ધૂંધળીનાથ
ધૂંધળીનાથ
કાઠિયાવાડમાં એક કોળીને ઘેર એક બાળક
જન્મ્યું,જેના માબાપે એનું નામ પાડ્યું
ધૂંધો.એ કોળી તો નાની મોટી ખેડ કરી ખાય અને ગુજરાન ચલાવે,બકાલા વાવે તરબૂચ વાવે પણ
આ કોળીના દીકરાએ તો તમાકુ વાવી અને એમાંથી એ ચલમ અને ભક્તિને માર્ગે આગળ વધી ગયો.
વળી ધૂંધો. ગિરનારની નજીકનો હોવાથી વારે
તહેવારે ગિરનારમાં જાય સાધુ સંતોના સંગ કરે અને ચલમોના ધુંવાડાના ગોટે ગોટા કાઢતા
કાઢતા ખુદ એને જે ભક્તિને એવો અસલ રંગ ચડી ગયો.જેને ભક્તિ જ કરવી છે એને પછી કોઇપણ
જાતના આવરણો આડા આવતા નથી એ મંડી પડ્યો ધૂણી ધખાવી નવનાથનાં જાપ ને જપવાને અતિ કડક
બાર વરસની સાધના કરી ત્યારે તો ગિરનારમાંથી ખળભળાટ થયો અને આકાશવાણી થઇ કે હ હ
ધૂંધા હવે તું જલ્દી ઉભો થા,તું તો આ સમયનો નવનાથની ઉપરનો દશમો નાથ લાગે છે ?.
આથી ધૂંધાએ સમાધિની સાધનાને પૂર્ણ કરી આસન
છોડ્યું પણ નવનાથોની સભામાં ચલમના ધુમાડા માંથી કચવાટ ઉભો થયો કે આ તો કોળીનું દૂધ
છે તો ક્યાંક વળી આડું ન વાળે.આથી ભગવાન પણ વિચારમાં પડી ગયા કે માળું વાત તો સાચી હો
ક્યાંક અધુરી સાધનાએ આ ક્યાંક અધૂરા પગલા ન ભરે તે માટે ધૂંધાને કહ્યું કે જા તું
હજુ બીજા ૧૨ વરસ પણ આબુમાં સાધના કરી આવો પછી સિદ્ધપણું પાકું ગણાશે.
પરંતુ ધૂંધાને તો સાધના જ કરવી હતી એને ક્યાં
બાર વરસ લાંબા પડે એમ હતા,આથી એ તો તરત જ ગિરનારની ગુફા છોડીને આબુના જંગલોમાં
સાધના કરવા ચાલ્યો ગયો અને જાણે કે પળવારમાં સાધના પૂરી કરી પાછો ગિરનારમાં
આવ્યો,ત્યારે અહી હજુ કચવાટ તો હતો જ કે આ ધૂંધો સિદ્ધ તો થયો પણ જો એ સાધનાને
જીરવશે નહીને એનો ઉપયોગ બીજી રીતે કરશે તો નાથ સાધુ માત્રને જોવા જેવું થશે પણ સૌ
લાચાર હતા કે ભક્તિ કરે એને ફળ તો મળે જ એમાં પછી કોઈ શરતો બરતો થોડી હોય.
બીજી બાજુ તો ધૂંધો હવે ગુજરાત અને રાજસ્થાનમાં
અને ધૂંધળીનાથ ને નામે પ્રખ્યાત થઇ ગયો અને મોટા મોટા રાજાઓ પણ તેમને આદર સત્કારને
માનપાન આપે છે અને ગુરુપદે પણ સ્થાપે છે.ચિતોડના રાણાએ પણ ધૂંધળીનાથને પૂજ્યા અને ધૂંધળીનાથે
એનું દુઃખ જોયું કે આને ઘેર શેર માટીની ખોટ છે તે પણ તેણે જોઇને કહ્યું કે રાણા
તમારા નસીબમાં બે દીકરા લખેલા છે,જેમાં એક સંસારી રહેશે અને બીજો જોગી.
