોઈની બીક હોય છતાં તેનો
બાપ સરધારની બજારમાં આવવાની ના પાડે છે કે તારે નથી આવવું,આ સમયે જીવણી બોલ્યા હું એ બધુય જાણું છુ પણ હું તો આવવાની જ,ચારણની દીકરી કોઈ એવા બાકરખાનથી ડરે નહિ અને આપણી હારે સદાય જોગમાયા
ભેળાં જ હોય.આથી ચારણ દીકરીની આવી હિમત અને
વિનંતીથી ગળી ગયો અને આઈ જીવણીને ભેગી લીધી આઈ કહે બાપુ ચારણના બાળ કોઇથી બીવે ખરા
અને બાપ દીકરી ઘી ના કુડલા લઇ સરધારની દુકાને આવ્યાને ઘી જોખાવા મંડ્યા બરોબર એવા
સમયે કાળી કાબરચીતરી દાઢી વાળો બાકરખાન નીકળ્યો અને તેની નજર આઈ જીવણી ઉપર થંભી
ગઈ બાકરખાનને તરત જ વેપારીને પડકાર કર્યો
કે કોણ છે આ ? તેને કેજો કે આજે મારે ઉતારે આવીને મળી
જાય,આવું બનતા તો ગઢવી તો દિગ્મૂઢ બની ગયો
ત્યારે આઈ જીવણીએ કહ્યું બાપુ તમે ચિંતા કરોમાં હું એ બધું સંભાળી લઈશ આવો ઉતર
સાંભળતા બાપતો વધુ ગભરાય ગયો કે અરે બેટા આ તું શું બોલે છે ? જીવણી કહે બાપુ
મારામાં વિશ્વાસ છે કે નહિ ? અમારી રખેવાળી તો જોગમાયા કરે છે.ચારણ કહે અરે બેટા
તું સુબાને ઉતારે જા તો આપણી ચારણ નાત શું
નું શું બોલે અને મારા જીવતરમાં ધૂળ પડી જાય,જીવણી કહે
ના બાપુ એવું નહિ બને હું તો તમારો અવતાર ઉજાળીશ એમ કહી એતો બાકરખાનના ઉતારે જવા
ત્યાર થઇ અને એ વાતના સમાચાર વાયુવેગે ફેલાતા બાઇઓ કહેવા લાગી કે અરે ભારે કરી હો
આ ગોઝારણ જીવણી ઝેર ખાઈ મારી કેમ નો ગઈ અને કેટલાક વાત ડાહ્યાને સમજુ લોકો કહે
જીવણીબેન છે તો સમજુ તો એ અણીશુધ્ધ બહાર આવશે અથવા જીભ કરડીને મરી જશે પણ ચારણ
કુળને કલંક નહિ ચડવા દે.
બીજી બાજુ સુબા બાકરખાનને સમાચાર મળ્યા કે
આઇ જીવણી આવી રહી છે ત્યાં તો તે ખુશખુશાલ થતો નવા નકોર ઝરિયન કપડાં પહેરી આંખમાં
સુરમો આંજી અંગે અંગે અત્તર છાંટી જોશમાં આવી ગયો અને આઈ જીવણીને જોતા જ બોલ્યો કે
વાહ શું તારા રૂપ છે ત્યાં તો આઈ બોલ્યા કે તને માત્ર રૂપ જ દેખાય છેકે બીજું કઇ
જો સરખાયે જો જો ત્યાં તો બાકરખાનને સિંહણ
જેવા તીણા નહોર વાળા આઈ લાગ્યા,એટલામાં તો આઈ જીવણીએ છલાંગ મારીને બાકરખાનના ગળાને
બે હાથે દાબી દઈ પછાડી દઈ ઢસડતા ઢસડતા ઉતારા બહાર લાવ્યા અને તેને ઉંધો ફેક્યો
અને એ સમયે બાકરખાન કરગરવા લાગ્યો અને
પોતાની ભૂલનો એકરાર કરી પસ્તાવો કર્યો ,ત્યારે આઈ તો સાક્ષાત માતાજી હતા તો તેણે
દયા કરી વરદાન આપ્યું કે જા તું ઉંધા પીર
તરીકે પૂજાઈશ. આઈના આ વરદાનથી લોકોએ તેને ઉંધીયા પીર તરીકે પૂજ્યો અને જેને ઉધરસ
થઇ હોય તે આ બાકરખાનને માનતા માને અને જેવો દર્દી કબર સામે આવે એટલે તરત જ ઉધરસ
મટી જાય એવી લોક માન્યતા છે. આજે પણ સરધારના કિલ્લાની રાંગે અડોઅડ બાકરખાનની કબર
છે અને તેની સામેના ભાગમાં હાઈવેને કાંઠે આઈ જીવણી ઉર્ફે સિમોઇ કે સિંહમોઈ
માતાજીનું મદિર આ ઘટનાની યાદ આપતા ઉભા છે ને લોકો તેને માની રહ્યા છે.
જેના દુહા અનેક મળે
છે કે
બાઈ તુહારો
બોકડો,દકળો માંડ્યો દેખ,
સરધારવાળા શેખ,ઝાંપે ભરખ્યો જીવણી,
તળ સરધારે તાહળા,પેલા જે પવાડા,
શેક્યા વના સોળા,તું જમી ગઈ જીવણી,
કમતિયા નજરું
કરે એના ભાંગીને કર ભૂકા,
બાકરના જ બુકા,તું જમી ગઈ જીવણી .
Comments
Post a Comment