જામ અબડાનો આશ્રય અને અબડાસા
જામ અબડાનો આશ્રય અને
અબડાસા
જામ અબડો એવો કે તેની જાહોજલાલી અને
રખાવટમાં કઈ ન ઘટે,કાયમ તેના દરબારમાં મોજના તુરા છુટતા હોય અને દેશ દેશાવરના કવિઓ
આવીને પોતપોતાની કથની કહીને હજારોના ઇનામો મેળવતા એવો.
બસ ડાયરામાં શુરવીરતા,દાતારી,રખાવટ અને
કીર્તિની જ વાતો ચાલેને દુનિયાના અન્ય રાજવીઓ સાથે કચ્છના જામની તુલના થાયને જમણું પાળું તેમાં ઉચું જ
રહે.જયારે જમણો ડાયરો ન હોય તે દિવસે માઢમેડીમાં ચોપાટું મંડાયને એવી ચોપાટ રમાય
ને ગાંડીયું કરવામાં આવે ત્યારે તો રાત પણ ટૂંકી પડે પણ રમત પૂરી ન થાય અને સવાર
પડી જાય.
ચોપાટની આ
રમતમાંથી પાછા ક્યારેક વેર પણ બંધાય જાય ને સોગઠી માર્યાને જીવ માર્યા જેવી ગણીને
પાછા એનું વેર વાળવાનું પણ કરે એવી વેલાની રમતો હતી.
એક દિવસ જામ
અબડાજી અને મોડજી ભેરૂ તથા કુંવર ઘોઘાજી અને મનેસરજી ભેરૂ આ ચારેય ચોપાટ માંડીને
રમવા બેઠા છે એમાં જામ અબડાજીની સોગઠીને કુંવર ઘોઘાજીએ ગોઠણભર થઈને મારવા ગયા અને એમાંથી
લાંબીલચક લપ થઇ કે એમ કાઈ થોડી સોગઠી મરાય
?
વાત એમાં એમ બની
હતી કે એ સોગઠી દડીને જામ અબડાજી ને શરણે
આવી ગઈ હતી તો અબડાજી કહે શરણે આવેલાને ખરો રાજપૂત સોંપે નહિ પછી એ ભલે જડ હોય કે
ચેતન. આજના સમયના માણસની નજરમાં તો એ નાની અમથી વાતમાંથી વાત તો વણસી ગઈ ને ચારેય
જણા ચોપાટ ઉપરથી ઉઠી ગયા અને કહેવા માંડ્યા કે એ સોગઠીને મારવી હોય તો વડસર આવવું
પડશે.
હવે તો ઘોઘાજીને
પણ વટનો સવાલ સવાલ થઇ પડ્યો તો તેણે તો કચ્છ અને સિંધમાંથી શૂરવીર સરદારોને
માંડ્યા ભેગા કરવા કે એ સોગઠી માર્યા પર કરું ત્યારે જ જીવ હેઠો બેસશે,આ સમયમાં
એવું બન્યું કે ઘોઘાજીના પિતા જામ ભુગળજી દેવ થઇ ગયા ત્યારે મનેસરજીને સુમરા
સરદારોએ ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું પણ મનેસરજી કહે થોડીવાર ખમો હું મારી
માતાનો આદેશ લઇ આવું,આથી સરદારોને થયું કે આવી પાળે જે માને પૂછવાનો ડોળ કરે એનાથી
આ ગાદી કેમ સચવાય,આથી સરદારોએ તો નાના ભાઈ ઘોઘાજીને પાઘ,વાઘ,તલવાર સોંપીને ગાદીએ
બેસાડી જય જયકાર કરી દીધો.
