પીપાવાવના રણછોડરાયના મહંતો - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
પીપાવાવના રણછોડરાયના મહંતો - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
કાઠિયાવાડના દક્ષિણ કિનારે મહુવા અને
જાફરાબાદના રાજમાર્ગ ઉપર પોર્ટ આલ્બર્ટ વિકટર બંદરની પાસે જોલાપુરી નદીને કિનારા
પર આજના પીપાવાવમાં રણછોડરાયનું પુરાતની રળિયામણું ધામ આવેલું છે જેના બે મહંતોની પ્રેરણાદાયક વાત કરવી છે.એવી એક લોકવાયકા છે કે દ્વારકાથી પીપાભગત પંચતીર્થએ નીકળેલાને અહી
આવ્યા ત્યારે ભક્ત પીપાજીને અહીની વાવમાંથી રણછોડરાયની મૂર્તિ મળી હતી જેની તેમણે
અહી સ્થાપના કરી ને ત્યાં ૫ વર્ષ રહ્યા ને પછી પોતાના ગુરુભાઈ ધરમદાસજીને ગાદી
આપી રાજસ્થાન જતા રહ્યા અને પછી જ્યાં ગામ
વસ્યું એનું નામ પડ્યું પીપાવાવ. એમ
બોલાય છે કે
“પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કર્યું સો વાર,
ના કિસી કા લે
લિયા,દે દિયા બાર હજાર”
અહીના એક મહંત હતા ગીગારામજી જે સાજા થયાના
ચમત્કારની અનેરી અને અલૌકિક વાત છે,આજના લોકોના મન તો ઠીક પણ મગજમાં ય ન સમાય
એવી વાત છે. પૂર્વ બંગાળની એક સાધુબાઈ એનું નામ છે ગોમતી તે બિચારી ફરતી ફરતી કાઠિયાવાડમાં
મજાદર ગામે આવી ચડી છે અને જેમ ડૂબતું માણસ તરણું પકડે એમ આ નોધારી બાઈએ પોતાને
સલામત રાખવા એક સાધુ ધ્યાનદાસનો ઓથ લીધો ને ધીરે ધીરે તો બેયના મન મેળ વધતા બનેના
સપર્કથી એક પુત્ર રત્ન જન્મ્યો.
પણ એ પુત્ર એવો કે એની તોલે તો ભલભલા
કાળા પણ ઉજળા લાગે પણ કાયા ઘાટીલીને જાણે કે સંઘેડા ઉતાર દેહ.
આખા ગામમાં રમે ફરે અને ભલભલાને રમતગમતને બોલચાલમાં હરાવી દે
એવો તો પરાક્રમી પણ એવો કે કાળદેવતાને એ
નજરમાં આવી ગયોને એને ઉપાડી લેવાના સંજોગો ઉભા કરવા માંડ્યા ને તેના ઉપર એવી
જબરદસ્ત માંદગી નાખી દેવાની કે આ બાળક ફરી ઉભો જ ન થાયને વગર બહાને તેને ઉપર તેડી
જવાય એવા તો ઓરતા જમરાજા સેવવા માંડ્યા.
આ સમયે માનો જીવ છે ને હજારો જણાને પૂછે
છે કે કોક તો બતાવો મારો દીકરો શું કરું તો સાજો થાય.એવામાં કોકે કીધું એલી તુ હવે
દવાદારૂ અને વૈધ કે હકીમ પાછળ ભટકમાં ને ભગવાનમાં જ શ્રદ્ધા રાખ જો ઉગારશે તો એ જ
ઉગારશે.
તો તુ પીપાવાવના રણછોડરાય ઉપર જ શ્રદ્ધા
રાખને તેના ઉપર જ બધું છોડી દે બાઈને પણ આ વાત ગળે જટ ઉતરી ગઈ ને તેણે તો તરત જ
માનતા કરી કે હે રણછોડરાય જો તુ આ દીકરાને સાજો કરીશ તો તારે ચરણે જ એને ધરી દઈશ.
બાઈની માનતા રણછોડરાયે પળવારનો વિલંબ
કર્યા વિના સાંભળી લીધીને ટૂંકા સમયમાં અધમૂવા જેવા માંથી છોકરો તો સોળ કળાનો થવા
માંડ્યો ને જોત જોતામાં છોકરો માંડ્યો હડીયું કાઢવા.
હવે તો બાઈ મુંજાણી કે હવે તો મારી
ઘડપણની લાકડી રૂપ છોકરાને પણ મૂકવો જ પડશે થોડી કોચવાઈ પણ પ્રભુને આપ્યા પછી પાછો
તો કેમ રખાય,આથી મન મક્કમ કરીને ધ્યાનદાસજીને કહે છે આપણે હવે આ છોકરાને પીપા
ભગતની જગ્યામાં મૂકી આવવો જોઈ ધ્યાનદાસજી કહે હા તારી વાત તો સાચી છે આપણે બોલે
ભગવાન બંધાણા છે.
તરત જ બીજે દિવસે ગોમતીબાઈ તો જેમ ગોવાળ
ગાયના ગળામાં કાંડું નાખે એવું સરસ મજાનું સુતરનું કાંડું દીકરાના ગળામાં નાખીને
હાલી નીકળી પીપાવાવ ભણી ને રસ્તામાં કેટલાક વિચારો કરતી જાય છે કે શું ભગવાનને આની
જરૂર છે કે અમારે જરૂર છે,પણ વળી વિચાર છે કે હું અહી આવી ત્યારે મારે ક્યાં કોઈ
હતું એકલી ભટકતી રઝળતી હતી ને પ્રભુએ જાણે કે એના માટે જ આ દીકરો નહિ આપ્યો હોય
એની શી ખાતરી એમ કહી મન મનાવી રહી છે એવામાં પીપાવાવ દેખાયું ને મંદિરની ધોળીધજા
ફડાકા દેતી દેખાણી ત્યાં તો બાઈના રોમે રોમે ચમત્કાર થયો હોય એવો ભાસ થવા લાગ્યો
પીપાવાવના મંદિરની ડેલી ખોલીને બાઈ અંદર પહોચી હજુ ભગવાનને થાળ
ધર્યો નહોતો તે ભગવાન પાસે પહોચીને બે હાથ જોડીને બોલી કે લ્યો રણછોડરાય આ તમારી
માનતાનો દીકરો.
એમ કહીને જગ્યાના ફળીયામાં એક ખીલાએ આ
જુવાન દીકરાને ઢોર બાંધે એમ બાંધીને જગ્યાને અર્પણ કરી દીધો,આ દ્રશ્ય જોઈ મહંતશ્રી
આવ્યા ને પૂછતાછ કરીને જાણ્યું કે આ શું વાત છે ? ગોમતીબાઈએ માંડીને વાત કરી
ત્યારે મહંતશ્રીએ બાઈની શ્રદ્ધાને ન તોડતા તરત જ છોકરાને માથે હાથ મૂકીને દોરડું
છોડી નાખ્યું જે બાળક પછી જગ્યાના મહંત થયેલ. ૧૮૪૪ની સાલમાં ભાવનગર રાજ્યે આશરે
૮૦૦ વિઘા ખેદાન જમીનનો લેખ આ જગ્યાને કરી આપેલો,આ પ્રદેશમાં મોટી રેલ આવતા જુનું
મંદિર તૂટી ગયેલું તેથી સંવંત ૧૯૨૦માં બીજું મંદિર બાંધવામાં આવેલ,જયારે મહંતશ્રી
ગીગારામના સમયમાં ટીંબીના શેઠ પરષોતમભાઇ પુંજાભાઈ વોરાએ રૂ.૩૫૦૦૦ના ખર્ચે હાલનું
મંદિર ઈ.સ.૧૯૧૯ બંધાવ્યું હતું.
ઈ.સ.૧૯૨૪માં ગીગારામજી દેવ થયા.
આ જગ્યાના બીજા એક મહંતશ્રી રામદાસજી
સાદાઈને નિષ્કામ લોક સેવા વાળાને માયાળુ સ્વભાવના જાત મહેનતુ ને વ્યવહારકુશળ સાધુ
હતા જેણે જગ્યાની ખ્યાતી ખૂબ જ વધારી હતી તેમનો પણ એક પ્રસંગ અહી વર્ણવવો છે.એક
દિવસ જગ્યામાં મુંબઈનું કપોળ કુંટુંબ દર્શને આવ્યું તે
તરત જ ટેલીયાએ તેમને ઉતારો આપ્યો ને પળવારમાં આ કુંટુંબે ઉતારાનો ઓરડો સમો નમો
કરીને ચા પાણી કર્યા ને પ્રાયમસ ઉપર સળી
ઉભી રહી જાય એવી ચા બનાવી ને બધાએ ચા પી
કાંટામાં આવી ગયા,આ તો ભાઈ બધા મુંબઈગરા તો ચા પી બધાએ કપને વાસણ એક બાજુ મૂકી
દીધા ત્યાં તેમની નજર સામે એક માણસ નજરે ચડ્યો એ છાણ વાસીદું કરી પોદળા ભારે છે તો
તેને જોઇને આ કુંટુંબને થયું કે આ બિચારાને ચા પાઈને કહીએ કે તુ ચા પી લે અને આટલા
વાસણ માંજી નાંખ ને ભાઈ.
આથી તરત જ કપોળ ગૃહસ્થે બુમ મારી કે એ
ભાઈ જરા અહી આવોને તમે પેલા ચા પી લ્યો અને પછી આટલા વાસણ માંજી દયો,પેલો માણસ તો
આવ્યો ને તેના ચહેરાની એક પણ રેખા બદલાવા દીધા વિના બોલ્યો કે ચા મારે પીવો નથી પણ
હું તમારા વાસણ જરૂર સાફ કરી આપીશ ને પળવારમાં આ માણસ ચાના વાસણ સાફ કરી પાછા આપવા
આવ્યો ને કહે લ્યો બહેન વાસણ ગણી લ્યો,ત્યારે શેઠાણીએ પૈસા આપવા માંડ્યા તો પેલા વૃદ્ધ કહે અત્યારે
લેવા નથી ને પણ આપ જાવ ત્યારે આપજો.
તો મુંબઈગરા વધુ રાજી થયા કે વાહ છે ને
સંતોષી જીવ,તો તેને તેઓ પોતાના ભાતાની મીઠાઈ આપવા માંડ્યા તો વૃદ્ધ કહે હું ગળપણ
ખાતો નથી પણ આપને હજુ કોઈ સેવા કે કામ કરાવવું હોય તો કહો એ કરી આપું,પેલા કહે ના ભાઈ હવે કામ નથી.
હવે સાંજ પડવા આવીને આરતીનો સમય થયો
જયારે બધા આરતીના દર્શન કરવા મંદિરે ગયા ત્યાં મખમલી ગાદી ઉપર કશા જ મોભા કે રૂઆબ
વગર સવારે જેણે ચા ના કપ રકાબી ધોયેલા એ માણસને બેઠેલા જોયા,તો બધા એકબીજા સમું
જોવા માંડ્યા કે આ શું આપણી કશીક ભૂલ થઇ લાગે છે.તો હિમત કરી એક બહેને પૂછ્યું કે
હે બાપુ આપ સવારે ફળિયું વાળતા એ જ છો ? બાપુ કહે હા બહેન. પેલા કહે અરર અમારાથી
આપને કામ સોપાય ગયું હાય હાય પણ બાપુ કહે ના બહેન અફસોસ ન કરો અમારો સાધુનો ધર્મ જ
સેવાનો છે તમારા જેવા યાત્રાળુની સેવા કરવી ને પ્રભુ ભજન.
આ માણસ હતા સેવા મૂર્તિ અને ઉદ્યમનો
અખંડ અવતાર એવા મહંતશ્રી રામદાસજી.
Comments
Post a Comment