તો રાણા હવે હું આ ભવિષ્યવાણી ભાખીને જાવ છું
પણ બાર વર્ષે પાછો આવીશ ત્યારે તારો બીજો દીકરો મારા માટે તૈયાર રાખજે,થોડા સમયમાં
ચિતોડના રાણાને ત્યાં બે જોડિયા પુત્રોનો જન્મ થયો અને રાજમહેલમાં આનંદ મંગલ છવાયા પરંતુ આ બને રાજકુમારોને બાર
વર્ષ થતા જરાય વાર ન લાગીને બારમે વર્ષે તે ધૂંધળીનાથ ચિતોડના રાજમહેલના દરવાજે
આદેશ આદેશ કરતા આવી ચડ્યા તે રાણા તો મુંજાય ગયા કે આ તો ધૂંધળીનાથ તો ખરેખર બાર
વર્ષ આવ્યા જ ભારે કરી,આપણે વચને બંધાયેલા છીએ તો એક દીકરો તો આપવો જ પડશે,તે આવી
ગડમથલમાં રાણા અને રાણી વિચારે છે કે આપને એમ કરીએ જેમાં ક્ષાત્રતેજ વધુ દેખાય છે
એ દીકરાને રાખી લઈએ પણ પાછા વિચારે છે કે ધૂંધળીનાથ એને જ માંગે તો શું કરવું આપણે
પછી ના પણ પાડી ન પાડી શકીએ,તો ચાલો આપણે એક યુક્તિ કરીએ,આને બિચારાને ક્યાં ખબર
છે કે આ સિદ્ધ આલોક પરલોક બધાનું જાણે છે તો એ વાત નહિ જાણી જાય.
આથી ચિતોડપતિએ ધૂંધળીનાથને છેતરવા એવું કર્યું
કે ક્ષાત્રતેજી પુત્રને સાવ મેલાઘેલા કપડા પહેરાવ્યા અને સાધારણ પુત્રને સાજ શણગાર
સજી રાખ્યો પણ ધૂંધળીનાથે તો ક્ષાત્રતેજી પુત્રને જ પસંદ કર્યો આથી રાણા લાચાર થઇ
ગયા.
ધૂંધળીનાથ તો એને જે જોઈતું હતું તે લઇ આવ્યા
અને એ રાણાના બાળકને કાનમાં મંત્ર ફૂંકી યોગમાર્ગની દિક્ષા આપીને સિદ્ધનાથ નામ
આપ્યું અને પ્રેહપાટણ (આજનું ઢાંક) આવી ગયા.એક દિવસ ધૂંધળીનાથે કહ્યું કે સિદ્ધનાથ
હું પાછો બાર વરસ તપમાં બેસું છું તો તું આશ્રમનું ધ્યાન રાખજે ને ભૂખ્યા દુખ્યાને
સાંચવજે,બાકી તારે આશ્રમ માટે રોજ પ્રેહપાટણમાંથી ફરીને ભિક્ષા જોળી ફેરવી આવવી ને
તેમાંથી જ ગુજરાન ચલાવજે.
પરંતુ હળવે હળવે કળયુગ આવવાના એંધાણ વર્તાય
રહ્યા હતા તે પ્રેહપાટણના લોકો જાણે કે સાવ નાસ્તિક અને હિસાબી બની ગયા હતા તે આખા
ગામમાં સિદ્ધનાથ ને કોઈ ભિક્ષા આપતું નહિ પણ શું કરવું,આ તો ચિતોડના રાણા કુળનો
વારસ હતો તે એ થોડો ફીફા ખાંડે,એણે તો તરત જ કુહાડા સજાવ્યા ને રોજ ભારો બાંધીને
લાકડા કાપી આવે અને માથે ઉપાડીને વેચવા જાય અને એમાંથી જે પૈસા આવે એમાંથી ભૂખ્યા
દુખ્યા સાધુ સંતોને જમાડે અને પોતે જમે.
પણ આ તો રાજબીજ હતું એ કઈ આમ કઠિયારા જેવો
પરિશ્રમ થોડો ખમી શકે તે લાકડા ઉપાડી ઉપાડી એના માથામાં મોટું ઘારું પડ્યું અને
પાક્યું.બીજી બાજુ ધૂંધળીનાથને બાર વરસની સાધના પૂરી થતા એમણે જાગીને જોયું તો
શિષ્યના માથામાં તો પાસપરૂ જાય છે,આથી સિદ્ધનાથને પૂછ્યું એ ક્યાં હુઆ બચ્ચા.
સિદ્ધનાથ અસલ ક્ષત્રીય બચ્ચો હતા તે કહે ના ના
ગુરુજી એ કઈ નથી એમ કહીને ટાઢાં ટોળવા માંડ્યો એને એમ હતું કે પ્રેહપાટણના લોકોને
બદનામ કરવા નથી પણ ધૂંધળીનાથ ન માન્યા ને ખીજાયા કે સાલા જોગ પહેર્યો છે ને ખોટું
બોલે છે ક્યાં બાત હૈ જલ્દી બતા.
ત્યારે સિદ્ધનાથે કહ્યું કે ગુરૂદેવ આપ તપ
સમાધિમાં બેઠા ત્યારે મને ઢાંક માં કોઈ માણસો ભિક્ષા દેતા નહિ એક માત્ર કુંભારની
ડોસી જ ભિક્ષા આપતી હતી,આટલું સાંભળતા તો ધૂંધળીનાથની આંખો લાલચોળ ઘોલર મરચા જેવી થઈ
ગઈ અને એના શરીરમાં ક્યાંય ક્રોધ માતો નથી,અરે આવી પ્રેહ પાટણની વિલાસી અને આળસુ
પ્રજા જેણે સાધુના ધર્મને પણ સમજ્યો નહિ તો હવે જોઈ લેવા દે આ મૃત્યુલોકના માનવીને
કે એક સાધુ પાસે કેવી કેવી વિદ્યા હોય.
તરત જ ધૂંધળીનાથે સિદ્ધનાથને કહ્યું કે જ પેલી
કુંભારણ બાઈ ભિક્ષા આપતી તેને કઈ આવ કે ગામ છોડીને પળવારમાં ચાલી જાયને પાછુ વાળી
ને જોવે નહિ અને જો એ જોશે તો ત્યાં જ પત્થર બની જાશે એમ કહેજે. સિદ્ધનાથ તો
ગુરૂને અનેક કાલાવાલા કરે છે કે હે ગુરૂદેવ આપણે મૃત્યુલોકના માનવી જેવું ક્રોધી ન
થવાય એ ન સમજે આપણે તો તપધારી છીએ એ તપનો આમ દુરુપયોગ ન કરાય રહેવા દયો,કઈ બતાવી
આપવું નથી.પણ ધૂંધળીનાથ એમ શેનું માને એમતો પોતાની સાધના અને વિદ્યાનું અભિમાન
હતું તે માંડ્યા એક પછી એક મંત્રો બોલવા ત્યાં તો ધરતી ધ્રુજવા લાગી વંટોળીયો
ફૂકાવા લાગ્યો ને મંત્રોનો છેલ્લો અક્ષર પૂરો થયો ત્યારે ધૂંધળીનાથે એવું જોરદાર
ખપ્પર પછાડ્યું અને બોલ્યા કે .
પટ્ટણ સો ડટ્ટણ અને માયા સો મિટી
ત્યાં તો ભયંકર અવાજ થયો અને માંડ્યા પાટણના
મકાનો પટોપટ ગંજીપતાના પતાની જેમ પડવા અને
પળવારમાં ત્યાં મડદાઓના ગંજ ખડકાય ગયા ને આખું નગર એક ટેકરાના રૂપમાં ફેરવાય ગયું.એમ કહેવાય છે કે ધૂંધળીનાથના આ મંત્ર
પ્રયોગના ગેર ઉપયોગથી નવનાથે ધારેલી ધારણા સાચી પડી કે આ કોળી ક્યારેક વિદ્યા
ગેરમાર્ગે દોરશે હો.
આથી નવનાથે ધૂંધળીનાથ ધૂંધળીનાથની બધી જ વિદ્યા
પાછી ખેચી લીધી તેથી ધૂંધળીનાથ પ્રેહપાટણ છોડી ને પંચાળમાં ધાંધલપુર ચાલ્યા
ગયા,જ્યાં આજે પણ વાવને કાંઠે ૧૦ ફૂટ ઊંચું ધૂંધળીનાથનું પૂતળું એ વાતની ગવાહી
આપતું ઉભું છે.
આ પ્રેહપાટણને પાછુ ધૂંધળીનાથના શિષ્ય
સિદ્ધનાથે ફરી વસાવ્યું અને જેણે સોનાની લંકા જેવું બનાવ્યું એટલા માટે કહેવાયું
કે જૈસો લંકેશ તૈસો ઢન્કેશ.
નોંધ – ઢાંકમા જે પેલી બાઈને જતા રહેવા કહ્યું
હતું તેણે પાછુ વળીને જોતા એ પુતળું બની ગઈ અને આજે પણ એ અવશેષને લોકો ઢાંકની ફુઈ
તરીકે ઓળખે છે.
Comments
Post a Comment