જ્યાં મનેસરજી
માના આશીર્વાદ લઈ પાછા આવ્યા ત્યાં તો નાના ભાઈને ગાદીએ બેઠેલા જોયાને ઘડીક રકજક
કરી અને ઘોઘાજી કહે હવે એકવાર ગાદીએ બેઠા પછી ઉતરાય નહિ બાકી મારા પછી તમતમારે
તમારા વંશવારસો આ ગાદી એ બેસી શકશે એવું
હું વચન આપું છું.હાલમાં તો નહિ જ .
આથી મનેસરજીને
તો ખાટકો લાગ્યો કે મારા ભાઈ જ આમ કરે તો તેનો બદલો લેવો જ પડે,આથી તે તરત જ
દિલ્હી ઉપડ્યા અને ત્યાં જઈ અલ્લાઉદીન ખીલજીને મળી કહ્યું કે તમે સિંધ ઉપર ચડાઈ
કરો અને સિધ જીતી લ્યો ? પણ સુલતાન ચતુર હતો તો કહે કેમ વળી સિંધમાં તો શું એવું
છે તો હું આતળી મુશ્કેલીઓ વેઠી ત્યાં આવું ?
ઘડીક તો મનેસરજી
મુંજાયા કે હવે સુલતાનને કેમ લલચાવવો તો વિચારીને કહે અરે સિંધના ખાનદાન કુંટુબની
૧૪૦ દીકરીયું આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીને
રહે છે તો આપ આવો આવોને ?
આવી વાત સાંભળતા
અલ્લાઉદીન ખીલજીની દાઢ ડળકી અને તેણે લશ્કરને આદેશ કર્યો કે ચાલો સિંધ જીતવા જવું
છે ને ઉમરકોટમાં લશ્કરનો કાફલો ખડકી દીધો ને થોડા જ સમયમાં લડાઈ શરૂ થઇ અને ઘણા
માણસો કપાયા.
ઘોઘાજી વિચારે
ચડી ગયા કે આતો ભારે કરી હવે આ ૧૪૦ દીકરીયું ને કોણ સાંચવશે,ત્યાં તો તેને તરત જ
ચોપાટની વાત યાદ આવી કે જે માણસ આશરે આવેલી જડ વસ્તુને પણ જીવ જેમ જાળવે છે તો આ તો જીવતા જીવ છે તેને જરૂર જામ અબડો આશ્રય
આપશે.આથી મનેસરજીએ ૧૪૦ એ દીકરીયું ને કહ્યું કે હવે તમે જટ અહીંથી હાલી નીકળો
લડાઈમાં શું થાય એ નક્કી નહિ તો તમે આ રથમાં બેસીને જામ અબડાને આશરે જતા રહો, તરત જ બહેનોએ
માતૃભૂમિને આખરી નમન કરી રથમાં બેસી ગયા.લડાઈ બાદ જયારે સુલતાન ઝનાનખાનામાં આવ્યો
તો ત્યાં તો કાળો કાગડો ય જોવા ન મળ્યો,પણ તપાસ કરતા ખબર પડી કે એ દીકરીયું જામ
અબડાને આશરે ગઈ છે,આથી લશ્કર ત્યાં તેની પાછળ મોકલ્યું હજુ દીકરીયું પહોચી
નહોતી.પણ જામ અબડાને આ વાતની ખબર પડતા તેણે તેને લેવા લશ્કર સામું મોકલ્યું પણ કરમ
કઠણાઈએ આ દીકરીયુંને થયું કે લે આ તો સુલતાનનું લશ્કર જ આવી ગયું તે બધી ઉતાવળી ને
બેબાકળી બની ગઈ અને માં ધરતીને આરદા કરવા લાગી કે અમારા શિયળ લુંટાય તેના કરતા તુ
અમને તારામાં જ સમાવી લે ને ત્યાં જ ધરતી ફાટીને તેમાં સાત બહેનો સમાઈ ગઈ,આજેપણ એ
સ્થળને તેની યાદમાં રૂહા નામનું ગામ છે અને જેને સુમરી રૂહા કહે છે.
લશ્કર સાવ નજીક
આવ્યુ ત્યાં તો તેમાંથી ચેતનવંતો એક પુરૂષ ઉતર્યો કહે અમે આપણે વડસર તેડી જવા જ
આવ્યા છીએ તે ૧૩૩ બહેનો વડસર આવીને બોલી કે અમને ઘોઘજીએ મોકલી છે,જામ અબડો બહેનો
ને મળી કહે છે કે મારા આપણે વંદન અને બહેનોએ સામે ભાઈને ઓવારણા લીધા,જામ કહે આપ
હવે મારા આશ્રયે સુરક્ષિત છો.
થોડા સમયમાં તો સુલતાનનું
લશ્કર વડસરની નજીક પહોચી ગયું પણ ભૂલથી રણના રસ્તે અવળું જતું હતું ત્યારે ચાડિયાએ
જામને ખબર આપ્યા કે બાપુ લશ્કર તો રણના રસ્તે જાય છે અને ત્યાં જ એ પાણી વિના જ ખતમ
થઇ જશે.પણ ઉદાર અને સાચા દિલનો અબડો જામ કહે અરે એ લડવા આવે છે તો આપણે તેને
આવકારવા જોઈએ,આમ તેને અવળા જવા ન દેવાય?એમ કહી એક ટેકરી ઉપર મોટું તાપણું કરી સામે
આવતા લશ્કરને ચેતવ્યું કે અમે અહી છીએ.
આ તાપણું જોઈ
સુલતાનનું લશ્કર જેવું અહી આવ્યું કે જામના લશ્કરે કહ્યું કે અમે તમને ચેતવવા જ
મોટું તાપણું કરેલું બાકી તો તમે રસ્તો ભૂલીને રણમાં જતા હતા.આવી ઉદાર ને ખાનદાની
નીતિ જોઇને સુલતાનને થયું કે આવા નીતિવાન માણસ સાથે થોડી લડાઈ કરાય અને બને વચ્ચે
વિષ્ટિ ચાલી કે આપણે ક્યાં વેર છે તો શું કામ લડવું જોઈ તમે અમને આપને આશ્રયે
રહેલી આજીવન બ્રહ્મચર્ય પાળેલી ૧૩૩ સુમરીઓ સોંપી દયો અને દિલ્હીના માનને મહોબત
મેળવો.
આટલું સાંભળતા
તો જામ અબડો લાલ પીળો થઇ ગયો અને કહે એ તો કદી નહિ બને એમ કરું તો રજપૂતોનો આશરા
ધર્મ લાજે. આ તો દિલ્હીનો સુલતાન હતો તો એ પણ સામો વટે ભરાયો કે હું એ સુમરીઓને
લીધા વિના પાછો વળું નહિ. આખરે બને વચ્ચે જેઠ સુદ બીજ ના દિવસે લડાઈ શરુ થઇ અને
પુરા બોતેર દિવસ લડાઈ ચાલી ને જામ અબડોજી કામ આવી ગયા,તેની સાથે જ ૧૩૩ સુમરીઓ અને
તેના રાણીઓ ધરતીમાં સમાય ગયા અને સ્વર્ગની વાટે ચડ્યા.આમ આશરા ધર્મને જામ અબડાએ
ચોપાટની રમતની સોગઠીને આશરો આપ્યો હતો એમ જ દીપાવી જાણ્યો.
નોંધ – આ જામ
અબડાના નામ ઉપરથી અબડાસા ગામનું નામ પડ્યું અને કચ્છના નળિયા શહેર પાસે વડસર ગામે
અબડાપીરની મોટી જગ્યા આવેલી છે,એની પાસે જ સુમરીઓનું ધામ છે ત્યાં સુમરીઓની
ચુંદડીનો છેડો પૂજાય છે જેમાં એક સુમરીની ચુંદડીનો છેડો બહાર રહી ગયેળો બતાવાય છે.
Comments
Post a Comment