સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર


                         સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
કાઠિયાવાડમાં કેટલાક એવા ગામ છે કે લોકો એ ગામનું સવારના પહોરમાં નામ લેતા નથી જેમ કે લોકો ધ્રોળને સામું ગામ કહે છે.તો સાયલાને ભગતનું ગામ કહે છે,આની પાછળની કથા એવી મળે છે કે સાયલાના ઠાકોરસાહેબને જ્યાં જુએ ત્યાં નરકના દર્શન થતા હતા આથી તેઓ જમી શકતા નહિ એવો તેમને બ્રહ્મ રાક્ષસનો શાપ હતો,આથી એમની સાથે સાથે એવી  પણ માન્યતા ઉભરી આવી કે જે લોકો સવારમાં સાયલાનું નામ બોલે છે તેને તે દિવસે જમવાનું મળતું નથી.આથી લોકો સાયલાને બદલે તેને ભગતનું ગામ લાલજી મહારાજ ઉપરથી કહેવા લાગ્યા. એવા સાયલાની જગ્યાના લાલજી મહારાજની આજ અહી સવારના પહોરમાં જ વાત કરવી છે.
સાયલાનું નામ સવારમાં નહી લેવાની એક બીજી કથા એવી પણ લોકજીભે કહેવાય છે કે ઠાકોરસાહેબે એક ગઢવીને સવારના પહોરમાં સાયલાનું નામ લેવડાવ્યું અને પછી કહ્યું કે જાવ ગઢવી આજ જમવાનું નહિ મળે એમ નહિ પણ જમવામાં તમને મિષ્ટાન મળશે.પણ બન્યું એવું કે બપોરે ઠાકોરસાહેબને ક્યાંક જવાનું થયું અને ગઢવીને જમાડવાનું રહી ગયું, ઠાકોરસાહેબે આવીને ગઢવીને પૂછ્યું કેમ ગઢવી સવારમાં સાયલાનું નામ લીધું હતું તોય જમવાનું મળ્યું ને ?ગઢવી કહે શું રાખ?આથી ઠાકોરસાહેબે તરત જ રાજના નોકરને બોલાવી કહ્યું કે આમ કેમ થયું એમ કહી તેને છુટા જોડાનો ઘા માર્યો પણ નોકર ખસી જતા એ જોડો ગઢવીને લાગ્યો.આ ઘટનાની લોકોને ખબર પડતા આ કથાના ડરથી  પણ સાયલાનું નામ સવારમાં લેતા ન હતા અને આજે પણ લેતા નથી એને બદલે ભગતનું ગામ જ કહે છે.
કાઠિયાવાડની ધરતી એ શું નથી આપ્યું? એ સવાલ થાય જેમાં ગામોગામ સંતોના,શૂરાના બેસણા થયા છે અને તેમણે પોતાની સુવાસ દેશ પરદેશ સુધી ફેલાવી છે આ સંતોમાં મોટાભાગના સંતો ૧૮મી ૧૯મી સદીમાં વધારે થયા છે.આ સંતો લોકહદય અને જનસમાજ ને ઓળખીને ચાલ્યા હતા,જેમની શક્તિ ચમત્કારોરૂપે પૂજાય છે,ભૂખ્યાને ભોજન આપવાનું સદાચારી જીવન જીવવવાનું કહી અને એક યા બીજરૂપે સમાજ સુધારણાનું પણ આડકતરી રીતે કામ કર્યું હતું એમ કહી શકાય.આવા જે કાર્ય આવું કાર્ય કરનારા સાયલામાં થયેલ સંત લાલજી મહરાજની વાત અહી કરવી છે.
લાલજી મહારાજનો જન્મ વાંકાનેર પાસેના સિંધાવદર ગામમાં એક વણિકને ઘેર થયો હતો,જેમના પિતાનું નામ હતું બળવંતભાઈ શાહ જેમને સિંધાવદરમાં નાની એવી કરિયાણાની દુકાન હતી એમાં એનું ગુજરાન ચાલતું હતું,બીજી કોઇ લાંબી ટૂંકી જંજટ નહિ.બળવંતભાઈ અને તેમના પત્ની વીરુબાઇ બને સંતોષી જીવ અને માનવીના બધા ગુણો તેમનામાં ભરેલા હતા,પરંતુ એ મોટી ઉમર સુધી એક વાતે દુઃખી હતા કે અમારે ત્યાં કોઈ સંતાન નથી,પણ છતાં એવો કોઈ જબરો અફ્સોસ ન કરે એમાં પણ પ્રભુનો કોઈ સંકેત જ હશે એમ માનીને જિંદગી જીવ્યા કરતા હતા.
આ દંપતિના માંહ્યલા ખોળિયામાં દયા માનવતા અને પરોપકારના ગુણો ભરેલા હોવાથી સેવાના કામો કરે,ભૂખ્યા સાધુઓને જમાડે,અન્નદાન કરે અને માનવ અવતારને ઉજળો કર્યે જતા હતા.એવામાં એના નસીબ આડેથી પાંદડું ખસ્યું અને વીરુબાઈને સારા દિવસો રહ્યા તે આખા કુંટુબમાં આનંદ આનંદ છવાય ગયો કે હવે તો ટૂંક સમયમાં જ આપણું ઘર કિલ્લોલ કરતુ જોવા મળશે.સંવંત ૧૮૫૬ ચૈત્ર સુદ ૯ ને સોમવારે એટલે કે બરાબર રામનવમીના દિવસે જ  દિવસે બળવંત શાહના ઘેર એક પુત્ર રત્નનો જન્મ થયો,જેનું નામ લાલજી રાખવામાં આવ્યું હવે તો બળવંતભાઈ અને વિરુબાઈને કોઇપણ જાતની ખોટ નથી એ લાલજીને રમાડતા થાકતા જ નથી,પળવારમાં લાલજી મોટો થતા તેને સારું ચોઘડિયું જોઇને નિશાળે બેસાડવામાં આવ્યો,પણ આ તો સંસારી જીવ ક્યાં હતો તે બાળપણથી જ તેનામાં સાધુતા અને ભક્તિભાવના લક્ષણો દેખાવા લાગ્યા,બસ એને તો ભજનો ગાવા અને સાંભળવા ગમે,નાના છોકરા ધૂળના કુબલા કરી રમે ત્યારે લાલજી તો ધૂળનું મંદિર બનાવી માથે ધજા ખોડે.આવું જ રમે આ ઉપરાંત જ્યાં કોઈ કેસરી કપડા વાળું સાધુ ભાળ્યુ નથી કે એમની પાસે દોડીને ગયો નથી.આવું જ વિસ્મયકારક એનું બાળપણ સિંધાવદરમાં જ વીત્યું
એક તો માબાપના સેવા પારાયણના સંસ્કાર અને ઉચ્ચકુળમાં જન્મ પછી એમાં શું ખામી રહે.લાલજીએ થોડું ઘણું અક્ષરજ્ઞાન તો મેળવી લીધું પણ આ તો દુનિયાને સત્સંગ અને સેવારૂપી અક્ષરજ્ઞાનન દેનાર અવતારી જીવ હતો.માણસ કહે છે કે જેને દોડવું જ છે તેને ઢાળ મળી જ રહે છે એમ લાલજીના મનમાં જે વિચારો આવતા હતા તેને સાકાર કરવા માટે તેને વાંકાનેર રઘુનાથજીના મંદિરના મહંત સેવાદાસજીને ગુરુ પદે સ્થાપ્યા ત્યારે તેણે એમને રામમંત્રની દિક્ષા આપી,લાલજીને તો નવખંડ ધરતીની બાદશાહી મળી ગઈ હોય એવો સંતોષ ગુરુ મળ્યાથી થયો, હવે તો પોતા પાસે જ જાણે કે સાધુનું પ્રમાણપત્ર જ આવી ગયું.
આથી હવે તો લાલજી માંડ્યા તિલક કરવા અને ડોકમાં મોટી માળા રાખવા ને લોકસેવામાં રચ્યા પચ્યા રહેતા.લોકોએ જ તેમનું નામ ભગત પાડી દીધું.એ દુકાને બેસે ખરા પણ એનો જીવ ધંધામાં ચોટતો નહિ અને દિન દુઃખિયા ગરીબ કે સાધુ સંતોને પૈસા ન હોય તો પણ મફત પણ ચીજવસ્તુ આપી દેતા.માબાપને પણ લાલજીનો આ સ્વભાવ અને વર્તનની ખબર હતી,તે બહુ કઈ ટોકે નહિ એમ માને કે એ પ્રભુ જ બધું પૂરું કરશે અને ખરેખર બનતું પણ એવું.લાલજીએ  વાંકાનેરમાં કરેલા  હટાણાના બીલ કોઈ ચૂકવી જ જતું હતું.
લાલજીને પણ ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મને જરૂર અંદરથી કોઈ અલૌકિક તત્વ જ આ કામ કરાવી રહ્યું છે.પછી તો એ કાયમ ધૂન ગવડાવે,સત્સંગ કરે અને ધીરેધીરે તો નાનું એવું ગામમાં મંદિર પણ સિંધાવદરમાં બંધાવ્યું.બસ લાલજી પાસે હવે તો એક જ કામ રહ્યું બસ દુઃખિયાને રોટલો અને ભજન અને ભોજન ને થાક્યા પાક્યાને વિસામો આપવો,આ ઉપરાંત મંદિરે ભજન કીર્તન થાય, સીધી સાદી ભાષામાં લોકોને ઉપદેશ વચનો કહેવાય.આવું બધું સિંધાવદરમાં ચાલવા લાગ્યું ને લાલજીનું તપ પાકીને હવે કાઠિયાવાડમાં પ્રસરતા,સાયલાના ઠાકોરસાહેબને લાલજી મહારાજને સાયલામાં મંદિર બાંધી આપ્યું અને લાલજી મહારાજ અને તેનું કુંટુબ સાયલા આવી ગયા.જેમને માટે કહેવાતું કે
                     પુર સાયલે લાલજી,જલા વીરપુર જોઈ,
                     ગઢ ચોટીલે વીરજી,ત્રણેય ત્રિપુટી સોઈ.
આ પછી તો લાલજી મહારાજની ખ્યાતિ એટલી બધી વધી કે તેઓ ભારતભરમાં ધર્મપ્રચાર અને જાત્રા અર્થે વિહાર કર્યો.રાજા મહારાજાઓ પણ તેમની ભક્તિ અને સમાજ સેવાના કાર્યથી ખુશ થઇ એને વારાફરતી નવાજવા માંડ્યાગુજરાતના સૌથી મોટા રાજવી સયાજીરાવ ગાયકવાડે લાલજી મહારાજ સાથે વાર્તાલાપ કર્યો અને એવા પ્રભાવિત થયા કે વડોદરા રાજ્યે ડંકો,નિશાન,છત્ર,છડી અને ચામર અને સૂર્યચંદ્ર અને હનુમાનના ચિત્ર વાળી ધજા તેમને અર્પણ કરી હતી.જોકે લાલજી મહારાજ તો સાદગીમાં માનનારા જીવ હતા તેમને મોટી મહેલાતો કે ભપકો ગમતો નહિ,આથી એ તેમને મળેલું બધું જ દાન તરત સેવાપરાયણતાના કામમાં જ ખર્ચી નાખતા હતા.
લાલજી મહારાજના સમયમાં સાયલાની જગ્યા ખૂબ જ વિકાસ પામી,આખરે લાલજી મહારાજને પોતાનો અંતકાળ દેખાય જતા પોતે સોરઠમાં ખોરાસા ગીરમાં હતા ત્યાં જાહેર કર્યું કે હું હવે આઠ દિવસમાં જ આલોક છોડી જવાનો છું અને મારી ઈચ્છા પ્રભાસપાટણમાં દેહ છોડવાની છે,પણ ભક્તો અને સહુએ એમની નાજુક બનતી જતી સ્થિતિમાં તેમને પ્રભાસપાટણને બદલે સાયલા લાવ્યા અને એમણે સંવત ૧૯૧૮ કારતક સુદી ૧૦ બુધવારના રોજ રોજ દેહ છોડ્યો,એમના પછી ભીમદાસજી ગાદીએ આવ્યા.

Comments

Popular posts from this blog