વીર મોખડાજી ગોહિલ - ડૉ.પ્રદ્યુમન ખાચર



વીર મોખડાજી ગોહિલ -                                        
 ડૉ.પ્રદ્યુમન ખાચર
આજ તો એવા શૂરવીર,સમર્થ યોદ્ધા અને પવિત્ર વ્યક્તિની વાત કરવી છે કે જેમણે સલ્તનતના જુલમો અને ચાંચિયાગીરીની સામે લડવાનું પસંદ કર્યું અને મખમલી ગાદીમાં આળોટતો રાજહ્રદયી પ્રાણ નાળિયેરની જેમ જ હોમી દીધો, ભલે તેમણે પ્રાણ હોમ્યો પણ લોકો હજુ સુધી તેમને ભૂલ્યા નથી જ .
મોખડાજી એટલે મરદાઇનું છોગું, ભડવીર રાજવી. એ શિહોર ભાવનગરના ગોહિલ રાજવંશના મૂળપુરુષ સેજકજી ગોહિલનાપુત્ર રાણજીના પુત્ર હતા. એવું કહેવાય છે મોખડાજી પર કાલીકામાતાનો હાથ હતો અને રોજ સવારે એક શેર સિંદુર પી જતા હતા એવી તો એમની હોજરીમાં જબરી તાકાત હતી અને હનુમાનજીના પણ ભકત હોવાથી હનુમાનજીનું માદળીયુ હાથે કાયમને માટે બાંધી રાખતા હતા.મોખડાજીને ખરકડીના બાલનશાહ નામના પીર ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને તેમના આશીર્વાદથી તેમને ત્યાં આભને ટેકો દે એવો એક પુત્ર જન્મ્યો તે ડુંગરસિંહ,તેથી મોખડાજીએ બાલનશાહ પીરનો રોજો ચણાવ્યો હતો અને દરગાહના મુંજાવરને ખરકડી ગામ ભેટ કર્યું હતું.
 મોખડાજી એક શક્તિશાળી અને ધેર્યવંત બુદ્ધિશાળી  શાસક હોવાથી તેમણે પોતાના અંગત નૌકાદળની પણ સ્થાપના કરી અને તેમણે ઘોઘા અને પીરમબેટનો કબજો પોતાની તલવારના જોરે મેળવ્યો હતો.ગોહિલવાડ આજુબાજુના દરિયામાં ધાક જમાવી બહારના વહાણો પાસેથી દાણ વસુલ કરતા હતા ઘોઘા એ સમયે સમૃદ્ધ બંદર હતું ને ત્યાં દેશદેશાવરના વહાણો આવતા જતા હતા એટલું જ નહિ ત્યાં જહાજ બાંધવાનો ઉધોગ પણ મોટા પાયે વિકસ્યો હતો,એટલે આપણા હૈયા ઉકલતવાળા પૂર્વજોએ કહેવત પણ શરુ કરી હતી કે લંકાની લાડીને ઘોઘાનો વર
દિલ્હીની ગાદી  ઉપર સુલતાન મહમદ તઘલકનું રાજ તપે છેને તેની હિન્દુસ્તાન ભરમાં  હાક વાગે છે ,તેની નજર હિન્દુસ્તાનના એકેએક  પ્રાંત પર નજર ફરતી રહે છે કે કયાંક  જાવ તો ત્યાં કશુંક મળે ને ધર્મનો પ્રચાર થાય એવામાં જોતું તું ને વૈદે કીધા જેવું બન્યું.  એક મોટો વેપારી ૧૪ વહાણોમાં સોનાનો કાચોમાલ ભરી પીરમબેટમાંથી પસાર થયોને જ્યાં ત્યારે ત્યાં મોખડાજીના માણસો દાણ ઉઘરાવી રહ્યા હતા તેને આ વ્યાપારીએ દાણ ભરવાની આનાકાની કરી ને લાંબી રકજક ચાલી ત્યારે મોખડાજીના માણસે આ વ્યાપારીને કાઠિયાવાડી તમાચાનો પરિચય કરાવ્યો તે  વ્યાપારીના ૩૨ કોઠે ક્રોધ વ્યાપી ગયો અને તેણે પોતાના અપમાનનો બદલો લેવા તેણે સુલતાન મહમદ તઘલકના  ખંભાતના દરબારમાં જઈ ફરિયાદ કરી કે સુલતાન આપણા રાજમાં વેપારીઓ લુંટાઈ રહ્યા છે,બાદશાહ સિહાસન પરથી ઉભો થઈ ગયોને કહે અરે હોય નહિ ? ત્યારે વેપારીએ ગરીબડુ મો કરી કહ્યું કે  તો આપ એકવાર કાઠિયાવાડમાં જઈ જોઇ આવો પરવરદિગાર. સુલતાનને થયું કે આટલા દુખી માણસની વાત તપાસવા તો જવું જોઈ.એટલે તરત જ સેનાપતિને હુકમ કરી દીધો કે લશ્કરની ત્યારી કરો આપડે કાઠિયાવાડમાં જવું છે ને સુલતાનને થયું કે આવા જોરાવર વ્યક્તિને લગામમાં લેવો જ સારું આ માટે તેણે ઘોઘા પર ચડાઈ કરવાનું નક્કી જ કરી નાખ્યું ને જોતજોતામાં બધી ત્યારીઓ થઇ ગઈ સોનેરી રાવટીઓ,સરસામાન ,ઘોડા અને પાયદળને ખંભાતથી સાબદું કરવામાં આવ્યું.  
મહમદ તઘલક અને મોખડાજી ગોહિલની વચેની લડાઈનું આબેહૂબને સુંદર વર્ણન ભાટ,ચારણ અને બારોટોએ કરેલ છે કે મહમદ તઘલક પાયદળ ઘોડેસવાર હાથી વગેરેની મોટી સેના સાથે વાવાઝોડાની જેમ ઘોઘા આવ્યોને સમુદ્ર કાંઠે ઇસ્લામી ચાંદના વાવટાઓ વાળી રાવટી ખોડી દીધી છે.
મહમદ તઘલકનું લશ્કર ઇ.સ.૧૩૪૭માં આવ્યું ને ઘોઘાને ઘેરી લીધું.વીજળીની જેમ મુસલમાની શમશેરો લબરકા દેવા માંડીને મોખડાજીના લશ્કરે પણ સામી છાતીએ આનો વળતો જવાબ આપવા કુચ કરી છે અને બને લશ્કરો સામસામાં આવ્યાને ધમશાણ યુદ્ધ જામ્યું, કોઈના હાથ કપાયા કોઈ માથા છેદાયા છે,તો કોઈ વળી અધ્ધ વચેથી કપાયા છે,લોહીના ફુવારાઓ ઉડતા જાય છે,આ યુદ્ધના ધમશાણથી ડમરી એવી ચડી છે કે આભ આખું ઘેરાય ગયું છે. મોખડાજીએ  પોતાના  અજીતપણા અને કાલીમાતા અને હનુમાનજીના શ્રધ્ધાબળે ને રાજપૂત હોવાને નાતે  ખુલ્લા મેદાનમાં લડવા બહાર  આવ્યાને ઝાકાઝીક બોલી ગઈ રણશિગાઓ વાગવા માંડ્યાને ગોહિલની ફોજે તઘલકની ફોજનો  સોથ વાળી દીધો અને સુલતાનના ભાણેજને હાથી ઉપરથી ડફ દઈને  હેઠો નાખ્યો,મારો મારોના પોકારો પડતા હતાને મોખડાજી આગળ વધી રહ્યા હતા,એટલામાં કોઈ મુસલમાન સૈનિકે ભૂરા રંગની મંત્રેલી ગળી ચોપડેલ દોરી મોખડાજી પર નાખતા ધડ અભડાયુ અને ત્યાં જ શાંત થઇ ગુંદી મુકામે પડ્યું.આજે પણ ઘોઘામાં મોખડાજીનું માથું પડ્યું ત્યાં તેમની નાની દેરી  ઉભી છે જેનો ગોહિલવાડ રાજપૂત સમાજ જીર્ણોદ્ધાર માટે કમરકસી રહ્યા છે અને પીરમમાં મોખડાજીનો  પાળિયો છે.પીરમ બેટમાં મોખડાજીને જે હનુમાનજી ઉપર  અગાધ શ્રદ્ધા હતી તે હનુમાનજી હાજરાહજૂર છે.
આપણી વાત આટલેથી જ અટકતી નથી પણ મોખડાજીના નામે  કેવો ઉત્સવ વરસોથી ઉજવાય છે એ ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રેમની લોકચાહના છે જેમનો પ્રભાવ ગુજરાતભરમાં પડ્યો હતો ને ભરૂચ આસપાસના ગામડાઓમાં ઘોઘારાણાનો ઉત્સવ ઉજવાતો હતો,ઘોઘારાણાના ઉત્સવમાં માત્ર ઘોઘાના માથાની જ આરાધના કરવામાં આવે છે,આ મોખડાજી ગોહિલ વિશેનું સચોટ વર્ણન કરતુ એક ગીત પણ મળી આવ્યું છે.
આજે પણ એ દરિયામાંથી નીકળતો દરેક ખલાસી પુરાભાવથી પ્રેમથી મોખડાજીને  યાદ કરી કંઈક ને કંઇક ચુંદડી,મોડિયો ,નાળિયેર કે ફૂલ  ચડાવતો જાય છે,ને રોજ અસંખ્ય લોકો માનતા ચડાવવા આવે છે.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર