આદર્શ રાજવી બહાદુરસિંહજી
આદર્શ રાજવી બહાદુરસિંહજી
પાલીતાણા જેવા નાનકડા રાજ્યના
કેળવણી પ્રેમી અને સુધારકને ભલા ભોળા રાજવીની
વાત કરવી છે કે જેઓ ખુદ ઇંગ્લેન્ડની શ્રેવ્સ શાળામાં ભણ્યા હતા તેમના રાજ્યના શિક્ષણપ્રેમના
પ્રેરણાદાયક કિસ્સાની વાત અને એક નવીન કાયદાની વાત આજ અહી કરવી છે.
આજ પાલીતાણાની લોર્ડ હેરિસ સ્કુલ થોડી વહેલી ખુલી ગઈ છે સૌ બરાબર
ટાઇમસર આવી ગયા છે ને વિદ્યાર્થીઓએ સ્કુલ આખાના પરિસરને ચોખ્ખું ચણાક બનાવ્યું છે
કારણ છે કે આજ પાલીતાણાના રાજવી
બહાદુરસિંહજી ગોહિલ સ્કુલમાં પધારવાના છે એ રાજવીનો જ્યાં સુધી રાજય પોતે રાજય
કર્યું ત્યાં સુધીનો વણલખ્યો અને ભૂલ્યા વિનાનો એક નિયમ હતો કે દર ગુરુવારે અને
શુક્રવારે રાજ્યની સ્કુલની મુલાકાત લઈને બાળકોની વચ્ચે જ રહેવું.
એમાં એક દિવસના ગુરૂવારે બરાબર અગિયાર વાગ્યે સ્કુલમાં ઠાકોરસાહેબ બહાદુરસિંહજી આવીને સીધા ગયા ચોથા
ધોરણના અંગ્રેજીના વર્ગમાં જ્યાં શિક્ષક શાંતિલાલ ચાંપશી શાહ બાળકોને અંગ્રેજી ભણાવી રહ્યા હતા તે બધું
ઠાકોરસાહેબે બહાર ઉભા ઉભા એક ચિતે સાંભળ્યું અને પછી તરત જ અંદર જઈને એક
વિદ્યાર્થીને ઉભો કર્યો અને અને અંગ્રેજીનો એક ફકરો વાંચવા કહ્યું તે તરત જ
વિદ્યાર્થીએ તો હસતા હસતા રાજી થતા કે મને તો બાપુએ વાંચવા કહ્યું એમ માનીને
માંડ્યો ફટાફટ કડકડાટ અંગ્રેજીમાં વાંચવા એમાં એ વિદ્યાર્થીએ Stove નો ઉચ્ચાર સ્ટવ
કરતા ઠાકોરસાહેબે તરત જ વિદ્યાર્થીને
અટકાવ્યો કે આ શબ્દ બેટા બીજીવાર બોલ તો પણ વિદ્યાર્થી એ તો એનો એ જ સ્ટવ શબ્દ
ઉચ્ચાર કર્યો ત્યારે ઠાકોરસાહેબ કહે બેટા ઈંગ્લેન્ડમાં તો આ શબ્દનો ઉચ્ચાર એ બાળકો
સ્ટોવ કરે છે તો અહી આપણે કેમ આવો ઉચ્ચાર કરીએ છીએ, આટલું સાંભળતા જ કડક અને
નિર્ભીક શિક્ષક શાંતિલાલ ચાંપશી શાહ
બોલ્યા કે બાપુ એવો ઉચ્ચાર મેં જ શીખવ્યો છે,એટલે ઠાકોરસાહેબે બીજા
વિદ્યાર્થીને ઉભો કરી એજ શબ્દ બોલાવતા
તેણે પણ એમ જ ઉચ્ચાર કર્યો. પણ આ સમયે ઠાકોરસાહેબ સાથે રહેલા
કેળવણી અધિકારી નારણદાસ કાલિદાસ ગામી ગરમ થઇ ડરી ગયા કે તેને મનમાં એમ હતું કે હમણાં ઠાકોરસાહેબ આ માટે મને
અને શિક્ષકને ખીજાશે ને ઠપકો આપશે કે આ શું તમે શીખવો છો પણ એવું કશું જ બન્યું
નહીને ઠાકોરસાહેબે ઠંડા કલેજે જ બધું લીધુંને ન ખીજાયા શિક્ષકને કે ન ખીજાયા કેળવણી
અધિકારી કે ન ખીજાયા કોઈને.
પણ ઠાકોરસાહેબે વિદ્યાર્થીના પહેરવેશ ને રહેણીકરણી ઉપરથી એટલું જ
પૂછ્યું કે આ વિદ્યાર્થી કઈ નાતનો છે ત્યારે શિક્ષકે કહ્યું બાપુએ કોળી છે ત્યારે
ઠાકોરસાહેબ બહુ રાજી થઈ ગયા ને કહ્યું કે આ કોળીનો છોકરો અંગ્રેજી માધ્યમના ચોથા
ધોરણમાં ભણે છે એ જ મારે મન મોટી વાત છે, બાકી સાચા ઉચ્ચારતો એ અંગ્રેજીમાં થોડો
વધુ ઊંડો ઉતરશે તો જરૂર શીખી જ જાશે જ.
કાયમ ઠાકોરસાહેબ દર ગુરુવાર અને શુક્રવારના અગિયારના ટકોરે સ્કુલની
મુલાકાતે અવશ્ય આવી જ જતા હતા પણ કદી કોઈને ઠપકો નહિ કે ખીજાય નહિ ને જે ઠંડા
કલેજે જે કરવા જેવું હોય એ જ શિક્ષકો અને વિદ્યાર્થીને શીખવતા હતા.
આ પછી તો પાલીતાણા રાજ્યના સ્કુલના બાળકો કાયમ ગુરુવાર અને
શુક્રવારની રાહ જોતા હતા કે ક્યારે આપણા રાજા અહી આવેને આપણને કંઈક પૂછે એવી
તેમને કાયમ ઉત્કંઠા રહેતી,એટલું જ નહિ એ
બાળકો ભણીગણીને જયારે બહાર નોકરીએ જાય ત્યાં પણ તેમના મન ઉપર પોતાના રાજાની નિષ્ઠા
અને પ્રેમની કદર તેને મન રહેતી જ ને આડકતરી રીતે પાલીતાણા ઠાકોરસાહેબ આવી નાની
સરખી બાબત માંથી ઉત્તમ સમાજનું નિર્માણ કરી રહ્યાનો પોતે કાયમ સંતોષ અનુભવતા હતા.
બહાદુરસિંહજીના રાજ્યનો એક વિશિષ્ટ કાયદો
હતો જેના વિશે જાણીને આપણને આજે નવાઈ લાગે છે એ કાયદો હતો ચા કોફીની હોટલો શરૂ
કરવા માટેનો ,આ માટે કેટલાક નિયમો ઈ.સ. ૧૯૨૦માં ઘડવામાં આવ્યા હતા.આ સમયમાં ખૂબ જ
ચા કોફી નું ચલણ વધ્યું હતું ને લોકો ખૂબ
જ ચસકાથી તેને પીવા લાગ્યા હતા,ત્યારે બહાદુરસિંહજીએ લોકોના આરોગ્યને તંદુરસ્તીને
ધ્યાનમાં રાખીને હોટલો બનાવતા પહેલા દરેકે વાર્ષિક રૂપિયા ૨૫ ફી ભરી ફરજિયાત
લાયસન્સ મેળવવાનું નક્કી કર્યું હતું. હોટલ ખોલનાર વ્યક્તિએ પોતાના સારા ચાલચલગત
બાબત ખાત્રી કરાવવાની રહેતીને હોટલમાં લુખ્ખા અને ખરાબ આચરણવાળા કે ગુંડા તત્વોને
બેસવા દેશે નહિ એવું પણ કહેવાનું,આ ઉપરાંત જે વિસ્તારમાં હોટલ ખોલવાના હોય ત્યાં આ
બાબતનું જાહેરનામું ચોટાડવામાં આવતું અને જો કોઈ સ્થાનિક રહીશ વાંધો ઉઠાવે તો
લાઈસન્સ આપવામાં નહોતું આવતું આટલું જ નહિ હોટલ સંચાલન,ચા ના ભાવ અને સ્વચ્છતા
અંગેના કડક નિયમો પણ હોટલ ધારકે પાળવાના રહેતા હતા,ચાના અડધા કપના 3 આના ને આખા
કપના ૬ આના ભાવ હતો.(૧) હોટલની અંદર ચા કોફી પીવાના ઓરડામાં પાકું તળિયું કરવાનું
રહેતુ ને દીવાલો પ્લાસ્ટર કરેલી હોવી જોઈએ અને પૂરતા હવા ઉજાસની સગવડ હોવી જોઈએ (૨)
હોટલ બહાર ખાળ કુંડી રાખવાની જેથી હોટલ સાફ કરી શકાય ને એ કુંડી વખતો વખત રાજય સાફ
કરાવતું હતું (3) હોટલના ટેબલો આરસના અથવા જલ્દી સાફ થઇ શકે અને ચિકાસ ન રહે તેવા
જ રાખવાના રહેતા ખુરશી કે બાંકડા પણ પણ જલ્દી સાફ થઇ શકે એવા જ રાખવાના રહેતા (૪) ચા
અને કોફી બનાવવાનો ઓરડો અલગ અલગ રાખવાનો રહેતો અને તે ઓરડાની ઊચાઈ ૧૨ ફુટ તો
રાખવાની જ રહેતી (૫) હોટલની બહારના ઓટા ઉપર કોઇપણ સામાન રાખવા દેવામાં આવતો નહિ(૬)
હોટલની અંદર તાંબા પીતળના ઢાંકણાવાળા પાત્રોમાં ગાળેલું સ્વચ્છ પાણી ભરવામાં આવતું,આ વાસણો પણ સમયે સમયે
સાફ કરવામાં આવતા (૭) કોઇપણ ચેપીરોગથી પીડિત વ્યક્તિને હોટલમાં પ્રવેશવા દેવામાં
આવતો નહિ અને અન્ય ગ્રાહકો માટે વપરાતા
વાસણોમાં તેમને ચા કોફી અપાતા નહિ.(૮) ઇન્ફ્લુએન્ઝા,કોલેરા,પ્લેગ વગેરે જેવા ચેપી
રોગના વાયરા વખતે હોટલો બંધ રાખવામાં આવતી હતી.(૯) હોટલવાળો ભેળસેળ ન કરવા માંડે
માટે ઘણીવાર અચાનક આવીને માલ સામાનની ચકાસણી કરતા અને જરૂર પડ્યે તપાસ અર્થે નમૂના
પ્રયોગશાળામાં મોકલતા હતા.(૧૦) સિંગલ કપ ચા માં અડધો કપ ચોખ્ખું દૂધ અને પાંચ આની
ભાર ખાંડ નાંખવાની રહેતી, ડબલ કપ ચા માં નવ ટાક ચોખ્ખું દૂધ અને દસ આની ભાર ખાંડ
નાંખવાની રહેતી એ નિયમ હતો. ચાનો આ ધારો પુસ્તિકા સ્વરૂપે છપાયેલો રાખવામાં આવ્યો
હતો ને ‘પાલીતાણા દરબારી ગેઝેટ’માં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. લાયસન્સ વગર
કોઈને પાલીતાણામાં ચાની હોટલ ખોલવા દેવામાં આવતી નહિ.
Comments
Post a Comment