કચ્છના પરોપકારી માનબાઈ


                        કચ્છના પરોપકારી માનબાઈ
આ વાત છે કચ્છના ગઢશીશા ગામની, આ ગામ એવું તો રળિયામણું છે તે આવેતુ ને પણ ગમી જાય અને નવોઢાના ચોટલાની ચાબખીના ફૂમકાના ઝૂમખાં જેવું ગામ છે, ગામ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું,ગામમાં કોઇપણ વાતનું દુઃખ નથી પણ ગામમાં દેદાઓની ફાટ વધીને ફાળકે ચડી ગઈ હતી,જે કોઈ રાજસતા કે મોટા માણસને જરાય પણ ગણકારતા નથી અને આજુબાજુના ગમે તે ગામમાં  જેનું કઈ હાથ પડે તે પોતાના બાપનું સમજી લેતા હતા,આથી બિચારા રૂ જેવા હદયવાળા ખેડૂતો અને મજૂરો દુઃખી દુઃખી હતા પણ આ દુઃખનો ઉકેલ લાવવાનો રસ્તો હૈયા રખા માણસો પોતે હાથે જ શોધી કાઢતા હતા.
એ જમાનાનો એક રસમ હતો કે ગમે તેવા ચોર લુંટારાઓ  સાધુ બ્રાહ્મણ અને ચારણને  લુંટતા નહિ,આથી જયારે ગામના કોઈ નબળા સબળાને બહારગામ જવાનું થાય ત્યારે તેઓ પોતાનો કિમતી સરસામાન કે ઢોરઢાંખરને સાધુ બ્રાહ્મણ કે ચારણને ફળીએ મૂકી આવતા હતા એ પછી તે શાંતિથી ગામ ગામતરું કરી આવતા હતા તેને પોતાના માલ સામાનની કોઈ ચિંતા રહેતી નહિ.
એક દિવસ સવારના પહોરમાં નખત્રાણાના માનબાઈ નામના રાવળિયા પાલીવાળને ત્યાં એક ખેડૂત આવીને ઉભો રહ્યો અને કહેવા લાગ્યો કે મારે પંદરેક દિવસ બહારગામ જવાનું છે તો મારા બે બળદ અને આ ગાડું તમે સાંચવી દેશો ને વળી કરગરતા હૃદયે એમ પણ બોલ્યો કે જોવોને આજકાલ દેદાઓ  ક્યાં કઈ જોવે  જાણે છે અને વળી પાડાની કાંધ જેવાને  મારા હાથ પગ જેવા બળદોને લઇ જાય તો  પછી શું કરવું? ને આખુ વરસ હારી જવાય.
આ સાંભળી પહેલા તો માનબાઈએ કહ્યું અરે ભાઈ એ દેદો શું મારી લાજ શરમ ભરે હું તો રહી બાઈ માણસ અને એમાંય બ્રાહ્મણનું ખોળિયું તારા બળદોને લઇ જતા પળવાર લાગે અને જો દેદાઓ મારું માનપાન ન સાંચવે તો મારે તો જીવ જ દેવો પડે.
ખેડૂત કહે અરે માં એવો તો હજુ ક્યાં કળજુગ આવી ગયો છે કે તમારે એવા દિવસ જોવા પડે થોડા દિવસની જ વાત છે તો આટલું સાંચવી આપોને બ્રાહ્મણબાઈને ખેડૂતની લાચારી અને નિસહાયતા પર દયા આવી ગઈ કહે ઠીક જ બીજું શું.એ બળદોને હું સાંચવી લઈશ આટલું સાંભળતા તો ખેડૂતે મોટી સલામતી અનુભવી અને ઘરના છૈયા છોકરાઓ લઈને  હાલી નીકળ્યો ગામતરે.
એવામાં એક દિવસ ખેડૂતની ધારણા મુજબ હાકલા પડકારા કરતુ દેદાઓનું ટોળું ચડી આવ્યું અને ગામની અંદર ટેસથી લુંટફાટ કરી પૈસા ઘરેણા અને માલ ભેગો કરીને હવે ઘોડાગાડી કે બળદગાડાની શોધમાં નીકળ્યા ત્યારે ગામને તો જાણે ચૂડેલ ભરખી ગઈ હોય તેવી ઝાંખપ લાગી ગઈ હતી એવામાં બ્રાહ્મણીના ફળીયામાં બાંધેલા બળદ અને ગાડા ઉપર નજર ગઈ તેને તો જોતું એવું જ જડી ગયું તે આવ્યા તરત ફળીયામાં અને બાઈને કહે આ બળદો ને ગાડું અમે લઇ જઈએ છીએ,ત્યાં તો માનબાઈ કહે અરે મારા વીર એ તો પારકી અમાનત છે,મારા ભરોસે મૂકીને ગયા છે કે બ્રાહ્મણનું ઘર કોઈ લુંટે નહિ ને તમે એ લુંટ કરીને જૂની રસમને બટો બેસાડશો.દેદાઓ કહે એવો ઈતિહાસ કે સંસ્કૃતિની વાતો અમારે સાંભળવી નથી,આવું સાંભળવા જઈએ તો બધાય સાધુ બ્રાહ્મણને ત્યાં જ પોતાનો માલ મૂકી આવે અને અમારો ધંધો જ ન હાલે.
દેદાઓ માન્યા નહિ અને બળદો છોડવા લાગ્યા,આથી બ્રાહ્મણીનું લોહી ઉકળી ઉઠ્યું અને બોલવા માંડી કે જાવ તમે બ્રાહ્મણનું લઈને સુખી નહિ થાવ,ત્યારે દેદાઓ બોલવા માંડ્યા એ જે થાય તે બાકી તારાથી થાય તે કરી લેજેઅમે કોઈના બાપથી ડરતા નથી પળવારમાં દેદાઓ બળદગાડું લઈને છુંમંતર થઇ ગયા.
આથી માનબાઈ દિગ્મૂઢ થઇ ગયા અને મનોમન વિચાર કરે છે કે હું પરશુરામના કુળની અને આવું થાય એ તો કેમ સાંખી લેવાય,આથી બધાય છોકરાઓને બોલાવીને કહ્યું કે જો આમ નીચું માથું કરીને બેસી રહેશું તો બ્રાહ્મણ કુળનું કોઈ ગૌરવ કરશે નહિ અને જો આપણે ઢીલા પડશું તો કાલ સવારે બ્રાહ્મણને પણ લુંટતા અચકાશે નહિ,આવું સાંભળતા છોકરાઓએ પહેલા તો થોડી આનાકાની કરી કે એ ક્યાં એ આપણો માલ હતો એ તો પટેલનો માલ હતો,આપણે કોક માટે હોમાય જવું? માનબાઈ કહે ના એવું ના હોય તે તો આપણે ત્યાં મુકેલો થાપણનો માલ કહેવાય અને જો તમે નહિ આવો તો હું એકલી ગઢશીશા જઈ બળદો છોડાવી લાવીશ નહીતર મારો જીવ દઈ દઈશ.આથી છોકરાવને પણ એમ થયું કે વાત તો સાચી છે,આથી બધાય માનબાઈ સાથે ગઢશીશા આવ્યા અને દેદાઓને કીધું કે બળદ ગાડું પાછું આપી દયો પણ દેદો કહે અરે બ્રાહ્મણો એ માલ પટેલોનો છે બ્રાહ્મણોનો નહિ અમે એ કોઇપણ ભોગે આપવાના નથી.આથી માનબાઈ પણ વટે ભરાણા કે ના એ તો હું  બળદો અને ગાડું લીધે જ પાર કરીશ નહીતર હું મારો જીવ જ દઈ દઈશ.
આથી દેદાઓ મુંજાણા અને તેમણે માનબાઈ કોઇપણ રીતે આત્મવિલોપન ન કરે એ માટે કડક ચોકી પહેરો ગોઠવી દીધો,આથી માનબાઈ ક્યાંય પોતાની આત્મવિલોપન કરવાની વાત સફળ ન થતા પોતાના છોકરાઓ પાસે મઉ ગામેથી તલવાર મંગાવી ને એ તલવાર આવી જતા માનબાઈ કહે લે બેટા લે કર આંખો વિંચીને ઘા મારી ગરદન પર.પણ કયો દીકરો સગીમાં ની ગરદન પર તલવાર ચલાવી શકે ત્યાં તો માનબાઈનું મોં ધગેલ ત્રાંબા જેવું થઇ ગયું અને મંડ્યા મહેણાં ટોણા બોલવા કે શું તું પાછો પડે છે.આથી છોકરાએ તલવારનો ઘા કર્યો પણ તલવાર બુઠી હોવાથી ડોકું કપાયુ નહિ ,આથી માનબાઈ થોડા રીબાયા અને લોહી વહેવા માંડ્યું,આથી માનબાઈએ ખીજમાં શ્રાપ દીધો કે જાવ તમારો વંશ ઘટતો જશેછોકરાવ કહે અરે માં આમાં અમારો ક્યાં વાંક છે, આ બુઠી તલવાર આવી એમાં અમે શું કરીએ,આખરે માનબાઈ પીગળ્યા અને કહ્યું કે તો બીજા ઘા કરો,આથી  ધડાંગ ધડાંગ  કરતા બે ઘા કરતા માનબાઈનું ડોકું ઘડથી સાવ અલગ થઇ પડ્યું અને માનબાઈના લોહીથી દેદાઓને કપાળે કાળી ટીલી લાગી ગઈ અને માનબાઈ પરોકાપકાર અર્થે બલિદાન આપ્યું.
આ પછી ગઢશીશાના પૂર્વ તરફની દિશામાં માનબાઈને અગ્નિદાહ દેવામાં આવ્યો.આજે આ પ્રસંગને વર્ષો વીતી ગયા છે પણ પારકી અમાનત ને સાચવતા ખુદનો પ્રાણ હોમી દેનાર કચ્છી બ્રાહ્મણ બાઈનો અબોલ પાળિયો ગઢશીશાની પૂર્વ દિશામાં ઉભો છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર