દયાના દેવ સમા રાજવી લાખાજીરાજ રાજકોટ
દયાના દેવ સમા રાજવી
રાજકોટ એટલે એવું શહેર કે જે આવેતુ ને પણ ગમી
જાય ને જાણે કે કાઠિયાવાડની ભૂમિમાં કાશ્મીરના કટકા જેવું, બ્રિટીશરોને પણ નજરમાં
વસી ગયેલું તેણે પણ એટલે જ રાજકોટમાં કોઠી નાંખી.એવા રૂપકડાં અને સદાય આંખો ઠરે
એવા રાજકોટના રાજવી લાખાજીરાજના જીવનના કેટલાક પ્રસંગોની
વાત કરવી છે કે એ દેવ પુરુષ જેવા રાજાઓને પોતાના પ્રાણ કરતા પણ પ્રજાના પ્રાણ વધુ
વ્હાલા અને મોંઘેરા લાગતા હતા.
રાજકોટ એટલે તો કાઠિયાવાડના નવયુગનો
માણેક થંભ.એવા રાજકોટમાં ઇ.સ.૧૯૨૪-૨૫માં પ્લેગે કાળો ભરડો લીધો હતો,શેરીઓ,ગલીઓમાં
માણસો ધાણી ફૂટે એમ ટપોટપ મરતા જાય છે,એ જોવે એને પણ કંપારી છુટે અને ભયનો માર્યો
માંદો પડી જાય એવું વાતાવરણ હતું.આ સમયે કોઈનું કોઈ નથી અરે કુટુંબીજનો પણ બીતા
બીતા દર્દીની પાસે રહી એની સેવા કરે છે,બાકી તો બીજો કોઈ એવો માયનો લાલ નહોતો કે
નબળા દર્દીઓની સેવા કરવા પડખે ચડે.
આ વાતની રણજીત વિલાસ પેલેસમાં
લાખાજીરાજને ખબર પડી ત્યારે પોતાની ઝૂલતી આરામ ખુરશીમાં ઝુલતા ઝુલતા જ વિચારે ચડી
ગયા કે હે આટલું બધું ખરાબ વાતાવરણ છે,આથી
તેઓ તરત જ તૈયાર થઇ ગયા કે ના ના મારે તો મારી વ્હાલી પ્રજાના ખબર અંતર પૂછવા ગુંદાવાડી,કેવડાવાડી
અને દીવાનપરા અને કરણપરા એમ બધે જ જવું જ છે,દીવાન, મહાજનો અને બીજા અધિકારીઓ ના
પાડે છે કે બાપુ આમાં રહેવા દયો,એના કરતા આપ રાજકોટ છોડી બીજે સ્થળે જતા રહો
ત્યારે લાખાજીરાજ કહે જેને બહાર જવું હોય તે ભલે જાય હું તો રાજકોટ નહિ જ છોડું.
રાજ્ય સારવાર તો કરે જ છે ને પેલેસમાં બેઠા
બેઠા કે બહાર રહીને તે બધી બાબતોના સમાચાર પૂછી લો કે કેટલા માંદા છે ને કેટલા
સાજા થયા ને કેટલા મૃત્યુ પામ્યા એ બધાના આંકડા પૂછી લો,પણ આવા ભયંકર રોગમાં તમે
દર્દી વચ્ચે ન જાવ તો સારું, આપ તો પ્રજાના પાલનહાર છો એમ કહેવાય છે કે હજાર મરજો
પણ હજાર નો પાલનહાર ન મરજો.
લાખાજીરાજ પોતાની ભ્રકુટી ખેંચીને
બોલ્યા કે એ બધું મારે કઈ સાંભળવું નથી ને જલ્દી મોટર તૈયાર કરો આપણે લોકો વચ્ચે
જઈને તેના દુઃખ દર્દ જોવા છે અને એમાં ભાગીદાર બનવું છે,શું મારી પ્રજા આવી બળતી
આગમાં શેકાતી હોયને શું હું સવામણની તળાય માં સુતો રહું?એ વિભાણી જાડેજા કુળને
શોભે ખરું.
આથી દીવાને તરત જ હુકમ કર્યો કે બાપુ
માટે ગાડી તૈયાર કરો,તે તરત જ ગાડી આવીને રણજીત વિલાસ પેલેસના પોર્ચમાં ઉભી
રહી,ત્યાં તો બાપુ તરત જ જાણે કોઈ ઉતમ સ્થળે જવાનું હોય એવા જ હોંશથી ગાડીમાં બેસી
ગયા.
થોડા સમયમાં ગાડી ગુંદાવાડી અને
કેવડાવાડીમાં ફરી ત્યાં તો તે નજરે જોવે છે કે આ તો વિકરાળ ને કંપારી છૂટે એવા
રોગમાં લોકો સપડાયા છે પણ બાપુ ગાડીમાંથી નીચે ઉતરી ઉતરીને ઘણા ઘરોમાં પોતે અંદર
જઈ ખબર અંતર પૂછે છે કે હું આપને શું મદદ કરી શકું,કોઈને માટે દવાની તો કોઈને માટે
ખોરાકની તો કોઈને માટે ડોકટરોની વ્યવસ્થા કરે છે કે જલ્દી આને હોસ્પિટલ ભેગા કરો.એક
ઘરમાં માંદી ને પ્લેગમાં ફસાયેલી ડોસીને
મળ્યા જેનો દીકરો પ્લેગમાં મરી ગયેલો તેને આશ્વાસન આપવા કહે ડોસીમા ફિકર કરતા નહિ હું
પણ તમારો દીકરો છું.
લાખાજીરાજે રાજકોટમાં ઘરે ઘરે ફરી ફરી
લોક જાગૃતિ તો જરૂર લાવી કે આ રોગમાં દવા વિના તો નહિ જ સારું થાય તે આમાં ડરીને
બેસી ન રહેવાય.જોવો તો ખરા રાજા જેવા રાજા આપણે આંગણે આવી ખબર અંતર પૂછી ગયા તો તો
એને ન આ પ્લેગ ચોંટી જાય.
એ દિવસની મુલાકાત પૂરી કરી પોતે કૈક
કર્યાનો મીઠો અહેસાસ લઇ પાછા પેલેસમાં પધાર્યા અને બીજા દિવસે પાછો હુકમ કર્યો કે
ચાલો આજે આપણે હોસ્પિટલમાં જઈ દર્દીને પથારીએ પથારીએ મળી ખબર અંતર પૂછવા છે.
બીજે દિવસે સવાર પડતા જ ગાડી ઉપડીને
સીધી હોસ્પિટલે આવી,બાપુ તો મોટરમાંથી ઉતરી સીધા જ દર્દીના પલંગે જ પહોચી ગયા તો
જોયું કે આ તમામ ને ડીલે કા તેજ નહિ શું આ દર્દી સાજા નહિ થાય? પણ એમણે જોયું કે
કેટલાક દર્દીના શરીરે લાલ ચામઠાઓ જોયા કે તેમણે પૂછ્યું કે શું આ મચ્છરના ચામઠા છે
કે રોગના,ડોકટરો કહે ના બાપુ અહી મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને આ મચ્છરો કરડે એટલે આ
રોગી જલ્દી સાજા પણ થતા નથી,આટલું બોલતા તો ડોકટરોના મોઢા લોટની કોથળી જેવા થઇ
ગયા.
લાખાજીરાજ ડોકટરને કહે શું સાહેબ આ દર્દી મચ્છરો થી સુરક્ષિત થઇ જાય
તો એ જટ સારા થાય,ડોક્ટર કહે હા બાપુ.
એ સમયે આ દેવપુરુષ રાજાએ ત્યાં જ કડકડતો હુકમ
કરી દીધો કે જાવ રણજીત વિલાસ પેલેસના તમામ પલંગોની મચ્છરદાનીઓ છોડી લાવો અને આ
દર્દીઓના ખાટલે ખાટલે બાંધી દયો.આવો હુકમ સાંભળતા તો અડધા દર્દી આ માનવતાના
પૂજારીના ભાવ જોઈ સાજા થઇ ગયા કે વાહ ભગવાને અમને રાજા તો ઈશ્વર જેવો જ આપ્યો
છે.બીજા દિવસે હોસ્પિટલના ઘણાખરા પલંગે મચ્છરદાનીઓ લાગી ગઈ હતી.
લાખાજીરાજે પ્લેગની જાણકારી માટે એ
દર્દની સચિત્ર માહિતી માટે ફ્રાન્સથી ફિલ્મો મંગાવી તેનો પ્રચાર કર્યો, ઉપરાંત
રાજ્યમાં પ્લેગ બ્યુરો સ્થાપી તેની સારવાર અને દવાની વ્યવસ્થા કરી હતી.
લાખાજીરાજના મનમાં સતત એવી જ યોજનાઓ
ઘડાય કે ભાવિ પ્રજાના ઘડતર માટે જ વધુ કૈક કરવું જોઈએ,એ માટે પોતે ગામની
સ્કૂલો,બાલમંદિરો જોવા નીકળે અને સાથે શિક્ષકો ને બેસાડે ખબર અંતર પૂછે ને પાછા
વળતા પૂછે કે હવે તમારે સ્કૂલે જવું છે કે ઘરે,પેલા શિક્ષક કહે ના બાપુ અમે જતા
રહેશું તો કહે ના ના મોટર મૂકી જશે અને એના ઘેર મૂકી આવે.જેઓ શિક્ષકો ને કાયમ એમ
કહેતા કે તમે એવું શીખવો કે જેથી બાળકના મનમાં એમ થાય કે જરૂર અમે કૈક છીએ,તેઓ
વધુમાં એમ પણ કહેતા કે જો શિક્ષકો માં દૈવત હશે તો જ ઉગતી પ્રજાને તૈયાર કરવામાં
પોતાનું બળ રેડી શકશે.
લાખાજીરાજને બાળકો પણ એટલા જ વ્હાલા
બાળકો સાથે વાતો કરે,કોઈ સ્કાઉટ બોયને નીચે મોઢે કે ઢીલી ચાલથી ચાલતો જોવે તો તેને
ઉભો રાખી કહે કેવી પોઝીશનથી છાતી કાઢી ,ઉંચે મોઢે ટટાર ચાલવું એમ કહે. કોઈક વાર
બાલમંદિરમાં જઈને બાળકોના નાસ્તા ડબા
કઢાવી એમાંથી બે દાણા ચાખી બાળકને રાજી કરે.
એવા લાખાજીરાજ કે જેમણે પોતાના ઉપર
નૃપ્ત્વના અભિમાનનો કેફ કદી ચડવા દીધો ન હતો તે કહેતા કે હું તમારાથી નજીક આવવા
ઈચ્છું છું અને તમે પણ બની શકે એટલા મારી નજીક આવો,આપણે મળી બળવાન બની પ્રગતિના
પંથે વેગથી ધપીએ.
Comments
Post a Comment